કેન્સરઃ એક દુરનો સગો લાગતો રોગ જાણે કૉમન બની રહ્યો છે

Published: Feb 04, 2020, 16:40 IST | Chirantana Bhatt

મન અને શરીર બંન્નેને સ્વસ્થ રાખતા આવડી જશે તો શરીરમાં ભૂલ ભરેલાં કોષને કારણે કોઇ અસંતુલન પેદા નહીં થાય

એક જમાનો હતો જ્યારે હિન્દી ફિલ્મમાં ડૉક્ટર બહુ જ ગંભીરતાથી કહે કે, ‘ઇન્હેં બ્લડ કેન્સર હૈ, ઇનકે પાસ વક્ત બહુત કમ હૈ, ઇન્હેં અબ દવા કી નહીં દુઆ કી ઝરુરત હૈ.’ ઢેનટેડેન મ્યુઝિક સાથે પરિવારજનોનાં ચહેરા પર કેમેરા ફરે અને પછી બ્લડ કેન્સરનાં દર્દીની દાસ્તાન આગળ ચાલે. વાર્તામાં જરૂર હોય તો દર્દીનું કેન્સર કોઇ ચમત્કારિક રીતે મટી જાય અથવા તો પછી ‘આનંદ’ ફિલ્મનાં રાજેશ ખન્નાની માફક તે લોકોની જિંદગી પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાવીને અનંત યાત્રાએ ચાલી નીકળે. ફિલ્મોમાં જ્યારે કેન્સર દેખાડાતું ત્યારે આપણે ત્યાં તો કોઇને ય કેન્સરનાં કેટલા પ્રકાર હોય, કિમો થેરાપી જેવી કોઇ વસ્તુ પણ હોય છે એવી બધી કંઇ ખબર નહોતી (સ્વાભાવિક છે ડૉક્ટર્સને ખબર હોય). સિત્તેર એંશીનાં દાયકામાં હજી વિદેશમાં પણ આ ક્ષેત્રે સંશોધનો આગળ વધી રહ્યા હતાં અને આપણે ત્યાં આ રોગ જ્વલ્લે જ સાંભળવા મળતો એટલે કોઇ એની બહુ ફિકર ન કરતું. નેવુંનાં દાયકાની શરૂઆતમાં સરકાર દ્વારા ‘જનહિતમેં જારી’ પ્રકારની પોલિયોનાં વેક્સિન વગેરેની જાહેરાતો સતત પ્રસારિત થતી. શાળાનાં પાઠ્યપુસ્તકોમાં બેરી બેરી કે ગોઇટર કે મલેરિયા વિષે ભણતાં પણ કેન્સર બહુ દુરની બાબત ગણાતી. પરંતુ છેલ્લા એક દાયકામાં આ કેન્સર નામનો કરચલો ધીરે ધીરે આપણાં દેશની બહુ નજીક આવી ગયો છે.

આ પણ  વાંચોઃ World Cancer day 2020: કેન્સર સામે સિતારાઓની જંગ, કોઇ જીત્યું કોઇ હાર્યું

જેનેટિક મ્યુટેશન

એક રિપોર્ટમાં યુએસ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં કામ કરનારા સ્રિ કૃષ્ણાએ જણાવ્યા અનુસાર ૨૦૧૫માં થયેલા એક સરવેમાં અમેરિકામાં દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ કેન્સરનો ભોગ બનતી, આ આંકડાની સરખામણીએ ભારતની સ્થિતી હજી એટલી વરવી નથી થઇ. પરંતુ નેવુંના દાયકાની સરખામણીએ વિવિધ રોગોથી થતા મૃત્યુની યાદીમાં કેન્સરનું સ્થાન સાતમા સ્થાનેથી ૨૦૧૬માં ચોથા સ્થાને આવ્યું છે.  ભારતમાં કેન્સર થવાનાં સૌથી મોટા કારણમાં તમાકુનું સેવન અને ધુમ્રપાનનો સમાવેશ થાય છે. પણ ખરેખર તો કેન્સરનાં કેસિઝ વધતા હોવાનું મૂળ જનીનમાં રહેલું છે. આપણા શરીરમાં ખરબો કોષ છે અને તે સતત બનતા રહે છે. કેન્સર જેનેટિકલી ‘વેર એન્ડ ટેર’નો રોગ છે એટલે કે જેમ કોઇપણ વસ્તુની વય કે વપરાશ વધે તેમ સમયાંતરે તેની મૂળ નવી-નક્કોર સ્થિતી જૂની થતી જાય. આપણાં શરીરનાં કોષનું સતત વિભાજન થતું રહે છે, તે આપમેળે જ પોતાનાં જેવાં બીજા કોષ રચે છે જે રચનામાં તે ડીએનએનાં બંધારણની પણ નકલ કરે છે. હવે જ્યારે કોઇ પ્રક્રિયા આપ મેળે સતત ચાલ્યા કરતી હોય ત્યારે તેમાં ક્યારેક કોઇ ચૂક પણ થઇ શકે છે. જેમ કે, ઝડપથી ટાઇપિંગ કરતા હોઇએ તો ક્યારેક આપણે કોઇ ભૂલ કરી બેસીએ પણ તેની પર આપણું ધ્યાન ન જાય કારણકે આપણે એક સરખા રિધમમાં કામ કરી રહ્યા હોઇએ.  કોષની આ પુનઃરચનાની પ્રક્રિયામાં, ખાસ કરીને ડીએનએનાં બંધારણને ફરી રચવામાં જો આવી કોઇ ચૂક થઇ જાય તો ડીએનએનો પાયો જ ભૂલ ભરેલો બંધાય . આ ભૂલને ‘મ્યુટેશન’ એટલે કે એક પ્રકારનો ફેરફાર કહે છે (જાણે મૂળ કોષનાં ડીએનએની જે અણીશુદ્ધ રચના હતી તેમાં અપભ્રંશ આવી ગયો). હવે આમ તો આ ફેરફાર નિર્દોષ હોય છે અને અન્ય શારીરિક પ્રક્રિયાઓને પગલે તેની પર એક જાતનો પહેરો પણ રહે છે. પણ ઘણીવાર આ ફેરફારને કારણે કોષનું પુનઃઉત્પાદન કે નકલ ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં અને સતત થાય છે, આ પ્રકારનાં કોષ મરતા નથી અને આ જ કેન્સરજન્ય કોષ હોય છે. કેન્સરનાં કોષનું અનિયંત્રિત વિભાજન થયા કરે તે સ્વાભાવિક રીતે જ આપણાં અવયવો પર બહુ મોટું જોખમ છે. તે શરીરનાં અવયવોનાં સામાન્ય કાર્યમાં દખલ આપી શકે છે, તે અવયવ માટે જરૂરી તમામ સ્રોતનો ઉપોયગ કરી લઇ શકે છે. અન્ય સ્વસ્થ કોષ શરીરનાં અવયવોનું હિત જુએ છે અને એ માટે પોતાની ક્ષમતા પુરી થાય તો ખતમ પણ થઇ જાય છે જ્યારે કેન્સરનાં કોષ માટે પોતાનું હોવું, પોતે જે જીવમાં છે તેના કરતાં વધારે અગત્યનું બની જાય છે. જીવન જેટલું લાંબુ હોય એટલું જિનેટિક એજિંગ થાય અને આ કારણે અમુક કોષોમાં કેન્સરજન્ય ફેરફાર થવાની શક્યતા વધી જાય છે.  માણસ જાત લાંબા આયખાની કિંમત કેન્સરનો ભોગ બનીને ચુકવે છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પણ આ વાંચીને દરેક જેની ઉંમર વધી રહી છે અથવા તો જે પોતાને વૃદ્ધ માને છે તેણે એમ વિચારવાની જરૂર નથી કે તેની સાથે પણ આ થઇ શકે છે.  આપણા દેશમાં કેન્સર રિસર્ચ અને સારવારનાં સંશોધનમાં માં મોટા પાયે રોકાણ થાય તો આ કરચલાની પકડમાંથી છુટી જતાં આપણને કોઇ નહીં રોકી શકે.  પશ્ચિમિ દેશોમાં કેન્સર સર્વાઇવર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે કારણકે ત્યાં કેન્સરને શરૂઆતનાં તબક્કામાં જ પકડી લઇ તેની સારવારને મામલે ઘણી પ્રગતિ થઇ ચૂકી છે.

આ પણ વાંચોઃ અરમાન અને અનિષાના વેડિંગ રિસેપ્શનમાં કપૂર,અંબાણી,બચ્ચન અને ખાન પરિવારે આપી હાજરી

લાઇફ એક્સપેક્ટન્સીને લીધે થાય છે કેન્સર?

આપણે હકારાત્મક દૃષ્ટિકોણથી જોઇએ તો આજે ‘લાઇફ એક્સપેક્ટન્સી’ વધી છે જે ખરેખર  કાબિલ-એ-તારીફ છે. વળી શરીર પણ પહેલાં કરતાં ઘણું મોડું વૃદ્ધ થાય છે જે સારી બાબત છે. પહેલાંનાં દાયકાઓમાં તો મોત જ વહેલું આવતું એટલે કેન્સરનાં કોષને પેલા મ્યુટેશનમાંથી બમણા થવાનો મોકો જ નહોતો મળતો. પ્લેગ, મલેરિયા, પોલિયો, ઓરી-અછબડાં, ટીબી જેવા કેટલા બધાં અવરોધો માણસ જાતે પાર કર્યાં છે. સ્વાભાવિક છે કે એ બધાંને જેર કરવામાં માણસજાત સફળ રહી છે. વળી વૈશ્વિક સ્તરે થતાં સંશોધનોમાં એ બહાર આવ્યું છે કે અમુક કેન્સરસ કોષો ક્યારેક ચેપી માધ્યમોને લીધે પણ પેદા થતાં હોય છે, જેની પર નિયંત્રણ મેળવવાની કામગીરી ક્યારનીય ચાલુ થઇ ગઇ છે. વિજ્ઞાનમાં પ્રગતિ થયા જ કરશે. કેન્સરનાં જિનેટિક નિશાનને પકડી પાડતાં જિનોમિક સંશોધનો પણ ચાલે છે તો નેનો રોબોટ્સ કોષિય હાનિને દૂર કરીને તેની આડઅસર ખતમ કરી શકે તેવી પ્રક્રિયાઓ પર પણ કામ ચાલે છે. નવા સંશોધનની શક્યતાઓ અઢળક છે.

વળી કેટલીક નાની બાબતોને લાઇફ-સ્ટાઇલમાં ઉમેરવાથી પણ કેન્સરનાં કોષને શરીરમાં બનતા અટકાવી શકાય છે. વગર કારણની તાણ કે સ્ટ્રેસ પણ કેન્સરનું કારણ બની શકે છે. સ્ટ્રેસને કારણે શરીરમાં કોર્ટોસોલ વધે છે જેને લીધે મેલાટોનીન ઘટે છે. મેલાટોનીન એ સ્વસ્થ રોગ પ્રતિકારક શક્તિ માટે અનિવાર્ય છે. યોગ, સેલ્ફ હિપ્નોસિઝ, મેડિટેશન જેવી મનને રિલેક્સ કરતી બાબતો દ્વારા હોર્મોન્સને બેલેન્સ કરી શકાય છે. નિયમિત કસરત કે થોડી ઘણી ફોકસ્ડ શારીરિક મુવમેન્ટને કારણે પ્રતિકારક શક્તિ બહેતર બને છે જે ટિસ્યુનાં પરફ્યુઝનને પણ સુધારે છે. કસરતને કારણે શરીરનાં બધાં ટિસ્યુઝમાં કોષનાં સ્તર સુધી ઑક્સિજન જાય છે જેને કારણે કોષમાં રહેલું ગ્લાકોલિસીસ પણ પ્રવૃત્ત રહે છે.  ગ્રીન ટી પીવાથી ઓરલ કેન્સરનાં કોષ નાશ પામે છે તેવું શોધાયું છે અને તે સ્વસ્થ કોષ પર કોઇ આડઅસર નથી કરતી. નિયમિત કસરતથી, જરૂર પડ્યે હોર્મોન રિપ્લેસમેન્ટથી, રિલેક્સેશનની પદ્ધતિઓ અનુસરીને, સાત્વિક ભોજન ખાઇને આપણે શરીરને સ્વસ્થ રાખીશું તો કોઇ કોષે જનીનમા કરેલી ટાઇપો એરર આપણાં ‘વિધીનાં લેખ’ નહીં બગાડી શકે.

આ પણ વાંચોઃપુજા બેદીની દીકરી અલાયા એફની કેન્ડીડ તસવીરો

કેન્સર એટલે કેન્સલ નહીં

જીવન સામે ફેંકેલા દરેક પડકાર સામે લડી લેતા ‘હોમો સેપિયન્સે’ શીખી જ લીધું છે અને આવનારી સદીઓમાં પણ શીખ્યા કરશે. મ્યુટેશન તો જનીનમાં આવશે પણ સામે વ્યુહરચનાઓ પણ ઘડાતી રહેશે. જરા આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરીએ તો મનમાં ખૂબ સંતાપ ભરી રાખનારા લોકો, ગુસ્સામાં લાલચોળ થઇ જતા લોકો, અફસોસ પાળીને જીવતા લોકોમાં કેન્સર જોવા મળ્યું છે. વિદેશમાં થયેલી એક ઘટના અનુસાર એક દીકરાએ પોતાનાં વાલીને જણાવ્યું કે તે સમલૈંગિક છે અને વાલીઓ તે સ્વિકારી ન શક્યા. દીકરો ડિપ્રેશનની અસર હેઠળ તો આવ્યો જ પણ તેને કેન્સર લાગુ પડ્યું. સાયકૉલૉજિસ્ટ અને ડૉક્ટરો વચ્ચે ધક્કા ખાતાં માતા-પિતાને સાયકૉલૉજિસ્ટે કહ્યું કે તમે તેને પ્રેમ કરો, તેને સ્વિકારી લો. તે અત્યારે બમણો હેરાન થઇ રહ્યો છે. માતા-પિતાએ મનમાં મોકળાશ આણી અને તેમનો દીકરો ખરેખર કેન્સરમાંથી ધાર્યા કરતાં વહેલો બહાર આવી ગયો. મુદ્દો એ છે કે મન અને શરીર બંન્નેને સ્વસ્થ રાખો. કંકાસ, સંતાપ અને કજિયા ટાળો. પહેલું સુખ તે જાતે નરવા એ યાદ રાખીને હાસ્યનો મેઇક-અપ હંમેશા કરેલો રાખો.  કેન્સર એટલે ‘કેન્સલ’ નહીં જ એ હંમેશા યાદ રાખો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK