Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શશશ... તમે ઑબ્ઝર્વેશનમાં છો

શશશ... તમે ઑબ્ઝર્વેશનમાં છો

27 March, 2020 06:38 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

શશશ... તમે ઑબ્ઝર્વેશનમાં છો

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


બીજું કોઈ નહીં પણ તમારાં બાળકો જ તમારું ધ્યાનથી નિરીક્ષણ કરી રહ્યાં છે અને જાતે પોતાનું ઘડતર પણ કરી રહ્યાં છે. અત્યારે બહારની ક્રાઇસિસવાળી સ્થિતિમાં ઘરમાં રહીને તમે કેવું વર્તન કરો છો એના પર તમારાં બાળકોનું ફ્યુચર નિર્ભર છે. આજે ચાઇલ્ડ સાઇકોલૉજીના બે નિષ્ણાતો સાથે વાત કરીને પાંચ એવી બાબતો દરેક પેરન્ટ માટે અમે શોધી છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે

‘કંટાળી ગયા ઘરે રહીને, રામ જાણે ક્યારે બધું અટકશે’, ‘અરે યાર, મળને નીચે, પોલીસ પકડશે તો કહી દેશું કે દીકરાને ખાંસી છે એટલે દવા લેવા ઊતર્યા છીએ’, ‘આખો દિવસ શું અવાજ કરો છો, સૂઈ જાઓને શાંતિથી’, ‘આ જો વૉટ્સઍપ પર, કહે છે કે ભારતમાં ત્રીસ લાખ લોકોને આ વાઇરસ લાગશે અને દર પાંચમાંથી એકની હાલત ગંભીર હશે, ભગવાન જાણે શું થશે આપણું’, ‘શું રોજેરોજ એકનું એક બનાવે છે, ઘરે છીએ ત્યારે તો ધ્યાન રાખ ખાવાપીવાનું; રોજ તો ઠંડું ખાઈએ છીએ’, ‘એક ગ્લાસ પાણી આપ તો અને પછી એક સરસ કડક ચા મૂકી દે.’



ઉપર કહેલા કે એના જેવા એક પણ ડાયલૉગ તમે બોલી રહ્યા છો અથવા એ પ્રકારનું વર્તન કરી રહ્યા છો તો સમજજો કે તમે તમારા અને તમારાં બાળકોના ભવિષ્યને અંધકારમાં ધકેલી રહ્યા છો. પરિસ્થિતિને ન સ્વીકારવાની માનસિકતા, ફેક ન્યુઝ પર ભરોસો કરવાની માનસિકતા, પત્ની કે બાળકો સાથે તોછડાઈ કરવાની માનસિકતા, ઘરના એક પણ કામમાં મદદ નહીં કરવાની અને માત્ર ઑર્ડર કરવાની માનસિકતા આ બધું તમને જ નડવાનું છે. નિષ્ણાતો સતત કહી રહ્યા છે કે શાંતિથી પરિવાર સાથે આ મજાનો સમય પસાર કરોને. શું કામ રઘવાયા થઈ જાઓ છો; સમયનો સદુપયોગ કરોને, શું કામ હાય-હાય કરો છો? ચાઇલ્ડ સાઇકોલૉજીના નિષ્ણાતો વધુ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અત્યારનાં મમ્મી-પપ્પાને ધ્યાનમાં રાખીને કહી રહ્યા છે જેના પર સહેજ વધુ અલર્ટ થવાની જરૂર છે. એ વિશે જોઈએ આગળ.


મોટા ભાગે બાળકો સ્કૂલમાં હોય અને તમે ઑફિસમાં. ક્યારેક વેકેશનમાં બહારગામ જાઓ તો એમાં પણ જુદી સ્થિતિ હોય છે. અત્યારની સ્થિતિ વિશે ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રાજીવ આનંદ કહે છે, ‍‘અત્યારના સમયમાં બાળકની અને તમારી પોતાની ભૂમિકા સમજવાની ખૂબ જરૂર છે. આ વખતે પહેલી વાર બાળકોને તમને સંપૂર્ણ ઑબ્ઝર્વ કરવાની તક મળવાની છે. નિરાંતવાળા તમે. કોઈ ડેડલાઇન નહીં, કોઈ પ્રેશર નહીં, કોઈ દોડાદોડ કે ઉચાટ વિનાના તમે. બાળકો સામે તમારું એક જુદું વ્યક્તિત્વ બહાર પડી રહ્યું છે. આ નિરાંતવાળા તમે કેવા છો એની ઝીણી વિગતો બાળક પોતાના માઇન્ડમાં રજિસ્ટર કરવાનું છે. આજ પહેલાંના તમે અને હમણાંના તમે જુદા છો એ વાત પર બાળકોના મનમાં પઝલ ક્રીએટ કરશે. અત્યાર સુધીમાં તમે હતા એના કરતાં જુદા ગિયરમાં રહેલા પેરન્ટ્સને તેઓ જોઈ રહ્યાં છે એટલે નવું જોશે અને નવું શીખશે. એ સમયે તમારી જવાબદારી વધી જાય છે. આ સમય એવો છે જેમાં તમે વર્તમાન પરિસ્થિતિને કઈ રીતે ઍક્સેપ્ટ કરી છે એ બાળક જોશે અને બાળકમાં ઍક્સેપ્ટન્સનો ગુણ ખીલશે. અત્યારના સંજોગોમાં જે થઈ રહ્યું છે એનો સહજ સ્વીકાર કરીને આપણી જવાબદારી આપણે બરાબર નિભાવીએ એ બાબત બાળકને શીખવવાની છે. તમે પોતે પણ આ માહોલથી ટેવાયેલા નથી એટલે મનમાં ઊથલપાથલ થશે પણ તમારે એના પર કન્ટ્રોલ કરવાનો છે. તમારી ગંભીરતાને અકબંધ રાખીને બાળક સામે સ્વસ્થતા સાથે દરેક સંજોગ સામે કઈ રીતે રહેવું, ખાસ કરીને આવા અકલ્પિત સંજોગોને કઈ રીતે હૅન્ડલ કરવા એ દિશામાં બાળકોને તૈયાર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.’

shilpa


મોટા ભાગના લોકો ડાયરેક્શન વિના અને ગોલ વિના રેસ્ટલેસ ફીલ કરી રહ્યા છે. ડૉ. રાજીવ કહે છે, ‘જો તમારું ગોલ વિનાનું બિહેવિયર બાળક સામે છતું થશે તો એને પણ બાળક કૉપી-પેસ્ટ કરશે. બીજી એક બાબત, ઘણી વાર અજાણતાં જ કેટલુંક રફ બિહેવિયર ઘરના રિલૅક્સ્ડ માહોલમાં કરી બેસતા હોઈએ છીએ. ઘરનાં કપડાંમાં ઇન્ફૉર્મલ માહોલમાં એવું કરવા માંડો છો જે અત્યાર સુધી બાળકે નોટિસ નહોતું કર્યું, કારણ કે તેણે તમારી સાથે આટલો બધો સમય જ પસાર નહોતો કર્યો. ગમે તેમ છાપું મૂકવું, દિવસમાં વધુ વાર ચા પીવી, સિગારેટો ફૂંકવી, મિત્રો સાથે ફોનમાં અપશબ્દો સાથે વાતો કરવી, ફોનમાં ચોંટેલા રહેવું જેવું બધું જ. આ બધું કરવાને બદલે તમે બાળક સાથે ખરેખર એવો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકો જેમાં તમે માત્ર તેની સાથે વાત કરતા હો. આંખોમાં આંખ પરોવીને ઘડિયાળ કે મોબાઇલ સામે જોયા વિના બે ઍડલ્ટ કરે એ રીતે ફુલ ફોકસ્ડ સાથેની દિવસની વીસ મિનિટ તમે તેને આપો. ફૅમિલીમાં સેલ્ફલેસ શૅરિંગ શીખવવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. અનકન્ડિશનલ લવ કોને કહેવાય એ તમારા વ્યવહાર અને વર્તનમાં ઉમેરવાનો આ સમય છે. અત્યારના માહોલમાં તમે કઈ રીતે પૉઝિટિવિટી બરકરાર રાખો છો એ પણ બાળક જોશે. તો તમે ગભરાઈને શું થશે એનાં રોદણાં રડવાને બદલે કે વધી રહેલા કોરોના કેસના નંબરથી ભયભીત થઈને ભયનો ઘરમાં પ્રસાર કરવાને બદલે પરિસ્થિતિમાંથી કેમ બહાર આવી શકાય એની ચર્ચા કરો. માત્ર બાળક સાથે નહીં પણ સતત તમારા વ્યવહારમાં અને બીજા બધા સાથે, કારણ કે બાળક તમે કહો છો એ નહીં પણ તમે કરો છો એમાંથી શીખે છે.’

બાળકો માટે આ પાંચ E ધ્યાનમાં રાખો અત્યારે ઃ નીરુ છેડા, સાઇકોથેરપિસ્ટ

ઇન્વૉલ્વમેન્ટ

પેરન્ટ્સ નાનાં બાળકોથી લઈને ટીનેજ અને પરણી ગયેલાં સંતાનો સાથે પણ ઇન્વૉલ્વ થવાય એવી ઍક્ટિવિટી કરી શકે છે. કૅરમ, લુડો, ચેસ, કાર્ડ્સ જેવી રમતો ઉપરાંત ડ્રૉઇંગ, સિન્ગિંગ, ક્રાફ્ટિંગ જેવી ઍક્ટિવિટી બાળકો સાથે કરો. બાળકને ગમતી કોઈ ફિલ્મ જુઓ અને એમાં હસો, તમારી જિજ્ઞાસા દેખાડે એવા પ્રશ્નો ફિલ્મને લઈને કરો.

એન્કરેજમેન્ટ

બાળકને કંઈક નવું શીખવા માટે પ્રોત્સાહિત કરો. ઇન્ટરનેટના માધ્યમથી શીખો, કોઈ નવું ગીત, ભજન કે કંઈ પણ એવું.

ઇમોશનલ બૉન્ડિંગ

વાતો, વાતો ને વાતો. યસ, ઘરમાં અને ઘરમાં જ રહીને બાળકો સાથે ઇમોશનલ બૉન્ડિંગ વધારવાનો એક રસ્તો છે વાતો, વાતો અને વાતો. તેમની સાથે કોઈ પણ વિષય પર ચર્ચા કરો. તેમને સિંગલ અટેન્શન આપીને સાંભળો. વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નહીં. નો મોબાઇલ, નો ટીવી. માત્ર તે અને તમે. કોરોનાની વાત કરો, ભૂતકાળમાં ઘટેલી આવી ઘટનાઓની, તમારી શાળાના દિવસોની, તેમના ફ્રેન્ડ્સની, ફ્રેન્ડની મસ્તીઓની કોઈ પણ વાતો; પણ વાત કરો.

એજ્યુકેટ

એજ્યુકેટ એટલે શિક્ષણવાળું એજ્યુકેશન નહીં પણ સંજોગોવાળું એજ્યુકેશન. અહીં વ્યવહારિક જ્ઞાનની વાત છે. દુનિયાદારીમાં આ પ્રકારના સમયગાળામાં શું થઈ શકે એ વાત હકારાત્મક અભિગમ સાથે બાળકોને થાય એ જરૂરી છે.

ઈટ ઍન્ડ ડૂ

ઘરમાં રહીને ખાવાપીવાની બાબતમાં ઘણી છૂટછાટો લેવાઈ જતી હોય છે. ડાયટની મહત્તા, હેલ્ધી ડાયટ વિશે પણ વાતો થાય અને અમલમાં મુકાય એ જરૂરી છે. શું કામ બધાં શાક ખાવાં જરૂરી છે અને કેવી રીતે બાળકો બધું જ ખાતાં શીખે, બનાવતાં શીખે, દરેક બાબતમાં સ્વાવલંબી થતાં જાય એવા પ્રયત્નો આ દિવસોમા થવા જોઈએ. તેમની પાસે કુકિંગ પણ કરાવો, વાસણ પણ ધોવડાવો અને ઝાડુપોતાં પણ કરાવો. સમય આવે બધું જ કરવું પડે અને હળીમળીને બધાએ કરવાનું હોય એ મેસેજ આપવા માટે આ બેસ્ટ સમય છે. ઘરનું કામ મમ્મી જ એકલી ન કરે; એ પપ્પા પણ કરે, દાદા પણ કરે, દાદી પણ કરે અને બાળક પોતે પણ કરે એ માહોલ પીરસવાનો આ સમય છે. સમયને સાધી લો. ટ્રસ્ટ મી, આવનારા સમયમાં એનો ખૂબ લાભ થશે, તમને પણ અને તમારા બાળકને પણ.

અત્યારના સમયમાં બાળકની અને તમારી પોતાની ભૂમિકા સમજવાની ખૂબ જરૂર છે. આ વખતે પહેલી વાર બાળકોને તમને સંપૂર્ણ ઑબ્ઝર્વ કરવાની તક મળવાની છે. નિરાંતવાળા તમે. કોઈ ડેડલાઇન નહીં, કોઈ પ્રેશર નહીં, કોઈ દોડાદોડ કે ઉચાટ વિનાના તમે. બાળકો સામે તમારું એક જુદું વ્યક્તિત્વ બહાર પડી રહ્યું છે

ડૉ. રાજીવ આનંદ, ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2020 06:38 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK