બાળકોને આર્થ્રાઈટિસ ન થાય એવો ભ્રમ ન રાખવો

Published: 12th October, 2011 18:59 IST

આજે વર્લ્ડ આર્થ્રાઇટિસ ડે છે. ખાસ કરીને પ્રૌઢાવસ્થા પછી વકરતો આ રોગ બાળવયમાં પણ થાય છે અને એને કારણે સાંધાઓની ફ્લેક્સિબિલિટી ઘટી જતાં અનેક શારીરિક અક્ષમતાઓ આવી શકે છે. જેટલું વહેલું નિદાન થાય એટલું ઓછું નુકસાન થાય માટે ચેતતા રહેવું જરૂરી છે

 

સેજલ પટેલ

આર્થ્રાઈટિસ એટલે કે એક પ્રકારનો સાંધાનો દુખાવો તો સિનિયર સિટિઝન્સમાં જ થાય એવી જો તમારી માન્યતા હોય તો એ ખોટી છે. વર્લ્ડ હેલ્થ  ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ ૬૬ ટકાથી વધુ આર્થ્રાઈટિસના દરદીઓ ૬૫ વર્ષથી નાની ઉંમરના છે. એટલું જ નહીં, ૧૬ વર્ષથી નાની વયનાં બાળકોમાં પણ  આર્થ્રાઈટિસનાં લક્ષણો દેખાવાનું અસામાન્ય નથી. બાળકોમાં થતા આર્થ્રાઈટિસને ડૉક્ટરો જુવેનાઇલ આર્થ્રાઈટિસ કહે છે. પુખ્તોમાં થતા રોગની જેમ  બાળકોમાં પણ વિવિધ ટાઇપના આર્થ્રાઈટિસ થાય છે.

જુવેનાઇલ ઇડિયોપથિક આર્થ્રાઈટિસ એ બાળકોમાં જોવા મળતો સૌથી કૉમન પ્રકાર છે. જુવેનાઇલ ક્રોનિક આર્થ્રાઈટિસ તરીકે પણ એ ઓળખાય છે. આમ  તો આ તકલીફ કોઈ પણ ઉંમરે શરૂ થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે પાંચ વર્ષથી નાનાં બાળકોમાં આનાં લક્ષણો દેખા દેવા લાગે છે. છોકરા-છોકરી બન્નેને  આર્થ્રાઈટિસ થઈ શકે છે, પરંતુ છોકરાઓ કરતાં છોકરીઓ આનો વધુ ભોગ બને છે. લગભગ ૧૦૦ પ્રકારના આર્થ્રાઈટિસ છે જે બાળકોમાં પણ જોવા મળે  છે. એ કેમ થાય છે એનું કારણ હજી સુધી કોઈ સાયન્ટિસ્ટ પૂરેપૂરું સમજી નથી શક્યા. ને એટલે જ એને ઇમ્યુન સિસ્ટમના પ્રતિભાવમાં ગરબડ થવા સાથે  સાંકળવામાં આવે છે. કોઈક કારણસર અચાનક જ સાંધાના સારા કોષો અને ડેન્જરસ કોષો વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ઘટી જતાં રોગપ્રતિકારક શક્તિ સારા અને  હેલ્ધી કોષો પર અટૅક કરીને એને ડૅમેજ કરવા લાગે છે. સાયન્ટિસ્ટોનું માનવું છે કે બાળકોમાં આર્થ્રાઈટિસ થવા પાછળ ખાસ વાઇરસ અને બૅક્ટેરિયા કારણભૂત  હોવા જોઈએ, પરંતુ કયા ચોક્કસ જીવાણુઓને કારણે લક્ષણો થાય છે એ કહેવું મુશ્કેલ છે.

વિવિધ ટાઇપની તકલીફ

ઑલિગોઆર્થ્રાઈટિસ : રોગની શરૂઆતના છ મહિનામાં જ શરીરના એક કે વધુમાં વધુ ચાર સાંધામાં સોજો, દુખાવો, સ્ટિફનેસ દેખાય એને ઑલિગોઆર્થ્રાઈટિસ કહેવાય છે. આમાં મોટા ભાગે ઘૂંટણ, કાંડાં, પગની ઘૂંટી કે કોણીના સાંધાને અસર થાય છે.

પૉલિઆર્થ્રાઈટિસ : શરીરના પાંચ કે એનાથી વધુ સાંધાઓમાં આર્થ્રાઈટિસનાં લક્ષણો દેખાય છે એને પૉલિઆર્થ્રાઈટિસ કહે છે. આ તકલીફ કોઈ પણ એજમાં જોવા મળી શકે છે. સાવ નાના બે-ત્રણ વર્ષના બાળકમાં પણ અને ૧૬-૧૭ વર્ષના કિશોરમાં  પણ. ઘણી વાર રોગની શરૂઆત એક-બે સાંધાઓથી જ થઈ હોય છે ને એ આગળ વધતાં લાંબા ગાળે એટલે કે પુખ્તાવસ્થા આવી ગયા પછીથી વધુ સાંધાઓને અસર  કરે છે. વીસ ટકા બાળકોને આ પ્રકારનો પૉલિઆર્થ્રાઈટિસ જોવા મળે છે.

સિસ્ટમેટિક આર્થ્રાઈટિસ : એમાં આખા શરીરને અસર પહોંચે છે. જોકે આ તકલીફ પાંચ વર્ષ કે એથી નાનાં બાળકોમાં જ વધુ જોવા મળે છે. બાળકોમાં  આર્થ્રાઈટિસના પ્રકારોનું સચોટ નિદાન કરવું ખૂબ અઘરું હોય છે, પરંતુ સાંધાઓમાં સોજો, તાવ અને જકડાહટ જેવાં દેખીતાં લક્ષણો હોય તો કેટલાંક પરીક્ષણો  કરવામાં આવે છે.

સારવારમાં અને કાળજી

  • રોગ થવાનું કારણ સમજાતું ન હોવાથી જડમૂળથી એને ક્યૉર કરવાનું શક્ય નથી; પરંતુ પીડા ઓછી થાય, સાંધાઓની સ્ટિફનેસ ઘટે, જૉઇન્ટ્સમાં વધુ ડૅમેજ થતું  અટકે તેમ જ સોજો, લાલાશ ઘટે અને નૉર્મલ ઍક્ટિવિટી થઈ શકે એ માટે હેવી પેઇન કિલર્સ આપવામાં આવે છે.
  • એ ઉપરાંત લાઇફસ્ટાઇલમાં ખૂબ મેજર ચેન્જિસ લાવવા પડે છે. જેમ કે દિવસમાં ઓછામાં ઓછી દસથી અગિયાર કલાકની ઊંઘ બાળકને મળવી જોઈએ. કોઈ પણ  પ્રકારનો મેન્ટલ કે ફિઝિકલ સ્ટ્રેસ ન આપવો.

  • એક જ પોઝિશનમાં બાળક બેસી કે સૂઈ ન રહે એ જોવું, નહીંતર અમુક જૉઇન્ટ પર ભાર આવવાથી એ સ્ટિફ થઈ જઈ શકે છે. પીડાશમન માટેની હૉટ કે કોલ્ડ પૅક  ટ્રીટમેન્ટ આપવી.

  • બેસી રહેવાનું કે જરાય ઍક્ટિવિટી ન કરાવવાની ભૂલ ન કરવી. હળવી કસરતો કરાવતા રહેવી. સાંધાઓ વાંકા ન વળી જાય એ માટે ખાસ ઑથોર્ટિક્સ પટ્ટા આવે છે  એનો ડૉક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો. મસાજ કે વૉટર ટ્રીટમેન્ટ આપવી.


સૌથી અગત્યનું છે કે પીડાને કારણે બાળકને સાવ ઘરકૂકડી ન બનાવી દેવું. ઍક્ટિવિટીમાં રચ્યાપચ્યા રહીને તેમ જ લોકો સાથે હળીમળીને આનંદમાં રહે એવું  વાતાવરણ બનાવવું.

લક્ષણો

હાઇ ગ્રેડ ફીવરની સાથે આખા શરીરે રૅશિઝ થઈ જાય, સાંધાઓમાં દુખાવો અને સોજો આવી જાય, સાંધાને અડતાંની સાથે બાળક ચીસ પાડી ઊઠે. દુખાવો એટલે  અસહ્ય હોય કે બાળક રડ્યા જ કરે, ઊંઘની દવા આપ્યા પછી પણ કણસ્યા કરે. હાડકાંનું સ્કૅનિંગ, લોહીની તપાસ, એક્સ-રે જેવી પદ્ધતિઓથી એનું નિદાન થઈ શકે છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK