ઑફર અનલિમિટેડ

Published: 25th January, 2021 13:55 IST | Pooja Sangani | Mumbai

આજકાલ એકની સાથે એક ફ્રી, કુંભકર્ણ થાળી, અનલિમિટેડ મેળવો...જેવી લલચામણી રજૂઆતોથી કસ્ટમર્સને આકર્ષવામાં આવે છે. પણ અહીં યક્ષપ્રશ્ન એ છે કે અનલિમિટેડ ભોજનની ઑફરથી આકર્ષાઈને વ્યક્તિ પૂરેપૂરું ભોજન કરીને પૈસા વસૂલ કરી શકે છે ખરી?

મુંબઈ-પુણે હાઇવે પર આવેલી હોટેલ શિવરાજની ૪૦ ડિશ વાળી બુલેટ થાળી
મુંબઈ-પુણે હાઇવે પર આવેલી હોટેલ શિવરાજની ૪૦ ડિશ વાળી બુલેટ થાળી

મુંબઈ-પુણે હાઇવે પર વડગાંવમાં આવેલી એક હોટેલે ૪૦ વાનગીઓથી બનેલી એક બુલેટ થાળી જો એક કલાકમાં પૂરી કરી જાઓ તો બુલેટ બાઇક આપવાની ઑફર બહાર પાડીને લૉકડાઉનને કારણે ડાઉન ધંધાને નવો ઑક્સિજન આપવાની કોશિશ કરી છે. આવી થાળી કોઈ પૂરી કરી શકવાનું જ નથી એ જાણવા છતાં કુતૂહલ તેમને રેસ્ટોરાં સુધી ખેંચી લાવે છે. જેમ આ એક પ્રકારનું માર્કેટિંગ ગિમિક છે એમ અનલિમિટેડ ઑફરનું પર એવું જ છે.

ચોતરફ તમે જોશો તો હોટેલનાં બુફે, થાળીમાં અનલિમિટેડ ફૂડની ઑફર્સની ભરમાર જોવા મળે છે, પરંતુ એક વ્યક્તિ મહત્તમ કેટલું ખાઈ શકે? મોટા ભાગના લોકોની ખાવાની ક્ષમતા ખૂબ લિમિટેડ  જ રહે છે, કારણ કે એક સામાન્ય વ્યક્તિ એકસાથે ૪૦૦ ગ્રામ અને મજબૂત જઠરાગ્નિ ધરાવતો વ્યક્તિ ૭૦૦ ગ્રામથી વધુ ખાઈ શકતો નથી એવું રેસ્ટોરાંવાળાઓએ કરેલા સર્વેમાં બહાર આવ્યું છે. એથી એક રીતે જોતાં અનલિમિટેડ ઑફરથી રેસ્ટોરાંવાળાને નફો જ નફો છે. હા, ઘણી વખત એવું કોઈ કસ્ટમર આવી જાય કે તેને ના પાડવી પડે એટલું તે ખાઈ જાય.

 તમામ રેસ્ટોરાં જે અમર્યાદિત (અનલિમિટેડ) ભાણું પીરસે છે એમાં વ્યક્તિદીઠ ચોક્કસ રકમ નક્કી કરીને વ્યંજનની ચોક્કસ માત્રા નક્કી કરેલી હોય છે. દાખલા તરીખે પંજાબી અથવા ગુજરાતી કે રાજસ્થાની, દક્ષિણ ગુજરાતી કે કાઠિયાવાડી કે પીત્ઝા જેવું ભાણું પીરસતી રેસ્ટોરાંનું ઉદાહરણ લઈએ તો વ્યક્તિદીઠ ૪૦૦થી ૭૦૦ ગ્રામ કુલ વ્યંજનની માત્રા નક્કી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જો આપણે કોઈ રેસ્ટોરાંમાં જમવા જઈએ અને મેન્યૂમાંથી ઑર્ડર કરીએ તો પ્રત્યેક વાનગીનું બિલ આપણે ભરતા હોઈએ છીએ. જ્યારે અમર્યાદિત ભાણુંના મેન્યૂના અનેક ફાયદા અને સામાન્ય નુકસાન જોવાતાં હોય છે. જે બન્ને તરફ ગ્રાહક અને રેસ્ટોરાંવાળા માટે લાભદાયક સ્થિતિ સર્જે છે. આ વિકલ્પથી રેસ્ટોરાંવાળાની સર્વિસ સરળ બને છે. નક્કી કરેલા મેન્યૂ પ્રમાણે પૂરતી તૈયારી કરી શકાય છે, કિચનની કામગીરી સરળ બને છે, ઘરાક માટે પણ ફાયદાકારક બને છે. જેમ કે એક કસ્ટમર કોઈ પણ એક વાનગી આલાકાર્ટ મેન્યૂમાંથી ઑર્ડર કરે તો બીજું કાંઈ ન ખાઈ શકે, ફક્ત એક જ વાનગી માણી શકે, પણ અનલિમિટેડ મેન્યૂમાં એક ફિક્સ રકમમાં દરેક આઇટમ થોડી-થોડી ટેસ્ટ કરવાનો મોકો મળે છે. એટલે એકલી વ્યક્તિ માટે પણ આ મેન્યૂ પર્ફેક્ટ છે તેમ જ જો કોઈને પાર્ટી આપવાની હોય કે પ્રસંગ કાઢવો હોય તો પણ આ ફાયદાકારક રહે છે, કારણ કે એમાં ગેસ્ટને બધું જમવાની છૂટ આપી શકાય છે અને છતાં બિલ તેમના બજેટથી બહાર જતું નથી.

રેસ્ટોરાંને ફાયદો

આ બધા ઉપરાંત આપણે એ નથી જાણતા કે આ અમર્યાદિત ઑફર્સ રેસ્ટોરાંવાળા માટે કેટલી લાભદાયક છે. આ મેન્યૂ હેઠળ તેમને કેવા-કેવા અનુભવ કરવા પડતા હોય છે. જેટલા એના ફાયદા છે એની સામે અમુક ગેરફાયદા હોઈ શકે છે. સેમ્સ પીત્ઝા અમદાવાદ શહેરમાં ૩૫ આઉટલેટ ધરાવતી અમર્યાદિત પીત્ઝા અને સૅલડ પીરસતી ફૂડ ચેઇન છે. ૧૯૯૯માં કૈલાસ ગોએન્કા (સેમ્સ પીત્ઝાના ફાઉન્ડર)એ આ કન્સેપ્ટની શરૂઆત અમર્યાદિત સૅલડ બારથી કરી હતી જેમાં સૂપ ટુ ડીઝર્ટ મેન્યૂ ફક્ત ૭૫ રૂપિયામાં મળતું હતું. તેઓએ આ મેન્યૂમાં વિવિધ પ્રકારનાં સૅલડ અને પીત્ઝાની ઑફર મૂકી હતી. ત્યાર બાદ અમદાવાદ શહેરમાં આ અનલિમિટેડ મેન્યૂનો ટ્રેન્ડ શરૂ થયો. તેમના મેન્યૂમાં હાલમાં અનલિમિટેડ સૂપ્સ (બે પ્રકારના), અનલિમિટેડ નાચોઝ, અનલિમિટેડ હૉટ પાસ્તા (બે પ્રકારના) અનલિમિટેડ હર્બલ બ્રેડ સ્ટિક્સ, અનલિમિટેડ મેક્સિકન રાઇસ અને ગ્રેવી, અનલિમિટેડ ૩૦ પ્રકારનાં સૅલડ, ડીપ્સ અને ડ્રેસિંગ્સ, અનલિમિટેડ ગાર્લિક અથવા જૈન બ્રેડ વિથ ચીઝ અને ટોપિંગ્સ, અનલિમિટેડ પીત્ઝા ૪ પ્રકારના, ડીપ પેન, થીન ક્રસ્ટ, હૅન્ડ ટૉસ્ડ અને છેલ્લે બ્રાઉની વિથ આઇસક્રીમ એમ અધધધ આઇટમો હોય. અલબત્ત, આ અનલિમિટેડ ઑફર હાલની તારીખે ત્રણ ગણી કિંમતે મળે છે.

 

વૅલ્યુ ફૉર મની

સેમ્સ પીત્ઝાના સંચાલક કૈલાશ ગોએન્કા અનલિમિટેડ ઑફરના લગભગ બે દાયકાના અનુભવ વિશે વાત કરતાં કહે છે કે ‘૧૦૦માંથી ૫થી ૭ ટકા જ ઘરાક એવા આવે જે પીત્ઝામાંથી માત્ર ચીઝ વીણીને ખાઈ જતા હોય છે અથવા કોઈ પણ એક જ પીત્ઝાના ફ્લેવર પર તૂટી પડતા હોય અથવા ઘણા તો ખાલી સૅલડ ખાઈને જતા રહે છે, પણ અમારો હેતુ તેમને ખવડાવવાની સાથે વિવિધતા ચખાડવાનો છે જેથી હવે અમે મેન્યૂ જ એવું ડિઝાઇન કરીએ છીએ કે મેન્યૂની તમામ વાનગીઓ એકથી એક અતિસ્વાદિષ્ટ હોય એટલે લોકો એક વાનગી પર તૂટી ન પડે અને તેમને દરેક વાનગી ટેસ્ટ કરવા માટે ઉત્સુકતા થાય અને બધું બરાબર રીતે માણી શકે. બીજું, અમર્યાદિત હોવાથી પીરસીએ પણ એ રીતે જેથી બગાડ થવાની શક્યતા ઓછી થઈ જાય. અમે ફાયદો કે નુકસાનની દૃષ્ટિએ રેસ્ટોરાંમાં ઑફર નથી મૂકતા. ગેરફાયદામાં ખાલી બગાડ અમને નડે છે. પણ એ પહેલાંના સમય કરતાં ઘણો ઓછા પ્રમાણમાં થાય છે, કારણ કે હવે ગ્રાહક જાગ્રત બન્યો છે એટલે જેટલું ખવાય એટલું માગે છે અને અમે પીરસીએ જ એ રીતે કે બગાડ ન થાય. અત્યારના યુગમાં અનલિમિટેડ ઑફર એટલે વૅલ્યુ ફૉર મની ગણાય છે એટલે રેસ્ટોરાં ઇન્ડસ્ટ્રીનાં તમામ ફૂડ આઉટલેટ્સ જે આ અનલિમિટેડ મેન્યૂ પીરસે છે એ ગ્રાહકને સંતુષ્ટ કરવાના પ્રયત્ન કરવામાં ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને આવા કૉમ્બો રજૂ કરીએ છીએ. 

કસ્ટમર્સ અમુક જ ચીજ પર તૂટી પડે  

અમદાવાદના સિંધુ ભુવન રોડ ખાતે આવેલી પંજાબી અને મલ્ટિ ક્વિઝીન મેન્યૂ પીરસતી પરોસા રેસ્ટોરામાં ૩૭૭ રૂપિયાના દરે મિનિમમ બે વ્યક્તિ હોય તો અમર્યાદિત પંજાબી ભોજન જેમાં બે પ્રકારના સૂપના વિકલ્પ મળે, ત્રણ પ્રકારના સ્ટાર્ટર (પનીર ટિક્કા, વેજ ક્રિસ્પી, વેજ કબાબ), મેઇન કોર્સમાં બે સબ્જી (પનીર લાબદાર, વેજ નવાબી), નાન, રોટલી, પરાઠાના વિકલ્પ, છાશ, અથાણું, પાપડ, દાળ-ભાત અથવા બિરયાની અને બ્રાઉની વિથ આઇસક્રીમ પીરસવામાં આવે છે. અનલિમિટેડ મેન્યૂ વિશે આ રેસ્ટોરાંના સંચાલક પ્રતીક ભાવસાર કહે છે કે ‘હું હોટેલ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી છું અને અમારી રેસ્ટોરાંના અનુભવથી કહી શકું છું કે આ ઑફર આલાકાર્ટ (સાધારણ મેન્યૂ) કરતાં લોકોને વધારે આકર્ષિત કરે છે. જોકે આમાં અમને નૉર્મલ મેન્યૂ કરતાં ઓછો ફાયદો મળે છે પણ એની સામે અમને ફુટફૉલ એટલે કે વધારે સંખ્યામાં લોકોના ઑર્ડર મળી રહે છે. બીજું એ કે અનલિમિટેડ ભાણું પીરસતી રેસ્ટોરાં હવે પીરસવાની પદ્ધતિ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરતી થઈ ગઈ છે. જેને જેટલું જોઈએ એટલું જ પીરસાય છે. પણ હા, ૮-૧૦ ટકા એવા ઘરાક આવે છે જે એકલા સ્ટાર્ટર પર જ તૂટી પડતા જોવા મળે છે અથવા અમુક મેઇન કોર્સની સબ્જી જ માણતા દેખાય છે, પણ એમાં અમને વાંધો નથી, કારણ કે માણસની ક્ષમતા ૭૦૦ ગ્રામથી વધારે ખાવાની ન હોઈ શકે એટલે જો તેઓ એકલા સ્ટાર્ટર ખાય તો એ મેઇન કોર્સ ન મગાવે અને જે મેઇન કોર્સ ખાવા ઇચ્છતા હોય એ મર્યાદિત સ્ટાર્ટર જમે અને ઘણા તો પૂરું ૨૫૦ ગ્રામ પણ જમી શકતા નથી. સરવાળે અમને બધું સરભર થઈ જતું હોય છે.’ 

ઑફરમાં ફાયદો કોને?

ગ્રાહકોને ફાયદો એ છે કે જેમને નિરાંતે ખાવું હોય તે જમી શકે છે. જ્યારે હોટેલવાળાને પણ ફાયદો જ છે કે તેમનો વેપાર દરરોજ જળવાઈ રહે છે. આથી ગ્રાહક અને વેપારી બન્નેનો ફાયદો જ છે, પરંતુ દરેક વસ્તુનો અંત હોય છે એમ અનલિમિટેડ ખરેખર તો લિમિટેડ જ છે કે એક વ્યક્તિ સરેરાશ ૭૦૦ ગ્રામથી વધારે ખાઈ શકતી જ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK