Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છની વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ વિશાળ જ્ઞાતિ વીસા ઓસવાલ

કચ્છની વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ વિશાળ જ્ઞાતિ વીસા ઓસવાલ

04 June, 2019 12:59 PM IST |
ભાવિની લોડાયા - કચ્છી કોર્નર

કચ્છની વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ વિશાળ જ્ઞાતિ વીસા ઓસવાલ

કચ્છની વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ વિશાળ જ્ઞાતિ વીસા ઓસવાલ


વાત કચ્છી જ્ઞાતિઓની

જૈન ધર્મ સાથે સંકળાયેલા ઓસવાલ જ્ઞાતિના મૂળ સ્થાપક ઉપકેશ ગચ્છાચાર્ય રત્નપ્રભસૂરિ છે અને ત્યાર બાદ થયેલ અનેક ઉપકેશ ગચ્છાચાર્યો નવા નવા અજૈનોને પ્રતિબોધી જૈન બનાવી ગચ્છમાં સામેલ કરતા રહ્યા. આ ઉપરાંત અન્ય ગચ્છોના આચાર્યો જેઓ ઉદારવૃત્તિવાળા હતા અને પોતાના ગચ્છ પ્રત્યેની લાગણીઓ હતી માટે એમણે પ્રતિબોધેલા લોકોને અલગ ન રાખતા ઉપકેશ વંશ-ઓસવાલોમાં સામેલ કરી સંઘનું હિત કર્યું. ૧૮ ગોત્ર જે વિક્રમ સંવતના ચારસો વર્ષ આસપાસ હતા. ૧૮ ગોત્રથી શરૂ થયેલ ઓસવાલ જ્ઞાતિમાં આજે ૨૭૦૦થી વધુ ગોત્ર છે. પરમાર, રાઠોડ, ચાવડા, ચૌહાણ, ભટ્ટી અને સોલંકી જેવા ગોત્રજના ક્ષત્રિયો - રાજપૂતોમાંથી પરિવર્તિત થયેલ જૈન ઓસવાલો આજે વિશ્વભરમાં ફેલાયેલા છે. કહેવાય છે, ગ્રંથોના આધારે શ્રીમાલ, પોરવાલ અને ઓસવાલની ઉત્પતીમાં શ્રીમાલ નગર (ભિન્નમાલ)નો અચલગચ્છ સાથે પુરાણો નાતો છે. આપણા ગચ્છના પ્રથમ શ્રાવક યશોધન ભિન્નમાલના હતા. કહેવાય છે સ્વયંપ્રભસૂરિ મહારાજસાહેબને વિશાળ ભિન્નમાલ નગરમાં જઈ શાસનપ્રભાવના કરવાની ઈચ્છા થઈ પરંતુ ત્યાં પાખંડીઓનું સામ્રાજ્ય હતું એથી એ દુવિધામાં હતા. છતાં એક સવારે ૫૦૦ શિષ્યો સાથે ભિન્નમાલ પહોંચ્યા, પરંતુ ચોતરફ પશુબલિ અને હિંસાનું વાતાવરણ હતું. શિષ્યોએ ગુરુને કહ્યું, ‘અહીંથી જતા રહીએ.’ ગુરુએ કહ્યું, ‘ધીરજ ધરો.’



રાજ્યમાં તે સમયે મોટો યજ્ઞ થઈ રહ્યો હતો. યજ્ઞમાં બલિ આપવાની તૈયારી થઈ રહી હતી. ગુરુજી રાજ્યસભામાં પહોંચ્યા. રાજા જયસેને અપૂર્વ તેજસ્વી મહાત્માને જોઈને નમન કર્યા. ગુરુજીએ, ‘ધર્મલાભ’ આપ્યા. એ સાંભળી લોકો અને બ્રાહ્મણો હાંસી કરવા લાગ્યા કે જૈન સાધુને આશીર્વાદ આપતા પણ નથી આવડતું.


રાજાએ પૂછ્યું ‘આવા આશીર્વાદ કેમ?’

સાધુ બોલ્યા ‘રાજન, ચિરંજીવીના આશીર્વાદથી નરકમાં પણ દીર્ઘ આયુષ્ય છે. બહુપુત્રના આશીર્વાદ આપું તો શ્વાન આદિ અનેક પ્રાણીઓને બહુપુત્ર હોય છે. ધનધાન્ય તો રૂપજીવિની પાસે પણ હોય છે. તેથી મેં ધર્મલાભના આશીર્વાદ આપ્યા, કારણકે મનની શાંતિ માત્ર ધર્મથી જ મળે છે. એટલું જ શા માટે, મોક્ષમાં પહોંચાડનાર પણ ધર્મ જ છે.’


આ પણ વાંચો : કચ્છની વિવિધ જ્ઞાતિનો ઇતિહાસ જાણવો છે?

સાધુનાં વચનોથી રાજા પ્રભાવિત થયા અને ધર્મના સાચા સ્વરૂપ દ્વારા અહિંસા પર ઉપદેશ આપ્યો. રાજા જયસેન, મંત્રીઓ અને પ્રજાજનો મળી ૯૦,૦૦૦ લોકોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરેલા સર્વ જૈનો સંગઠિત થઈ રહે અને અન્ય સ્થાનોના જૈનોને પણ જોડી શકાય માટે તેમણે સ્થાપેલા ‘મહાજન સંઘ’ વિશે આપણે ગત અંકમાં જાણ્યું. પ્રાચીન કહેવત છે, ‘લંકામાં એક મહાજન હોત તો રામાયણ ન થાત અને હસ્તિનાપુરમાં દુયોર્ધન સાથે એક મહાજન હોત તો મહાભારત ન થાત, કારણ કે મહાજન પોતાની ચાલાક બુદ્ધિથી રાવણ અને દુયોર્ધનને અટકાવી શકત.’ આમ અન્ય ગચ્છના આચાયોર્ના પ્રયાસો દ્વારા અત્યંત બુદ્ધિકૌશલ ધરાવનાર ઓસવાલની વિવિધ શાખાઓએ જન્મ લીધો. ભારત દેશના વાયવ્ય દિશામાંથી આપણો પ્રવેશ થયો. સમયાંતરે ભૌગોલિક સ્થિતિના પરિવર્તન સાથે સ્થળાંતર કરતાં કરતાં કચ્છ અને ગુજરાતનાં વિવિધ ગામમાં ઓસવાલો સ્થાયી થયા અને આમ ગુજરાતના હાલાર ગામમાં સ્થળાંતર કરેલા ઓસવાલોની હાલારી વિશા ઓસવાલ અને કચ્છ વાગડમાં વસવાટ કરનાર વાગડ ઓસવાલ તરીકે ઓળખ બનતી ગઈ. મૂળ ખેડૂતનો વ્યવસાય ધરાવનાર ઓસવાલો તેની ખંત અને બુદ્ધિચાતુર્યથી વિવિધ વ્યવસાય તરફ આગળ વધતા ગયા. ઓસવાલોના ગચ્છ એટલે કે વિધિપક્ષ ગચ્છ (અચલગચ્છ) કહેવાય છે. પંજા, દશા અને વીસા જેમાંથી વિશાળ એવા વીસા ઓસવાલ ગચ્છ તેની વિશાળ વસ્તીના આંકડામાં વિશિષ્ટતા ધરાવે છે. જૈનોમાં અનેક ગચ્છ છે, પણ અચલગચ્છના વીસા ઓસવાલની ખાસિયત એ છે કે આ ગચ્છમાં દેરાવાસી એટલે કે અચલગચ્છ, તપગચ્છ અને પાશ્વચંદ્ર ગચ્છ અને સ્થાનકવાસી એટલે છ કોટિ અજરામર (લીમડી સંપ્રદાય), આઠ કોટિ મોટી પક્ષ અને આઠ કોટિ નાની પક્ષ એમ છ સમૂહને સાથે ભેળવી જ્ઞાતિને મજબૂતાઈથી આગળ વધારી રહ્યા છે. ખડતલપણું, અભાવભરી સ્થિતિમાં પણ સ્વમાની આપણા પૂર્વજો સંતોષી તો ખરા, પણ સાહસિક પણ હતા. એને કારણે એ જ પરંપરા આગળ સંસ્ક્ારો દ્વારા મળતી ગઈ. કુટુંબવત્સલ, કસોટીની ઘડીએ પરસ્પર માટે ‘હું તારી પાછળ ઊભો છું’નો હુંફાળો સંગાથ આપનાર, જિંદાદિલ હોવાની સાથે સરળ અને ધર્મભીરુ હતા જેને કારણે વતનપ્રેમ બેજોડ હતો, જે આજે પણ જળવાઈ રહ્યો છે અને માટે જ કચ્છીની પહેલી ઓળખ કચ્છનું એનું ગામ હોય છે. બે કચ્છી મળતાં સંવાદનું પ્રથમ વાક્ય હોવાનું - ‘કયા ગામના?’ દૂરંદેશી ધરાવનાર કચ્છી વીસા ઓસવાલ સમાજ તેની એકતાને આજે પણ જીવંત રાખવામાં સફળ છે. શિક્ષણનું સ્તર વધારી, ધંધામાં આગળ વધી વિકાસની નવી તકો વેપારમાં પ્રગતિ કરી, આર્થિક સદ્ધરતાની સાથે રહેણીકરણી અને જીવન પ્રત્યેનો અભિગમ બદલાવી સુશિક્ષિત પેઢી મુંબઈથી લઈને વિદેશ સુધી ઠરીઠામ થવા લાગ્યા છે. સમાજની સેવા સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓનો ભાગ આ જ્ઞાતિની એક થઈ સંગઠિત થવાની ક્ષમતાને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મુંબઈની ભાતબજારમાં કચ્છી દેરાવાસી વીસા ઓસવાલનું મહાજન અને ચિંચબંદરમાં કચ્છી વીસા ઓસવાલ સ્થાનકવાસી મહાજનનું મહાજનની કાર્યકુશળતા એ સંપૂર્ણ જ્ઞાતિને એકઝૂટ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે શૈક્ષણિક, રહેઠાણ, બુક બેન્ક, લોન, આરોગ્યસંવર્ધન લોન, રમતગમત, સ્પોર્ટસ, કેરિયર કાઉન્સેલિંગ અને એપ્ટિટuુડ ટેસ્ટ, વ્યક્તિગત વિકાસ અને સામાજિક તેમ જ વિશ્વમાં વિકાસ કરવા માટેની અનમોલ તકો પ્રદાન કરી રહ્યા છે. વ્યક્તિનો વિકાસ તો સમાજનો વિકાસ અને સમાજનો વિકાસ તો દેશનો. આમ વીસા ઓસવાલ સમાજ તેની અખંડ એક્તાને લીધે એકબીજાનો સાથ આપતા આગળ વધી રહ્યા છે. આવી ગૌરવપૂર્ણ જ્ઞાતિને એક અંકમાં આલેખવું એ શક્ય નથી પણ અંશ સ્વરૂપે આપ સમક્ષ આ વિશાળ શાખાની એક નાનકડી ઝાંખીને જાણીને પ્રેરણા જરૂર મળે. આગામી અંકમાં આપણે વિવિધ કચ્છી જ્ઞાતિઓમાંની હજી એક જ્ઞાતિ વિશે જાણશું.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2019 12:59 PM IST | | ભાવિની લોડાયા - કચ્છી કોર્નર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK