મૅન ઑન મિશન કુકિંગ

Published: Apr 07, 2020, 19:53 IST | Alpa Nirmal | Mumbai

કોવિડ-19 વાઇરસને કારણે જાહેર થયેલા લૉકડાઉને સવારથી રાત સુધી નોકરી-ધંધામાં બિઝી-બિઝી રહેતા પુરુષોને સાવ ફ્રી કરી દીધા. ન કોઈ પેન્ડિંગ કામકાજ કે ન કોઈ ધંધાદારી ફોન. અરે, ક્યાંય બહાર પણ જવાનું નહીં. આ સિચુએશનમાં ઘણા જેન્ટ્સે પોતાના કિચનમાં કુકિંગ મિશન આ

યુરો ગ્રુપના ડિરેક્ટર તલકશીભાઈ
યુરો ગ્રુપના ડિરેક્ટર તલકશીભાઈ

કોવિડ-19 વાઇરસને કારણે જાહેર થયેલા લૉકડાઉને સવારથી રાત સુધી નોકરી-ધંધામાં બિઝી-બિઝી રહેતા પુરુષોને સાવ ફ્રી કરી દીધા. ન કોઈ પેન્ડિંગ કામકાજ કે ન કોઈ ધંધાદારી ફોન. અરે, ક્યાંય બહાર પણ જવાનું નહીં. આ સિચુએશનમાં ઘણા જેન્ટ્સે પોતાના કિચનમાં કુકિંગ મિશન આદર્યું છે. ઘરના અન્ય સભ્યો તો તેઓના આ નવા રૂપથી ખુશખુશાલ છે, પણ કુકિંગ કરવાની આ માટીડાઓને પણ મજા પડવા લાગી છે.

૭૧ વર્ષના તલકશીભાઈ નંદુની લાઇફ બહુ બિઝી છે. યુરો ગ્રુપના ડિરેક્ટર તલકશીભાઈ છેલ્લાં ૨૦ વર્ષથી એક આખું અઠવાડિયું મુંબઈમાં રહ્યા હોય એવું બન્યું નથી. એક અઠવાડિયું કચ્છમાં ફૅક્ટરી પર હોય તો બીજા અઠવાડિયે દેશના બીજા કોઈ સ્ટેટમાં. બિઝનેસ માટે બે-ત્રણ મહિને વિદેશની ટૂર પણ પાકી. સાંતાક્રુઝ-ઈસ્ટમાં રહેતા તલકશીભાઈ કહે છે, ‘આવી નવરાશ  અત્યાર સુધીની લાઇફમાં ક્યારેય મળી નથી. કોઈ ટેન્શન નથી, ક્યાંય જવાનું નથી. આ ટાઇમ ફૅમિલી સાથે એન્જૉય કરું છું. દીકરો ને વહુ બેઉ ચાર્ટર્ડ અકાઉન્ટ્ન્ટ છે. તેઓ પણ બિઝી હોય છે. અત્યારે તેઓ પણ ઘરે છે. હમણાં બહારની કોઈ હાઉસ-હેલ્પ તો છે નહીં એથી પુત્રવધૂ અને મારાં પત્ની આખો દિવસ ઘરના કામમાં અને રસોઈમાં ઑક્યુપાઇડ રહે. એક દિવસ તેઓ ખાખરા બનાવી રહ્યાં હતાં. મેં કીધું કે લાવો હું તમને હેલ્પ કરું અને રોટી-મેકરમાં મેં બધા ખાખરા શેકી આપ્યા. યાર, મને મજા આવી ગઈ. બે દિવસ પછી નાસ્તાની સેવ બનાવવાનાં હતાં. લોટ તેમણે બાંધી લીધો, પછી મેં કીધું હું જ સેવ બનાવીશ. કુકિંગનો અનુભવ જરાય નહીં, પણ નાનપણમાં મારાં મમ્મી બનાવતાં એ રીત મને બરાબર યાદ હતી. ગરમ તેલનો તાવડો, એમાં સેવના ગૂંચડા પાડતાં તેલની વરાળ હાથમાં લાગે. વળી તળવામાં  તેલનું પાત્ર નમી જાય એ વિચારે મારાં વાઇફે મને આ કામ કરવાની ના પાડી દીધી, પણ મને બહુ કૉન્ફિડન્સ હતો. ઍન્ડ રિયલી મેં બહુ સરસ રીતે એ કર્યું. પહેલાં તો બાંધેલા લોટમાંથી મેં  સંચામાં માય એ માપના ગોળા બનાવી લીધા. ચણાનો લોટ હાથમાં ચીટકે નહીં એ માટે હથેળીમાં તેલ લગાવ્યું. પછી સંચામાં એ ગોળો ભર્યો અને તેલ બરાબર ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા લોટમાંથી નાની બૂંદી બનાવીને તેલમાં નાખી. પછી તો તેલમાં સંચો ફેરવતો ગયો ને સેવનું આખું ગૂંચળું તૈયાર.’

cook

તલકશીભાઈએ ફક્ત સેવ પાડી જ નહીં, તેમણે એકલાએ એ બે બાજુ ફરાવીને તળી અને તેલમાંથી નિતારીને બહાર કાઢી પણ ખરી. વળી એક-બે ગૂંચળાં જ નહીં. આખા એક કિલો લોટની સેવ તેમણે જ બનાવી. તલકશીભાઈ કહે છે, ‘મારાં વાઇફને ગરમ તેલનું કામ હતું એટલે પહેલાં તો ટેન્શન આવ્યું, પણ પછી હું જે ચીવટથી બધું કરતો તો એ જોઈને તેને શાંતિ થઈ અને દીકરા-વહુને તો મને આવું કામ કરતા જોઈને બહુ મજા પડી ગઈ. અમે ચારેચાર જણ આખો વખત રસોડામાં જ હતાં. જાતજાતની વાતો કરતાં-કરતાં મારું કામ ચાલતું હતું. મેં ત્યારે જ મારી બા દૂધનો માવો બનાવતાં અને અમને થાળી ભરીને ખાવા આપતાં એની વાત કરી. એ સાંભળીને દીકરા-વહુને બહુ અચરજ થયું. મેં કીધું હું બનાવીને તમને ખવડાવીશ.’

બસ, પછી તો બીજા દિવસે તલકશીભાઈએ બે લિટર દૂધ લીધું અને એને ઉકાળતા ગયા.  દૂધ   ઊકળીને ૪૦ ટકા થઈ ગયું એટલે એમાં  ૨૫૦ ગ્રામ જેટલી સાકર નાખી, કેસરના તાંતણા અને  એલચી નાખી. તલકશીભાઈ કહે છે, ‘એ દિવસે તો મેં ઘરના બધાને રસોડામાંથી બહાર જ રાખ્યા હતા. આ મારી એક્સક્લુઝિવ આઇટમ હતી અને મારે કોઈની હેલ્પ લેવી નહોતી.’  તો સાકર કયા માપે નાખી? એના જવાબમાં તલકશીભાઈ કહે છે, ‘દૂધનું પ્રમાણ જોઈને અડસટ્ટે નાખી. સાકર નાખ્યા પછી એનું પાણી બાળવાનું અને એકદમ કડક માવો તૈયાર થયો એટલે બધાને રસોડામાં બોલાવ્યા અને મારી બા અમને જે રીતે થાળીમાં ગરમાગરમ માવો ખાવા આપતાં હતાં એ રીતે બધાને પીરસ્યો. માવાનો સ્વાદ મને બચપણમાં લઈ ગયો. મારું બાળપણ કચ્છમાં વીત્યું છે. ઘરે બે ભેંસ હતી.ભેંસનું દૂધ બહુ ભેગું થાય. દર બે-ત્રણ દિવસે મારાં મમ્મી એનો માવો બનાવીને નાસ્તા તરીકે અમને ખાવા આપે. મા એવું કરતાં એ ઘણાં વર્ષો સુધી જોયું હતું, પણ ક્યારેય કર્યું નહોતું એ આ ઉંમરે લૉકડાઉનમાં કર્યું. હજી એવી રીતે મારે બાજરીના રોટલા હાથથી ઘડીને બનાવવા છે. નાનપણમાં કચ્છમાં દર હોળીએ અમે મિત્રો વાડીએ જતા. જ્યાં બધા મળી માટીનો ચૂલો બનાવતા અને આજુબાજુથી બળતણ ભેગું કરી  એ પેટાવીને અમે ઘરેથી લઈ ગયેલા બાજરીના લોટમાંથી રોટલા બનાવતા. આ કાર્યક્રમ અમારી પિકનિક જેવો રહેતો. મિત્રોની આ ટોળકીમાં નાના-મોટા બધી ઉંમરના છોકરાઓ હોય. મને યાદ છે કે એક વખત કોઈના હાથે રોટલા નહોતા ઘડાતા અને ત્યારે હું બહુ નાનો હતો, પણ મારાથી રોટલા થયા અને બધા જ મેં બનાવ્યા હતા. એ રીતથી હવે હું બંધના આ દિવસોમાં હાથથી ટીપીને રોટલા અને કંદોઈ પાટલા પર વણીને ફાફડા બનાવે છે એ બે આઇટમ તો અચૂક બનાવવા માગું છું.’

chheda

આમની રસોઈ જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ સ્વાદિષ્ટ રસોઈ બનાવવા દરમ્યાન મિયાં-બીવી વચ્ચે થતી નોંકઝોક હોય છે

પાંચ વર્ષ પહેલાંથી જ રસોડામાં એન્ટ્રી મારતા થયેલા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પ્રૅક્ટિસ કરતા શૈલેશ છેડા બ્રેકફાસ્ટમાં અવનવી આઇટમ બનાવી જાણે છે. પૌંઆ, ઉપમા, ખીચું, અપ્પમ, મગ, શીરો વગેરે. ગોરેગામમાં રહેતા શૈલેશભાઈ કહે છે, ‘મને પહેલાં ચા બનાવતાં પણ નહોતી આવડતી કે છાશ બનાવતાં પણ નહોતી આવડતી. રસોડામાં જમવા અને પાણી પીવા જ જવાનું. ગૅસ પાસે એન્ટ્રી જ નહોતી મારી. પહેલાં મમ્મી અને બહેન બનાવતાં અને લગ્ન પછી મમ્મી અને વાઇફ. પાંચ વર્ષ પહેલાં અમે બીજા ઘરે શિફ્ટ થયાં ત્યારે અચાનક એક સવારે મારાં વાઇફની તબિયત બગડી ગઈ. બચ્ચાંઓને સ્કૂલ જવાનું હતું, તેમનાં ટિફિન-બૉક્સ ભરવાનાં હતાં ત્યારે બંદાએ પહેલી વખત પૌંઆ બનાવ્યા, અફકોર્સ વાઇફની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે. મજા આવી એમાં. પછી તો ક્યારેક-ક્યારેક હું નાસ્તો બનાવતો. અલબત્ત બનાવવાનું વાઇફની રીત પ્રમાણે. તે કહે બે ચમચી મસાલો નાખો તો બે જ ચમચી નાખવાનો. ચપટી વધારે પણ નહીં ને ઓછો પણ નહીં. એ કહે ચમચો રાઇટ ટુ લેફ્ટ હલાવો તો એ જ પ્રમાણે કરવાનું. જો હું મનમરજી ચલાવું તો પછી મારે કિચન સરેન્ડર કરી દેવું પડે.’

મહિનામાં એકાદ વખત સવારનો નાસ્તો બનાવીને શૈલેશભાઈ પંદર-વીસ આઇટમ તો બનાવતાં શીખી ગયા છે. ૪૨ વર્ષના શૈલેશભાઈ કહે છે લૉકડાઉનને કારણે હમણાં બધું બંધ છે એટલે મારી પાસે ભરપૂર ટાઇમ છે અને બીજી સૌથી સારી વાત એ છે કે મારાં વાઇફ મમતાની આયંબિલની ઓળી ચાલે છે. તેને ગરમ ગરમ ખવડાવવાનું બહાનું કરીને હું દરરોજ કિચનમાં ઘૂસી જાઉં છું. ક્યારેક તેને આયંબિલનાં ઢોકળાં, પૂડલા બનાવી દઉં, તો ક્યારેક રાબ, ઘૂઘરી, થૂલી જેવી આઇટમ પણ બનાવું,ઍન્ડ પૂરેપૂરી મારી રીતથી. મમતા બોલે, આમ કરો, તેમ બનાવો, પણ હું કાંઈ સાંભળું નહીં. મારે જેમ કરવું હોય એ પ્રમાણે જ કરું. આયંબિલ કરતાં-કરતાં તે ઊભી તો થઈ ન શકે એટલે મને મજા પડી જાય. તે બોલે હું એવું ન કરું. વળી હું કહું કે મને આવડે છે. અમારી આ રકઝકથી રસોઈ સ્વાદિષ્ટ બને એ સાથે બચ્ચાંઓને પણ એ જોઈને મજા પડી જાય.’

કુકિંગ ને સ્ટ્રેસબસ્ટરમાં માનનારા શૈલેશભાઈ એમબીએ પણ છે. શૈલેશભાઈ કહે છે, ‘આપણે ઢોસો બનાવવાનો હોય પણ પાતળો ઢોસો ન થાય તો એને ઉત્તપ્પાનું નામ આપી દેવાનું.  આમાં માર્કેટિંગની સ્કિલ વાપરવાની. હમણાં જ મેં તેમને માટે મગની દાળના પૂડલા બનાવ્યા. એ પછી એ ખીરામાં રવો ભેળવીને ખીરાના ચાર અલગ-અલગ પોર્શન કરીને ચાર ડિફરન્ટ મસાલા કરી અમારે માટે ચાર ટાઇપનાં ભજિયાં બનાવ્યાં. આ બધું મેં કોઈ પણના ગાઇડન્સ વગર જાતે જ કર્યું. ખાનગીમાં કહું તો એ આઇડિયા મેં યુટ્યુબમાંથી જોઈને લીધો, પણ મમતાને એમ જ કીધું કે જો મને ફ્રીડમ આપે તો હું કેવી ટેસ્ટી વરાઇટી બનાવી શકું છું.’

રોટલી ગોળ હોય કે ચોરસ, એનાથી શું ફરક પડે છે એવું માનતા શૈલેશભાઈ કહે છે, ‘બસ એ બરાબર પાકેલી હોવી જોઈએ. એનો પહેલો ટુકડો કરો એટલે એનો શેપ ક્યાં એઝ ઇટ ઇઝ રહે છે! મારાથી ચોરસ રોટલી બને કે ત્રિકોણ, એટલું પાક્કું છે કે લૉકડાઉન દરમ્યાન હું મારું કુકિંગ મિશન છોડવાનો નથી. અનેક અવનવી આઇટમ બનાવવાનો છું.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK