બ્લૅક હેડ્સથી બચવા ત્વચાને એક્સફોલિએટ કરતા રહો

Published: 19th December, 2012 06:04 IST

સ્ત્રી અને પુરુષ બન્નેને થતી સ્કિનની આ કૉમન તકલીફથી છુટકારો મેળવવા માટે આ સિવાય બીજું શું કરવું એ જાણી લોસમસ્યાના સમાધાન માટે એનું કારણ જાણવું સૌથી જરૂરી છે. જ્યારે ત્વચાનું કુદરતી તેલ વધી જાય છે અને એ રોમછિદ્રોને બ્લૉક કરે છે ત્યારે બ્લૅક હેડ્સ ઉદ્ભવે છે. મોટા ભાગે બ્લૅક હેડ્સ ટી ઝોન એટલે કે કપાળ, નાક અને દાઢીના ભાગ પર જ વધુ જોવા મળે છે, કારણ કે આ ભાગો પર તેલની ગ્રંથિઓ વધુ હોય છે. જો તમારી સ્કિન નૅચરલી ઑઇલી હોય તો બ્લૅક હેડ્સ થવાની શક્યતાઓ વધુ છે. બ્લૅક હેડ્સને દૂર કરવા માટે સારું સ્કિન કૅર રેજિમ ફૉલો કરવું, ક્લેન્ઝરનો વપરાશ અને એક્સફોલિએશન ખૂબ જરૂરી છે.

સ્કિન કૅર રેજીમ

ન તો ચહેરા પરની તૈલી ગ્રંથિઓ ઘટાડવાનું આપણા હાથમાં છે અને ન તો રોમછિદ્રોની સાઇઝ ઓછી કરવાનું, પણ ડેઇલી સ્કિન-કૅર રૂટીન અપનાવીને બ્લૅક હેડ્સને દૂર જરૂર કરી શકાય છે. દરરોજ સવારે અને સાંજે સારા ક્લેન્ઝરથી ચહેરાને ક્લેન્ઝ કરો અને ત્યાર બાદ ખૂલી ગયેલા રોમછિદ્રોને બંધ કરવા ટોનર લગાવો. આ પ્રોસીજર રોજ દિવસમાં બે વાર કરવી જરૂરી છે. સ્કિન જેટલી સાફ રહેશે એટલા જ બ્લૅક હેડ્સ ઓછા દેખાશે.

હાથેથી નહીં

આપણામાંથી મોટા ભાગના લોકો ઝડપથી બ્લૅક હેડ્સથી છુટકારો મેળવવા માટે ઉતાવળમાં એને દબાવીને કાઢે છે અથવા એના પર જોરથી ટુવાલ કે હાર્ડ એવો કપડાનો ટુકડો ઘસીને કાઢવાની કોશિશ કરે છે; જે ખોટું છે, કારણ કે દબાવવાથી કે ઘસવાથી રોમછિદ્રોમાંથી બ્લૅક હેડ્સ તેમ જ વાઇટ હેડ્સ દૂર તો થાય છે, પણ હંમેશ માટે નહીં. વળી, ત્યાંની સ્કિન લાલ થઈ જશે. આ રીતે એ સ્કિનમાં વધારે ડીપ જતા રહે છે જેનાથી બૅક્ટેરિયા ઉદ્ભવે છે અને બ્લૅક હેડ્સ થોડા જ કલાકોમાં પાછા દેખાવા લાગે છે. આવા ઘરગથ્થુ ઉપાયો ન કરતા સ્કિનની પ્રોપર સંભાળ લેવાથી બ્લૅક હેડ્સ દૂર થઈને નવા આવતા અટકશે.

રીમૂવલ સ્ટ્રિપ્સ

બજારમાં બ્લૅક હેડ્સ રીમૂવલ સ્ટ્રિપ્સ પણ મળે છે જેનાથી પણ બ્લૅક હેડ્સ દૂર કરી શકાય છે. આવી પટ્ટીઓ સ્કિન થોડી ભીની કરીને એના પર લખેલી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે લગાવવી. આ સ્ટ્રિપ્સ થોડા સમય બાદ ખેંચીને કાઢી લેવાની હોય છે. એનાથી નાક પરથી બધી જ ધૂળ, ડેડ સ્કિન તેમ જ બ્લૅક હેડ્સ નીકળી જાય છે.

એક્સફોલિએટ કરો

બ્લૅક હેડ્સ માટેનો આ સૌથી અકસીર અને સરળ ઉપાય છે. સ્કિનને એક્સફોલિએટ ત્વચા પરનું મૃત કોષોનું લેયર દૂર થશે અને સ્કિન ચમકશે. એ માટે સ્કિનને અઠવાડિયામાં બેથી ત્રણ વખત સ્ક્રબથી ઘસીને સાફ કરો. ઑઇલી સ્કિનમાં બ્લૅક હેડ્સનો પ્રૉબ્લેમ વધારે થાય છે એ સાચું; પણ સ્કિનને વધુપડતી ડ્રાય કરવાની ટ્રાય પણ ન કરવી, કારણ કે એનાથી સ્કિન સૂકી થઈને ફાટવાનો ડર રહે છે.

પ્રૉપર ટ્રીટમેન્ટ

બ્લૅક હેડ્સ દૂર કરવાનો સૌથી સારો ઉપાય એટલે મહિનામાં એકાદ વાર પાર્લરમાં જઈને ક્લીન-અપ કરાવવું. રેગ્યુલરલી ક્લીન-અપ કરાવવાથી ત્વચા સાફ રહે છે તેમ જ ત્વચા પરના મૃત કોષો દૂર થાય છે. જોકે પાર્લરમાં બ્લૅક હેડ્સ દૂર કરવા માટે બ્યુટિશ્યનો દ્વારા વપરાતું ટૂલ સાફ કરેલું છે કે નહીં એ ચોક્ક્સ ચકાસવું, કારણ કે જો એ ટૂલ તમારા પહેલાં બીજા કોઈ પર વાપરેલું હશે તો તમને ઇન્ફેક્શન થઈ શકે છે. આ સિવાય બ્યુટિશ્યનને પણ કહી દો કે બ્લૅક હેડ્સ કાઢવા માટે સ્કિન પર વધુ પ્રેશર ન આપે. જો સ્ટીમ થોડી વધુ મિનિટો માટે લેવામાં આવશે તો બ્લૅક હેડ્સ આસાનીથી દૂર થઈ જશે. ખૂબ પ્રેશર આપીને બ્લૅક હેડ્સને કાઢવાથી એ જગ્યાએ નાની ફોલ્લીઓ પણ થઈ શકે છે. બ્લૅક હેડ્સને કાઢવા ક્યારેય નખનો ઉપયોગ ન કરવો. નખમાં પહેલેથી જ થોડો મેલ હોય છે, જે ઇન્ફેક્શન વધારી શકે છે.

બ્લૅક હેડ્સ રીમૂવલ માસ્ક

બે ચમચી ઓટમીલ અને એક ચમચી મધ મિક્સ કરો અને એને માઇક્રોવેવમાં થોડું ગરમ કરો. આ માસ્કનું જાડું લેયર ફેસ પર લગાવો અને વીસ મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ માસ્ક કાઢીને નવશેકા પાણી વડે ચહેરો ધોઈ કાઢો.

આ માસ્ક રેગ્યુલરલી લગાવવાથી રોમછિદ્રો મોટાં નહીં થાય અને એનાથી બ્લૅક હેડ્સ જેવા પ્રૉબ્લેમ પણ નહીં ઉદ્ભવે. ત્વચા પર એજિંગ થાય એટલે પોર્સની સાઇઝ મોટી થવા લાગે છે, જેમાં સ્કિન ટાઇટનિંગ માસ્ક ઉપયોગી થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK