ઑનલાઇનના ચક્કરમાં છેતરાઈ નહીં જતા ક્યાંક

Published: Aug 01, 2020, 13:42 IST | Ruchita Shah | Mumbai

લૉકડાઉનમાં ડર, ચિંતા અને અનિશ્ચિતતાભરી લોકોની માનસિકતાનો ઑનલાઇન ફ્રૉડ કરનારી ગૅન્ગે ભરપૂર લાભ લીધો છે

કેટલાક સર્વે કહે છે કે કોરોનાના અટૅક પછી આખા વિશ્વમાં ઑનલાઇન ફ્રૉડનું પ્રમાણ વધ્યું છે. લૉકડાઉનમાં ડર, ચિંતા અને અનિશ્ચિતતાભરી લોકોની માનસિકતાનો ઑનલાઇન ફ્રૉડ કરનારી ગૅન્ગે ભરપૂર લાભ લીધો છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોના સર્વે મુજબ ભારતમાં સાઇબર ક્રાઇમના સૌથી વધુ કેસ મુંબઈમાં નોંધાય છે. ઑનલાઇન ફ્રૉડનો ભોગ બનેલા કેટલાક ગુજરાતીઓ સાથે વાત કરીએ અને સાથે જ આ દિશામાં કેવા નવા તુક્કાઓ છેતરપિંડી કરનારા લોકો અજમાવી રહ્યા છે અને એમાંથી કેમ બચવું એ પણ જાણી લો

મહારાષ્ટ્ર સાઇબર ડિપાર્ટમેન્ટને જૂન, ૨૦૧૯થી ૧૩ મે, ૨૦૨૦ સુધીમાં ૧૫૬૩ સાઇબર ક્રાઇમની કમ્પ્લેઇન્ટ મળી છે જેમાંથી એપ્રિલ મહિનામાં ૨૦૦ લોકોએ કમ્પ્લેઇન્ટ નોંધી છે અને તેરમી મે સુધી લગભગ ૧૫૦ લોકોએ પોતાની સાથે સાઇબર ફ્રૉડ થયાનું નોંધાવ્યું છે જેમાંથી ૬૬૦ ફરિયાદો બૅન્કિંગ ફ્રૉડની હતી, ૫૪૮ ફરિયાદો અન્ય સાઇબર ફ્રૉડની જેમ કે ૯૮ લૉટરીમાં થયેલા ફ્રૉડ, ૭૯ ઇન્વેસ્ટમેન્ટને લગતા ફ્રૉડ, ૭૬ જૉબ પોર્ટલના નામે થયેલા ફ્રૉડ, ૨૯ સરકારના નામે કરેલા ફ્રૉડ, ૨૧ મૅટ્રિમોનિયલ ફ્રૉડ અને ૧૨ કેસમાં એવી છેતરામણી હતી જેમાં આર્મીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિઝર્વ બૅન્કે આપેલા ડેટા મુજબ ભારતમાં ૨૦૦૯થી ૨૦૧૯ દરમ્યાન ટોટલ ૬૧૫.૩૯ કરોડ રૂપિયા સાઇબર ક્રાઇમ અંતર્ગત લોકોએ ખોયા છે. સરકાર અને બૅન્કો દ્વારા સતત લોકો માટે અલર્ટ જાહેર કરવામાં આવે છે. ઑનલાઇન ફ્રૉડથી બચવાની ગાઇડલાઇન આપવામાં આવે છે છતાં લોકો છેતરાય છે. ક્યારેક ટેક્નૉલૉજી પ્રત્યેની અજ્ઞાનતા તો કેટલીક વખત ટેન્શનયુક્ત માનસિકતા તો કેટલીક વખત સસ્તાની લાલચ તો કેટલીક વખત શૉર્ટકટમાં કામ પતાવવાની ઇચ્છા - આ બધી જ વ્યક્તિત્વની નબળાઈઓનો ઑનલાઇન ફ્રૉડ કરનારા લાભ ઉઠાવે છે. બીજું, તેઓ એવા અંતરિયાળ વિસ્તારમાંથી જુદા-જુદા રાજ્યમાંથી ઑપરેટ કરી રહ્યા હોય છે કે પોલીસ માટે પણ તેમના સુધી પહોંચવાનું અઘરું બની જાય છે. ઑનલાઇન ફ્રૉડનો ભોગ બનેલા કેટલાક ગુજરાતીઓ સાથે આ વિશે વાત કરીએ. સાથે જ નિષ્ણાત પાસે આ પ્રકારના ફ્રૉડથી બચવા શું ધ્યાન રાખવું એ પણ સમજીએ.

સૅનિટાઇઝરનું પેમેન્ટ આપવાને બદલે ચાલીસ હજાર લૂંટી લીધા

સાઉથ મુંબઈમાં રહેતા એક વેપારીએ લૉકડાઉનમાં કામકાજ બંધ થઈ ગયું હોવાથી ટેમ્પરરી સૅનિટાઇઝર વેચવાનું કામ શરૂ કર્યું હતું જેના માટે તેમણે ફેસબુક પર ઍડ્વર્ટાઇઝમેન્ટ કરેલી. પોતાનું નામ નહીં આપવાની શરતે આ વેપારી કહે છે, ‘ધંધો બંધ પડી ગયો હતો. ભાડું ભરવાનું પણ બાકી હતું. કંઈક ચાર પૈસા મળે તો ઘર ચાલે એટલે સૅનિટાઇઝર વેચવાનો ફેસબુક પર ધંધો શરૂ કર્યો હતો. એવામાં એક જણનો ફોન આવ્યો મને કહે કે આર્મીમાંથી બોલું છું. તમે અમને અંધેરીમાં મુંબઈ ઍરપોર્ટ પર બાર સૅનિટાઇઝરનાં કૅન મોકલી આપો. મેં કહ્યું કે અમે ડિલિવરી નથી આપતા, તમે આવીને લઈ જાઓ અને પૈસા આપી જાઓ. તો તેણે કહ્યું કે ઠીક છે, હું પૈસા તમને ઑનલાઇન ટ્રાન્સફર કરું છું, તમે મને તમારો ગૂગલ પે નંબર આપો. મેં કહ્યું, હું ગૂગલ પે નથી વાપરતો, પે ટીએમ પર પેમેન્ટ મોકલો. તો તે કહે, અમે આર્મીવાળા છીએ. ગૂગલ પે સિક્યૉર છે એટલે એમાંથી જ અમને પેમેન્ટ ટ્રાન્સફર કરવાની પરવાનગી છે. તમે એની સગવડ કરી શકતા હો તો ઠીક, બાકી ઑર્ડર કેન્સલ કરો. મને એમ કે પૈસા લેવાના છે એટલે વાંધો નથી. મેં મારી ભત્રીજીને કહ્યું કે તારી પાસે ગૂગલ પે હોય તો તારા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી દઉં. તેણે મને પોતાનો ફોન આપ્યો. મેં પેલા ભાઈને ગૂગલ પેનો નંબર આપ્યો. તેણે મને ક્યુઆર કોડ મોકલાવ્યો અને કહે કે આને ગૂગલ પેમાં સ્કૅન કરશો તો જ પેમેન્ટ તમારામાં ટ્રાન્સફર થશે. મને ગૂગલ પેનો ખાસ અનુભવ નહીં એટલે ભત્રીજીને આપ્યું. તેણે પેલા ભાઈના કહ્યા પ્રમાણે કર્યું, પણ પૈસા ન આવે. એને બદલે પૈસા ડેબિટ થવાના મેસેજ શરૂ થયા. આ શું છે એની ખબર પડે ત્યાં સુધીમાં તો ચાલીસ હજાર રૂપિયા બૅન્કમાંથી વિડ્રૉ થઈ ગયા હતા. મેં પેલાને ફોન કર્યો તો કહે કે આ કંઈક ટેક્નિકલ એરર થઈ છે. પૈસા પાછા તમારા અકાઉન્ટમાં નાખું છું. પણ એના માટે તમારે ચાર હજાર રૂપિયા તમારા અકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરવા પડશે. પછી તો હું ખૂબ અકળાયો. બોલાચાલી થઈ, પણ કોઈ અર્થ નહોતો. પોલીસ કમ્પ્લેઇન્ટ કરી પણ પૈસા પાછા આવે એવી કોઈ શક્યતા નથી. અઠવાડિયા પહેલાં આ ઘટના ઘટી છે. ભત્રીજીના અકાઉન્ટમાંથી છેલ્લાં દસ વર્ષમાં ભેગી કરેલી સેવિંગની રકમ દસ મિનિટમાં સાફ થઈ ગઈ. એ દિવસથી મેં નિયમ લીધો છે કે ઓળખીતા ન હોય અને ફોન પર વાત કર્યા વિના ઓળખીતાઓ સાથે પણ ઑનલાઇન પેમેન્ટનો વ્યવહાર કરવો નહીં. રોકડા હોય પછી જ આગળ વધવું.’

પેટીએમના કેવાયસી રિન્યુઅલમાં પચાસ હજાર ગુમાવ્યા

અંધેરીમાં રહેતા આયુર્વેદિક ફિઝિશ્યન અને લોકોને આયુર્વેદિક ઢબથી કુકિંગ કેમ કરવું એ શીખવતાં બીના સ્વામી છેલ્લા ઘણા સમયથી પેટીએમનું કેવાયસી કરવાનું વિચારી રહ્યાં હતાં. એમાં તેમને કૉલ આવ્યો કે લૉકડાઉનમાં લોકો ઘરની બહાર ન નીકળી શકતા હોવાથી કેવાયસી અમે ઑનલાઇન કરી રહ્યા છીએ. મૂળ કચ્છી પણ સાઉથ ઇન્ડિયન સાથે લગ્ન કરનારાં બીનાબહેન કહે છે, ‘મેં કેટલીક વર્કશૉપ ઑનલાઇન લીધી હતી એટલે એનું પેમેન્ટ પેટીએમથી જ લીધું હતું. જોકે એને બૅન્કમાં ટ્રાન્સફર કરવા માટે કેવાયસી જરૂરી હતું. જોકે લૉકડાઉનમાં ઘરની બહાર નહોતું નીકળવું. એવામાં આ ફોન આવ્યો તો મને રાહત થઈ. તેણે ખૂબ જ સિફતપૂર્વક વાત કરી એટલે ડાઉટ જ ન આવ્યો. મને એટલી ખબર કે ઓટીપી ક્યારેય બહારની વ્યક્તિ સાથે શૅર ન કરવો. જોકે તેણે બહુ જ સિસ્ટમૅટિકલી જાણે ખરેખર પેટીએમનો ઑફિસર બોલતો હોય એમ વાત કરી. સાથે ડર પણ ઊભો કર્યો કે મૅડમ, કાલે છેલ્લી ડેટ છે અને નહીં કરો તો તમારું અકાઉન્ટ ડીઍક્ટિવેટ થઈ જશે વગેરે-વગેરે. એક વાર થયું કે જવા દે, પછી કરીશ તો એમાં પણ તેણે વાત સાચવી લીધી. તેણે મને સામેથી કહ્યું કે તમારો ઓટીપી અમારી સાથે શૅર નથી કરવાનો. બર્થ-ડેટ અને નામ માત્ર અમે વેરિફિકેશન માટે પૂછીએ છીએ. ઓટીપી સાથે મેં તેના કહેવા મુજબ પ્રયાસ કર્યો ચાર-પાંચ વાર, પણ કંઈ થયું નહીં એટલે હું કંટાળી તો તેણે કહ્યું કે હવે તમારાથી નથી જ થઈ રહ્યું તો એક કામ કરો, કેવાયસીક્વ‌િકસપોર્ટ નામની ઍપ ડાઉનલોડ કરો. ઍપનું નામ પણ કેવાયસી મૅચ થતું હતું એટલે મને થયું કે આ ઑફિશ્યલ હશે. જેવી ઍપ ડાઉનલોડ કરી પછી તેણે કોઈ પણ જાતની ડીટેલ મા‍ગ્યા વિના માત્ર એક રૂપિયાનું પેમેન્ટ ટ્રાન્સફર કરવા કહ્યું.  મારો ફોન હૅન્ગ થઈ ગયો. હું બંધ કરવાની કોશિશ કરું તો બંધ ન થાય. સ્વ‌િચઑફનું બટન દબાવી રાખ્યું પછી ફોન બંધ થયો. આ બધામાં લગભગ ચાર-પાંચ મિનિટ નીકળી ગઈ. ફરી ફોન ચાલુ કર્યો તો મેસેજ હતા, પેટીએમ અકાઉન્ટમાંથી પચાસ હજાર ઊપડી ગયા હતા. હું એકદમ સુન્ન થઈ ગઈ હતી. દસેક મિનિટમાં કેવો ખેલ કરી નાખ્યો! પોલીસ કમ્પ્લેઇન્ટ વગેરે કરી છે, પણ કોઈ જવાબ નથી. આટલી અલર્ટ અને ચેતીને ચાલનારી વ્યક્તિ હોવા છતાં ફ્રૉડ કરનારા લોકો તમને ભરમાવી શકે છે. અમારા એક પરિચિતને એલઆઇસી પૉલિસીના રિન્યુઅલ માટે ફોન આવ્યો હતો. એક વસ્તુ ધ્યાન રાખજો કે આવા ફોન આવે ત્યારે ઉતાવળ જરાય કરવી નહીં. સહેજ પણ શંકા આવે તો ફોન કટ કરી નાખો. ન સમજાય તો ત્યાં જ અટકી જાઓ અને બૅન્કમાં રૂબરૂ જઈને તમારું કામ પતાવી દો. ફોન પર કોઈ પણ વિગત ન આપો.’

કેવાયસીના ચક્કરમાં બોરીવલીના વિપુલ મહેતાએ ૩૧ હજાર ખોયા

બોરીવલીમાં રહેતા વિપુલ મહેતાનું પેટીએમ અકાઉન્ટ પહેલાં તેમની દીકરી ઑપરેટ કરી આપતી હતી. જોકે તેનાં લગ્ન થઈ ગયા પછી તેમને થયું કે હવે મારે થોડું શીખવું પડશે. તેઓ કહે છે, ‘લૉકડાઉન હતું અને બહાર જવાનું નહોતું એટલે થયું કે ઘરે રહીને ઑનલાઇન કંઈક કરવું પડે તો આવડવું જોઈએ. એવામાં ચોવીસ કલાકમાં કેવાયસી નહીં કરાવો તો ચોવીસ કલાકમાં તમારું પેટીએમ અકાઉન્ટ બંધ થઈ જશે અને ઑનલાઇન કેવાયસી માટે આ નંબર પર ફોન કરો. મેં એ નંબર પર ફોન કર્યો તો સામે કોઈ લેડીએ મારી પાસે આધાર કાર્ડ છે કે એમ પૂછ્યું. મેં તેને બધી વિગતો આપી એટલે તેણે મને કહ્યું કે કેવાયસી અપડેટ કરવા માટે હું જેમ કહું છું એમ કરો. એમાં જ તેણે એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી જેમાં મારા ફોનની મિરર ઇમેજ તેને ત્યાં પહોંચી ગઈ. પછી તો મારી સ્ક્રીન પર જે હતું એ તે બોલતી ગઈ એટલે મને વધુ વિશ્વાસ બેઠો. પછી તેણે કેવાયસી અપડેટ થયું કે નહીં એ ચેક કરવા દસ ‌રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તમારા અકાઉન્ટથી કરો એમ કહ્યું. મારાં બે અકાઉન્ટ છે તો મેં બન્ને અકાઉન્ટમાંથી ટ્રાય કર્યું. બન્નેના ડેબિટ કાર્ડ નંબર નાખ્યા. લગભગ દોઢ મિનિટમાં ધડાધડ મેસેજ આવવાના શરૂ થયા. બન્ને અકાઉન્ટ મળીને ૩૧ હજાર ઊંચકાઈ ગયા હતા. તેણે ફોન કટ કરી નાખ્યો. પાછો મેં તેને ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. મારી દીકરીએ ફોન કર્યો તો તેણે ઉપાડ્યો, પણ જેવો તેને મારી સાઇડનો અંદાજ આવ્યો એટલે મૂકી દીધો. મેં મારાં બન્ને અકાઉન્ટમાંથી પૈસા કઢાવીને ફ્રીઝ કરી નાખ્યાં. પોલીસ કમ્પ્લેઇન્ટ કરી. બે દિવસ પછી પાછો મને મેસેજમાંથી વિડ્રૉ કરવાની કોશિશનો મેસેજ આવ્યો. જોકે એ પછી તો પૈસા કાઢવા શક્ય નહોતા. એક વાત કહીશ કે કદાચિત આવું કંઈ થાય તો તરત જ તમારા અકાઉન્ટને ફ્રીઝ કરવાં બહુ જ જરૂરી છે.’

દસ હજારની ઓછી કિંમતમાં મળતી ઓએલએક્સની બાઇક લેવા જતાં થઈ છેતરપિંડી

ઘણી વાર ઑનલાઇન સસ્તું મળશેની જરા અમસ્તી લાલચ આપણને છેતરવા માટે પૂરતી થઈ પડતી હોય છે. બોરીવલીમાં રહેતા ધવલ શાહને આનો અનુભવ થઈ ચૂક્યો છે. જોકે સહેજ ડાઉટ આવતાં તેમણે આપેલા પૈસા જતા કરીને વધુ પૈસા ન આપવાનો નિર્ણય કર્યો એટલે મોટા નુકસાનમાંથી બચી ગયા. ધવલભાઈ કહે છે, ‘અત્યારે કેટલુંક એવું કામ શરૂ કર્યું હતું જેને કારણે મને એક ટૂ-વ્હીલરની જરૂર હતી. જોકે સેકન્ડ હૅન્ડ લઈએ તો સસ્તામાં આવી જાય એટલે ઑનલાઇન જોઈ રહ્યો હતો. એવામાં એક બાઇક જોયું, જે વીસ હજારમાં ઓએલએક્સ પર હતું. મેં પેલા ભાઈને ફોન કર્યો અને બાર્ગેન કર્યું તો સોળ હજારમાં આપવા તૈયાર થઈ ગયો. મને એમ કે બાઇક બોરીવલીમાં જ હશે. ઑનલાઇન એ જ લોકેશન આપ્યું હતું. તો પેલો ભાઈ કહે કે ના, હું પુણેમાં છું. આર્મી ઑફિસર છું. બાઇક તમને હું અમારી આર્મીની ગાડીમાં ટ્રાન્સફર કરી દઈશ. તમે ડાઉન પેમેન્ટ કરી દો. મેં ના પાડી, મને બાઇક મળશે પછી જ પૈસા આપીશ. પછી તેણે કહ્યું કે હું અહીંથી બાઇક આર્મીના કાર્ગોમાં મોકલીશ, એની રસીદ તમને આપીશ ત્યારે તમારે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. આ પૈસા પછી મને રીફન્ડ થઈ જશે એટલે તમે બાઇકની રકમમાંથી બાદ કરી નાખજો. પછી તેણે રસીદ મોકલાવ‌ી કે આ ગાડી નંબર છે, ગાડીનો ફોટો અને આ કાર્ગો વૅનમાં બાઇક ટ્રાન્સફર થઈ રહી છે. રાતે આટલા વાગ્યે બાઇક લઈને ગાડી અહીં પહોંચશે. બધી જ વિગતો એકદસ વ્યવસ્થિત સ્ટૅમ્પ મારેલી હતી. ગાડી નંબર આરટીઓ પર ચેક કર્યો, બધું જ બરાબર હતું. સાંજે પાછો ફોન આવ્યો કે તમારી ગાડી આવી ગઈ છે પણ તમારે અહીં બે હજાર આપવા પડશે પછી જ એને ગાડીમાંથી બહાર કાઢીને તમને મોકલાવી શકીશું. આ કમ્પલ્સરી પ્રોસેસ છે. જેવા પૈસા ટ્રાન્સફર કરશો એ પછી જ બાઇકને તમારા ઍડ્રેસ સુધી અમે પહોંચાડી શકીશું. મેં ટ્રાન્સફર કર્યા પછી પેલો માણસ કલાક પછી ફોન કરીને વધુ પૈસાની માગ કરવા માંડ્યો. હવે મને દાળમાં કંઈક કાળું લાગ્યું અને મેં તેને ચોખ્ખું કહી દીધું કે જ્યાં સુધી બાઇક મારા હાથમાં નહીં આવે ત્યાં સુધી હું કોઈ રકમ તમને ટ્રાન્સફર નહીં કરું. પછી તેના ફોન આવવાના બંધ થઈ ગયા. બાઇક તેણે ત્યાંથી મોકલી જ નહોતી. એવી કોઈ બાઇક તેની પાસે હતી જ નહીં. મને સમજાઈ ગયું હતું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. મારી તો નાની રકમ ગઈ હતી. મારા સાળા પાસેથી ખબર પડી કે આ રીતે લોકો ઑનલાઇન ગાડી ખરીદે ત્યારે લાખોમાં છેતરાય છે. દસ લાખની ગાડી ખરીદે એટલે બે લાખ ડાઉન પેમેન્ટ કરે અને પછી એ બે લાખ વેસ્ટ ન થાય એટલે સામેવાળાની વાતમાં ફસાઈને વધુને વધુ દલદલમાં ફસાતા જાય. દસ-દસ લાખ લોકોએ ઑનલાઇન કાર ખરીદવામાં ખોયા છે.’

આજકાલ થઈ રહેલા આવા ફ્રૉડથી સાવધાન

તમારા કોઈ પરિચિતના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી આર્થિક મદદ માગતો ઇમોશનલ મેસેજ આવે તો ચેતજો. પહેલાં તેને ફોન કરીને કન્ફર્મ કરજો.

કોઈ પણ અજાણી વેબસાઇટ પરથી શૉપિંગ કરતાં અને પહેલેથી પેમેન્ટ કરતાં સો વાર વિચારજો. લોકો પેમેન્ટ આપી દે પણ વસ્તુ ક્યારેય આવે જ નહીં એવા ઘણા કિસ્સા બને છે.

કોઈ પણ સરકારી યોજનામાં જોડાવા માટે તમને કોઈ લિન્ક આવે તો એમાં કોઈ પણ વિગતો ભરતા પહેલાં એક વાર ક્રૉસ ચેક કરજો કે ખરેખર આવી કોઈ યોજના છે કે નહીં. બીજું, લિન્ક જ્યાંથી આવી છે એ સોર્સ રિલાયેબલ છે કે નહીં.

કેવાયસી અપડેટ કરવાનું હોય, એલાઇસી પૉલિસી રિન્યુ કરવાની હોય, કોવિડની સારવાર સસ્તા દરે કરવાની હોય, અડધા ભાવમાં ગ્રોસરી શૉપિંગ થતું હોય જેવી કોઈ પણ બાબતમાં ક્યાંય તમારે તમારા ફોનમાં કોઈ નવી ઍપ ડાઉનલોડ કરવાની, કોઈ લિન્ક પર જવાની કે ઓટીપી શૅર કરવાની જરૂર હોતી નથી. એવું કોઈ કરાવે તો ચેતી જજો.

આજકાલ જાણીતી કંપનીના નામે ફેક કસ્ટમર કૅર નંબર ગૂગલ પર બન્યા છે. નામ તમને જાણીતું લાગે, પણ એ નંબર એ કંપનીની વ્યક્તિનો હોય જ નહીં પણ ફ્રૉડ કંપનીનો હોય. અને તમે કંપનીની ગુડવિલ પર જઈને પોતાની અંગત વિગતો ન આપી બેસતા.

ગેમિંગ ઍપમાં ઘણી વાર વચ્ચે ઍડ આવતી હોય છે. આ ઍડની અંદર ક્યારેક એકાદી લિન્ક પણ આવી જાય તો ચેતી જજો. કોઈ પણ અજાણી લિન્ક પર ક્લિક કરીને કેટલીક જાસૂસી કરતી ઍપ્લિકેશન ઑટોમૅટિકલી તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. ભૂલ-ભૂલમાં તમે તમારા ફોનનું લાઇવ ટેલિકાસ્ટ ફ્રૉડ કંપનીને આપી શકો છો જેનાથી તમારા ફોનના નંબર, ઇમેજિસ, તમારા સેવ્ડ પાસવર્ડ જેવું બધું જ તેમની પાસે પહોંચી જશે.

ફ્રી એન્ટરટેઇનમેન્ટની કે અમુક ઇરૉટિક કૉન્ટેન્ટ પૂરી પાડતી વેબસાઇટ દ્વારા પણ આ પ્રકારની ફસાવવાની જાળ બિછાવવામાં આવતી હોય છે. એના પર જઈને ક્યારેક ભૂલથી પણ તમે કોઈ લિન્ક અથવા કોઈ આઇકન પર ક્લિક કરી દો તો એ તમારા ફોનને અને તમારા ફોનની તમામ વિગતોને હાઇજૅક કરવા સમર્થ નીવડી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK