ફોરપ્લેથી સેક્સલાઇફમાં કંઈ સ્પાઇસ ઉમેરી શકાય?

Published: Jul 21, 2020, 14:28 IST | Dr. Ravi Kothari | Mumbai

ફોરપ્લે એ તમારા પાર્ટનરને સમજવાની કળા છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: ફિઝિકલ ઇન્ટિમસી દરમ્યાન જો મીઠી વાતચીત અને ફોરપ્લે સ્ત્રીઓને બહુ ગમતો હોય છે એવું સાંભળ્યું છે. મને એવું લાગે છે કે આ બાબતમાં હું કાચો છું. લગ્નને જસ્ટ પંદર મહિના થયા છે. પહેલાંના સંવનનમાં જો વધુ સમય ગાળો તો સ્ત્રીને વધુ મજા આવે છે. જોકે સંવનનમાં કેવી ચીજોથી પૉઝિટિવ અસર થાય? રોમૅન્ટિક ફોરપ્લેની વાત થતી હોય તો કેવી ચેષ્ટાઓ દ્વારા પાર્ટનરને ઉત્તેજિત કરી શકાય? મારી સેક્સલાઇફ બહુ જ નીરસ થઈ ગઈ છે ત્યારે શું ફોરપ્લેથી એમાં કંઈ સ્પાઇસ ઉમેરી શકાય? 

જવાબ: જો થ્રી-કોર્સ મીલની સાથે સરખામણી કરીએ તો ફોરપ્લેને ઍપિટાઇઝર કહેવાય. જેમ મનભાવતું ભોજન સારી રીતે પચે એ માટે પહેલાં ભૂખ ઊઘડવા ઍપિટાઇઝર જરૂરી છે એમ સેક્સ્યુઅલ ઍક્ટનો આનંદ મળે એ માટે ફોરપ્લે જરૂરી છે. કામસૂત્રમાં ઋષિ વાત્સ્યાયને સંવનન પર આખું એક ચૅપ્ટર લખ્યું છે. આ ક્રિયા દરમ્યાન પંચેન્દ્રિયો થકી સાથીને ઉત્તેજિત કરવાની ક્રિયાઓ સાંકળવામાં આવી છે. પંચેન્દ્રિયો એટલે દૃષ્ટિ, સ્પર્શ, ગંધ, સ્વાદ અને વાતચીત કે શ્રવણ. આ ઇન્દ્રિયો ઉત્તેજિત થાય તો એ મગજમાં રહેલા સેક્સના સેન્ટરને ઉત્તેજિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

પાંચેય ઇન્દ્રિયોને ગમે એવો રોમૅન્ટિક માહોલ ઊભો કરવામાં આવે એ ફોરપ્લેનો મૂળ હેતુ છે. આ દરમ્યાન કેવી ચેષ્ટાઓ કરવી એનો કોઈ નિયમ ન હોઈ શકે, કેમ કે એ દરેક યુગલ માટે યુનિક બાબત છે. કોઈકને કૅન્ડલ-લાઇટ ડિનર કે સુંદર સજાવેલો બેડરૂમ ગમે તો કોઈકને હળવું રોમૅન્ટિક મ્યુઝિક. રૂમમાં મનગમતાં ફૂલોની સુગંધ હોય અથવા તો પાર્ટનરે ગમતું અત્તર લગાવ્યું હોય એ પણ ફોરપ્લેનો ખૂબ જ સુંદર ભાગ બની શકે છે. આ બધી ચીજો ઇનડાયરેક્ટ્લી મગજના સેક્સ-સેન્ટરને ઉત્તેજિત કરે છે. જોકે એ ઉપરાંત શરીરના અત્યંત સંવેદનશીલ ભાગોમાં એકમેકને કરવામાં આવેલા હળવા સ્પર્શથી આખા શરીરમાં લોહીનો પ્રવાહ વહેતો થઈ જાય છે. આ બધી ચીજો એવી છે જેનાથી વ્યક્તિની સમાગમ માટેની ભૂખ ઊઘડે છે.

બીજી ભાષામાં કહીએ તો ફોરપ્લે એ તમારા પાર્ટનરને સમજવાની કળા છે. તેને શું ગમે છે અને શું નહીં એ જાણવું એમાં બહુ જ મહત્ત્વનું છે. આ એવી ચેષ્ટાઓ છે જેનાથી માત્ર બે વ્યક્તિઓ શારીરિક ઐક્ય માટે તો તૈયાર થાય જ છે, સાથે પરસ્પરનું ઇમોશનલ બૉન્ડિંગ અને કમ્યુનિકેશન પણ સુધરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK