Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લોકડાઉને મને શીખવ્યાં ગુલકંદ પરાઠાં

લોકડાઉને મને શીખવ્યાં ગુલકંદ પરાઠાં

29 April, 2020 11:07 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

લોકડાઉને મને શીખવ્યાં ગુલકંદ પરાઠાં

 ધી ગ્રેટ કિચન શો:સિરિયલમાં તોફાન કરતો આ ટપુ રિયલ લાઇફમાં કિચનમાં દાખલ થઈને સિરિયસ શેફના રોલમાં આવી જાય છે.

ધી ગ્રેટ કિચન શો:સિરિયલમાં તોફાન કરતો આ ટપુ રિયલ લાઇફમાં કિચનમાં દાખલ થઈને સિરિયસ શેફના રોલમાં આવી જાય છે.


ગુજરાતી ફિલ્મ પપ્પા, તમને નહીં સમજાયથી પોતાની ફિલ્મી કરીઅર શરૂ કરનાર ભવ્ય ગાંધીને આજે પણ અડધું જગત ટપુના નામે ઓળખે છે. માત્ર ૭ વર્ષની ઉંમરે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા જૉઇન કરીને કરીઅર શરૂ કરનારા ભવ્ય ગાંધીએ ઑલમોસ્ટ એક દસકા સુધી ટીવી-સિરિયલમાં કામ કર્યું અને એ પછી ગુજરાતી ફિલ્મમાં પદાર્પણ કર્યું. ભવ્ય અત્યારે બે ગુજરાતી ફિલ્મ અને એક હિન્દી વેબ-સિરીઝ સાથે જોડાયેલો છે. ખાવાની બાબતમાં ભવ્ય જેટલો શોખીન છે એના કરતાં પણ કુકિંગની તેની દિલચસ્પી વધારે છે. ભવ્ય કહે છે, ‘મને કિચનમાં જઈને હેલ્થ-ઓરિયેન્ટેડ ફૂડ બનાવવાની વધારે મજા આવે છે, પરંતુ સાથોસાથ હું એ પણ કહીશ કે ઓછામાં ઓછું કુક થયું હોય એવું ફૂડ હેલ્થ માટે બેસ્ટ છે.’ રશ્મિન શાહ સાથે થયેલી તેની કિચન-ગોષ્ઠિ તેના જ શબ્દોમાં વાંચો...

bhavya



કુકિંગની મને આમ ખાસ કોઈ આદત નહીં અને મારો એવો કોઈ શોખ પણ નહીં, પણ મમ્મીનો લાડકો એટલે આખો દિવસ તેની પાછળ ફરતો એટલે મમ્મી કિચનમાં કામ કરતી હોય ત્યારે કોઈ ને કોઈ કામ મને પણ આપી દે અને એમ મને થોડી ઘણી ખબર પડવાની શરૂઆત થઈ, પણ વાત અહીં અટકી ગઈ અને એ પછી તો મેં ટીવી જૉઇન કરી લીધું અને કુકિંગ રિલેટેડ વાત પણ દૂર નીકળી ગઈ. મને કુકિંગના બેઝિક ફન્ડા ખબર પડવાનું શરૂ થયું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર. ત્યાં દિશાદીદીથી માંડીને મારા બીજા કો-આર્ટિસ્ટનાં ટિફિન આવે એ બધામાંથી હું જમું અને મને ભાવતી વરાઇટીને યાદ રાખી લઉં. મા માટે એ વરાઇટી ફરી વખત ન આવે એટલે હું એની રેસિપી પૂછું અને એ રેસિપી યાદ રાખીને હું મમ્મીને કહું. મમ્મી મારે માટે એ વરાઇટી બનાવે. મારા સમયમાં હાથી અંકલનું કૅરૅક્ટર કવિ કુમાર આઝાદ કરતા. આઝાદ અંકલ જબરદસ્ત ફૂડી, એટલું જ નહીં, તેઓ બધાને ખવડાવવામાં પણ માને. પોતે કોઈ નવી વરાઇટી લાવ્યા હોય તો એ ટિફિન ભરીને નહીં, મોટો ડબ્બો ભરીને લઈ આવે.
બે વર્ષ પહેલાં તેમનો દેહાંત થયો ત્યારે આખી ‘તારક મેહતા’ ટીમ તેમના આ જ શોખની વાતો કરતી હતી. ટીમમાંથી કોઈ એવું નહોતું જેમણે તેમનું ફૂડ ટેસ્ટ ન કર્યું હોય. આઝાદ અંકલ સાથે અમે બેસતા ત્યારે તેઓ વાત કરતા કે ફૂડની બાબતમાં આપણે અવેર થવાની જરૂર છે. ફૂડ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ ઓછામાં ઓછું કુક થાય એ પણ એટલું જરૂરી છે. આ વાત મને સૌથી પહેલાં આઝાદ અંકલ પાસેથી અને એ પછી જિમના મારા ટ્રેઇનર પાસેથી ખબર પડી કે ફૂડની બાબતમાં આપણે સૌથી વધારે બેદરકાર છીએ. જિમ જૉઇન કર્યું એ પહેલાં હું ખાવાની બાબતમાં બેદરકાર હતો, પણ જિમિંગ શરૂ થયા પછી મેં મારામાં એક ચેન્જ કર્યો કે મારી બૉડીમાં હું ગમે એવું ફૂડ નહીં નાખું અને એ નિયમ હું ઑલમોસ્ટ ત્રણેક વર્ષથી પાળું છું. હું તમને બધાને પણ કહીશ કે એક વખત તમે બૉડીને શેપમાં લાવવાનું શરૂ કરશો પછી આપોઆપ તમને પણ બહારનું કે બીજું જન્ક ફૂડ ખાવાનું ગમશે નહીં.
લૉકડાઉન પહેલાં મેં મિનિમલ થિયરી એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાત સાથે જીવવાનું શરૂ કર્યું હતું અને ત્યારે મેં ફૂડમાં પણ આ જ ફન્ડા અપનાવ્યો હતો. એ દિવસોમાં મેં મૅક્સિમમ નવી રેસિપી પર હાથ અજમાવ્યો અને ઓછામાં ઓછું રાંધીને ફૂડ તૈયાર કરવાની મારી પોતાની રેસિપી પણ ડેવલપ કરી. ફૂડની બાબતમાં હું એક વાત તમને કહીશ. આપણા ગુજરાતીઓ કરતાં પંજાબીઓ વધારે સારા. આપણે રાંધેલો ખોરાક વધારે ખાઈએ, જ્યારે પંજાબીઓ સૅલડ ફોમમાં મૅક્સિમમ ખાય. ફૉરેનમાં તમને મોટા પેટવાળા લોકો બહુ ઓછા જોવા મળશે, એવું શું કામ એ પણ સમજવા જેવું છે. એ લોકોની ફૂડની ક્વૉન્ટિટી બહુ લિમિટેડ હોય છે. આપણે ઝડપથી ખાઈએ અને મોટી બાઇટ્સ લઈને ખાઈએ, એની સામે એ લોકો ખાવાની બાબતમાં સ્લો હોય અને બાઇટ્સ પણ તેમની નાની હોય.
લૉકડાઉનમાં મારો મિનિમલવાળો નિયમ તૂટ્યો છે, પણ ફૂડની બાબતમાં હું હજી પણ ધ્યાન રાખું છું. વધારે ઑઇલી હોય એવું ફૂડ અવૉઇડ કરું છું. કોલ્ડ ડ્રિન્ક્સ પણ હું ભાગ્યે જ પીઉં છું. ફ્રૂટ જૂસમાં પણ એવું જ. ફ્રૂટ બને ત્યાં સુધી હું ડિરેક્ટલી ખાવાનું રાખું. કાપવાનું પણ બને તો ટાળું. સીઝનલ ફ્રૂટ્સ દરેકે ખાવાં જોઈએ.
હું સૅલડ પર વધારે ભાર મૂકું છું. આપણે ત્યાં સૅલડ બનાવવાની બહુ રીત નથી, પણ મેં મારી બનાવી છે. દરરોજ સૅલડ ખાવું હોય અને એ પણ ન ભાવે એવું બનાવવું હોય તો હું એમાં ફણગાવેલાં કઠોળ પણ નાખી દઉં. કોઈક વાર એવું લાગે તો એમાં નવા ટેસ્ટ માટે પાપડનો ચૂરો કે ખાખરાનો ચૂરો ઍડ કરી દઉં. બને ત્યાં સુધી સૅલડમાં સૉલ્ટ અને ચિલી પાઉડર નહીં નાખવાનો. એને બદલે બ્લૅકપેપર અને રૉક સૉલ્ટ ઍડ કરવાનું. દહીં પણ હેલ્થ માટે બહુ સારું છે અને છાશ પણ હેલ્થ માટે લાભદાયી છે. બટરમિલ્કની એક નવી રેસિપી મેં હમણાં જ યુટ્યુબ પર જોઈ. મસાલા છાશ તૈયાર થઈ જાય એટલે એમાં દહીં નાખવાનું. દહીંની લસ્સી પણ મારા હાથે બહુ સરસ બને. લસ્સીમાં દહીંની સાથે કોઈ ફ્લેવર નહીં નાખવાની. રેગ્યુલર શુગર જ ઍડ કરવાની અને એ પછી એમાં વૅનિલા આઇસક્રીમ ઍડ કરીને આ મિક્સરને ગ્રાઇન્ડ કરી નાખવાનું. જો ઘરમાં ક્રીમ હોય તો એ ક્રીમનું એક લેયર લસ્સી પર પાથરી દેવાનું. દૂધની મલાઈ પણ ચાલે. આઇસક્રીમ નાખેલી આ લસ્સીની સ્વીટનેસ અને થિકનેસ તમને બહારની લસ્સી જેવી જ લાગશે. આ જ લસ્સીમાં તમે બીજી કોઈ આઇસક્રીમ નાખો તો પણ ચાલે, પણ એમાં ફ્લેવર ઍડ થઈ જશે એટલે બહેતર છે કે વૅનિલા આઇસક્રીમ સાથેની લસ્સીમાં વધારે મજા આવશે.
જો તમને સ્વીટ્સ વધારે ભાવતી હોય તો તમારે માટે એક નવી વરાઇટી પણ છે, ગુલકંદ પરાઠાં. મેં હમણાં લૉકડાઉનમાં એક વાર બનાવ્યાં હતાં, બહુ સરસ બને છે. આપણે પૂરણપોળી બનાવીએ એવી જ રીતે બનાવવાનાં, પણ એમાં પૂરણને બદલે ગુલકંદ વાપરવાનું અને પરાઠાંના લોટમાં નમક ઍડ નહીં કરવાનું. આ પરાઠાં ઘીમાં બનાવવાનાં અને એને ખાતી વખતે પણ ઘીમાં બોળીને ખાવાનાં. ગુલકંદની સ્વીટનેસ આખા પરાઠામાં પથરાયેલી હોય અને ઘી સાથે એ ગરમ થયું હોય એટલે ગુલાબની આછી ખુશ્બૂ પણ તમને આવ્યા કરે. મજા પડી જાય. એક વાર ઘરે ટ્રાય કરજો.


આ રીતે કેરી-ક્રીમ અચૂક ટ્રાય કરજો

મૅન્ગો મારી ફેવરિટ છે. દરેક ફોમમાં મને કેરી ભાવે અને હું એના ઉપયોગ પણ શોધું. કેરી-ક્રીમ મારા હાથે બહુ સરસ બને છે. મારી કેરી-ક્રીમ બહુ સરસ બને છે. કેરી-ક્રીમ બનાવવા માટે આલ્ફૉન્સો મૅન્ગોના પીસ લેવાના અને સાથે મૅન્ગો સિરપ લેવાનું. કેરીના ટુકડાને એક બોલમાં પાથરી દેવાના. એ પછી એના પર ક્રીમનું બેઝ બનાવીને પાથરવાનું અને એ ક્રીમ પર મૅન્ગો સિરપનું આછું લેયર બનાવવાનું. તૈયાર થયેલા આ લેયરની ઉપરના ભાગમાં મારી બિસ્કિટમાંથી તૈયાર કરેલો પાઉડર પાથરી દેવાનો અને એના પર ફરીથી મૅન્ગોના પીસ પાથરી દેવાના. હવે સૌથી ઉપર કેરીનો રસ અને એના પર બદામ અને કાજુ પાથરવાના. આ કેરી-ક્રીમ ખાવા માટે સ્પૂન નહીં વાપરવાની. મૅન્ગો ફ્લેવરના વેફર્સ બિસ્કિટ સાથે એ ખાવાનું. એનો ટેસ્ટ બહુ સરસ લાગશે.
આ સીઝનમાં તમે આ કેરી-ક્રીમ એક વાર ઘરે ટ્રાય કરજો. તમને બહુ ભાવશે. કેરી ખટમીઠી હોય તો વાંધો નહીં, એવી કેરી હશે તો ઊલટાનો ટેસ્ટ થોડો જુદો લાગશે અને મજા પણ આવશે. કેરી-ક્રીમમાં જો ક્રીમનાં બે લેયર બનાવવાં હોય તો એક લેયર ઘરના દૂધમાં જે મલાઈ બને એનું બનાવવું. ટેક્નિકલી કૅલરીની બાબતમાં આ કેરી-ક્રીમ બહુ હેવી થાય એની ના નહીં, પણ જ્યારે એ ખાવું હોય ત્યારે વર્કઆઉટ કરવાની તૈયારી રાખવાની અને કાં તો આગળના દિવસોમાં ડાયટ પર ધ્યાન રાખવાનું.બટરમિલ્કની એક નવી રેસિપી મેં હમણાં જ યુટ્યુબ પર જોઈ. મસાલા છાશ તૈયાર થઈ જાય એટલે એમાં દહીં નાખવાનું. દહીંની લસ્સી પણ મારા હાથે બહુ સરસ બને. લસ્સીમાં દહીંની સાથે કોઈ ફ્લેવર નહીં નાખવાની. રેગ્યુલર શુગર જ ઍડ કરવાની અને એ પછી એમાં વૅનિલા આઇસક્રીમ ઍડ કરીને આ મિક્સરને ગ્રાઇન્ડ કરી નાખવાનું. જો ઘરમાં ક્રીમ હોય તો એ ક્રીમનું એક લેયર લસ્સી પર પાથરી દેવાનું. દૂધની મલાઈ પણ ચાલે. આઇસક્રીમ નાખેલી આ લસ્સીની સ્વીટનેસ અને થિકનેસ તમને બહારની લસ્સી જેવી જ લાગશે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2020 11:07 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK