દિવાળી સેલિબ્રેટ કરો ઇકો-ફ્રેન્ડ્લી

Published: 25th October, 2011 17:54 IST

આપણા દેશમાં દિવાળી એક એવો તહેવાર છે જે કોઈ પણ નાત-જાતના ઇશ્યુ વિના જોરશોરથી ઊજવાય છે. દિવાળીમાં દીવા અને કંડીલ લગાવીને ઘરને રોશન કરવા પાછળનું કારણ છે અંધારાનો અંત લાવીને ઉજાસને આવકારવો.દિવાળીના સેલિબ્રેશનમાં સમાવેશ થાય છે ઘરની સાફસફાઈનો, ડેકોરેશનનો, લક્ષ્મી પૂજાનો, દીવા પ્રકટાવવાનો અને પરિવારના લોકો સાથે હળવા-મળવાનો; પણ હવે દિવાળીનો મતલબ ઇલેક્ટ્રિકનાં તોરણ અને ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવાનો છે. બદલાતા જમાના સાથે તહેવારો ઊજવવાની સ્ટાઇલ પણ બદલાઈ છે, પણ આમાંથી કેટલીક બાબતોની પર્યાવરણ પર ખૂબ નેગેટિવ અસર થાય છે. તો જોઈએ કઈ એવી ચીજો છે જે પર્યાવરણના ભલા ખાતર અવૉઇડ કરવી જોઈએ.

વધુપડતું હવાનું પ્રદૂષણ

ધ્વનિપ્રદૂષણ

જમીનનું પ્રદૂષણ

વીજળીનો વધુપડતો ઉપયોગ

આવી જ બાબતોનું ધ્યાન ન રાખતાં અને પ્રદૂષણ વધી જતાં સાંભળવાની શક્તિ ગુમાવવી, હાઈ બ્લડપ્રેશર, ઊંઘમાં બાધા, અસ્થમા, માથાનો દુખાવો તેમ જ સ્કિન-ઍલર્જી થઈ શકે છે.

કમ્યુનિટી સેલિબ્રેશન

દિવાળીને લીધે થતા ગેરફાયદાઓને સાંભળીને જરૂરી નથી કે તમે દિવાળી મનાવવાનું છોડી દો. આ માટે એકલા દિવાળી ઊજવવા કરતાં સોસાયટી કે કૉમ્યુનિટી સેલિબ્રેશન પસંદ કરો. હવે લોકો જ્યાં નાની-નાની ન્યુક્લિયર ફૅમિલીમાં રહેવાનું પસંદ કરે છે ત્યાં દિવાળીમાં આ રીતે ફૅમિલી કે કમ્યુનિટી સેલિબ્રેશન વધારે મનોરંજક બનશે. આ રીતે કરવામાં આવેલું સેલિબ્રેશન કૉસ્ટ રીડ્યુસ કરશે, ઓછી જગ્યામાં પ્રદૂષણ ફેલાવશે તેમ જ લિમિટેડ પ્રમાણમાં નૉઇઝ તેમ જ પેપર પૉલ્યુશન ફેલાવશે. પૉલ્યુશન તો થવાનું જ છે, પણ એક જ જગ્યાએ અને લિમિટેડ પ્રમાણમાં થવાને લીધે પર્યાવરણને એટલું નુકસાન ઓછું થશે.

એકસાથે મળીને સેલિબ્રેટ કરો ત્યારે સમયની લિમિટ સેટ કરો, જેથી તમે મોટા ભાગે ૩થી ૪ કલાક સુધી જ સેલિબ્રેટ કરી શકો. સમૂહમાં સેલિબ્રેટ કરવા માટે જ્યારે સ્થળની પસંદગી કરો ત્યારે ધ્યાન રાખો કે એ જગ્યા હૉસ્પિટલથી દૂર હોય. શક્ય હોય તો ઓપન ગ્રાઉન્ડ પસંદ કરો.

બીજા કેટલાક ઉપાયો

ટ્રેડિશનલ કેમિકલવાળા ફટાકડાને બદલે હવે માર્કેટમાં મળી રહેતા ઇકો-ફ્રેન્ડ્લી ફટાકડા ફોડો. આ ફટાકડા રીસાઇકલ કરેલા કાગળમાંથી બનાવેલા હોય છે તેમ જ એમાંથી નીકળતો અવાજ સાઉન્ડ લિમિટના ડેસિબલની અંદર જ હોય છે. આ ફટાકડામાંથી ઘોંઘાટિયા અવાજને બદલે રંગબેરંગી લાઇટ અને કાગળના ટુકડા નીકળે છે.

ઇલેક્ટ્રિક લાઇટ્સનાં તોરણો અને લાઇટિંગને બદલે પરંપરાગત માટીના દીવા અને લૅમ્પ લગાવો; કારણ કે આ દીવા ફક્ત તમારા ઘરની સુંદરતા જ નહીં વધારે, પરંતુ વીજળી પણ બચાવશે. જોકે માટીના દીવાઓમાં પણ તેલ પૂરવાની જરૂર પડે છે, પણ એનું પ્રમાણ ઓછું હોય છે અને ૩-૪ કલાક સુધી લાઇટ આપે છે.

આ દિવાળીમાં તમારા શૉપિંગ-લિસ્ટને થોડું ઘટાડો અને કામ વગરની, કોઈ જ વપરાશ ન થવાની હોય એવી ચીજો ખરીદવાનું ટાળો. વધુપડતી ખરીદી એટલે ડાયરેક્ટલી કાચા માલની ડિમાન્ડમાં વધારો અને કાચા માલની ડિમાન્ડ એટલે નૅચરલ રિસોર્સ પર પ્રેશર.

એક જ વાર વપરાશમાં આવનારી ચીજો વાપરવાને બદલે રીસાઇકલ કરી શકાય એવી ચીજો ખરીદવાનો આગ્રહ રાખો. દિવાળીમાં ઘરની સાફસફાઈ કરીને ચીજો ફેંકી દેવાને બદલે જરૂરતમંદોને દાન કરો તેમ જ ફટાકડા અને મીઠાઈ ગરીબ બાળકોને પણ વહેંચો, જેથી તહેવાર માણવાનો આનંદ બમણો થાય.

દિવાળીમાં ખરીદેલી મીઠાઈનાં ખાલી બૉક્સ, ચૉકલેટનાં રૅપર્સ, ગિફ્ટના કાગળ વગેરે ચીજો જ્યાં ત્યાં ન ફેંકો. એના કરતાં કોઈને ગિફ્ટ આપતી વખતે મીઠાઈ કે ચૉકલેટ એવા કન્ટેનરમાં ભરીને આપો કે મીઠાઈ ખાધા પછી એ કન્ટેનરને ફેંકવાને બદલે ઉપયોગમાં લઈ શકાય.

 

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK