બેટા, પૉટી આવે તો મમ્મીને કહેજે

Published: 7th August, 2012 06:18 IST

દોઢ-બે વર્ષનાં બાળકોને આવું કહીને મૅનર્સ શીખવતી મમ્મીઓ માટે બૅડ ન્યુઝ છે. તાજેતરનું એક સંશોધન કહે છે કે ત્રણ વર્ષ સુધીનાં બાળકોને ફોર્સફુલી અપાતી ટૉઇલેટ-ટ્રેઇનિંગ અનહેલ્ધી છે. એનાથી બાળકોને કબજિયાતની આદત ને કિડનીની તકલીફ થવાનું રિસ્ક વધી જાય છે

toilet-trainingરુચિતા શાહ

આજકાલની મમ્મીઓ તેમનાં બાળકો ગમે ત્યાં ટૉઇલેટ કરીને ઘર ન બગાડે અને તેમનું કામ ન વધારે એટલા માટે બાળક વરસ-સવા વરસનું થાય ત્યારથી જ ટૉઇલેટને લગતી મૅનર્સ શીખવવાનું શરૂ કરી દે છે તો કોઈને બાળકને વારંવાર ડાયપર બદલવાની ઝંઝટમારીમાંથી છુટકારો જોઈતો હોય છે. એટલે બાળક પોતે જ જેટલું બને એટલું વહેલું ટૉઇલેટને લઈને સતર્ક બની જાય એવું પેરન્ટ્સ ઇચ્છતા હોય છે. જોકે પેરન્ટ્સની આ અપેક્ષા પૂરી કરવા માટે બાળકે નાની ઉંમરમાં જ ટૉઇલેટને રોકી રાખવાની નોબત આવે છે જે બાળકની હેલ્થ માટે જોખમી છે.

તાજેતરમાં થયેલું રિસર્ચ આ વાતને પુષ્ટિ આપે છે. અમેરિકાની વેક ફૉરેસ્ટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે ત્રણ વર્ષ સુધી બાળકને ટૉઇલેટ-ટ્રેઇનિંગ ન આપવી જોઈએ. બાળક પોતાના કુદરતી આવેગો કુદરતી રીતે જ આગળ વધવા દે એ જરૂરી છે. જો એ રોકવામાં આવે તો લાંબા ગાળે તેમને કબજિયાત, કિડનીની તકલીફ અને પેશાબને લગતી અન્ય સમસ્યાઓ થવાના ચાન્સ સૌથી વધારે છે.

ટૉઇલેટ-ટ્રેઇનિંગ શું છે?

નાનાં બાળકો બાથરૂમ કે પૉટી માટે ટૉઇલેટ યુઝ કરતાં શીખી જાય એની ટ્રેઇનિંગ એટલે ટૉઇલેટ-ટ્રેઇનિંગ. જોકે આ ટ્રેઇનિંગ ત્યારે જ શક્ય બને જ્યારે બાળકને પોતાને ખબર પડે કે તેને છી-છી કે પી-પી કરવી છે અને તરત જ સમય રહેતાં તે મમ્મીને કહે ને મમ્મી તેને શીખવે. બે-અઢી વરસ સુધી બાળકનો કુદરતી હાજત પર કન્ટ્રોલ કે ભાન રહેતાં નથી. એટલે ભાન આવે ને પછી ટૉઇલેટ સુધી લઈ જાય ત્યાં સુધી પ્રેશર પકડી રાખવાનું અઘરું થઈ જાય છે.

આ વિશે પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘મોટાઓને પણ ટૉઇલેટ રોકી રાખવાની સલાહ નથી આપતા ત્યારે બાળકો જો તેમને થતા કુદરતી આવેગો રોકી રાખે તો એ તેમના માટે નુકસાનકારક નીવડે એ સ્વાભાવિક છે. ત્રણ વર્ષ સુધીનાં બાળકોનું મૂત્રાશય જોઈએ એટલા પ્રમાણમાં સ્ટ્રૉન્ગ નથી હોતું અને જો બળજબરીપૂર્વક તેઓ યુરિન રોકી રાખે તો તેના પર સ્ટ્રેસ વધે છે, જેને લીધે બીજી અનેક બીમારીને આમંત્રણ મળે છે.’

ડરનો જન્મ

બાળકને ફોર્સફુલી આપવામાં આવતી ટૉઇલેટ-ટ્રેઇનિંગ તેનામાં એક જાતનો ડર જન્માવે છે એમ કહીને ડૉ. પંકજ પારેખ ઉમેરે છે, ‘મમ્મી કે ઘરના લોકો બાળકને બાથરૂમ લાગતાં પહેલાં જ કહી દેવાનું સમજાવે છતાં ક્યારેક જો બાળકથી કન્ટ્રોલ ન રહે અને ચડ્ડીમાં જ કરી બેસે ત્યારે મોટા લોકો તેને વઢતા હોય છે, તેના પર બૂમબરાડા પાડીને તેને ડરાવી મૂકતા હોય છે. એનાથી બાળકના મનમાં કુદરતી હાજતની આખી પ્રક્રિયા પેઇનફુલ બની જતી હોય છે. જ્યારે પણ છી-છી કે પી-પી લાગે ત્યારે એનાથી તે ડરવા લાગે છે, ટેન્શનમાં આવી જાય છે એટલે વિના કારણે તે ટૉઇલેટને રોકી રાખે છે અને બાળકને હૅબિચ્યુઅલ કૉન્સિટિપેશન એટલે કે આદતને કારણે થયેલી કબજિયાત થાય છે જે શરીરમાં નવી બીમારીનો જન્મ કરે છે.’

લાંબી અસર

સાવ સામાન્ય લાગતી આ બાબત બાળકના ભવિષ્ય માટે પણ જોખમી છે એમ જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘દોઢ-બે વર્ષના બાળકને જો ફોર્સફુલી ટૉઇલેટ-ટ્રેઇનિંગ આપવામાં આવે તો તેને પથારીમાં પેશાબ થઈ જવો, મૂત્રાશયનું ઇન્ફેક્શન થવું, વારંવાર બાથરૂમ લાગવી, કબજિયાત થવી જેવી શારીરિક તકલીફો તો થાય જ છે; સાથે બાળકને સાઇકોલૉજિકલ અને બિહેવિયરલ ડિસઑર્ડર થવાની શક્યતાઓ પણ રહે છે. ટૉઇલેટ વખતે બાળકમાં જન્મતા ટેન્શનને કારણે તે સ્વભાવે ગુસ્સાવાળું અને ચીડિયું બની શકે અને તેનો આત્મવિશ્વાસ તૂટી શકે છે. તેની એકાગ્રતા, તેના સેલ્ફ-એસ્ટિમમાં પણ ઘટાડો થઈ શકે છે.’

તો શું કરવું?

બાળકો અમુક ઉંમર સાથે બેઝિક મૅનર્સ શીખી જ જાય છે. માતાઓ બાળકને મૅનર્સ શીખવવા માગતી હોય છે, પરંતુ બાળક માટે પ્રી-મૅચ્યોર ટીચિંગ વધુ હાર્મફુલ બની શકે છે. ટીચિંગ ઑલ્સો શુડ બી પ્લેઝન્ટ એમ જણાવીને ડૉ. પંકજ પારેખ કહે છે, ‘બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી તેની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર થાય એ તેના ઓવરઑલ વિકાસ માટે બહુ જરૂરી છે. ટૉઇલેટ-ટ્રેઇનિંગ તો નહીં જ. ત્રણ વર્ષ પછી બાળક પોતે જ બાથરૂમ કે ટૉઇલેટ લાગશે તો તમને કહેશે. એ મૅનર્સ તેનામાં જોઈ-જોઈને આવશે. એ સિવાય બાળકને વારંવાર ખાવા માટે પણ ફોર્સ ન કરવો જોઈએ. એનાથી તેને ખાવા પ્રતિ નફરત થઈ શકે છે. બને એટલું તેની સાથે પ્રેમ અને સમજાવટથી કામ લેવું જોઈએ. બાળકની ઉંમરનો આ એવો તબક્કો છે જ્યાં તેની સાથેનો નાનામાં નાનો વ્યવહાર તેના મગજ પર બહુ ઊંડી અસર છોડીને જાય છે. બાળક તમે શીખવશો એ નહીં પણ તમે જે કરશો એ શીખશે. એટલે તેને સંસ્કારી બનાવવું હશે તો તેની સામે તમારો પરસ્પર પ્રતિનો વ્યવહાર સારો રાખજો. બાળકને તેની રીતે જીવવાની ફ્રીડમ આપો. આખો સમય તેને ટોક-ટોક કરવાથી તેના પર નેગેટિવ અસર થશે.’

કડક નહીં, મક્કમ વ્યવહાર

બાળકોને સમજાવવા માટે મમ્મીઓએ હાર્શ એટલે કે કડક અથવા કઠોર નહીં પણ ફર્મ એટલે કે પ્રેમપૂર્વક મક્કમ થવાની જરૂર છે. બાળક ભણતું ન હોય તો તેના પર તાડૂકવાનો, તેને મારવાનો કે ડરાવવાનો કોઈ અર્થ નથી. પ્રેમથી મક્કમ થઈને તેને કહો કે જો બેટા, તું ભણીશ નહીં તો મમ્મી તારી સાથે વાત નહીં કરે અને ખરેખર તેની સાથે વાત ન કરો. પછી જોજો બાળક ઑટોમૅટિક તમારી પાસે દોડીને આવશે અને તમે જે કહેતા હશો એ પ્રેમથી કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK