જે કર ઝુલાવે પારણું...: કચ્છની નારીશક્તિઓ

Published: Feb 11, 2020, 13:32 IST | Kishor Vyas | Kutch

જીવન, જંગલ અને ઝંઝાવાતોમાં કચ્છી નર-નારીઓમાં પ્રવેશી બધું જ સહેતી રહી અને સહનશીલતાના પાઠ શીખવતી રહી! હર પળે, હર દિશાએ, હર ક્ષેત્રે વ્યાપક કચ્છની એ મુખ્ય નારીશક્તિ!

પ્રથમ મહિલાશક્તિ, આરાધ્યદેવી, કચ્છની કુળદેવી જગદંબા આશાપુરાને વંદન! જેણે કચ્છની ધરતી પર ફૂલ અને કાંટા આપ્યાં! જેણે કચ્છની ભૂમિની ફરતે ત્રણ બાજુ રણ અને સમુદ્રની ખારાશ આપી અને કચ્છી માડુઓનાં મનમાં મીઠાશ આપી! જાતે પથ્થરમાં પ્રગટ્યાં અને કાળજાની કુમાશનાં દર્શન કરાવ્યાં! એ કચ્છનાં જર, જમીન, જોરુ અને જવાંમર્દીનાં રખોપાં કરતી રહી; જીવન, જંગલ અને ઝંઝાવાતોમાં કચ્છી નર-નારીઓમાં પ્રવેશી બધું જ સહેતી રહી અને સહનશીલતાના પાઠ શીખવતી રહી! હર પળે, હર દિશાએ, હર ક્ષેત્રે વ્યાપક કચ્છની એ મુખ્ય નારીશક્તિ! કચ્છના રાજવંશે મા આશાપુરાને કચ્છનાં ધણીયાણી તરીકે સેવ્યાં હતાં! રાજાઓ તેમના આશિષથી પોતાને કચ્છના માત્ર વહીવટકર્તા ગણતા હતા. એ જ, બસ એ જ, શક્તિ કચ્છની તમામ નારીશક્તિઓમાં સંસ્થિત રહી!

સ્ત્રી આમ પણ ત્યાગ, મમતા અને સહનશીલતાની મૂર્તિ ગણાય છે. પડે પુરુષ, પણ પીડા સ્ત્રી વેઠતી હોય છે. વંઠે પુરુષ, પણ વેંઢાર એ સ્ત્રી જ કરતી હોય છે. એ ભુલાઈ જાય છે, માત્ર પુરુષના વિજયી મદમાં! પુરુષની સફળતામાં! એ ત્યારે છુપાઈ જાય છે, યશ બધો પુરુષને આપે છે, અપાવે છે! આ એક સનાતન સત્યની અત્યંત નજીકની વાત ગણી શકાય.

જ્યારે પિતાની આજ્ઞાનું પાલન કરી, કચ્છ પાછા ન ફરવાનો નિર્ણય કરી જામ લાખો ફુલાણી કચ્છની સરહદ છોડી જાય છે ત્યાર પછી કચ્છની ધરતી પર દુર્દશા ઊતરી આવે છે. કચ્છમાં લાખાની ગેરહાજરીથી દુષ્કાળ પર દુષ્કાળ પડવા માંડતાં લોકોને લાખો ફુલાણી યાદ આવે છે, પણ તેને શોધવા કે બોલાવવા કોણ જાય? ત્યારે એવા સમયમાં અણહિલપુર પાટણમાં રહેતા લાખાને પાટણની શેરીઓમાં એક દર્દપૂર્ણ મૃદુ અવાજ કાને પડઘાયા કરે છે! કચ્છી ભાષામાં દુહા-ગીત અને છંદ સાથે એક યોગિની શેરીએ-શેરીએ ફરી રહી હતી અને ગાતી હતી...

‘વર લાખા મેરાણ, તો વિણ કાછો કુવાયો,

સુરતગીત સુજાણ, માડુએ પ્યો મામલો;

મુંજા મંગણહાર, ભિની શત ભુણકેઆ,

કાં ડુખીડે ડુંવેંઆ, કાંડેમે ડુકાર;

ભઠ્ઠી મથે ધાણ, ફૂલ પસાં ન વાડીએં,

બઈ તાણાતાણ, સજણ સીણાય બંધજી”

ભેદી શબ્દોમાં ભરેલા કચ્છની હાલતના આ સમાચાર સાંભળીને લાખાના હૃદયને આંચકો લાગ્યો અને શેરીએ-શેરીએ કચ્છની હાલત વર્ણવી લાખા ફુલાણીને કચ્છ પાછા ફરવા જાગૃત કરનાર એ કચ્છનાં સતીમા હતાં અને નામ હતું ‘ડાહી ડુમણી’! કહેવાની જરૂર નથી કે પછી લાખો સતીમાને મળે છે, મા તેને સમજાવે છે અને લાખો કચ્છ પાછો ફરીને કચ્છરાજની ધૂરા સંભાળે છે. લાખાના પાછા ફરવા સાથે કચ્છમાં શ્રીકાર વરસાદ થાય છે! લાખા ફુલાણીને મેઘરાજાનો અવતાર માનવામાં આવતો હતો.

કચ્છની નારીશક્તિ સમાન સતી ડાહી ડુમણી લાખાની નામના પાછળ ઢંકાઈ ગયાં હતાં!  પોતાની અટકને તો ‘તોરલે’ અમરતા બક્ષી હતી. કચ્છની વહુવારું ‘સતી તોરલે’ પતિ જેસલને પીર બનાવ્યો! છતાં પણ તેમની સમાધિએ જનારા પહેલું નામ જેસલનું જ લે છે! તોરલનું નહીં! કચ્છમાં જાડેજા વંશના રાજ્યની સ્થાપના કરનારા મહારાઓ શ્રીખેંગારજી પહેલાને બચપણમાં જામ રાવલથી બચાવવા માટે પોતાના સાત-સાત પુત્રોને નજર સામે તલવારથી કપાતા જોઈ રહેનાર ભિયા કક્કલની પત્ની મલ્લણી પુરુષોને પણ શરમાવે તેવી વીરાંગનાની ભૂમિકા ભજવી ગઈ છે!

તો, પછી એ જ બાલકુંવર ખેંગારજી અને સાહેબજીને જામ રાવલથી બચાવવા અબડાસા તાલુકાના વીંઝાણ ગામમાં વધુ ને વધુ સમય સુધી રોકી રાખવાની તરકીબ રૂપે દરબાર ગઢના દરવાજાને તાળાં વાસી દઈને જામ રાવલને ભ્રમિત કરનાર જાગીરનાં રાણી સાહેબાને જેટલું યાદ કરીએ એટલું ઓછું છે! ગઢના દરવાજા અંદરથી બંધ જોઈને જામ રાવલ એમ જ સમજી બેઠો કે બા સાહેબે ખેંગારજી અને સાહેબજી બન્ને રાજ કુંવરોને રાણીવાસમાં આશરો આપીને છુપાવ્યાં છે! તેણે બા સાહેબને ખૂબ વિનંતી કરી કે બન્ને કુંવરો મને સોંપી દો, પરંતુ તેમણે જવાબ પણ વાળ્યો નહીં કે ન તો ગઢના દરવાજા ખોલ્યા! તેમ-તેમ જામ રાવલની શંકા દૃઢ થતી ગઈ કે બન્ને કુંવરો જરૂર અંદર છે! આખરે તેણે દરવાજા તોડાવ્યા અને આખા દરબાર ગઢમાં અને પછી ગામમાં દરેક શેરી અને ઘરમાં ફરી વળ્યો, પણ જામ હમીરજીના બન્ને કુંવર ખેંગારજી અને સાહેબજી તેને જોવા ન મળ્યા! એ બા સાહેબે તે બન્ને રાજ કુંવરોને બચાવવા અપનાવેલી તરકીબ ઇતિહાસમાં અંકિત થઈ ગઈ, કારણ કે ત્યાં સુધીમાં કચ્છના તે બન્ને રાજ કુંવરોને લઈને છછર બુટો અમદાવાદના રસ્તે ખૂબ જ આગળ નીકળી ગયો હતો. જો મલ્લણી પોતાના સાત પુત્રોનું બલિદાન ન આપત અને વીંઝાણનાં રાણીએ તરકીબ ન વાપરી હોત તો કચ્છના જાડેજા વંશનો રાજાશાહી ઇતિહાસ જુદો જ હોત! મા-ભોમ અને કચ્છરાજ માટેની ભક્તિના કારણે પોતાના સાત પુત્રોને નજર સામે લોહીનાં ખાબોચિયાંઓમાં કપાયેલા જોઈ રહી હોવા છતાં તેની આંખમાંથી આંસુનું એક ટીપું પણ વહ્યું નહીં અને ન તો કુંવરોને છુપાવ્યા હતા એ કડબની મોટી ગંજી તરફ તેની નજર ફરીને ગઈ! આવી નારીશક્તિને ન તો ઇતિહાસ ભૂલી શકે, ન તો ગુણીયલ કચ્છી લોકો! તો વળી જેઠીબાઈ ખત્રી કેમ ભુલાય? જેણે પોર્ટુગીઝ સરકારને પણ ઝુકાવી હતી!

સમય બદલાયો. અંગ્રેજોનું રાજ ગયું એ સાથે કચ્છમાંથી પણ રાજાશાહીએ પણ વિદાય લીધી. પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હતો. કચ્છીસ્ત્રીઓ પણ દેશ અને દુનિયાની મહિલાઓની હરોળમાં આવવા તક શોધવા લાગી હતી. જેને તક મળી તેણે તાકાત લગાડીને કેટલાંક ક્ષેત્રોમાં નામના મેળવી. ઈસવી સન ૧૯૧૫થી ૧૯૪૭ના ગાળા દરમ્યાન સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી જેવા યુગપુરુષનું વૈચારિક સામ્રાજ્ય વિકસ્યું હતું, પરંતુ કચ્છની કોઈ એવી પ્રતિભા ગાંધીજી સાથેના સીધા નેતૃત્વમાં નહોતી એથી કચ્છમાં એ પ્રભાવનો પ્રતિભાવ ઘણો હળવો હતો. તેમ છતાં, સ્વતંત્રતા પછીના કાળમાં કેટલીક મહિલાઓએ વિવિધ ક્ષેત્રે કચ્છનું નામ રોશન કર્યું છે.

બદલાયેલા સમયમાં સૌપ્રથમ પહેલી હરોળમાં આવે એવાં શ્રીમતી સુમતિબેન મોરારજી ગણી શકાય જેમને ‘ફર્સ્ટ લેડી ઑફ ઇન્ડિયન શિપિંગ’નું બિરુદ મળ્યું હતું. નૃત્યના ક્ષેત્રે શ્રીમતી ગુલ બર્ધનનું નામ આવે છે. તેમણે ઇન્ડિયન નૅશનલ થિયેટર સાથે જોડાઈને નૃત્યના ક્ષેત્રે અદ્ભુત નામના મેળવી હતી. તો કચ્છનાં સુપુત્રી વિજયાબેન શેઠ એ પ્રથમ કચ્છી મહિલા બન્યાં જેણે આઇએએસની ડિગ્રી મેળવી અને ગુજરાતની સેવા પણ કરી. ચંદ્રાબેન બુદ્ધભટીએ પ્રથમ મહિલા પાઇલટ બનવાનું માન મેળવ્યું. તેઓએ વિમાનચાલકોની સંસ્થાનું ગવર્નર પદ પણ શોભાવ્યું. તો વળી સરોજબેન પાઠકે સાહિત્યના ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરીને કચ્છને ગૌરવ અપાવ્યું છે.

સિદ્ધિ પ્રાપ્ત કચ્છી મહિલાઓની વાત માંડી હોય અને મહિલાઓએ સંગઠિત થઈને ઊભી કરેલી અને વિશિષ્ટ પ્રવૃત્તિ કરતી સંસ્થાઓનો ઉલ્લેખ એટલો જ જરૂરી બની રહે છે. એમાં પણ રાજાશાહી દરમ્યાન ૧૯૩૬માં જેની સ્થાપના કરવામાં આવી હતી એ ‘શ્રી ભુજ મહિલા મંડળ’ કેમ ભૂલી શકીએ! જેનાં સ્થાપક પ્રમુખ હતાં શ્રીમતી શરદ્કાન્તાબેન મહેતા, ડૉ. તીલોત્તમા દેસાઈ અને શ્રીમતી અનસૂયાબેન દેસાઈ.

છેલ્લાં ૩૦૦ વર્ષ દરમ્યાન જે મહિલાઓ કચ્છની કૂખે જન્મી હતી એમાં સંત કવયિત્રી રતનબાઈએ ૨૫૦ વર્ષ પહેલાં સાહિત્યને ઉત્તમ રચનાઓ આપી છે. આધ્યાત્મિક ક્ષેત્રે યોગિની આનંદ લહેરીએ સ્ત્રીઓની નીડરતાનો પરિચય કરાવ્યો હતો. કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘના પાયામાં જેમનું યોગદાન રહ્યું છે અને મહાત્મા ગાંધી પ્રેરિત નિસર્ગોપચાર કેન્દ્ર ઉરુલી-કાંચનના ગાંધીજીએ જેમને કાયમી ધોરણે નિયામક નિયુક્ત કર્યાં હતાં તે ગંગાબેન પુરુષોત્તમ ખેરાજ ભાટે કચ્છમાં અબડાસા તાલુકાના મોથાળા ગામનાં હતાં. સર્વોદય યોજનાથી સેવાકાર્યનો પ્રારંભ કરનાર પાટીદાર જ્ઞાતિનાં કુ. વીરબાળા ભુડિયાએ પાછળથી પરિચારિકા ક્ષેત્ર સ્વીકાર્યું હતું અને એ જ ક્ષેત્રમાં જનરલ નર્સિંગની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. ત્યાર બાદ  નર્સિંગ ક્ષેત્રે ૫૦ની ઉંમર વટાવ્યાં પછી પીએચડી થયાં. એટલું જ નહીં, રાજ્યની એવી ચાર મહિલાઓમાંનાં એક અને કચ્છનાં એ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા બની રહ્યાં.

વિષમ સામાજિક-આર્થિક સ્થિતિની વચ્ચે રહીને કચ્છને ગૌરવ અપાવનાર મહિલાઓમાં જોહરાબાનું ઢોલિયાએ લોકસાહિત્ય સંદર્ભે પીએચડીની ડિગ્રી મેળવી હતી, જ્યારે અમીનાબેન ખત્રીએ ૨૫ વર્ષની ઉંમરે બાંધણીકામમાં રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એવરેસ્ટ વિજેતા તેનસિંહ નોરકે પાસેથી તાલીમ લઈને ૧૯૬૨-’૬૩માં માધવીબેન ઉમંગીલાલ ભટ્ટે હિમાલયનાં ૨૩૦૦ ફુટની ઊંચાઈએ આવેલાં ત્રિશૂલ અને કૈલાસ શિખરોનું સફળ આરોહણ કર્યું હતું. આ કચ્છની નારીશક્તિઓને શત શત વંદન!

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK