કચ્છની વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ દીર્ધદૃષ્ટિવંત કચ્છી દસા ઓસવાલ જ્ઞાતિ

ભાવિની લોડાયા - કચ્છી કોર્નર | Jun 11, 2019, 13:03 IST

દરેક જ્ઞાતિની કંઈક કહાની છે. નાનકડા લેખમાં સંપૂર્ણ સમાવેશ તો કદાચ સંભવ ન થઈ શકે, પણ નાનકડી માહિતી સંપૂર્ણતા સુધી પહોંચવાનું પગથિયું બની શકે માટે આપ સમક્ષ કચ્છની જ્ઞાતિની સફર કરાવી રહ્યા છીએ.

કચ્છની વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ દીર્ધદૃષ્ટિવંત કચ્છી દસા ઓસવાલ જ્ઞાતિ
જેન તીર્થસ્થળો

વાત કચ્છી જ્ઞાતિઓની

ગુજરાતી મિડ-ડેના કચ્છી કૉર્નરને વાચકોએ લાગણીસભર આવકાર્યું છે. વિવિધતાસભર કચ્છી કૉર્નર દ્વારા વિવિધ કચ્છી જ્ઞાતિઓની ઝાંખી આપ સમક્ષ રજૂ કરવાની નમ્ર કોશિશ છે જેનાથી ગૌરવવંત પ્રેરણા જન્મે અને પ્રગતિશીલ વિશ્વમાં આપણે સમજણભરી અને લાગણીસભર પ્રગતિ કરી માતૃભાષાને જીવંત રાખી પ્રયાણનાં પગલાં માંડીએ.

દરેક જ્ઞાતિની કંઈક કહાની છે. નાનકડા લેખમાં સંપૂર્ણ સમાવેશ તો કદાચ સંભવ ન થઈ શકે, પણ નાનકડી માહિતી સંપૂર્ણતા સુધી પહોંચવાનું પગથિયું બની શકે માટે આપ સમક્ષ કચ્છની જ્ઞાતિની સફર કરાવી રહ્યા છીએ. અગાઉના અંકમાં આપણે ઓસવાલોના જન્મ અને વીસા ઓસવાલ જ્ઞાતિ વિશે જાણ્યું. આ વખતે આપણે જાણીશું દીર્ધદૃષ્ટિવંત દસા ઓસવાલ જ્ઞાતિ વિશે.

કચ્છ અને હલારમાં સ્થળાંતર થયેલા કચ્છી ઓસવાલોમાંથી વેપારના મથક મુંબઈ નગરીમાં આવનારી સૌપ્રથમ ભાટિયા કોમ પછી દસા ઓસવાલ કોમ હતી. સંપૂર્ણ અચલગચ્છીય એટલે કે માત્ર દેરાવાસી, ખેડૂતનો મૂળ વ્યવસાય ધરાવનાર કોમના વિકાસમાં જ્ઞાતિ શિરોમણી શેઠશ્રી નરશીનાથાનું યોગદાન અભૂતપૂર્વ છે. કચ્છના અબડાસા વિસ્તારના નલિયા ગામમાં રહેતા શેઠશ્રી નરશીનાથા દુષ્કાળ અને ધરતીકંપને કારણે વહાણમાં બેસી પિતા સાથે મુંબઈ આવ્યા. વિકાસ પામતા મુંબઈમાં પાણી પીવડાવવાની સુવિધા ન હતી. તેમણે સ્વચ્છ પાણી પીવડાવવાનું શરૂ કર્યું. ભાટિયા, પારસી, ખોજા, મેમણ અને લુહાણા કોમના વેપારીઓ સાથે સંપર્ક વધ્યા. તેઓ વ્યાપાર વિશે માહિતગાર થવા લાગ્યા. સાહસિક વૃત્તિ અને નસીબે સાથ આપ્યો અને ધંધો ખૂબ વધ્યો. માણસોની જરૂર વધી જેથી કચ્છ જતાં વહાણોમાં જ્ઞાતિબંધુઓને મુંબઈ બોલાવવા લાગ્યા. કચ્છથી આવનારા જ્ઞાતિબંધુઓના ઉતારા તેમ જ ખાવાપીવાની વ્યવસ્થા કરી. શિક્ષિત કરવા માટે ભાષાનું જ્ઞાન તેમ જ ગણિત શીખવાડવાનું આયોજન કર્યું. જ્ઞાતિજનો ઉપર આવે એ ઉત્કૃષ્ટ ભાવના હતી. એ જ સમયમાં પોતાના જ્ઞાતિજનો પોતાના જેવા બને એ ભાવના માટે સતત પ્રયત્નશીલ રહેનાર કચ્છના ધનકુબેર તરીકે પંકાયેલા જ્ઞાતિ મુકુટમણી શેઠશ્રી કેશવજી નાયકે કચ્છ ગામ લાખણિયાથી ૧૦ વર્ષની ઉંમરે મુંબઈ પ્રયાણ કર્યું. રૂનો વેપાર કરનાર કેશવજી નાયકને અંગ્રેજ ગવર્નર તરફથી જસ્ટિસ ઑફ પીસનો ખિતાબ મળેલો અને મુંબઈ સુધરાઈનો વહીવટ ચલાવવા નિમાયેલી જસ્ટિસ કમિટીના તેઓ સભ્ય હતા. તેમને એક વિશેષ અધિકાર આપવામાં આવ્યો કે તેઓ જ્યાંથી પસાર થાય ત્યાં જો ફાંસીની સજા અપાતી હોય તો પણ અટકી જાય. આ અધિકાર અર્થે તેઓએ ઘણા નિર્દોષોના જીવ બચાવવાના પ્રયાસ કર્યા. નરશીનાથા અને કેશવજી નાયકના જીવનચરિત્રો વિશે વિશેષ અંકમાં આપણે અવશ્ય જાણીશું, પરંતુ જ્ઞાતિરત્નોની ઓળખની ઝાંખી વગર જ્ઞાતિકથા અધૂરી રહે. પોતાના જ્ઞાતિબંધુઓની રહેવાની સુવિધા કરાવવા અર્થે તેમણે મુંબઈના મસ્જિદબંદરમાં ભાતબજારમાં આવેલું અનંત નિવાસ, અનંત ભુવન, જ્થ્થાવાળો એમ ૧૯થી ૨૦ બિલ્ડિંગ બનાવી નજીવા પૈસા કે જેની પાસે પૈસા ન હોય તો પૈસા વગર રહેઠાણની વ્યવસ્થા કરી. ભાંડુપમાં અનંત સિદ્ધિનાં ચાર બિલ્ડિંગ છે અને ઘાટકોપરમાં અનંતછાયા જ્યાં ૧૯૮૩માં લકી ડ્રૉમાં નજીવા રેન્ટ પર લોકોને ઘર આપવામાં આવ્યાં જે ૨૦૧૪માં અનંતનાથ ટ્રસ્ટ દ્વારા રીડેવલપમેન્ટ કયાર઼્ બાદ ૨૦૧૭માં પોતાની માલિકીના ધોરણે આપવામાં આવ્યાં. કાંજુર માર્ગમાં ૩ બિલ્ડિંગ ૨૦૦૧માં ૮૦૦ રૂપિયાના બાંધકામની કિંમતે આપવામાં આવ્યાં. મુંબઈમાં જ્યારે જૈન દેરાસર બન્યાં એમાં પહેલા નંબરે જાણીતું એવું પાયધુનીનું દેરાસર અને ત્યાર બાદ કચ્છી દસા ઓસવાલનું ભાતબજારમાં આવેલું અનંતનાથ દેરાસર બીજા ક્રમાંકનું છે. નરશીનાથા શેઠ અને વડીલો દ્વારા સ્થાપિત મુંબઈ મહાજન કચ્છી દસા ઓસવાલ જ્ઞાતિનું શિરમોર મહાજન છે. ભાતબજારમાં આવેલી નરશીનાથા સ્ટ્રીટ અને ત્યાં થોડે દૂર આવેલો કેશવજી નાયકનોે ફુવારો એ ગૌરવવંત છે.

મુંબઈ મહાજનનાં પરંપરાગત કાર્યોને સતત આગળ વધારતા મહાજનના સભ્યોએ ખૂબ પ્રયત્નો કર્યા અને દસાઓને નવી દિશામાં વિકાસ કરાવવા કે.ડી.ઓ.ના ૧૧૦ મહાજનને સંપૂર્ણ આવરી અને સાથે મળી નવા કાર્ય કરાવવા સમસ્ત મહાજનની શરૂઆત થઈ. દરેક જ્ઞાતિજનોને સાથ આપી સક્ષમ બનાવવા ઘણી બધી યોજનાઓ હાલમાં ચતુર્થ સંમેલનમાં અમલમાં મુકાઈ.

આવનાર અંકમાં જાણીશું કચ્છીઓની વિવિધ જ્ઞાતિઓમાંની હજી એક જ્ઞાતિ. દરેક જ્ઞાતિને નમ્ર નિવેદન છે કે અંક વિશે જો કોઈ અભિપ્રાય કે જાણકારી આપવી હોય તો bhavinigmd@gmail.com પર મોકલી શકો છો . આપના વિચારો આવકાર્ય છે.

જ્ઞાતિજનો માટે યોજનાઓ

૧. નારી સશક્તિકરણ માટે ઘરે-ઘરે બિઝનેસ કરી શકે એ માટેની યોજના છે.

૨. સંજીવની યોજના જે મુજબ અરજી કરનાર દરદીનાં પેપરો ડૉક્ટર ટીમને મોકલવામાં આવે અને વેરિફાઈ થઈ તરત સહાય આપવામાં આવે અને જો વધુ જરૂરિયાત હોય તો એ માટે સંજીવની-ઍપ દ્વારા ક્રાઉડ ફન્ડ દ્વારા સહાય મેળવી શકાય છે.

૩. શૈક્ષણિક ક્ષેત્રમાં ૧૦૦ વર્ષ પહેલાં બંધાયેલી શેઠશ્રી વિરજી લધાભાઈ વિદ્યાર્થી ગૃહ જે ઘાટકોપર કામા લેન પર છે જ્યાં મુંબઈ તેમ જ મુંબઈ બહાર વસનારા વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ છે.

૪. જ્ઞાતિજનો માટે ૧૯૮૧માં સ્થાપિત થયેલ શ્રી અરિહંત કો-ઑપરેટિવ બૅન્કની આજે ૧૦ શાખાઓ છે.

૫. દિવ્યાંગ યોજના મુજબ જે દિવ્યાંગ આર્થિક રીતે નબળા હોય તેમને મહિને ૪૦૦૦ની સહાય સમસ્ત મહાજન દ્વારા આપવામાં આવે છે.

૬.આવી બીજી અનેક યોજનાઓ અને ભાવિ યોજનાઓ સમસ્ત મહાજન દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચો : કચ્છની વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ વિશાળ જ્ઞાતિ વીસા ઓસવાલ

૭. માત્ર ૩૦,૦૦૦ની વસ્તી ધરાવનાર દસા ઓસવાલની સક્ષમતા એના દીર્ધદૃષ્ટિકોણને લીધે છે. દરેક ક્ષેત્રમાં આગળ હોવાની સાથે ધાર્મિક પરંપરાને પણ જાળવી રાખી છે. પાલિતાણા જેવા ધાર્મિક અને ઐતહાસિક તીર્થમાં નરશીનાથાની ટૂંક અને કેશવજી નાયકની ટૂંક છે. તળેટીની ઉપર ધર્મનાથ ભગવાનનું દેરાસર એ ગોવિંદજી જેવત ખોના દ્વારા સ્વદ્રવ્યથી થયેલ નિમાર્ણનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. હાલમાં જ શ્રી હિતેશ મોતા દ્વારા પાલિતાણા તીર્થમાં અજિત શાંતિની દેરીનું જીણોર્દ્ધાર કરાવવામાં આવ્યું. આમ દસાઓ દશે દિશામાં ખૂબ પ્રગતિ કરે એ માટે અગાઉના દરેક પ્રમુખ અને માજી પ્રમુખ શ્રી નયન ભેદાની ૫૧ જણની ટીમ અનંત યુવા શક્તિ નવી રૂપરેખાના પ્રયત્ન કર્યા છે અને હાલના પ્રમુખ કલ્પેશ મોતા પ્રયત્નશીલ છે. કેડીઓ ગ્લોબલ કાર્ડના ચૅરમૅન કુમારભાઈનું કહેવું છે કે લોકો જોડાય અને સાથે મળી જ્ઞાતિ સંપૂર્ણ મજબૂત બને એજ અભ્યર્થના.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK