ચોમાસું: કચ્છની અદમ્ય ઝંખના

Published: Jul 14, 2020, 19:09 IST | Sunil Mankad | Kutch

જળ જેનું જીવન છે એવા કચ્છમાં જળોત્સવ થઈ રહ્યો છે અને હજી તો ચોમાસંઅ અડધી મંઝિલે છે ત્યાં મોટા ભાગના વિસ્તારોમાં ૭૦ ટકાથી વધુ અને માંડવી જેવા તાલુકામાં તો ૧૩૦ ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે

ચોમાસું એટલે કચ્છનો પ્રાણ. ચોમાસાના ચાર મહિના એટલે જાણે કચ્છમાં જળોત્સવ ! મોર કે ચાતકને વરસાદની કેટલી ઇન્તેજારી હશે એ તો ખબર નથી, પણ કચ્છવાસીઓને તો એથી ય વધુ ઉત્કંઠા અને જળની તૃષા છે એ હકીકતથી કવિઓ પણ અજાણ છે. હા, ચોમાસું એટલે કચ્છની જીવાદોરી એમ કહીએ તો ખોટું નહીં ગણાય. આ વર્ષે તો એમાંય અધિક મહિનો. પુરુષોત્તમ માસમાં પણ કચ્છનાં સૂકાયેલાં સરોવરોમાં બચેલાં નાનાં ખાબોચિયાં પણ મહિલાઓને એટલા જ આકર્ષે. કચ્છની જળોત્સવની પરંપરા રાજાશાહીના સમય પહેલાંથી અકબંધ છે. ભૂકંપ કચ્છને ડગાવી શકે, પણ અહીં દુકાળ કે અતિવૃષ્ટિમાં સ્થિતપ્રજ્ઞતા અજબ હોય છે. દુકાળ વખતે આવતા વર્ષે જરૂર વરસાદ આવશે એવી આશા અને અનાવૃષ્ટિમાં ઘર-વખરી ખેદાન-મેદાન થઈ જાય તોય કચ્છવાસી ખુશખુશાલ.

શા માટે ચોમાસાની અદમ્ય ઝંખના સેવે છે કચ્છ? પાણીથી ડરનારા લોકો અનેક હશે, પણ કચ્છનો પ્રત્યેક જણ પાણીનો પ્રેમી હોય છે. કચ્છનાં સરોવરો, તળાવો આજે પણ એટલાં જ પૂજનીય અને જીવનનો એક ભાગ બની ચૂક્યાં છે. કચ્છનાં અનેક સરોવરો ભારે વરસાદ પછી છલકાઈ જાય, ઓગની જાય એટલે એની રીતસરની પૂજા થાય છે. સંભવત: ભારતભરમાં ભુજ એક જ એવું શહેર છે કે જ્યારે ભુજનું હમીરસર તળાવ ઓગને એટલે કચ્છ કલેક્ટરને ભુજની તમામ સરકારી કચેરીઓ, શાળાઓમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળ રજા જાહેર કરવાની સત્તા હોય છે. ભારતભરમાં ક્યાંય ગામનું તળાવ ઓગને કે છલકાય ત્યારે સરકારી રજા જાહેર થાય એવું સાંભળ્યું નહીં હોય.

આ વર્ષ આમ તો કોરોના મહામારીને કારણે હતાશા-નિરાશા અને તાણયુક્ત રહ્યું છે. લગભગ ફેબ્રુઆરી મહિનાના અંતથી જ વિશ્વ અને દેશની સાથે કચ્છ જિલ્લામાં પણ લૉકડાઉન અને કોરોના ભય વચ્ચે લોકો જીવ્યા છે, પરંતુ આ વર્ષે એકમાત્ર આશાનું કિરણ અચાનક દેખાયું હોય તો એ વરસાદની મહેર છે. અત્યાર સુધી (હજી તો અષાઢ મહિનો પણ પૂરો નથી થયો) કચ્છમાં ક્યાંક ૭૦ ટકાથી વધુ અને માંડવી જેવા તાલુકામાં તો ૧૩૦ ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. કચ્છનાં અનેક તળાવો અત્યારથી જ છલકી ચૂક્યાં છે, તો કેટલાંય મધ્યમ કક્ષાના ડૅમો પણ ઓવરફલો થઈ ગયા છે અને હજી તો ચોમાસું અડધી મંજિલે છે.

ફરી આ વર્ષે અધિક આસો મહિનો આવી રહ્યો છે. અધિક મહિનો આ પહેલાં ચાર વર્ષ પહેલાં આવ્યો ત્યારે કચ્છનાં મોટા ભાગનાં તળાવો ખાલીખમ હતાં. અરે, ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ તો ત્યારથી એ પછીનાં વર્ષોમાં પણ વરસાદ ન થવાથી સાવ કોરુંકટ બની ગયું હતું. જ્યારે આ વખતે તો અષાઢ અંત પહેલાં જ એટલો વરસાદ પડી ચૂક્યો છે કે ચાર વર્ષ બાદ હમીરસર તળાવમાં નવાં પાણી આવી ગયાં છે. હજી વરસાદ પડવાની વકી હોવાથી આ વર્ષે હમીરસર તળાવ ઓગની પણ જશે એવી કચ્છીઓને ખાતરી છે. માંડવીનું ઐતિહાસિક ટોપણસર તળાવ તો ઓગની પણ ગયું છે.

પુરુષોત્તમ મહિનાનું ધાર્મિક માહાત્મ્ય આજે પણ કચ્છમાં એટલું જ જળવાયું છે. કચ્છ આમ તો રાજાશાહી પરંપરા જાળવતો જિલ્લો છે. પાટનગર ભુજમાં હમીરસર તળાવ એટલે લોકોનું હૃદય. આ તળાવની ફરતે આરાઓ બનાવવામાં આવ્યા હતા. આજે પણ રઘુનાથજીના આરાનું મહત્ત્વ એટલું જ છે. મોટા નાકા જેવા અસલ દરવાજા સાથેનો આ આરો રાજાશાહીમાં મહિલાઓને સ્નાન કરવા કે કપડાં ધોવા માટે વપરાતો એથી ત્રણ બાજુએથી બંધ છે. બાજુમાં રઘુનાથજીનું મંદિર છે. વર્ષોથી અહીં અધિક મહિનો આવે ત્યારે કથા-વાર્તા આખો મહિનો ચાલે. લોકો દાન-પૂણ્ય કરે. રઘુનાથજી મંદિરના પૂર્વ પૂજારી સ્વ. જદુરામભાઈ વ્યાસ રોજ સાંજે ૭ વાગ્યે હમીરસરમાં ઊતરવાના આરાના તોતિંગ રાજાશાહી દરવાજા બંધ કરતા અને સવારે ૪ વાગ્યે ખોલતા. આ માટે રાજા તેમને પગાર આપતા. બાજુમાં જ આવેલી રામવાડીમાં સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મશાળામાં ઉતારો કર્યો હતો. એ પછી તો સહજાનંદ સ્વામી જાતે અહીં ઊતર્યા હતા અને આ આરામાં સ્નાન પણ કર્યું હતું.

રઘુનાથજીનો આરો વિશિષ્ટ રીતે બાંધવામાં આવ્યો છે. દરવાજામાંથી પ્રવેશો એ પછી મોટાં-મોટાં પગથિયાં આવે અને છેલ્લે પગથિયે મહિલાઓ સ્નાન કરે, કપડાં પણ ધોવે. (આ પરંપરા હજી પણ ચાલુ છે.) આરાની બે સામસામેની દીવાલો પર એક સરખી ઊંચાઈએ હાથીની પ્રતિમા મૂકવામાં આવી છે. હમીરસરની આવ ચાલુ થાય અને જ્યારે પાણીની સપાટી હાથીના પગને સ્પર્શે ત્યારે હમીરસર ઓગની ગયાનું જાહેર થાય એ પરંપરા હતી. હમીરસર ઓગની ગયાની જાણ જે પ્રથમ નગરપતિને (પહેલાંના સમયમાં રાજાને) કરે તેને ખાસ વધામણી (રોકડ ઇનામ) અપાય છે. હમીરસરમાં એ આરાની સમાંતરે આવેલી પાવડી પરથી જ્યારે હમીરસર ઓગને ત્યારે રાજજ્યોતિષી જે રીતે વિધિ કરાવે એ રીતે શાસ્ત્રોક્ત રીતે રાજા પૂજન કરી હમીરસરને વધાવે, એ પ્રથા આજે પણ ચાલુ રહી છે. રાજાશાહી ગયા બાદ હવે આ પરંપરા નગરપાલિકાના પ્રમુખ દંપતી નિભાવે છે. આ પરંપરામાં લોકોને એટલી શ્રદ્ધા છે કે વરસાદ  ધોધમાર પડી રહ્યો હોય અને હમીરસરમાં પાણી ભયજનક સપાટી વટાવી રહ્યું હોય ત્યારે એમ કહેવાય છે કે જો હમીરસર વધાવી લેવાય તો વરસાદ બંધ થઈ જાય.

કચ્છમાં જળોત્સવ એટલે તળાવોમાં પાણી આવવાનું ચાલુ થવું. હમીરસર તળાવમાં પાણી લકી ડુંગર, ધુના રાજા ડૅમ અને પાલાર ધુના ધોધથી આવે છે. કચ્છમાં કોઈ પણ શહેરમાં વરસાદ પડે કે લોકો બધું જ કામકાજ છોડી વરસાદમાં પલળવા અને આ આવના સ્રોતો જોવા ઊમટી પડે છે. રીતસરનો ઉત્સવ જેવો માહોલ સર્જાયો હોય છે. ભુજના હમીરસરની આવ જ્યાંથી આવે છે એ મોટા બંધ નજીક પણ લોકોનો ધસારો જોવા મળે છે. વરસાદ ગમે એટલી વાર અને ગમે એટલા દિવસો પડે આ સ્થળોએ મેળા જેવું જ વાતાવરણ થઈ જાય. કચ્છમાં શહેરનું મુખ્ય તળાવ ઓગને ત્યારે નગરપતિ અને ગામડાંઓમાં સરપંચ આખા ગામને મેઘલાડુનું જમણ આપે છે. ભુજના સ્વામિનારાયણ મંદિર તરફથી પણ મેઘલાડુનું વિતરણ કરાય છે. આ પરંપરા આજે પણ ચાલુ છે. નર્મદાના નીર તો કચ્છની તરસી ધરતી માટે રાજકીય આટાપાટાઓ વચ્ચે ચાલુ થયેલી કેનાલોમાંથી વહેતું થયું છે, પણ કચ્છવાસીઓનાં હૃદયમાંથી તો આજે પણ વરસાદ અને શહેરનાં તળાવોનું પાણી અદકેરું છે. ભુજનું હમીરસર અને દેશલસર તળાવ, માંડવીનું ટોપણસર તળાવ, અંજારનું સવાસરનું તળાવ જેવાં અનેક નાનાં-મોટાં તળાવો કચ્છ માટે જળોત્સવનાં સ્થાનો છે. કચ્છમાં આ વખતે ચોમાસાએ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે, એથી અધિક આસોનો પુરુષોત્તમ મહિનામાં આસ્થા પણ ઊમટી પડશે. પ્રત્યેક કચ્છવાસીને સારા ચોમાસાની, તળાવો ઓગનવાની અને જળોત્સવ મનાવવાની તીવ્ર ઝંખના એ જ કચ્છનો જળોત્સવ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK