Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પાઇનૅપલ ખાઓ ત્યારે જીભ અને હોઠ ચચરે છે?

પાઇનૅપલ ખાઓ ત્યારે જીભ અને હોઠ ચચરે છે?

16 February, 2021 11:31 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

પાઇનૅપલ ખાઓ ત્યારે જીભ અને હોઠ ચચરે છે?

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


તો સારું જ છે. બ્રોમેલિન નામના એન્ઝાઇમને કારણે એવું થાય છે જે ખોરાકમાંના પ્રોટીનનું વિઘટન કરીને શરીરમાં ભળવામાં મદદરૂપ થાય છે. એક સમયે માત્ર ધનાઢ્યોનું જ ફળ ગણાતું હતું અને વર્ષના ચોક્કસ સમયમાં જ જોવા મળતું હતું જે હવે તો બારેમાસ મળે છે. હાલમાં ઢગલેઢગલા પાઇનૅપલ મળી રહ્યાં છે ત્યારે આ એક્ઝૉટિક ફળના ઇતિહાસથી લઈને એના ફાયદા સુધીની વાતો વિગતે જાણીએ.

ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં થતું ખટમીઠું ફળ પાઇનૅપલ હવે તો ઢંઢેરે પિટાય છે અને રસ્તામાં લારીઓ પર જાણે પાઇનૅપલનો ડુંગર બનાવ્યો હોય એવા ઢગલા લઈને વેચાવા નીકળે છે. એક સમયે માત્ર ધનાઢ્યોનું જ ફળ ગણાતું અને રોજિંદાં ફળોમાં એને ભાગ્યે જ નિયમિત સ્થાન મળતું, પણ હવે એનું ઉત્પાદન પણ વધ્યું છે અને વપરાશ પણ. ભારતની જ વાત કરીએ તો આપણે ત્યાં વર્ષેદહાડે ૧.૫૩ મિલ્યન ટન પાઇનૅપલ પેદા થાય છે. વિશ્વના કુલ ઉત્પાદનમાંથી આઠ ટકા જેટલો પાક ભારતના આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મેઘાલય, મણિપુર, અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર જેવાં રાજ્યોમાં થાય છે.



ચાઇનીઝ કલ્ચરમાં નવા ચાઇનીઝ યરની શરૂઆતમાં વિવિધ પ્રકારનાં ફળોનું ડેકોરેશન કરવામાં આવે છે અને એમાં પાઇનૅપલ બહુ જ મહત્ત્વનું ફળ ગણાય છે. પાઇનૅપલ માટે વપરાતા ચાઇનીઝ શબ્દનો અર્થ થાય છે, ‘શુભ સમય તમારી રાહ જોઈ રહ્યો છે.’ એ જ કારણોસર ફેંગશુઈ શાસ્ત્ર મુજબ પાઇનૅપલને તમારા ઘરની ફળોની ટોકરીમાં અવશ્ય રાખવું જોઈએ. આ ફળ ધનધાન્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. વેલ, પાઇનૅપલથી બીજી સમૃદ્ધિ કેવી આવશે એ તો ભગવાન જાણે પણ જો એમાં રહેલાં ખાસ પોષક તત્ત્વોનો સમજીને ઉપયોગ કરવામાં આવે તો હેલ્થની દૃષ્ટિએ જરૂર સમૃદ્ધિ આવી શકે એમ છે.


pineapple-02

ઇતિહાસનાં મૂળ કેટલાં ઊંડાં?


‘હિસ્ટરી ઑફ ફૂડ’ નામની બુકમાં પાઇનૅપલનું ઓરિજિન બ્રાઝિલ અને પરાગ્વે હોવાનું મનાય છે. યુરોપ ખંડમાં આ ફળ ૧૪૯૩ની સાલમાં પહેલી વાર કોલંબસ લઈને ગયેલો હોવાનો ઉલ્લેખ છે. ભારતમાં પાઇનૅપલનાં સૌપ્રથમ બીજ ઇન્ડોનેશિયાથી આવેલાં. પોર્ટુગીઝોએ ભારત સુધી પહોંચવાના રસ્તામાં વચ્ચે ઇન્ડોનેશિયામાં રોકાણ કરેલું એ વખતે ૧૫૪૮ની સાલમાં પહેલી વાર ઇન્ડોનેશિયાથી બીજ ભારત આવેલાં. ૧૮૦૦ની સદીની શરૂઆતમાં ભારતથી આ ફળ ઑસ્ટ્રેલિયા ગયેલું. જોકે કેટલાક દાવાઓ એવા પણ થયા છે કે ભારતમાં પાઇનૅપલ હજારો વર્ષ પહેલાંથી જ હતું. ‘ઍન્શિયન્ટ ઇન્ડિયાઃ હિસ્ટરી ઍન્ડ કલ્ચર’ નામની બુકમાં આ ફળ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય દરમ્યાન ભારતમાં ઇન્ટ્રોડ્યુસ થયેલું હોવાનો ક્લેમ થઈ રહ્યો છે. આપણે જે ભારતમાં છૂટથી ખાઈએ છીએ એ પાઇનૅપલની પ્રજાતિનું સાયન્ટિફિક નામ છે અનાનસ કોમોફસ.

કૅન્સર સામે રક્ષણ

૨૦૧૭માં કેમિલી નામની એક યંગસ્ટરે પોતાને થયેલા ફર્સ્ટ સ્ટેજના બ્રેસ્ટ-કૅન્સરને માત્ર અને માત્ર પાઇનૅપલ ખાઈને દૂર કર્યું હોવાનો દાવો કરેલો. અલબત્ત, આ દાવાની પાછળ કોઈ સાયન્ટિફિક બૅકઅપ નથી. અલબત્ત, ૨૦૧૮ના નવેમ્બર મહિનામાં અમેરિકન જરનલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં છપાયેલા સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં એવું નોંધાયું છે કે અનાનસમાં રહેલાં ઊંચી માત્રાના ઍન્ટિ-ઑક્સિડન્ટ્સને કારણે નિયમિત ડાયટમાં વાપરનારા લોકોમાં કૅન્સરનું જોખમ ઘટી જાય છે. આવા તારણ પાછળ બેથી ત્રણ પ્રકારની થિયરીઓ કામ કરી રહી છે. એક તો એમાં ખૂબ ઊંચી માત્રામાં વિટામિન સી છે. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરના દાવા મુજબ એક કપ પાઇનૅપલમાં ૭૮.૯ મિલીગ્રામ જેટલું વિટામિન સી હોય છે જે સ્ત્રીઓની રોજની ૭૫ મિલીગ્રામની જરૂરિયાતને બહુ આસાનીથી પૂરી કરી દઈ શકે છે. વિટામિન સી શરીરના કોઈ પણ ભાગમાં હીલિંગ પ્રોસેસ ઝડપી બનાવે છે. બીજું છે શરીરના કોષોની ઑક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા ઑક્સિડેશનની પ્રક્રિયા ઘટાડતાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સની હાજરી. આ કેમિકલ્સને કારણે બૉડીમાં ઘર્ષણને કારણે પેદા થતું ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઘટે છે. શું આ દાવાઓમાં દમ છે? યસ, આપણે ત્યાં આ ફળના ગુણને બહુ અન્ડરએસ્ટિમેટ કરવામાં આવ્યા છે એવું જણાવતાં જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘જેમ દરેક ફળના ફાયદા હોય છે એમ અનાનસ પણ એમાંથી બાકાત નથી, પરંતુ એને કઈ રીતે અને કેટલી માત્રામાં ખાવામાં આવે છે એ વધુ મહત્ત્વનું છે. આ ફળ ઇમ્યુનિટી સુધારે છે અને વાઇરલ તેમ જ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.’

જીભ પર ચચરાટ કરતું બ્રોમેલિન

તમે જોયું હોય તો ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે પાઇનૅપલ ખાવાથી મોંમાં ચચરાટ થાય છે. ખાધા પછી જીભ અને ગલોફાં બન્ને જાણે આળાં થઈ ગયા હોય એવું લાગે. આવું થવાનું કારણ છે એમાં રહેલું બ્રોમેલિન. આ એક પ્રકારનો એન્ઝાઇમ છે જે ખોરાકમાંના પ્રોટીનનું વિઘટન કરવાનું કામ કરે છે. ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘આ એન્ઝાઇમને કારણે પાચનની પ્રક્રિયા સારી થાય છે. જેમને પણ પાચનની તકલીફ હોય એવા લોકોએ થોડીક માત્રામાં પાઇનૅપલનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરવો જ જોઈએ. એનાથી ડાઇજેશન સુધરશે. તમે સૅલડમાં અનાનસની એક-બે સ્લાઇસ ઉમેરીને સ્વાદ પણ વધારશો અને પાચનક્રિયા પણ. બીજું, આ ફળમાં ખૂબ સારી માત્રામાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી તત્ત્વો છે. ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી એટલે કે સોજો ઘટાડનાર. ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ, ઑલ્ઝાઇમર્સ, આર્થ્રાઇટિસ એ દરેક રોગમાં આંતરિક અવયવોમાં માઇલ્ડ સોજો આવતો હોય છે. આ ફળ ખાવાથી એ સોજામાં ઘટાડો થશે. ઘણા લોકો માને છે કે આર્થ્રાઇટિસને કારણે થતા સાંધાના દુખાવામાં પાઇનૅપલ ન ખવાય કેમ કે એ ખાટું છે, પણ દરેક ખાટી ચીજ દુખાવો કરે એવું નથી.’

વેઇટલૉસ માટે મસ્ત

વજન ઘટાડવું એ આજકાલ દરેક વ્યક્તિની જાણે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. પાઇનૅપલ એમાં પણ ઉપયોગી બની શકે એમ છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આ ફળનો સ્વાદ ખટમીઠો છે એટલે ભૂખ લાગી હોય ત્યારે નાસ્તામાં ખાવાનું ગમે છે. વળી એમાં સારીએવી માત્રામાં પાણી છે એટલે બૉડી સારી રીતે હાઇડ્રેટ થાય અને ફાઇબરને કારણે થોડુંક ખાતાં જ પેટ ભરાયેલું લાગે. ટેસ્ટને કારણે ટેસ્ટબડ્સને પણ સંતોષ થાય અને બીજું કંઈ ચટપટું ખાવાનું ક્રેવિંગ ઘટે.’

હાડકાંને મજબૂતી બક્ષે

ઑસ્ટિઓપોરોસિસને દૂર રાખવો હોય તો પાઇનૅપલ ઉપયોગી છે એવું અમેરિકાની ઑરેગોન સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાતોએ તારવેલું છે. એનું કારણ છે એમાં રહેલા વિવિધ ખનીજની માત્રા. હાડકાંને નબળાં પડતાં અટકાવવા હોય તો રોજ ૧૫૦ ગ્રામ જેટલું પાઇનૅપલ લેવું જોઈએ એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આ ફળમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને મૅન્ગેનીઝની માત્રા સારી છે. આ ત્રણેય ચીજો હાડકાંને મજબૂત બનાવે છે. અલબત્ત, વધુ ફાયદા માટે તમે રોજનું એક આખેઆખું અનાનસ ખાઈ જાઓ તો ઠીક નથી. સૅલડમાં કે રાયતામાં પાઇનૅપલનો ઉમેરો કરવાથી એ બેસ્ટ ફાયદો આપે. બીજું, ડાયાબિટીઝ અને કિડનીના દરદીઓ પણ આ ફળ આરામથી ખાઈ શકે છે કેમ કે એ શરીરને હાઇડ્રેટ કરે છે. ’

આ જાણો છો?

પાઇનૅપલનાં ઊંચાં વૃક્ષો નથી હોતાં, પણ છોડ હોય છે જે બહુ ઊંચા નથી થતા. એક છોડ પર એક જ પાઇનૅપલનું ફળ ઊગે છે.
પાઇનૅપલમાં રાજા અને રાણી એમ બે પ્રકારનાં ફળો હોય છે.

પાઇનૅપલનું કાચું ફળ જ છોડ પરથી ઉતારી લેવામાં આવે તો એ બરાબર પાકતું નથી, પરંતુ અંદરથી ફર્મેન્ટ થવા લાગે છે. છોડ પર જ પાકેલું હોય અને બહારથી પણ પીળા-ગોલ્ડન રંગનું થઈ ગયું હોય એ પછી હાર્વેસ્ટ કરવામાં આવે તો એ મીઠું અને પાકેલું હોય છે.

ફળ પાકું છે કે કાચું એની પરખ કરવા માટે એની બૉટમને સૂંઘવી. જો એમાંથી સ્ટ્રૉન્ગ અને સ્વીટ સ્મેલ આવતી હોય તો એ પાકેલું છે. સ્મેલ ન હોય તો એ કાચું છે.

કેવી રીતે ખાવું?

કોઈ પણ ફળ કાપીને લાંબો સમય રાખી ન મૂકવું જોઈએ, પરંતુ આ ફળને ઘરે લાવીને કાપવાનું કામ અઘરું છે. એટલે બને ત્યાં સુધી છાલ કાઢીને આખેઆખું ફળ જ લાવવું. એની તૈયાર સ્લાઇસ મળે છે એ ત્યારે જ લાવવી જો તમે તરત જ એ ખાવાના હો.
આખા ફળમાંથી તમને જેટલું જોઈએ એટલું જ કાપવું અને બાકીનું ફ્રિજમાં મૂકવું. બને ત્યાં સુધી આ રીતે રાખેલું ફળ બે દિવસમાં કન્ઝ્યુમ કરી લેવું.

પાઇનૅપલથી ઘણા લોકોને મોંમાં બહુ ચચરાટ થતો હોય તો એની પર સહેજ કાળાં મરી ભભરાવીને ખાવાનું રાખવું.
વચ્ચેનો સ્ટેમનો ભાગ ખૂબ કડક હોય તો એ કાઢી નાખવો, બાકી સૉફ્ટ સ્ટેમ હોય તો ચાવી-ચાવીને ખાઈ શકાય.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2021 11:31 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK