Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કોરોનાને કારણે કનડી રહી છે એકલતા અને અનિશ્ચિતતા

કોરોનાને કારણે કનડી રહી છે એકલતા અને અનિશ્ચિતતા

29 May, 2020 05:27 PM IST | Mumbai
Aparna Shirish | feedbackgmd@mid-day.com

કોરોનાને કારણે કનડી રહી છે એકલતા અને અનિશ્ચિતતા

કોરોનાને કારણે કનડી રહી છે એકલતા અને અનિશ્ચિતતા


થોડા દિવસ પહેલાં નવી મુંબઈના કોપરખૈરણેમાં 25 વર્ષના એક યુવકે લૉકડાઉન દરમિયાન એકલતાથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. યુવક એન્જિનિયર હતો અને લૉકડાઉનને કારણે ઘરેથી કામ કરતો, જ્યારે તેની પૂરી ફૅમિલી તેમના વતનમાં અટવાઈ ગઈ હતી. પરિણામે એકલતા સહન ન થતાં તેણે આવું પગલું ભર્યું. બીજા એક કેસમાં એક ટેલિવિઝન એક્ટર મનમીત ગ્રેવાલે પણ લૉકડાઉન દરમિયાન નાણાકીય પરિસ્થિતિ કફોડી થવાને લીધે ડિપ્રેશન આવવાને લીધે આત્મહત્યા કરી હતી. અને કેટલાક દિવસ પહેલાં ૬૦ વર્ષનાં એક કોરોનાની સારવાર લઈ રહેલા પેશન્ટે મુંબઈની જાણીતી હૉસ્પિટલમાં જ જીવન ટૂંકાવ્યું હતું. એકલા ભારતમાં જ નહીં, વિશ્વભરમાં લૉકડાઉન દરમિયાન આવા સુસાઇડ કેસિસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. એક્સપર્ટોનું કહેવું છે કે આગામી સમયમાં આવા બનાવોમાં હજી વધારો જોવા મળી શકે છે. ચાલો જાણીએ આ પાછળનાં કારણો અને કઈ રીતે માનસિક સ્થિતિને કાબૂમાં રાખી આ કપરા સમયનો સામનો કરવો જોઈએ.

બેકારીમાં થઈ રહેલો વધારો



આત્મહત્યાના બનાવોમાં થઈ રહેલા વધારા પાછળનું સૌથી મોટું કારણ સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સંતોષ બાંગર કહે છે, ‘ડેઇલી વેજ વર્કરો બેકારીની સમસ્યાથી સૌથી વધુ અને પહેલાં પીડાય છે. એ સિવાય નોકરી છૂટી જવી અને હવે તો લૉકડાઉન ખૂલ્યા પછી નોકરી મળશે કે નહીં, જે હાથમાં છે એ રહેશે કે નહીં જેવા અનેક સવાલોને લીધે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. આર્થિક પરિસ્થિતિ હાથ બહાર થઈ રહી છે એવું લાગે એટલે લોકો આત્મહત્યા સુધીનો વિચાર કરવા લાગે છે.’


ઇન્ફેક્શનનો ડર

ચીનમાં એક યુવતીને કોરોના સસ્પેક્ટ તરીકે ક્વૉરન્ટીન કરવામાં આવી હતી. મને ઇન્ફેક્શન થયું તો! આ ડરને કારણે જ તેણે આત્મહત્યા કરી લીધી. બીજા એક કેસમાં પંજાબમાં એકલી રહેતી એક સિનિયર સિટિઝન સ્ત્રીએ તેને કોરોના થશે એવા ડરને કારણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તે એકલી રહેતી હતી અને ડિપ્રેશનનો ભોગ બની હતી. આ વિષે વાત કરતાં ડૉ. બાંગર કહે છે, ‘સિનિયર સિટિઝનો પાસે આમ પણ ખૂબ ઓછી ઍક્ટિવિટીઓ હોય છે. ન્યુઝપેપર આવી નથી રહ્યાં અને ગાર્ડન કે સિનિયર સિટિઝન ગ્રુપમાં મિત્રોને મળવાનુંય બંધ થઈ ગયું છે. આવામાં કોઈ જ ઍક્ટિવિટી ન હોવાને કારણે તેઓ હતાશ થઈ જાય છે અને ડિપ્રેશનનો ભોગ બને છે. એકલા રહેતા સિનિયર સિટિઝનોમાં ડિપ્રેશનમાં જવાનો કે પૅનિક અટૅક આવે એનો ખતરો સૌથી વધુ હોય છે. જોકે આવામાં તેમણે જરૂર હોય ત્યારે સામેથી મદદ માગી લેવી જોઈએ તેમ જ જો સુસાઇડલ થોટ્સ આવે તો કોઈ પણ વિશ્વાસુ વ્યક્તિ અથવા સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પાસે મદદ માગવી જોઈએ.’


મોટા ભાગના લોકોમાં કોરોનાનું નિદાન થવું અને એ પછી સોશ્યલ આઇસોલેશનમાં જવું પડશે આ ખ્યાલ સૌથી વધુ હતાશાજનક છે. હાલમાં લોકોને કોવિડ-૧૯ની કૅર સાથે જ તેઓ ડિપ્રેસ થઈને પોતાની જાતને હાનિ ન પહોંચાડી દે એ વિષે કાઉન્સેલિંગ આપવાની વધુ જરૂર પડે છે. વળી કોરોના એટલે મૃત્યુ નિશ્ચત જ છે એવો પૂર્વગ્રહ લોકોએ બાંધી લીધો છે, જે તેમનો વિલપાવર ઘટાડે છે અને કોરોનાની રિકવરીમાં એ બાધા બને છે. તાજેતરમાં કર્ણાટકના હેલ્થ ડિપાર્ટમેન્ટે આ જ કારણસર લોકોને ફોન પર નિયમિત ધોરણે કાઉન્સેલિંગ આપવાનું શરૂ કર્યું હતું.

તમે એકલા નથી

આખું વિશ્વ અત્યારે અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યું છે એ યાદ રાખવું જોઈએ એમ જણાવતાં ડૉ. બાંગર કહે છે, ‘કોરોનાની મહામારી આપણા એકલાને નથી ભોગવવી પડી રહી. એ આખી દુનિયામાં છે. એટલે આ કપરો સમય આપણા એકલા પર નથી આવ્યો અને એ જ લોકોએ સમજવાની જરૂર છે. ગૃહિણીઓ પર આવેલો કામનો એક્સ્ટ્રા લોડ, પુરુષો પર ઇન્કમ ઘટી જવી, બોરડમ, ફાઇનૅન્સની ચિંતા આ બધી બાબતોને એકસાથે પચાવવી દરેકના બસની વાત નથી. છતાંય એટલું ધ્યાનમાં રાખવું કે આપણે કોરોનાથી હજી સુધી બચી શક્યા છીએ એટલે દુનિયાના એ લોકો કરતાં આપણે નસીબદાર છીએ. અને આ જ મનમાં રાખી સમય પસાર કરવો.’

નવી પ્રવૃત્તિઓ શીખો

લૉકડાઉનમાં ભલે ઘરેથી કામ કરવાનું હોય તોય બોરડમ તો આવવાનું જ. અને જો બોરડમનું કંઈ કરવામાં ન આવે તો પછીથી એ વ્યક્તિને ડિપ્રેસ કરી નાખે છે. આવામાં શું કરવું એ વિષે જણાવતાં મેન્ટલ હેલ્થ એક્સપર્ટ કશિશ છાબરિયા કહે છે, ‘વિચાર કરો કે કેટલાય સમયથી રૂટીનથી હટકે કંઈક નવું કરવાનો કોઈ ચાન્સ કે સમય જ નહોતો મળતો, જે હવે મળી રહ્યો છે. તો એનો ઉપયોગ કરો. ખાસ કરીને સિનિયર સિટિઝન્સે બુક્સ વાંચવી, કમ્પયુટર શીખવું કે સ્માર્ટફોન ચલાવતાં શીખવો જેવી પ્રવૃત્તિઓ તેમણે શીખવી જોઈએ. એ સિવાય આ સમયે તેમની માટે ઘરમાં માહોલ હળવો અને ખુશાલ રહે એનું ધ્યાન બાકીના સભ્યોએ રાખવાનું છે. આખી ફૅમિલી સાથે મળીને કોઈ ઍક્ટિવિટી કરો કે પછી ઇન્ડોર ગેમ્સ રમી શકાય. વધુમાં વધુ કૉમેડી પ્રોગ્રામ્સ કે મૂવીઝ જુઓ અને શક્ય હોય ત્યાં સુધી ન્યુઝ ચૅનલ જોવાનું ટાળો. આ બધું કરવાથી માઇન્ડ હૅપી રહેશે અને ડિપ્રેશન ચોક્કસ દૂર ભાગશે.’

મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપો

જે રીતે હાથ, પગ કે માથામાં વધુ દુખાવો થાય તો ડૉક્ટર પાસે જ જવું પડે છે એ રીતે માનસિક સ્થિતિ જો નબળી પડી રહી હોય એવું લાગે અથવા ડિપ્રેસ્ડ ફીલ થાય તો માનસિક ઉપચાર લેવો અનિવાર્ય છે. કોઈ ડરને કારણે અથવા એકલતાને કારણે જીવનનો અંત લાવવા સુધીનો વિચાર આવી જતો હોય તો પરિસ્થિતિ ગંભીર છે એ સમજી લેવું. આવા સંજોગોમાં શું કરવું જોઈએ એ વિષે કશિશ છાબરિયા કહે છે, ‘શરીરને જરૂર પડે તો દવા લેવી જ પડે છે. એ જ રીતે મન કે મગજને પણ જો મદદની જરૂર હોય તો કાઉન્સેલિંગનો સપોર્ટ લેવો જોઈએ. જો ડૉક્ટર પાસે ન જ જવું હોય તો પોતાની સ્થિતિ નજીકની કોઈ વ્યક્તિ સાથે શૅર કરી મન હળવું કરો અને ટેન્શનમુક્ત રહો.’

મેડિટેશન કરો

ડિપ્રેશન એક ફીલિંગ છે અને ખાસ કરીને આવા કપરા લૉકડાઉનવાળા દિવસોમાં ડિપ્રેશન આવવું નૉર્મલ છે એવું જણાવતાં કશિશ ઉમેરે છે, ‘ડિપ્રેશન તો આવે, પણ એમાંથી બહાર કઈ રીતે નીકળી શકો છો એ મહત્ત્વનું છે. બૉડી ફિટ રાખો, હેલ્ધી રહો અને સૌથી મહત્ત્વનું એટલે મેડિટેશન કરો. ડિપ્રેશનનો સૌથી સચોટ ઇલાજ મેડિટેશન છે. એ સિવાય પૂરતી ઊંઘ મેળવો.’

પોતાને ખુશનસીબ માનો

ડૉ. સંતોષ બાંગર કહે છે, ‘કોવિડ-૧૯ વાઇરસે દુનિયામાં અમીર-ગરીબ કોઈને નથી છોડ્યા. દુનિયાના લોખો લોકો જ્યારે વાઇરસને કારણે આઇસોલેશનમાં હતાશ બેઠા છે ત્યારે તમે પોતાનાં ઘરમાં, પોતાની ફૅમિલી સાથે સમય પસાર કરી રહ્યા છો એનાથી મોટા બ્લેસિંગ કોઈ બીજા નથી. એટલે જ કોરોનાનો ડર છોડો અને પોતાની જાતને ખુશનસીબ માની આ વધારાના મળેલા ફૅમિલી ટાઇમને માણી લો.’

કોવિડ-સુસાઇડ અને કોવિડ-ડિપ્રેશન

નૉન-કોવિડ ડેથના નૅશનલ ડેટાબેઝ પ્રમાણે લૉકડાઉન શરૂ થયા બાદ 600 મોત એવાં નોંધાયાં હતાં જેમને કોરોનાનું સંક્રમણ તો નહોતું થયું, પરંતુ તેમનું મૃત્યુનું કારણ ઇન્ડાયરેક્ટ્લી લૉકડાઉનની સાથે જોડાયેલું હતું જેમાંથી ૨૦૫ ડેથ લૉકડાઉનને લીધે થયેલા ઍક્સિડન્ટ્સ હતા, જ્યારે આત્મહત્યાના ૧૬૮ બનાવો નોંધાયા છે. અને એટલે જ કેટલીક હૉસ્પિટલોના ડૉક્ટરોએ આઇસોલેશનમાં રાખવામાં આવતા દરદીઓનું મેન્ટલ હેલ્થ કાઉન્સેલિંગ કરવાનું શરૂ કરી દીધું છે.

કોવિડ-સુસાઇડમાં બેકારી અને કોરોનાના ડર સિવાય કેટલાક નશાખોર દારૂ ન મળી શકવાને કારણે આલ્કોહૉલ વિડ્રૉઅલ સિમ્પટમ્સનો ભોગ બન્યા હતા. એકલા તામિલનાડુમાં આલ્કોહૉલ ન મળવાને કારણે ૫૦ જેટલા લોકોએ આફ્ટર શેવ કે સૅનિટાઇઝર જેવાં હાનિકારક કેમિકલનું સેવન કરી અથવા પોતાની જાતને નુકસાન પહોંચાડી આત્મહત્યા કરી છે.

એકલતા ડિપ્રેશનનું સૌથી મોટું કારણ છે એટલે જો આ સમયે કોઈ એકલું રહેતું હોય તો ફોન કે વિડિયો કૉલ દ્વારા તેની સાથે ટચમાં રહો જેથી વ્યક્તિ એકલી ન પડી જાય અને ડિપ્રેશનનો ભોગ ન બને.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2020 05:27 PM IST | Mumbai | Aparna Shirish

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK