ઍલર્જીથી સાવધાન

Published: 8th November, 2012 08:23 IST

ધૂળ, ઘઉં, ધાતુ, દૂધ અને ડ્રાયફ્રૂટ્સ જેવી રોજબરોજના વપરાશમાં આવતી વસ્તુઓની પણ વ્યક્તિને ઍલર્જી હોઈ શકે અને ધ્યાન આપવામાં ન આવે તો એનાથી મૃત્યુ પણ થઈ શકે છે એટલે એની આગોતરી સમજ ને સારવાર જરૂરીફાલ્ગુની જડિયા-ભટ્ટ


દરેક વ્યક્તિનું શરીર એક સ્વતંત્ર મશીન છે. દરેક શરીરની કાર્ય કરવાની પોતાની એક અલગ સિસ્ટમ છે. આ સિસ્ટમ કેટલાક પદાર્થોને પોતાના માટે નુકસાનકારક સમજે છે અને કેટલાકને નહીં. જેને શરીર પોતાના માટે નુકસાનકારક સમજે છે એની સામે એ બળવો પોકારે છે અને ઍલર્જિક રીઍક્શન રૂપે એને પોતાનામાંથી બહાર કાઢવા કાર્યરત બની જાય છે. કોનું શરીર કયા પદાર્થને નુકસાનકર્તા ગણે  છે અને કોને નહીં એનો નિર્ણય પ્રત્યેક શરીર પોતાની રીતે લે છે. પરિણામે એક જ ઘરમાં રહેતાં કે એક જ માના ખોળે અવતરેલાં બે ભાઈ કે બહેનોને બે અલગ-અલગ પદાર્થોની ઍલર્જી હોય એવું પણ બની શકે.

ઍલર્જી શું છે

સાદી ભાષામાં ઍલર્જી વિશે સમજ આપતાં જનરલ ફિઝિશ્યન ડૉ. દિલીપ રાયચુરા કહે છે, ‘ઍલર્જિક રીઍક્શન ઍન્ટિજન અને ઍન્ટિ-બૉડીઝ રીઍક્શન તરીકે પણ ઓળખાય છે. ઍન્ટિજન એટલે કોઈ પણ એવો પદાર્થ, જેને શરીર પોતાના માટે નુકસાનકર્તા ગણે છે. આવો કોઈ ઍન્ટિજેનિક પદાર્થ નાક, સ્પર્શ અથવા મોઢા દ્વારા પ્રવેશતાં શરીર પોતાનામાં ઍન્ટિબૉડીઝ નામે ઓળખાતા કેટલાક એવા પદાર્થ તૈયાર કરે છે, જે એને લડત આપી ભગાડી મૂકે છે અથવા એને બિનઅસરકારક બનાવી દે છે. કેટલીક વાર શરીર આવા ઍન્ટિજન સામે પૂરતી લડત આપી શકતું નથી. આવી પરિસ્થિતિમાં એ ઍલર્જિક રીઍક્શન દ્વારા બાહ્ય મદદની માગણી કરે છે. આ ઍલર્જિક રીઍક્શન ખંજવાળ, છીંક, નાક ગળવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવાં ચિહ્નોથી માંડી મૃત્યુ જેવાં ખતરનાક પણ હોઈ શકે છે. પ્રાણઘાતક રીઍક્શનનાં સર્વસામાન્ય કારણોમાં પેનિસ્યુલિન જેવી દવાઓ, ઇંડાં અથવા સી-ફૂડ તથા આયર્ન ઇન્જેક્શન જેવાં ફૂડ સપ્લિમેન્ટ્સનો સમાવેશ થાય છે.

ડૉ. દિલીપ રાયચુરા ઉમેરે છે, ‘જે ન ગમતું હોય એનો પ્રતિકાર કરવો એ શરીરનો સ્વભાવ છે, જેનો સીધો સંબંધ એના જીન્સ અને ક્રોમોઝોમ સાથે સંકળાયેલો છે. છતાં જે પદાર્થ એક શરીર અત્યંત સરળતાથી સ્વીકરી લે છે એ કોઈ બીજા શરીર માટે કેમ આટલો અસહ્ય બની જાય છે એનો જવાબ હજી સુધી વિજ્ઞાન શોધી શક્યું નથી.’ આમ તો વિશ્વભરમાં અસંખ્ય પ્રકારની ઍલર્જી અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેમાંની સૌથી સામાન્ય ઍલર્જીઓ વિશે જાણીએ.

ધૂળ

આમાં ઘરની ધૂળ, વાંદાના વાળ વગેરેની ધૂળ તથા ધુમાડાનો સમાવેશ થાય છે. આપણા દેશમાં પ્રદૂષણ અને ગંદકીનું પ્રમાણ વધારે પડતું હોવાથી ભારતમાં ધૂળની ઍલર્જીના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. જેમને ધૂળની ઍલર્જી હોય તેમને શ્વાસ ચડવો, શરદી, કફ, ખાંસી, નાક ગળવું, માથું, કાન અને ગળામાં દુખાવો, સાયનસ તથા અસ્થમા જેવી સમસ્યાઓ સતાવે છે.

પરાગરજ

ફૂલવાલા છોડ અને ઝાડ પોલન એટલે કે પરાગરજ તૈયાર કરે છે. આ પરાગરજ એટલી ઝીણી હોય છે કે નરી આંખે તો દેખાતી પણ નથી. શિયાળો, ઉનાળો અને વસંત જેવી •તુઓમાં આ પરાગરાજ હવાના માધ્યમ દ્વારા ચારેબાજુ ફેલાયેલી રહે છે અને છોડ તથા ઝાડને અંકુરિત કરવાનું કામ કરે છે, પરંતુ એના રસ્તામાં ક્યારેક તે માણસોના નાક દ્વારા તેમના શરીરમાં પણ પ્રવેશી જાય છે. જેમને આવી પરાગરજની ઍલર્જી હોય તેમને છીંક, આંખમાંથી પાણી નીકળવું, નાક ગળવું, ગળું ખરાબ થઈ જવું અને શરદી-ખાંસી જેવી સમસ્યાઓ સતાવે છે. પરાગરજની ઍલર્જીથી અસ્થમા, સાયનસ ઇન્ફેક્શન તથા કાનનું ઇન્ફેક્શન જેવી મોટી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

ધાતુ

જો બુટ્ટી પહેરવાથી તમને કાનની બૂટ પર ખંજાવાળ આવતી હોય કે પછી કોઈ નેકલેસ પહેરવાથી ગળા પર લાલ ચકામાં ઊપસી આવતાં હોય તો શક્ય છે કે તમને એ ધાતુની ઍલર્જી હોય. દાગીનાથી માંડી ચશ્માંની ફ્રેમ, સિક્કા તથા પૅન્ટની ઝિપ સુધી લગભગ દરેક વસ્તુની બનાવટમાં નિકલ નામની ધાતુ વપરાતી હોવાથી સ્કિન ઍલર્જીની નિકલની ઍલર્જી સૌથી વધારે જોવા મળે છે. અલબત્ત, કેટલાક લોકોને સોના તથા ચાંદી જેવી ધાતુની પણ ઍલર્જી હોય છે. આ ઍલર્જીમાં ખંજવાળ આવવી, લાલ ચકામાં ઊપસી આવવાં, સોજો આવવો, ઝીણી-ઝીણી ફોલ્લી થઈ જવી વગેરે જેવી સમસ્યાઓ ઉત્પ્ાન્ન્ા થાય છે.

કેમિકલ

સામાન્ય રીતે શૅમ્પુ, કન્ડિશનર્સ, ડીટર્જન્ટ્સ, સાબુ તથા કૉસ્મેટિક્સ આપણા જીવનને સરળ, સુંદર અને સ્વસ્થ બનાવવાનો દાવો કરે છે, પરંતુ કેટલાક લોકોને એમાં વપરાતાં કેમિકલ્સની પણ ઍલર્જી હોઈ શકે છે. આ કેમિકલ્સના સંપર્કમાં આવતાં તેમની ચામડી તથા શ્વસનતંત્ર રીઍક્ટ કરે છે.

પ્લાસ્ટિક

રીસાઇકલ થઈ શકતું હોવાથી આજના સમયમાં મોટા ભાગની વસ્તુઓ હવે પ્લાસ્ટિકની બનવા લાગી છે. એવામાં પ્લાસ્ટિકની ઍલર્જી હોવી કોઈ પણ વ્યક્તિ માટે મોટી સમસ્યાનું કારણ બની શકે છે. છતાં આ ઍલર્જી ધારવા કરતાં ઘણી સામાન્ય છે. જેમને આ પ્રકારની ઍલર્જી હોય તેમના માટે પ્લાસ્ટિકમાંથી બનાવેલાં વાસણોથી માંડી ક્રેડિટકાર્ડ તથા ટરલિન અને ટેરિન જેવાં કપડાંનો ઉપયોગ પણ અસહ્ય બની જાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ તેમના માટે ચામડી લાલ થઈ જવી, ખંજવાળ આવવી, સોજો આવવો જેવી સમસ્યાઓ નોતરે છે.

લેધર

લેધર એટલે કે ચામડામાંથી બનાવવામાં આવેલાં પર્સ, શૂઝ, જૅકેટ્સ જેવી વસ્તુઓની બનાવટમાં વપરાતાં ક્રોમિયમ, એડહેસિવ, પ્રિઝર્વેટિવ્સ તથા રબર કેમિકલ્સ કેટલાક લોકોને માફક ન આવતાં હોવાથી તેઓ લેધર ઍલર્જીનો શિકાર હોય છે, જેને કારણે આવી કોઈ વસ્તુના સંપર્કમાં આવતાં જ તેમની ચામડી રીઍક્ટ કરવા માંડે છે.

ક્લાયમેટ


ગ્લોબલ વૉર્મિંગને કારણે આજે આખી દુનિયામાં ક્લાયમેટ ઍલર્જીનું પ્રમાણ સૌથી વધારે છે. દર વખતે સીઝન બદલાતાં ડૉક્ટરને ત્યાં શરદી, ખાંસી તથા તાવના દર્દીઓની લાંબી લાઇન લાગી જાય છે. એમાંય કમોસમનો વરસાદ, લાંબો ઉનાળો અને વધુ પડતી ઠંડી પરિસ્થિતિને વિકરાળ બનાવી રહ્યાં છે.

પ્રોટીન

કેટલાક લોકોને દેશી ચણા કે છોલેમાં વપરાતા કાબુલી ચણા ખાવાથી ઍલર્જિક રીએક્શન આવે છે. વાસ્તવમાં તેમને ચણાની નહીં, પરંતુ એમાં રહેલા પ્રોટીનની ઍલર્જી હોય છે.

ડૉ. દિલીપ રાયચુરા આ વિશે કહે છે, ‘મોટા ભાગના એલર્જનનું ટેક્સચર પ્રોટીન જેવું હોય છે. ચણા મૂળ કઠોળ હોવાથી એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, જે પ્રોટીન ઍલર્જી ધરાવતા લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે. તેવી જ રીતે કેટલાક લોકોને ઘઉંની પણ ઍલર્જી હોય છે, કારણ કે એમાં ગ્લુટેન નામનું પ્રોટિજન રહેલું હોય છે.’

દૂધ

નાનાં બાળકોમાં દૂધની ઍલર્જી ઘણી સામાન્ય બાબત છે. અરે, કેટલાંક નવજાત શિશુને તો માના દૂધની પણ ઍલર્જી હોઈ શકે છે. તેમને ડૉક્ટરો માનું કે પછી ગાય, બકરીના દૂધને સ્થાને સોયામિલ્ક આપવાની ભલામણ કરે છે.

ડ્રાયફ્રૂટ્સ

કાજુ, બદામ, પિસ્તાંથી માંડી શિંગ પણ ઘણા લોકોમાં ઍલર્જિક રીઍક્શનનું કારણ બની શકે છે. તેમને આ પદાર્થો ખાવાથી ઝાડા, ઊલટી થવા માંડે છે.

ઉપચાર

ડૉ. દિલીપ રાયચુરા ઍલર્જીની સારવાર વિશે કહે છે, ‘સામાન્ય રીતે ઍલર્જિક ઉપાય રૂપે ઍન્ટિહિસ્ટામીન અથવા સ્ટેરૉઇડ્સ આપવામાં આવે છે, કારણ કે જ્યારે ઍલર્જી થાય ત્યારે શરીરમાં હિસ્ટામીન નામના પદાર્થનું ઉત્પાદન વધી જાય છે, જેને કારણે ખંજવાળ, ચકામાં ઊપસી આવવા જેવી સમસ્યાઓ ઉદભવે છે. એને દબાવી દેવા એન્ટિ-હિસ્ટામીન નામની દવા ઉપયોગમાં લેવાય છે અને જ્યારે એ નિષ્ફળ જાય ત્યારે અમારે સ્ટેરૉઇડ્સનો આશરો લેવો પડે છે. એ સિવાય ડીસેન્સિટાઇઝેશન નામની પ્રક્રિયા પણ ઍલર્જીના ઉપાય તરીકે ઘણી ઉપયુક્ત છે, જેમાં વ્યક્તિને જે વસ્તુની ઍલર્જી હોય તે જ વસ્તુ સમયાંતરે ધીરે-ધીરે બહુ ઓછા પ્રમાણમાં તેના શરીરમાં દાખલ કરવામાં આવે છે, જેથી શરીરને એની આદત પડે અને તે આવા પદાર્થોની સામે રીઍક્ટ કરવાનું બંધ કરી દે.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK