Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોનાના ભય વચ્ચે યોગના આ પ્રકાર વિશે થોડુંક ચિંતન કરવા જેવું છે!

કોરોનાના ભય વચ્ચે યોગના આ પ્રકાર વિશે થોડુંક ચિંતન કરવા જેવું છે!

07 May, 2020 09:58 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

કોરોનાના ભય વચ્ચે યોગના આ પ્રકાર વિશે થોડુંક ચિંતન કરવા જેવું છે!

ઈશ્વર સાથેનો તમારો અંગત સંબંધ એટલે ભક્તિયોગ.

ઈશ્વર સાથેનો તમારો અંગત સંબંધ એટલે ભક્તિયોગ.


તારજે, ડુબાડજે, જિવાડજે કે મારજે‍

આવો ભાવ જ્યારે ઈશ્વર તત્ત્વ માટે જાગે ત્યારે ભક્તિયોગની શરૂઆત થઈ જાય છે. ભક્તિની માત્રા જ્યારે તીવ્ર હોય ત્યારે સાયન્ટિફિક ચમત્કારો સર્જાતા હોય છે. મીરાબાઈને આપવામાં આવેલું વિષ અમૃત બન્યું એ શ્રદ્ધાને કારણે આવેલા ફિઝિયોલૉજિકલ પરિવર્તનનું પરિણામ પણ હોઈ શકે છે. અત્યારે ‘કલ ક્યા હોગા કિસે ખબર હૈ’ની અનિશ્ચિતતાઓ માઝા મૂકી રહી છે ત્યારે મોટા ભાગના ભારતીયોના ડીએનએમાં રહેલી આધ્યાત્મિકતાને ઉજાગર કરવાની અને ઈશ્વર માટેની તમારી શ્રદ્ધાને રિવાઇવ કરવા જેવી છે



ઈશ્વર સાથેનો તમારો અંગત સંબંધ એટલે ભક્તિયોગ. શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણથી ઈશ્વર તત્ત્વ સાથે જોડાણ એટલે ભક્તિયોગ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ યોગના ચાર માર્ગ દર્શાવ્યા છે. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને રાજયોગ. ચારેય યોગનું ધ્યેય એક જ છે પણ વ્યક્તિગત પ્રકૃતિ મુજબ આ વર્ગીકરણ થયું છે. આ ચારેયમાંથી સૌથી સરળ અથવા સૌથી ડિફિકલ્ટ યોગમાર્ગ કોઈ હોય તો એ છે ભક્તિયોગ. જી હા, સૌથી સરળ અને સૌથી ડિફિકલ્ટ પણ. બે અંતિમ છેડાઓ આ યોગમાં મળે છે. સરળ એટલા માટે કે અહીં તમારે કંઈ કરવાનું નથી, માત્ર પોતાને ભૂલીને બસ તમારા આસ્થાના કેન્દ્રને સમર્પિત થઈ જવાનું છે. જોકે ડિફિકલ્ટ પણ એટલે જ કે પોતાપણું મૂકીને, સ્વનું વિસર્જન કરીને ઈશ્વરમાં ઓતપ્રોત થવું સરળ નથી. શક્તિનું, સંપત્તિનું, સત્તાનું વિસર્જન ઈઝી છે; પરંતુ સ્વનું વિસર્જન? અઘરું છે. હું છું જ નહીં, તું જ તું છે એ બોલવું, લખવું કે ઉપદેશવું સરળ છે; પરંતુ એને જીવવું? વેરી ડિફિકલ્ટ. અત્યારના સમયને સાપેક્ષ ભક્તિયોગ વિશે બે વિદ્વાનો સાથે વાત કરીએ અને કપરા કાળમાં ભક્તિયોગ કઈ રીતે ઉપયોગી નીવડી શકે છે એ અનુભવવાની કોશિશ કરીએ.
આપણા તો લોહીમાં છે
અત્યારના સમયમાં યોગ એ જવાબ છે. ભક્તિયોગ જ નહીં પણ તમામ પ્રકારના યોગ અને દર્શનનું એક જ ધ્યેય રહ્યું છે એ છે દુઃખને દૂર કરવું, એલિમિનેશન ઑફ સફરિંગ. ભારતની પ્રજામાં આધ્યાત્મિકતાનું ફાઉન્ડેશન ખૂબ જ સ્ટ્રૉન્ગ છે એમ જણાવીને યોગક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવતા ડૉ. ગણેશ રાવ કહે છે, ‘આપણી માનસિકતામાં ભક્તિ સહજ રીતે જોડાયેલી છે. આધ્યાત્મિકતા આપણા લોહીમાં જ વહે છે. ગમેતેવી ક્રાઇસિસમાં આપણે સમતા જાળવી શકીએ છીએ, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એ સ્વીકારી રહ્યા છીએ કે આપણી બૌદ્ધિકતાની મર્યાદા છે. આપણાથી હાયર કહી શકાય એવી કોઈક એક શક્તિ છે જે દુનિયાનું સંચાલન કરે છે. કદાચ આ જ સહજ અપ્રોચને કારણે આપણે ત્યાં સફરિંગ ઓછું છે. આ ફેથ, આ શ્રદ્ધા એ જ ભક્તિયોગ છે.’
ફિઝિકલ, ઇમોશનલ અને મેન્ટલ બેનિફિટ્સ
ભક્તિયોગ આપણને ઇમોશનલી અને સાઇકોલૉજિકલી સ્ટ્રૉન્ગ બનાવવામાં તો મદદ કરે જ છે, પરંતુ ભક્તિયોગની અકસીરતા ફિઝિયોલૉજિકલ બદલાવ પણ લાવી શકે છે.
જ્યારે તમે શ્રદ્ધાની ચરમસીમા પર હો ત્યારે ચમત્કાર સર્જાય છે એ વાત પ્રાચીન વાર્તાઓમાં અને અનેક ભક્તોના જીવનમાં પણ આપણે જોઈ છે. મીરાબાઈને પીવડાવવામાં આવેલો વિષનો પ્યાલો અમૃત બની ગયો એ કોઈ કપોળકલ્પિત વાત નથી. ડૉ. ગણેશ રાવ કહે છે, ‘આજે સાયન્સ કહે છે કે મોટા ભાગના રોગો સાઇકોસમૅટિક છે. ભક્તિભાવ અને વિશ્વાસ જેવા પૉઝિટિવ ભાવો તમારા શરીરની ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે. પ્લેસીબો ઇફેક્ટ એ શ્રદ્ધાનું જ એક સ્વરૂપ છે. મીરાબાઈને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એવો દૃઢ હતો કે તેમના શરીરમાં વિષ સામે પણ લડી શકે, વિષને બેઅસર કરી શકે એવા એન્ઝાઇમ્સ પણ જન્મી ચૂક્યા હશે જેથી એ વિષનો પ્યાલો તેમનું કંઈ જ ન બગાડી શક્યો. આજે પણ એવા લોકો છે જેમને તાવની દવા કહીને કૅલ્શિયમની ટીકડી આપી દો અને તેમનો તાવ ઊતરી જાય છે. શ્રદ્ધા તમને મેન્ટલી, ઇમોશનલી અને ફિઝિકલી પણ સ્ટ્રૉન્ગ બનાવે છે. ભક્તિયોગનો બેઝ શ્રદ્ધા છે અને શ્રદ્ધા જીવનની ચિંતાઓ અને વિપદાઓને હરી લે છે.’
તમે ભક્ત કે ભિક્ષુક?
અત્યારના સમયમાં ભક્તની વ્યાખ્યા કરતા શાસ્ત્રોના જાણકાર, સાધક અને બાય પ્રોફેશન ડૉક્ટર સુનીલ શાસ્ત્રી કહે છે, ‘હકીકતમાં આ વાતો કરવા માટેના સ્તર પર હું પણ હજી પહોંચ્યો નથી. જોકે પુસ્તકો, મહાન પુરુષોનાં જીવનચરિત્રો અને શાસ્ત્રોને જે કંઈ થોડાક અંશે સમજવાના પ્રયત્નો કર્યા છે એમાં એટલું તો કળાયું જ છે કે ભક્તના મનમાં ગૃહીત સત્ય હોય છે કે જે પણ કંઈ ચાલી રહ્યું છે એ તેની ઇચ્છાથી ચાલે છે. આ ભાવ જ તેને અંદરથી વિચલિત થવા દેતો નથી. આવા માહોલમાં ઇશ્વર પાસે આપણે શું કામ જઈએ અથવા જવું જોઈએ એ પણ સમજવા જેવું છે. આપણે જેની પાસે જે હોય એ જ તેની પાસે લેવા જઈએ છીએ. જો તમારે શીતળતા જોઈતી હોય તો જળ પાસે જાઓ, કારણ કે એનો સ્વભાવ શીતળ છે. ઉષ્મા અને પ્રકાશ જોઈતો હોય તો સૂર્ય પાસે જાઓ. એ જ રીતે જો શાંતિ જોઈતી હોય તો જેનો સ્વભાવ શાંત છે, જે આનંદમય છે, જે સર્વ સમર્થ છે, જે સર્વજ્ઞ છે, જે બધું જાણે છે તેનાં ચરણોમાં જઈએ તો તે આપણને એ માર્ગદર્શન પણ કરે, સહાય પણ આપે. હકીકતમાં ભક્ત આકાંક્ષા સાથે જ ઈશ્વર પાસે જાય એ જરૂરી નથી. સુખની આકાંક્ષા કરતા ભક્તના મનમાં એ ભાવ હોય કે મારા માટે સારું છે એ તો તું કરીશ જ પણ મને તું સમજાય એટલા માટે હું તારી પાસે આવું છું. ભક્તની ક્યારેય આગ્રહની ભૂમિકા હોય જ નહીં. જેમ ટીચર પાસે તમે જાઓ તો તમારે ભણવું છે એ ટીચર શીખવાડે એવો આગ્રહ હોય કે ટીચરને જે યોગ્ય લાગે એ શીખવાડે એ ભૂમિકા હોય? તમે ભક્ત છો કે ભિક્ષુક એ તમારે જાતે નક્કી કરવાનું છે. ભિક્ષુક એ ધારેલું માગવા જાય, ભક્ત અનાગ્રહી હોય જ્યારે ઈશ્વર પાસે હોય. બાકી તમે ઈશ્વર પાસે જઈને ઊભા રહો ત્યારે એ સમજી જ ગયા હોય છે કે આ ખબર પૂછવા આવ્યો છે કે ખબર લેવા.’
અકબરનો આ બનાવ ખબર છે તમને?
એક વાર એક ફકીર અકબર બાદશાહના દરબારમાં પોતાના મદરેસા માટે કંઈક મદદ લેવા માટે ગયા. ફકીર હતા એટલે દરવાનો પણ રોકે નહીં. અંદર પ્રવેશ્યા તો બાદશાહની બંદગી ચાલતી હતી, જેમાં બાદશાહની જાતજાતની માગણીઓ ચાલી રહી હતી. થોડીક વારમાં એ ફકીર પાછા વળી રહ્યા હતા અને બાદશાહનું ધ્યાન ગયું. બાદશાહને મનોમન થયું કે હું દિલ્હીનો બાદશાહ અને મારે ત્યાંથી આ ફકીર આમ ખાલી હાથે પાછા જાય એમ કેમ ચાલે. બાદશાહે તેમને રોક્યા અને પૂછ્યું કે શું કામ આપ પાછા વળો છો. તો ફકીર કહે, ‘હું માગવા આવેલો. હું આવ્યો ત્યારે મેં તમને માગતા જોયા. મને સમજાઈ ગયું કે માગવું તો એ પણ સમર્થ પાસે માગવું. આ કિસ્સો જણાવતાં સુનીલભાઈ કહે છે, ‘ઈશ્વર પ્રત્યેનો શ્રદ્ધાભાવ તમારામાં રહેલો સમજણનો શાંત પ્રવાહ વહેતો રાખશે. કોઈ બહુ મોટા યોગી હોય કે સામાન્ય બૅન્કના એમ્પ્લૉયી કે વેપારી હોય, શ્રદ્ધામાં કોઈ ભેદ હોતો નથી. સંગીતમાં ‘સા’નો અર્થ સા જ થાય છે, પછી એ કોઈ સંગીત વિશારદ ગાય કે કોઈ નવશીખિયો ગાયક ગાય. ભક્તિનો અર્થ પ્રમાદી હોવું એવો પણ નથી. રોહિદાસ નામના ભક્ત કુંભાર હતા અને સતત નિરંતર ભક્તિભાવમાં અને ઈશ્વરના િચંતનમાં લીન હતા. કબીર પોતે વણકર હતા પણ પરમ કોટીના ભક્ત હતા. એક જ વાત કહીશ કે થોડીક ક્ષણ માટે પણ ઈશ્વર સાથે શ્રદ્ધાથી જોડાઓ પણ એમાં સચ્ચાઈ રાખો.’


ભક્તિના નવ પ્રકાર

ગીતામાં ભગવાન કૃષ્ણએ ભક્તિના નવ પ્રકાર કહ્યા છે. આમાંથી કયા પ્રકારમાં તમે ઈશ્વરીય તત્ત્વ સાથે સહજ રીતે જોડાઈ શકો છો એને અપનાવતા જાઓ. ડૉ. સુનીલ શાસ્ત્રી તો ત્યાં સુધી કહે છે કે નવને બદલે દસમો કોઈ માર્ગ તમારી પાસે હોય તો એ પણ ચાલશે, પણ ઈશ્વર સાથે જોડાવાની અત્યારની તકને સાધી લો.
૧- શ્રવણમ એટલે કે ઈશ્વરની વાણી સાંભળીને, ૨-કીર્તનમ એટલે ભક્તિગીતો ગાઈને, નૃત્ય કરીને ભાવનાપૂર્વક ભજનો ગાવાં, ૩-સ્મરણમ એટલે કે શુદ્ધભાવથી તેમનું સતત સ્મરણ કરીને, ૪- પાદસેવનમ એટલે કે સ્વને ઈશ્વરનાં ચરણોમાં મૂકી દેવું, ૫-અર્ચનમ એટલે મન-વચન અને કર્મ દ્વારા ઈશ્વરનું પવિત્ર પદાર્થોથી પૂજન કરવું, ૬-વંદનમ એટલે કે ઉત્તમ વસ્તુઓ અને ભાવો સાથે વિધિવિધાનો સાથે ઈશ્વરની સ્તવના કરવી, ૭- દાસ્યમ એટલે કે ઈશ્વરના સેવક બનીને સતત તેની સેવામાં રહેવું, ૮- સાખ્યમ એટલે કે ઈશ્વરને મિત્ર માની તેના પ્રત્યે સમર્પણભાવ રાખવો અને ૯- આત્મનિવેદનમ એટલે કે જાતને કોઈ પણ અપેક્ષા વિના સંપૂર્ણ સમર્પિત કરીને ભક્તિમાં લીન થઈ જવું.


આધ્યાત્મિકતા આપણા લોહીમાં જ વહે છે. ગમે તેવી ક્રાઇસસિમાં આપણે સમતા જાળવી શકીએ છીએ, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એ સ્વીકારી રહ્યાા છીએ કે આપણી બૌદ્ધિકતાની મર્યાદા છે. કદાચ આ જ સહજ અપ્રોચને કારણે આપણે ત્યાં સફરિંગ ઓછું છે. આ ફેથ, આ શ્રદ્ધા એ જ ભક્તિયોગ છે
- ડૉ. ગણેશ રાવ, યોગ એક્સપર્ટ

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2020 09:58 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK