Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કીમોથેરપી દરમ્યાન ખરેલા વાળ ટ્રીટમેન્ટ પૂરી થયા પછી એની મેળે જ પાછા ઊગી જશે

કીમોથેરપી દરમ્યાન ખરેલા વાળ ટ્રીટમેન્ટ પૂરી થયા પછી એની મેળે જ પાછા ઊગી જશે

21 December, 2012 07:02 AM IST |

કીમોથેરપી દરમ્યાન ખરેલા વાળ ટ્રીટમેન્ટ પૂરી થયા પછી એની મેળે જ પાછા ઊગી જશે

કીમોથેરપી દરમ્યાન ખરેલા વાળ ટ્રીટમેન્ટ પૂરી થયા પછી એની મેળે જ પાછા ઊગી જશે




જિગીષા જૈન





કૅન્સર સામે લડવા માટે શારીરિક અને માનસિક રીતે સજ્જ થવું જરૂરી છે. છેલ્લા બે દિવસમાં આપણે કીમોથેરપી શું છે અને એની આડઅસરો શું હોય એ જાણ્યું. આજે જાણીએ આ થેરપી લેતી વખતે પેશન્ટે પોતાની સંભાળ કઈ રીતે રાખવી જોઈએ અને કીમોથેરપી દરમ્યાન થતી સાઇડ ઇફેક્ટસનો સામનો કઈ રીતે કરવો.

બ્લડ-કાઉન્ટ ઓછા હોય ત્યારે



કીમોથેરપી દરમ્યાન લાલ રક્તકણ, શ્વેત રક્તકણ અને પ્લૅટલેટ્સ ઓછા થઈ જાય છે, જે ક્યારેક ગંભીર સમસ્યા સર્જે છે.

આ સમયે શી કાળજી રાખવી એ વિશે માહિતી આપતાં ઓન્કોલોજિસ્ટ ડૉ. આશા કાપડિયા કહે છે, ‘એનીમિયાના દર્દીએ વધુ પ્રમાણમાં આરામ કરવો જોઈએ. ઊભા થાઓ ત્યારે ચક્કર આવતાં હોય તો ઊભા થવાની પ્રક્રિયા ધીમી પાડી દેવી. જ્યારે સફેદ રક્તકણો ખૂબ ઘટી જાય ત્યારે ચેપથી બચવા વ્યક્તિગત હાઇજિનને મહત્વ આપો. જાહેર સ્થળોએ જવાનું ટાળો જેથી અજાણી વ્યક્તિનો ચેપ તમને ન લાગે. આ ઉપરાંત ઘરમાં પણ કોઈને શરદી કે તાવ હોય તો તેનાથી દૂર રહો અને ડૉક્ટરની સલાહ વગર ઍન્ટિબાયોટિક ન લો.’

 જ્યારે પ્લૅટલેટ્સ કાઉન્ટ ઓછા થઈ જાય ત્યારે રક્તસ્રાવથી બચવા ડૉ. આશા કાપડિયા કહે  છે, ‘આ સમયે ભારે સામાન ન ઊંચકવો કે રમતગમતમાં ભાગ ન લેવો. સાદા રેઝરને બદલે ઇલેક્ટ્રિક રેઝરથી દાઢી કરો. શક્ય હોય તો દાઢી ન કરો. દાંત સાફ કરવા નરમ બ્રશનો ઉપયોગ કરો. પડવા-વાગવાથી બચો.’

ભૂખ ન લાગે ત્યારે...

શારીરિક ફેરફારોને કારણે જ્યારે પેશન્ટની સ્વાદવૃત્તિને અસર થાય છે અને ભૂખ મરી જાય છે ત્યારે ખોરાક તરફ રુચિ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ એવી સલાહ આપતાં ડૉ. આશા કાપડિયા કહે છે, ‘ખોરાકની સુગંધ અને સ્વાદ બદલવામાં લીંબુનો રસ, ફુદીનો અને સરકો વાપરી શકાય. વધુ નમક કે ખાંડનો ઉપયોગ કરીને કે મરી-મસાલાનો મનગમતો પ્રયોગ કરીને ખોરાકમાં ફેરબદલ કરી શકાય. આમ ભોજનને ગમે એ રીતે સ્વાદિષ્ટ બનાવી, સુંદર રીતે સજાવીને જતી રહેલી રુચિ ફરીથી કેળવવી જરૂરી છે. આ ઉપરાંત હળવો વ્યાયામ અથવા ભોજન પહેલાં ચાલવા જઈ શકાય, જેથી ભૂખ ઊઘડે.’

મોંમાં છાલાં પડે ત્યારે...

કીમોથેરપી દરમ્યાન મોંની સંભાળ ખૂબ જરૂરી બને છે. આ કાળજી વિશે જણાવતાં ડૉ. આશા કાપડિયા કહે છે, ‘મોંની સંભાળ માટે ભોજન પછી અત્યંત નરમ બ્રશ વડે દાંત અને જીભ સાફ કરો. બ્લડ કાઉન્ટ ઓછા હોય તો રૂ કે ફોમ જડેલી સળીથી મોં સાફ કરો. મોઢું છોલાઈ જાય એવા ગરમ કે ખરબચડા પદાર્થોનું સેવન ન કરો. જમ્યા પહેલાં અને પછી મીઠાના કોગળા કરો. જો ખૂબ પીડા થતી હોય તો આઇસક્રીમ અને બરફના ચોસલા ચૂસવાથી રાહત મળશે.’

વાળ ખરે ત્યારે...

કીમોથેરપી દરમ્યાન જ્યારે વાળ ખરવાનું શરૂ થાય છે ત્યારે પેશન્ટ પર તેની ગંભીર સાયકોલૉજિકલ અસર થાય છે. આ બાબતે ડૉ. આશા કાપડિયા કહે  છે, ‘હકીકત એ છે કે કીમોથેરપી બંધ થયાના અમુક અઠવાડિયાંમાં જ વાળ ફરીથી આવી જાય છે. વાળ ખરે ત્યારે પહેલાં એ વાતનો માનસિક સ્વીકાર કરવો જરૂરી છે. સાથે-સાથે મનમાં ધરપત રાખવી કે એ જલદી પાછા આવી જશે. મોટા ભાગના પેશન્ટ આ દરમ્યાન સ્કાર્ફ કે ટોપી વડે માથું ઢાંકેલું રાખતા હોય છે અથવા સિન્થેટિક વાળની વિગ પહેરતા હોય છે.’

પીડા થાય ત્યારે...

મોટા ભાગના કૅન્સરમાં દર્દીને વધતું-ઓછું દર્દ સહેવું પડતું હોય છે, પણ દર્દને દવા વગર બહાદુરીથી સહેતા રહેવું મૂર્ખામી છે. આ વિશે ડૉ. આશા કાપડિયા કહે છે, ‘કૅન્સરના દર્દીઓને મોઢેથી આપી શકાય એવી પેઇન કિલર દવાઓ લાંબો સમય સુધી ચાલુ રાખી શકે છે. તેમાં કોઈ જ હાનિ નથી. વ્યક્તિગત પીડાનું પ્રમાણ અને સહનશક્તિ અનુસાર દવાના ડોઝ નક્કી થતાં હોય છે. પીડા અસહ્ય બની જાય તે પહેલા જો પેઇન કિલર ચાલુ કરી દઈએ તો ઓછી આડઅસર સાથે ઝડપભેર રાહત મેળવી શકાય છે.’

ડિપ્રેશન આવે ત્યારે...

કૅન્સરના દર્દીઓ સંપૂર્ણ ટ્રીટમેન્ટ દરમ્યાન ઘણી વાર હતાશાનો ભોગ બને છે. એ સમયે જરૂરી કાળજી વિશે જણાવતાં ડૉ. આશા કાપડિયા કહે છે, ‘કૅન્સર પેશન્ટ ને સતત આત્મિયજનોની હૂંફ, ધરપત, પ્રેમ અને સહકારની જરૂર રહે છે. તેના આ સંકટમાં તેને પરિવારજનની ચિંતા કરતાં પરિવારજનોની હૂંફ અને હિંમતની વધુ જરૂર હોય છે. આ ઉપરાંત વાસ્તવિકતાના સ્વીકાર સાથે અને પૉઝિટિવ ઍટિટ્યુડથી ટ્રીટમેન્ટ કરાવનાર પર ઇલાજની અસર વધુ સારી જોવા મળે છે. જ્યારે ડિપ્રેશન વધે ત્યારે પેશન્ટને કોઈ પ્રોફેશનલ એક્સપર્ટ કે સાઇકોલૉજિસ્ટની મદદથી એમાંથી બહાર કાઢવી જરૂરી બને છે.’

શું ખાવું, શું નહીં?


કીમોથેરપીની અલગ-અલગ સાઇડ ઇફેક્ટસ દરમ્યાન કયા પ્રકારનો ખોરાક લેવો હિતાવહ છે એ ડૉ. આશા કાપડિયા પાસેથી જાણીએ.

કૅન્સરના દર્દીને પ્રોટીનજન્ય વાનગીઓ કડવી લાગશે, પરંતુ પોષણ માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. ખાસ કરીને દૂધ અને દૂધની વાનગીઓ, વટાણા, કઠોળ, પનીર, દાળ અને સોયાબીનનું સેવન કરવું જોઈએ. જેથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે.

જેને મોળ કે ઊલટીની તકલીફ રહેતી હોય તેણે સવારે ઊઠ્યાં પછી ટોસ્ટ કે ક્રેકર્સ બિસ્કિટ જેવી કડક વસ્તુ લેવી. આ ઉપરાંત શરબત કે સૉફ્ટ ડ્રિક્સ જેવાં કાર્બોનેટેડ પીણાં પણ મદદ કરી શકે. આ ઉપરાંત દૂધ, સાકરવાળી કાંજી કે રાબથી મોળ કે ઊબકા નહીં આવે.

જ્યારે મોઢું સુકાઈ જાય ત્યારે પ્રવાહી કે રસદાર ખોરાક પસંદ કરો. માખણ, સોસ, સરકા જેવા પદાર્થોમાં બનેલો ખોરાક આસાનીથી ગળે ઊતરશે. આ ઉપરાંત ચા-કૉફીમાં બોળીને અથવા દરેક કોળિયે પ્રવાહીનો ઘૂંટ લઈને જમી શકાય. આ ઉપરાંત મોં ભીનું રાખવા બરફના ચોસલા મોંમાં રાખી શકો.

મોં કે ગળું આવી ગયા હોય ત્યારે આઇસક્રીમ, કલિંગર અને દ્રાક્ષ જેવા નરમ ઠંડા પદાર્થો અને ફળોનો રસ આહારમાં ઉમેરી શકાય. આ સમયે ટમેટાં, લીંબુ અને સંતરા જેવી ઍસિડિક ચીજો ટાળવી.

ઝાડાની તકલીફ હોય ત્યારે પ્રવાહી ઓછું લેવું. થોડા-થોડા અંતરે થોડું-થોડું ખાવું. આ સમયે ગૅસ પેદા કરે એવા પદાર્થો અને ફાઇબરયુક્ત પદાર્થો ન ખાવા જ્યારે પોટૅશિયમ વધુ હોય તેવા ખોરાકમાં કેળાં, બટેટા, મશરૂમ લઈ શકાય.

કેટલીક ગેરમાન્યતાઓ

કીમોથેરપીની સાઇડ ઇફેક્ટસ જેટલી વધુ તેટલી એ ટ્રીટમેન્ટ  સક્સેસફુલ જઈ રહી છે એવી ગેરમાન્યતા ઘણા લોકો ધરાવે છે. જ્યારે સાચી વાત એ છે કે ટ્રીટમેન્ટની અસરકારકતા અને સાઇડ ઇફેક્ટને કોઈ  સંબંધ નથી.

કૅન્સર એક ચેપી રોગ છે તેમ માની ક્યારેક ઘરના લોકો પણ પેશન્ટથી દૂર ભાગતા હોય છે. આ વાત તદ્દન ખોટી છે. કૅન્સરનાં પેશન્ટથી આપણને ચેપ લાગતો નથી, પરંતુ આપણા થકી કૅન્સર પેશન્ટને ચેપ ન લાગે એ બાબતની કાળજી રાખવાની હોય છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે.

એક જ થાળીમાં જમવાથી, કૅન્સર પેશન્ટને ગળે મળવાથી, કૉમન ટૉઇલેટ યુઝ કરવાથી, કૅન્સર પેશન્ટનાં કપડાં પહેરવાથી સામાન્ય વ્યક્તિને કૅન્સર થવાનો ભય રહેતો નથી.

એક એવી પણ ગેરમાન્યતા છે કે કૅન્સર એક વાર ક્યૉર થઈ ગયા પછી થોડાં વર્ષ બાદ ફરી ઊથલો મારે જ. આવું ઘણા પેશન્ટ સાથે થાય છે, પરંતુ એ ફરી ઊથલો મારશે એવું ફરજિયાત હોતું નથી. બધા કેસમાં આવું થતું નથી.

કૅન્સર થયું હોય તેવા પતિ કે પત્ની પોતાના પાર્ટનર જોડે જાતીય સંબંધ ન રાખી શકે એ પણ એક ગેરમાન્યતા છે. જાતીય સંબંધ બાંધવાથી કૅન્સરનો ચેપ લાગતો નથી. ફક્ત એ ધ્યાન રાખવું જરૂરી છે કે આ દરમ્યાન કૅન્સર પેશન્ટ સ્ત્રી હોય તો તે ગર્ભવતી ન બને.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2012 07:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK