Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બ્રેસ્ટ ક્રાઉલિંગ

20 November, 2012 06:49 AM IST |

બ્રેસ્ટ ક્રાઉલિંગ

બ્રેસ્ટ ક્રાઉલિંગ




જિગીષા જૈન




બાળકને પૂરતા પોષણની સાથે-સાથે ઇન્ફેક્શન સામે રક્ષણ મળી રહે એ માટે તેને જન્મ પછી તરત જ સ્તનપાન કરાવવાનું કહેવામાં આવે છે. એમાંય આજકાલ બ્રેસ્ટ ક્રાઉલ પદ્ધતિથી બાળકને પહેલું સ્તનપાન કરાવવાનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. નવજાત બાળક પોતાના પ્રયત્ન્ા દ્વારા જાતે કુદરતી રીતે જ સ્તનપાન કરે એ પદ્ધતિને ‘બ્રેસ્ટ ક્રાઉલ’ કહેવાય છે, જેમાં બાળકના જન્મ પછી તરત જ તેને માતાના પેટ પર ઊંધું સુવડાવવામાં આવે છે અને તે પેટે ચાલીને ઉપરની તરફ સરકે છે અને પોતાની જાતે સ્તનપાન કરે છે. તાજેતરમાં નાગપુરના પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ‘જર્નલ ઑફ પેરિનૅટોલૉજી’માં પ્રકાશિત થયેલાં રિસર્ચે પણ સ્પષ્ટ કર્યું છે કે બ્રેસ્ટ ક્રાઉલની સ્તનપાન પર મહત્વપૂર્ણ પોઝિટિવ અસર જોવા મળી છે. જન્મ પછી બાળકના તરત ઘટતા વજનને પણ એ ઘણી માત્રા સુધી ટાળી શકે છે.



બ્રેસ્ટ ક્રાઉલનું મહત્વ જાણતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયા શું છે અને કઈ રીતે એ શક્ય બને છે  જાણીએ કઈ રીતે શક્ય છે?


સામાન્ય રીતે એવી માન્યતા છે કે નવજાત બાળક પોતાની મેળે કશું જ કરી શકતું નથી અને જો એમ કહેવામાં આવે કે જન્મ બાદ નાડથી અલગ થયા પછી બાળક પોતાની મેળે સ્તનપાન કરી શકે છે તો શરૂઆતમાં આ વાત સ્વીકારવી અઘરી લાગે છે.

૨૦૦૫થી બ્રેસ્ટ ક્રાઉલિંગના અભિયાન સાથે સંકળાયેલાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ભાવસાર આ વિશે કહે છે, ‘વિજ્ઞાનની ભાષામાં સમજાવીએ તો બે પ્રકારનાં પ્રાણી હોય. એક, જે ઈંડાં મૂકે અને બીજું, જે બચ્ચાને જન્મ આપે.

બચ્ચાને જન્મ આપતાં પ્રાણીઓને મેમલ્સ એટલે કે સ્તનવર્ગનાં પ્રાણીઓ કહેવાય છે. માણસ પણ આ જ કૅટેગરીમાં આવે છે. ગાયને વાછરડું જન્મે તો એના જન્મ પછી એ પોતાની જાતે જ સ્તનપાન કરે છે. કોઈ એ વાછરડાને શીખવાડવા જતું નથી કે સ્તનપાન કઈ રીતે કરવું. એ જ રીતે મનુષ્યમાં પણ બાળક જન્મ્યા પછી તેને શીખવાડવાની કે સ્તનપાન માટે મદદની જરૂર નથી હોતી. જ્યારે જન્મ્યા પછી બાળકને માતાના પેટ પર ઊંધું સુવડાવવામાં આવે છે ત્યારે મોટા ભાગે તે પાંચ-છ મિનિટની અંદર પેટે ચાલવાનું શરૂ કરે છે અને ધીમે-ધીમે સ્તન સુધી પહોંચી પોતાની મેળે સ્તનપાન કરે છે.’

આ ઉપરાંત જ્યારે બ્રેસ્ટ ક્રાઉલિંગની વાત સાંભળીએ ત્યારે બાળક કઈ રીતે ચાલી શકે એવો એક પ્રશ્ન ઉદ્ભવે, જેના જવાબમાં ડૉ. ઝીનલ ભાવસાર કહે છે, ‘બાળક માના ગર્ભમાં પણ મૂવમેન્ટ કરતું જ હોય છે. જન્મતાંની સાથે જ આપણે ત્યાં બાળકને બાંધી દેવાની પ્રથા છે, જેથી બાળકને ચાન્સ ન મળતાં તે મૂવમેન્ટ કરી શકતું નથી. માટે એવું લાગે છે કે નવજાત બાળક પેટે સરકીને ચાલી ન શકે, પરંતુ એ સત્ય નથી.’

પાંચેય ઇન્દ્રિયની મદદ

નવજાત બાળક જન્મના પહેલા એક કલાકમાં ખૂબ જ જાગૃત હોય છે. ખાસ કરીને તેની પાંચેય ઇન્દ્રિય પ્રબળ રીતે કામ કરતી હોય છે અને પાંચ ઇન્દ્રિયની મદદથી જ બ્રેસ્ટ ક્રાઉલિંગ વખતે પેટ પરથી સરકતાં-સરકતાં સ્તન સુધી પહોંચી સ્તનપાન કરતું થાય છે.

આંખ : નવજાત બાળક ફક્ત ને ફક્ત કાળો અને સફેદ રંગ જ ઓળખી શકે છે, આ વાત જણાવતાં ડૉ. ઝીનલ ભાવસાર કહે છે, ‘પ્રેગ્નન્સી સમયે સ્ત્રીના સ્તન પરનો ગુલાબી ભાગ ઘેરો રંગ પકડે છે અને ઑલમોસ્ટ કાળા રંગનો બની જાય છે એ પાછળ એ કારણ છે કે તેનું નવજાત બાળક એ રંગ જોઈ શકે અને સ્તનને ઓળખી શકે. આમ, બ્રેસ્ટ ક્રાઉલિંગ વખતે પેટ પરથી બાળકને આ ઘેરો કાળો રંગ આકષેર્ છે અને તે ઉપરની બાજુ સરકે છે.’

નાક : બાળકની ધ્રાણેન્દ્રિય કઈ રીતે કામ કરે છે એ વિશે

ડૉ. ઝીનલ કહે છે, ‘બાળક જ્યારે ગર્ભાશયમાં હોય છે ત્યારે તે ગર્ભાશયમાં જે પાણીનો ભાગ હોય છે એને ઍમ્નિયોટિક ફ્લુઇડ કહે છે. આ ફ્લુઇડ જે પ્રકારની ગંધ ધરાવે છે એ જ પ્રકારની ગંધ જન્મ પછી સ્તનની નિપલમાંથી આવતી હોય છે. આમ જ્યારે બ્રેસ્ટ ક્રાઉલ માટે બાળકને માના પેટ પર મૂકવામાં આવે તો નિપલમાંથી આવતી આ ગંધ તેને જાણીતી લાગે છે અને માટે તે એના પ્રત્યે આકષાર્ય છે અને આગળ વધે છે.’

જીભ : જેવી રીતે આપણને કોઈ વાનગીની સુગંધ આવે અને મોંમાં પાણી છૂટે એ વાનગી ખાવાની ઇચ્છા થાય એ જ રીતે નિપલમાંથી આવતી આ ગંધને કારણે બાળકના મોઢામાં લાળ છૂટે અને સ્તનપાન કરવા તે તત્પર બને છે.

કાન : ડૉ. ઝીનલ ભાવસારના કહેવા અનુસાર બ્રેસ્ટ ક્રાઉલિંગ વખતે બાળક માતાના હૃદયના ધબકારા સાંભળી શકે છે અને તે ધબકારાને અનુસરે  છે. આમ, ધબકારાના અવાજની દિશામાં તે આગળ વધવા પ્રેરાય છે.

ચામડી : બાળક જન્મે ત્યારે મા સાથેનો તેનો સંબંધ નવ મહિનાનો હોય છે. તે માના શરીરનો જ એક ભાગ છે. અને તે જોડાણ અદ્ભુત હોય છે. બ્રેસ્ટ ક્રાઉલિંગ વખતે પહેલી વાર બાળક પોતાની માને સ્પર્શ કરે છે. આ સ્પર્શને માણતાં-માણતાં તે પેટે સરકે છે અને આગળ વધે છે.

(બ્રેસ્ટ ક્રાઉલિંગ માતા અને બાળક માટે કઈ રીતે ઉપયોગી છે તેમ જ એ કેટલું પ્રેક્ટિકલ છે એ વિશે આવતીકાલે જાણશું)

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2012 06:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK