વટદાર સમાજ - કચ્છી કડવા પાટીદાર સમાજ

Published: Jul 23, 2019, 13:21 IST | ભાવિની લોડાયા - કચ્છી કોર્નર | મુંબઈ ડેસ્ક

ગુજરાતી ‘મિડ ડે’ના કચ્છી કૉર્નરની પ્રશંસાના પરિણામ રૂપે આપ સમક્ષ વિવિધ આલેખનો પ્રસ્તુત કરવાનો અમારો પ્રયત્ન સતત ચાલતો રહેશે. જ્ઞાતિ ગાથાઓની શરૂ કરેલી સફરને આગળ વધારતા આપ સમક્ષ આજે કચ્છી સમાજની જે જ્ઞાતિની વાત કરવાના છીએ તે ખરેખર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે

પાટીદાર સમાજ
પાટીદાર સમાજ

કચ્છી કોર્નર

લગભગ ૩૫૦ વર્ષથી કચ્છમાં જઈને વસ્યા હતા અને તેમનો મૂળ વ્યવસાય ખેતીનો છે, પણ બીજી જ્ઞાતિઓની જેમ આ સમાજ પણ રાજકીય અને નૈસર્ગિક આબોહવામાં ફેરફાર થવાના કારણે આજીવિકા અર્થે ૧૯૪૦ની આસપાસ મુંબઈમાં આવીને વસ્યો. શરૂઆતનાં વર્ષો મુશ્કલીભર્યાં રહ્યાં પરંતુ ધીરે ધીરે સ્થિર થયા અને પછી કચ્છી કડવા પાટીદારનો સારો એવો પ્રવાહ મુંબઈ તરફ વહેવા માંડ્યો. આમ મુંબઈમાં તેમની સંખ્યા વધી. સમગ્ર ક્ષેત્રમાં આગળ વધેલા અને વિશ્વના ખૂણે-ખૂણે વસતા કચ્છી કડવા પાટીદાર લોકો એગ્રિકલ્ચર, લાકડા અને ઈન્ડસ્ટ્રીયલ એમ મુખ્ય ત્રણ વ્યવસાયમાં ખૂબ મોખરે છે. વિકાસશીલ સમાજની સૌથી મોટી ખાસિયત એ છે કે આજે પણ તેઓઅે એગ્રિકલ્ચર એટલે કે ખેતી ઉદ્યોગને જાળવી રાખ્યો છે. કચ્છ યુવક સંઘના મૅનેજિંગ ટ્રસ્ટી દીપકભાઈ પટેલ સાથે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે, આજે પણ કચ્છને છોડ્યું નથી, ઘરમાં જો ચાર ભાઈમાંથી ત્રણ મુંબઈ વસ્યા હોય તો એક તો કચ્છમાં ખેતી વ્યવસાયને સાચવે જ છે. એગ્રિકલ્ચરમાં આધુનિક જ્ઞાન મેળવી લેટેસ્ટ ટ્રેઈનિંગ લઈ યુવાનો પણ ખેતી કરે છે. આજે પણ કચ્છમાં ગામેગામ મોટી સંખ્યામાં લોકો વસે છે. માનવતા વિકસાવવાની અને અન્યને ઉપયોગી થવાની ભાવના રૂપે શરૂઆતનાં વર્ષોમાં જ્ઞાતિ સુધારણા અર્થે સ્વર્ગસ્થ શ્રી નારાયણ રામજી લીંબાણી જેમણે સમાજ માટે ભગીરથ પ્રયાસ કર્યા છે તેમના સહકાર્યકરોએ ઝુંબેશ ઉપાડી. એ અગ્રેસરોએ ઉન્નતિ માટે કેળવણી આપવાનું કામ હાથ ધર્યું. કેળવણી એટલે માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પરંતુ આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મને અનુરૂપ એવા રીતરિવાજોનું પાલન કરવાનું અને વાણી-વ્યવહાર અને વિચારોને શ્રેષ્ઠ બનાવવાની કામગીરી હાથ ધરી. સમગ્ર ભારતમાં ૪ લાખથી વધુ વસ્તી ધરાવનાર કચ્છી કડવા પાટીદાર સમાજે ચારેકોર સિદ્ધિ હાંસલ કરી છે પરંતુ તેમના મૂળ પારંપરિક સંસ્કારોને જાળવી રાખ્યા છે. પરિવાર સાથે હળીમળીને રહે એ ગુણને તેઓએ આજે પણ જીવંત રાખ્યો છે. પશ્ચિમીકરણની આબોહવાની અસરથી આજે જ્યારે જૉઈન્ટ ફેમિલીની પ્રથા નાબૂદ થવા લાગી છે ત્યારે મુંબઈમાં રહેઠાણની સમસ્યા અને થોડી દેખાદેખીને કારણે થોડા ઘણા લોકોને બાકાત કરી આ સમાજમાં આજે પણ જૉઈન્ટ ફેમિલીની પ્રથા ખૂબ સુંદર રીતે જળવાઈ રહી છે. સમાજના કલ્યાણ અર્થે અને સંપૂર્ણ જ્ઞાતિને એકતાંતણે બાંધી રાખવા માટે ‘અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ’ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. જેમાં યુવા સંઘ અને મહિલા સંઘ કાર્યરત છે. સમગ્ર ભારતમાં વસતી કચ્છી કડવા પાટીદારની દરેક સંસ્થાઓ આ મુખ્ય સંસ્થાના નેજા હેઠળ કામગીરી કરે છે અને જ્ઞાતિ વિકાસ તરફ પગલાં ભરે છે. મુંબઈમાં ઘાટકોપરમાં મુખ્ય સંસ્થા આવેલી છે. મુંબઈમાં વસતા લોકો માટે ‘કચ્છી કડવા પાટીદાર ટ્રસ્ટ ફંડ’ની સ્થાપના કરવામાં આવી છે. બીજી બોરીવલી અને ડોમ્બિવલીમાં મુખ્ય વાડીની અને ઠેકઠેકાણે સ્થાપના કરવામાં આવી છે. ૫૦ વર્ષ પૂર્વે પાયાના પથ્થરસમા સમાજના રાહબર એવા વડીલોએ પોતાની રીતે જ્ઞાતિના ઉત્કર્ષ પાછળ ખૂબ જહેમત ઉઠાવી છે.

જ્ઞાતિની યોજનાઓ : ‘અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ’ નામની સંસ્થા દ્વારા સંપૂર્ણ ભારતમાં વસતા લોકો માટે યુવા સંઘ દ્વારા ૧૮થી ૫૫ વર્ષની ઉંમર ધરાવનાર વ્યક્તિ માટે એવી યોજના બનાવવામાં આવી છે કે જો આ ઉંમર દરમ્યાન કોઈ કારણસર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમના પરિવારને તાત્કાલિક રૂપિયા ૧૦ લાખનો ચેક પાંચ દિવસની અંદર જ્ઞાતિ તરફથી આપવામાં આવે જેના માટે જ્ઞાતિજનોએ માત્ર ૧૫૦૦ રૂપિયા ભરી ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.
જ્ઞાતિજનોમાંથી જો કોઈને વિદેશ ભણવા જવું હોય તોપણ સહાય અને માર્ગદર્શન કરવામાં આવે છે.
ટેકનૉલૉજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાતો માટે ટેક્નો ક્રેપ્સ નામની યોજના છે.
જ્ઞાતિના ડૉક્ટર ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે મેડિકલ ઝોન નામની યોજના છે.

આ સિવાય મુંબઈમાં સ્થાપેલ જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ યોજનાઓ મુજબ સમૂહલગ્નનું આયોજન કરવા અને લગ્નોમાં નવયુગલો વધુમાં વધુ સંખ્યામાં જોડાય તેવા પ્રયત્નો કરવા વર્ષ ૨૦૧૬થી સામૂહિક મામેરા પ્રસંગનું પણ સમાજ વાડીમાં આયોજન કરવામાં આવે છે અને રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે.

શૈક્ષણિક ક્ષેત્ર : જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નીતિનિયમો પ્રમાણે રૂ. ૭૦,૦૦૦/- સુધીની સહાય કરવી, તેમ જ ટ્રસ્ટ ફંડના વિસ્તારમાં ભણતા દરેક વિદ્યાર્થીને પડતર ભાવથી પણ લગભગ ૬૦ થી ૭૦ રૂ.થી ઓછા ભાવે નોટબુકોનું વિતરણ દર વર્ષે મુંબઈ યુવક મંડળના સહકારથી કરવામાં આવે છે. દર વર્ષે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવે છે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ભણીને સમાજ પ્રત્યે સક્રિય રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

વૈદકીય સહાય : જરૂરતમંદ દર્દીને ઓપરેશન તેમ જ બીમારીના ખર્ચને પહોંચી વળવા નીતિનિયમો પ્રમાણે અરજી લઈને રૂ. ૭૦,૦૦૦/- સુધીની સહાય કરવામાં આવે છે. દર વર્ષે જ્ઞાન યંત્ર, સંસ્કાર પીરસતા વ્યાખ્યાનો વગેરે વર્તમાન પેઢીને જાગૃત કરવા અને સમાજમાં વડીલોને માન-સન્માન આપે તે દિશામાં જાગૃત કરવા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

મેડીકલ ક્ષેત્ર : ત્રણેય વાડીમાં અવારનવાર મેડીકલ કૅમ્પો, કૅન્સર નિદાન કૅમ્પો, ટ્રસ્ટ ફંડ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે અને આવા જ મેડીકલ કૅમ્પો માટે અન્ય સંસ્થાને પાટીદાર વાડીનો ઉપયોગ કરવા આપવામાં આવે છે. ઘાટકોપર વાડીમાં રાહતના દરે 

ફક્ત ટોકન લઈને દવાખાનું ચલાવવામાં આવે છે.

શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ તેમ જ શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ મુંબઈને તેમના દરેક કાર્યક્રમો માટે વાડીઓ નિઃશુલ્ક આપવામાં આવે છે.

શારીરિક સ્વસ્થ રહેવા માટે ત્રણેય વાડીઓમાં સવારે ૬.૦૦ થી ૭.૦૦ કલાકે યોગ કેન્દ્ર ચલાવવામાં આવે છે.
જ્ઞાતિ ગાથાને નાનકડાં લેખમાં પ્રસ્તુત કરવી શક્ય નથી, પરંતુ આ નાનકડા લેખથી પોતાની જ્ઞાતિ માટે ગૌરવ અનુભવી તેની કાર્યક્ષમતાઓને સાથ આપી એક મજબૂત વિકાસશીલ સમાજના અખંડ નિમાર્ણમાં આપણું નાનકડું યોગદાન પણ સમગ્ર સમાજને ઉપયોગી નિવડે છે. ઘાટકોપર કચ્છી કડવા પાટીદાર વાડીના ટ્રેઝરર મહેન્દ્ર સેંઘાણીનું કહેવું છે કે ઘણાં કાર્ય હજી કરતાં રહીશું અને સમાજને હજી આગળ વધારશું.

આપ સૌ વાચકો માટે અમે સંપૂર્ણ જ્ઞાતિઓની ગાથા રજૂ કરતા રહીશું. હવે પછીના જ્ઞાતિગાથા અંકમાં આપણે કચ્છી સમાજનું ગૌરવ એવી એક નવી જ્ઞાતિગાથાને જાણશું. આપ સૌનો સાથ અમારી પ્રેરણા છે. સૌ વાચકો સાથે મળી આપણી સંસ્કૃતિની ધરોહર એવા જ્ઞાતિ ગ્રંથોમાં સમાયેલા ખજાનાઓને બહાર કાઢી નવી પેઢીને આ ખજાનાની ઓળખ કરાવીએ.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

ભાષા આપણી જીવંત રહે અને આપણે સૌ સાથે મળીને રહીએ, બસ એકતાના આ હેતુને સેતુ બનાવી સફળતાના શિખરો સર કરતા અવનવી જાણકારીઓને માણીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK