Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારી ક્રીએટિવિટી અને ચક્રને શું કનેક્શન છે?

તમારી ક્રીએટિવિટી અને ચક્રને શું કનેક્શન છે?

18 February, 2021 11:09 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તમારી ક્રીએટિવિટી અને ચક્રને શું કનેક્શન છે?

મણિપુર ચક્ર

મણિપુર ચક્ર


ગયા અઠવાડિયે આપણે ચક્ર પાછળ રહેલી ફિલોસૉફીને સમજવાના પ્રયાસો કર્યા. ચક્ર એટલે કે આપણા સૂક્ષ્મ શરીરમાં રહેલી અને જુદા-જુદા કામ પાર પાડી રહેલી પ્રાણ ઊર્જાનું સ્ટોર હાઉસ. જ્યાં પ્રાણિક ફ્લો શરૂ થાય છે એ સ્થાન. દેખીતી રીતે એનું આ મહત્ત્વ અનેકગણું છે. પ્રાણ ઊર્જાનો ફ્લો વ્યવસ્થિત ચાલતો રહે એ માટે દરેક ચક્રની સક્રિયતા બરાબર રહે એ જરૂરી છે. જેમ આપણી ગ્રોસ બૉડી એકબીજા સાથે કનેક્ટેડ છે. શરીરના કોઈ પણ હિસ્સામાં તકલીફ હોય એની અસર આખા શરીર પર એક સિંગલ યુનિટ તરીકે પણ થતી હોય છે. એ દૃષ્ટિએ સૂક્ષ્મ શરીર તો એના કરતાં પણ વધુ સેન્સિટિવ છે. આપણા વિચારોની, આપણી લાગણીઓની, આપણા દૃષ્ટિકોણની, સ્વભાવની અસર સૂક્ષ્મ શરીર પર થતી હોય છે. આપણી પ્રાણ ઊર્જા જ્યારે નીચેના ચક્રથી ઉપરની તરફ ગતિમાન હોય ત્યારે આપણા મૂડમાં, વિચારોમાં અને ફિઝિકલ બૉડીમાં હકારાત્મક બદલાવો આપતા હોય છે એ રીતે ઊર્જા જો નીચેની તરફ ગતિ કરતી હોય ત્યારે નકારાત્મક વિચારો અને નેગેટિવ ઇમોશન્સનું અધિપત્ય વધતું હોય છે. આ સમજણનો વ્યવહારિક ઉપયોગ શું? ચક્ર શું છે એ સમજ્યા પછી હવે આજે આપણે જોઈશું કે મુખ્ય ચક્રો કયાં છે અને એની કાર્યપ્રણાલી શું છે તેમ જ ચક્ર બરાબર કામ કરે છે કે નહીં એ જાણવાની રીત શું હોઈ શકે અને એને બહેતર રીતે કામ કરાવવા માટેના અભ્યાસો શું હોઈ શકે.

chakra-09



સ્વાધિષ્ઠાન ચક્ર


મૂલાધારથી ઉપરની તરફ જઈએ એટલે કરોડરજ્જુનો સૌથી નીચલો ભાગ, આપણા ટેઇલ બોન પર જે ચક્ર આવેલું છે એનું નામ છે સ્વાધિષ્ઠાન ચક્ર. જળ તત્ત્વ સાથે સંકળાયેલા આ ચક્રને તમારી ઇમોશનલ અને મેન્ટલ હેલ્થ સાથે ખાસી લેવાદેવા છે. જેમ મૂલાધાર તમારી ફિઝિકલ બૉડી પર અને એની સાથે સંકળાયેલાં પરિબળો પર ફોકસ કરે છે એમ આ ચક્ર તમારી મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટ સાથે કનેક્ટેડ છે. આ ચક્રમાં મૂવમેન્ટ છે. રોટી, કપડાં અને મકાનની બેઝિક જરૂરિયાત તરફ મૂલાધાર તમને જાગતા રાખે છે; પરંતુ એના પછીની તમારી જરૂરિયાત પર સ્વાધિષ્ઠાનની નજર હોય છે. તમારામાં રહેલી ક્રીએટિવિટી સ્વાધિષ્ઠાનમાંથી વહેતી પ્રાણ ઊર્જાની દેન છે. જ્યારે સ્વાધિષ્ઠાન ઍક્ટિવ થાય છે ત્યારે વ્યક્તિ કોઈક પણ પ્રકારની ક્રીએટિવ દિશામાં આગળ વધતો હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ સાથે સ્વાધિષ્ઠાનનું કનેક્શન છે એટલે કે તમારી સેક્સ ડ્રાઇવમાં પણ આ ચક્ર પ્રાઇમ ભૂમિકા ભજવે છે. સર્જન આ ચક્રનો સ્વભાવ છે. ઉત્સાહ અને ઊર્જામય આ ચક્રનાં લક્ષણો છે. અનુભવ અને અનુભૂતિ આ ચક્રની સાથે ક્લોઝલી કનેક્ટેડ બાબતો છે. આ ચક્ર જ્યારે ઓછું કામ કરતું હોય અથવા બ્લૉક હોય ત્યારે નિરાશા, હતાશા, કંઈ કરવાની ઇચ્છા ન થવી, બોરડમ લાગવું, શરીર અકડાઈ જવું, અભિગમમાં રિજિડિટી આવી જવી, નવાનો સ્વીકાર કરવાની અથવા બદલાવા માટેની તૈયારીનો અભાવ વગેરે થઈ શકે છે. કિડની, મૂત્રાશયને લગતી બીમારી અને નંપુસકતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કેવી રીતે સ્ટ્રૉન્ગ કરશો આ ચક્રને?


સ્વાધિષ્ઠાન ચક્રના સ્થાન પર ધ્યાન કેન્દ્રિત કરીને ઑરેન્જ રંગને વિઝ્યુઅલાઇઝ કરીને વમમમમ મંત્રનું ચૅન્ટિંગ કરી શકાય. અશ્વિની, વજ્રોલી અને સહજોલી જેવી મુદ્રા કરી શકાય. ઑરેન્જ જેનો રંગ હોય એવો આહાર, વધુ પાણી પીવું, ઑરેન્જ વસ્ત્ર ધારણ કરવા જેવી બાબતો પણ તમારા સ્વાધિષ્ઠાન ચક્રને સ્ટ્રૉન્ગ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

મણિપુર ચક્ર

તમારી નાભિના પાછળના હિસ્સામાં કરોડરજ્જુ પર મણિપુર ચક્રનું સ્થાન છે. જઠરાગ્નિના સ્થાન પર હોવાથી મણિપુર ચક્ર તમારા પાચન સાથે સંકળાયેલું ચક્ર છે. અહીંથી ૭૨ હજાર નાડીઓ પસાર થતી હોવાથી નાડી પ્યૉરિફિકેશન માટે પણ આ ચક્ર મહત્ત્વનું છે. એનો શાબ્દિક અર્થ પણ એની મહત્તાને એસ્ટાબ્લિશ કરે છે. મણિ એટલે કે રત્નો અને પુર એટલે કે નગર. મણિપુર ચક્ર વ્યવસ્થિત કામ કરતું હોય એ વ્યક્તિમાં ઉદારતા સહજ હોય. આ ચક્ર તમારામાં ઉત્સાહ વધારવાનું કામ કરે છે. આત્મવિશ્વાસ, સેલ્ફ-એસ્ટીમ ઉચ્ચ સ્તરનો, જાતની શક્તિઓ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્તિમાં સહજ ખીલે છે. આત્મનિર્ભરતા તેના માટે સહજ હોય છે. નીડરતા સાથે નવાં કાર્યો ઉપાડવાની હિંમત આ વ્યક્તિ કરી શકે છે.
જ્યારે તમારું મણિપુર ચક્ર બ્લૉક્ડ હોય ત્યારે તમને ફસાઈ ગયાની, નબળા પડી ગયાની, શક્તિવિહીન, દિશાહીન હોવાનો અનુભવ થઈ શકે છે. વ્યક્તિગત રીતે પોતે વર્થલેસ હોવાનો અનુભવ આ ચક્રની અંદર ગોટાળો હોય ત્યારે થઈ શકે છે. આ ચક્ર બરાબર કામ ન કરે ત્યારે તમારામાં લોભ, કૃપણતા, લાલચ જેવા અવગુણો પાંગરતા હોય છે. આ ચક્રમાં બ્લૉકેજિસ હોય ત્યારે પેટને લગતી, પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે.

કેવી રીતે સ્ટ્રૉન્ગ કરશો?

મણિપુર ચક્રનું ધ્યાન પીળા રંગને વિઝ્યુઅલાઇઝ કરીને કરી શકાય. રમ મંત્રનો જપ કરવાથી પણ આ ચક્રની સક્રિયતા બહેતર બની શકે છે. જાત પર ભરોસો મૂકવો અને પોતાની આવડતને જાતે જ અપ્રિશિએટ કરવી એ આ ચક્રની કાર્યક્ષમતા વધારવા માટે મહત્ત્વપૂર્ણ છે. પીળા રંગનાં વસ્ત્રો અને પીળા રંગની વસ્તુઓ આહારમાં ઉમેરી શકાય. અગ્નિસાર, નૌલી, ઉડ્ડિયાન બંધ જેવા અભ્યાસો આ ચક્રને સક્રિય કરવા માટે કરી શકાય.

muladhar-chakra

મૂલાધાર ચક્ર

મૂળ આધાર. નામમાં જ આ ચક્રની મહત્તા એસ્ટાબ્લિશ થઈ જાય છે. આપણો મુખ્ય આધાર આ ચક્ર પર નિર્ભર છે. ખાસ કરીને જ્યારે ફિઝિકલ બૉડીની વાત આવતી હોય ત્યારે. ગુદાદ્વાર એટલે કે એનસ અને જનાઇટલ એટલે કે જનનાંગની વચ્ચેનો ભાગ છે જેને અંગ્રેજીમાં પેરેનિયમ રીજન તરીકે ઓળખવામાં આવે છે. અહીં મૂલાધાર ચક્રનું સ્થાન છે. આપણા અસ્તિત્વનો આને પાયો કહી શકો તમે. પૃથ્વી તત્ત્વ આ ચક્ર સાથે સંકળાયેલું છે જે અગેઇન તમને ગ્રાઉન્ડેડ રાખવા માટે, તમને સ્ટેબલ રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે. અહીં યોગનિષ્ણાત ડૉ. ગણેશ રાવ કહે છે, ‘દરેક ચક્ર અહીં સ્વિચની ભૂમિકા અદા કરે છે. જેવું જે-તે ચક્ર ઍક્ટિવેટ થાય એવો જ બ્રેઇનનો કોઈ વિશેષ એરિયા સ્ટિમ્યુલેટ થાય અને મસ્તિષ્કની એ વિશેષતાઓનો ઉપયોગ ચક્રના ઍક્ટિવ થયા પછી તમે કરી શકો.’
મૂલાધાર ચક્ર જ્યારે વ્યવસ્થિત રીતે કામ કરતું હોય ત્યારે સૌથી પહેલી ઘટના કોઈ ઘટતી હોય તો એ છે સ્થિરતાની. સ્ટેબિલિટી આવવા માંડે તમારામાં. પાયો મજબૂત હોય તો ઇમારતને કોઈ ન હલાવી શકે. મૂલાધાર તમારામાં શારીરિક દૃષ્ટિએ સ્થિરતા લાવે. શારીરિક સ્તરે રોગમુક્તિ જોઈતી હોય તો મૂલાધારનું મહત્ત્વ ઓછું ન અંકાય. સદ્ગુરુ જગ્ગી વાસુદેવ તો ત્યાં સુધી કહે છે કે યોગની ઉત્ક્રાંતિ મૂલાધારની ફરતે થઈ છે. સૂક્ષ્મ સુધી પહોંચવા માટે સ્થૂળનો સહારો લેવો પડે. મૂલાધારથી સ્થૂળતાથી સૂક્ષ્મતાની યાત્રા શરૂ થતી હોય છે. ઘણા લોકો અધ્યાત્મને અધકચરું સમજ્યા પછી મૂલાધાર ચક્રને ફિઝિકલ બૉડી માટે મહત્ત્વનું ગણીને બિનજરૂરી માને છે. જોકે હકીકત એ છે કે મૂલાધાર તમારા શરીરને અધ્યાત્મના તમામ મસમોટા અનુભવોને ઍબ્સૉર્બ કરવા માટે યોગ્ય બનાવે છે. કોઈ પણ દિશામાં આગળ વધવા માટે સાધન શરીર છે અને મૂલાધારને ઉપેક્ષિત કર્યા વિના એની ઊર્જા ઉપરની તરફ વહે એ રીતે એને સક્ષમ કર્યું હોય તો ઉર્ધ્વતાની તમારી યાત્રામાં પણ તમે ક્યારેય પાછા ન પડો. ટૂંકમાં શારીરિક સ્તરે રોગરહિત થવું હોય અને અધ્યાત્મની દિશામાં ઉપરની યાત્રા દરમ્યાન સ્થિરતાને જાળવવી હોય તો મૂલાધાર ચક્ર મહત્ત્વનું છે. વિશ્વાસ, સેન્સ ઑફ સિક્યૉરિટી, સ્ટેબિલિટી જેવી બાબતો આ ચક્ર સાથે સંકળાયેલી છે. જ્યારે આ ચક્રમાં ગડબડ ચાલતી હોય ત્યારે વ્યક્તિ શારીરિક રીતે અસ્થિર હોય, તેનામાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે અને રોગોનું આવવું તેના માટે સહજ બની જાય.

કેવી રીતે સ્ટ્રૉન્ગ કરાય?

મૂલાધાર ચક્રના સ્થાન પર ધ્યાન કરી શકાય. લાલ રંગને વિઝ્યુઅલાઇઝ કરીને મનમાં લમ્ મંત્રનું ચૅન્ટિંગ કરી શકાય. મૂલ બંધ કરીને યોગિક ક્રિયા મૂલાધારને સ્ટ્રૉન્ગ કરવામાં મદદરૂપ બની શકે. નાસિકા દૃષ્ટિ એટલે કે બન્ને આંખોને નોઝ ટિપ પર ફોકસ કરવાથી પણ મૂલાધાર ચક્ર ઍક્ટિવેટ થઈ શકે છે. લાલ રંગના સ્ટોન પહેરવાની પણ કેટલાક લોકો સલાહ આપતા હોય છે. જોકે એને બદલે લાલ રંગનાં વસ્ત્ર પહેરો કે આહારમાં દાડમ, બીટ જેવી લાલ રંગની વસ્તુઓ ઉમેરો તો એની પણ ચક્રો પર અસર પડતી હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2021 11:09 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK