વેકેશન અને વેફરનું કંઈક આવું છે કોમ્બિશન?

Apr 04, 2019, 16:02 IST

આ વેફર એમ જ એટલી ટેસ્ટી લાગતી હોય છે કે તેની સાથે બીજું કંઈ ન હોય તો પણ ચાલે.

બટાટાની વેફર
બટાટાની વેફર

પરીક્ષા પતે અને ધાબે જઈએ તો સુકાતી હોય બટાટાની કાતરી. એટલે તમે જેને વેફર કહો છો તે જ. ભલે જાણીતી બ્રાન્ડના કેસરી ચમકતા પડીકાની વેફરો વધુ વેચાતી હોય, પણ મમ્મીઓ ધાબે ચડીને વર્ષો પહેલા કાઢી નાખેલા, રંગ ઉડી ગયેલા સાડલાને પાથરી ચારે બાજુ પત્થર મૂકીને તેના પર સૂકવે અને પછી એ વેફર જ્યારે તળાઈને ડબ્બામાં પહોંચે એ ખાવાનો આનંદ અનેરો હોય છે.

ભઈ વેફર સાથે અમારી તો વેકેશનની કંઈ કેટલીય યાદો છે. તમારી પણ હશે. જાતભાતની વેફર અને વેકેશનની ધોમધખતી બપ્પોર. ઉનાળાની શરૂઆત અને શાળાઓમાં પડતી રજા મુખ્ય તો આ બે કારણો છે ખાસ તો ગુજરાતીઓ માટે ઘરમાં વેફર બનાવવાના. જો કે ગુજરાતીઓ ખાસ તો ખાવાના શોખીન ગણાય અને પાછું ઘરનું બનેલું સારું એમ માનનારી પ્રજા એટલે જે બહાર મળતી હોય તે ઘરે બનાવી શકાતું હોય તો પહેલા પ્રાથમિકતા ઘરે બનેલી વાનગીને મળે.

ગુજરાતીઓ એટલે કે આપણે પાછા ખાવાના શોખીન હોય તો એમ કેમ માની લેવાય કે કોઈ વાનગી ખાવા માટે કોઈ સીઝનની રાહ જુએ અને હા આ ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતીઓ માટે જાણે આખું વર્ષ ખાઈ શકાય તેવી વાનગીઓ બનાવવાની તૈયારીની સિઝન આવી હોય તેમ સૌ પ્રથમ તો ઘરે વેફર બનાવવાથી શરૂઆત થાય. પછી બજારમાં કેરીઓ આવી ગઈ હોય એટલે જાતજાતના અથાણાં બને અને પછી કેરી આવે એટલે કેરીની જાળવણી કરવી જોઈએ.

ઉનાળો હોય એટલે વેફર તો બનવાની. એ ય પાછો આપણને એકમાં ક્યાં સંતોષ થાય. આપણને જુદી જુદી વેરાયટી ખાવા જોઈએ. એટલે એકલી બટાટાની નહીં પણ સાબુદાણાના પાપડ, કેળાની વેફર, ખીચાં પાપડ વગેરે વગેરે વગેરે વગેરે ઘણુંય બનીને ડબ્બામાં સંઘરાઈ જાય. આ બધાં નામો વાંચતાં સાંભળતાં તો જાણે મોંમાં પાણી આવી ગયું. પણ આ બધી ઘરે બનતી વેફરનો સ્વાદ આખું વર્ષ માણી શકાય તે માટે ખાસ તો ઉનાળામાં જ મહેનત કરવી પડતી હોય છે. તો જોઈએ કેવી રીતે બનાવાય છે આ વેફર્સ.

આ પણ વાંચો : શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ શૈક્ષણિક પ્રવાસ માટે પણ છે ઉપયોગી

બજારમાંથી મોટી સાઇઝના બટાટા પોતાના પરિવારની જરૂરિયાત પ્રમાણે ખરીદીને તેની છાલ ઉતારી તેને છીણીને ત્રણથી ચાર પાણીથી ધોયા બાદ બટાટાની વેફરને પાણીમાં મીઠું નાખી બાફી લેવી. તડકાંમાં વેફરનું એક એક પીસ છુટું કરીને સૂકવવું, અને સૂકાઈને કડક થાય એટલે તેને હવાચુસ્ત ડબ્બામાં ભરી લેવી. જરૂરીયાત પ્રમાણે તેલમાં તળીને ગરમ ગરમ પીરસવી. સાથે અથાણું કે ચટણી મૂકી શકાય જો કે આ વેફર એમ જ એટલી ટેસ્ટી લાગતી હોય છે કે તેની સાથે બીજું કંઈ ન હોય તો પણ ચાલે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK