શાઈનિંગવાળું સફરજન ખરીદતાં હો તો ચેતો

Published: Nov 05, 2019, 17:03 IST | Varsha Chitaliya | Mumbai

ફૂડ સેફ્ટી ઑથોરિટી આ‌ૅફ ઇન્ડિયાએ ફ્રૂટ્સ અને વેજિટેબલ્સને લાંબા સમય સુધી સાચવી રાખવા ચોક્કસ માત્રામાં નૅચરલ વૅક્સના પ્રયોગની પરવાનગી આપી છે

શાઈનિંગવાળું સફરજન
શાઈનિંગવાળું સફરજન

ફૂડ સેફ્ટી ઑથોરિટી આ‌ૅફ ઇન્ડિયાએ ફ્રૂટ્સ અને વેજિટેબલ્સને લાંબા સમય સુધી સાચવી રાખવા ચોક્કસ માત્રામાં નૅચરલ વૅક્સના પ્રયોગની પરવાનગી આપી છે; પરંતુ શાકભાજી અને ફળોને ચમકીલા રાખવા એક્સ્ટ્રા વૅક્સ, હાનિકારક રસાયણો અને ઇન્જેક્શનનો બેફામ ઉપયોગ થવા લાગ્યો છે જે તમારા સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરે છે.

અંગ્રેજીમાં કહેવત છે, ‘ઍન ઍપલ અ ડે કીપ્સ અ ડૉક્ટર અવે.’ રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટર પાસે જવાની જરૂર પડતી નથી એટલાં પોષક તત્ત્વો એમાં રહેલાં છે એ સો ટકા સાચું, પરંતુ સફરજન કેવાં હોવાં જોઈએ? કાશ્મીર અને હિમાચલ પ્રદેશનાં લાલમલાલ સફરજન, રાઇટ? તમે જે લાલચટાક સફરજન ખરીદો છો એ ખરેખર સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં એની ખબર કેમ પડે? આજકાલ બજારમાં મળતાં ચમકદાર ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ જોઈને તમારી આંખો અંજાઈ જતી હોય તો ચેતી જજો. એના રંગ અને ચમકનું કારણ છે એક્સ્ટ્રા વૅક્સ કોટિંગ.

એક્સ્ટ્રા વૅક્સ કોટિંગનો અર્થ છે ખાદ્ય પદાર્થના ચળકાટ માટે એના પર અલગથી ચડાવવામાં આવેલું મીણનું પડ.

જાણતાં-અજાણતાં આવાં ફળો અને શાકભાજી આપણાં ઘરોમાં રોજ આવે છે અને પેટ ભરીને ખવાય છે. હમણાં થોડા સમયથી સોશ્યલ મીડિયા પર સફરજન પર વૅક્સ કોટિંગને લગતા વિડિયો ખાસ્સા શૅર થઈ રહ્યા છે. જોકે ભેળસેળને અટકાવવી આપણા હાથમાં નથી, પણ થોડી તકેદારી રાખી શરીરને રોગનું ઘર બનતાં જરૂર અટકાવી શકાય. ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર વૅક્સ કોટિંગ કરવાનું કારણ, એક્સ્ટ્રા વૅક્સ કોટિંગ અને હાનિકારક રસાયણો દ્વારા થતી છેતરપિંડી, એના નુકસાન, વાપરવામાં રાખવી પડતી કાળજી તેમ જ ઑર્ગેનિક ફાર્મિંગ કઈ રીતે હેલ્પ કરી શકે એ વિશે આજે વાત કરીએ.

વૅક્સ કોટિંગનો હેતુ

શરીરને સ્વસ્થ અને નીરોગી રાખવા આવશ્યક પાણી, ડાયટરી ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઇડ્રેટ્સ વગેરે જેવાં અગણિત પોષક તત્ત્વો આપણને ફળ અને શાકભાજીમાંથી મળી રહે છે. ફળ અને શાકભાજીનું મુખ્ય ઘટક છે પાણી. એનું પ્રમાણ ૮૦ ટકા જેટલું ઊંચું હોય છે તેથી વૃક્ષ પરથી ઉતાર્યા બાદ એને હાઇડ્રેટેડ રાખવા તેમ જ એમાં જીવાત ન પડે અને બગડી ન જાય એ માટે કેટલાંક નૅચરલ વૅક્સનો પ્રયોગ કરવામાં આવે છે. વૅક્સ કોટિંગ વાતાવરણમાંથી ભેજને શોષી લે છે પરિણામે ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ લાંબો સમય સુધી ફ્રેશ રહે છે.

હવામાન પરિવર્તનથી ખાદ્ય પદાર્થને સુરક્ષિત રાખવામાં વૅક્સ કોટિંગ હેલ્પ કરે છે એ વાત કેટલી સાચી છે એ સંદર્ભે સ્પષ્ટતા આપતાં વડોદરાના ઑર્ગેનિક ફાર્મિંગ એક્સપર્ટ (સજીવ ખેતીના નિષ્ણાત) દર્શન પારઘી કહે છે, ‘આજથી લગભગ એક દાયકા પહેલાં અમેરિકાથી આયાત કરવામાં આવતાં સફરજન અને કિવીથી વૅક્સ કોટિંગની શરૂઆત થઈ હતી. ફળો અને શાકભાજીમાં કુદરતી રીતે જ વૅક્સ હોય છે, પરંતુ બે મહિને શિપમેન્ટ થાય તેથી ફળોને બગડતાં બચાવવા પ્રિઝર્વેટિવ્સ તરીકે વૅક્સ વાપરવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજનો વિકલ્પ હોવા છતાં હવે સ્થાનિક ધોરણે એક્સ્ટ્રા વૅક્સ અને હાનિકારક પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થવા લાગ્યો છે. ઊંચા દામ મેળવવા અગાઉ વેપારીઓ વખારમાં માલ લાવી ઘાલમેલ કરતા હતા. હવે કેટલાક ખેડૂતો પણ એમાં જોડાયા છે.’

કાયદો શું કહે છે?

ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી તાજાં રાખવા નૅચરલ વૅક્સ કોટિંગના પ્રયોગની પરવાનગી આપેલી છે. સ્વાસ્થ્યને અસર ન થાય એ માટે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. દરેક વેપારીએ આ ગાઇડલાઇનને ફૉલો કરવાની હોય છે. ત્રણ પ્રકારનાં નૅચરલ વૅક્સને કમર્શિયલ ઉપયોગમાં વાપરવાની છૂટ આપવામાં આવી છે. પહેલા નંબર પર બ્રાઝિલનું કાર્નાબુઆ વૅક્સ આવે છે. એને વૅક્સ ઑફ ક્વીન પણ કહે છે. આ વૅક્સ બ્રાઝિલના ટ્રોપિકલ ખજૂરના પાનમાંથી પ્રાપ્ત થાય છે. ફળો અને શાકભાજી ઉપરાંત કૉસ્મેટિક ઇન્ડસ્ટ્રી, શૂ પૉલિશ અને દવાઓની બનાવટમાં પણ એનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બીજાં બે વૅક્સ છે બીઝ (મધમાખી) વૅક્સ અને સ્લિક વૅક્સ. આ બન્ને નૅચરલ વૅક્સ મધમાખી દ્વારા મધ બનાવવાની પ્રક્રિયા દરમ્યાન કુદરતી રીતે તૈયાર થાય છે. તેથી ફૂડ ઑથોરિટીએ ચોક્કસ માત્રામાં એના પ્રયોગની પરવાનગી આપેલી છે.

છટકબારી

આપણા દેશમાં નિયમોનું ઉલ્લંઘન કરવું નવી વાત નથી એવો અભિપ્રાય આપતાં દર્શનભાઈ કહે છે, ‘એક્સ્ટ્રા વૅક્સ ઉપરાંત હવે હાનિકારક રસાયણો અને ઇન્જેક્શનનો પણ બેફામ પ્રયોગ થઈ રહ્યો છે. નજીવા દરે મળતા ઇન્જેક્શન વડે દૂધીનું કદ અને વજન વધી જાય. રાતે ઇન્જેક્શન આપો તો સવારે દૂધી ત્રણગણી મોટી થઈ જાય. એવી જ રીતે કૉપર ઑક્સિક્લોરાઇડ અને સલ્ફેટ સોલ્યુશન વડે ભીંડા અને અન્ય શાકભાજીને ડીપ ગ્રીન કલર થાય છે. રીંગણ પર ઓઇલ લગાવવામાં આવે છે. તમે નહીં માનો પણ કતલખાનામાં પ્રાણીઓની કતલ બાદ જે ફૅટ્સ વધે છે એને ફિલ્ટર કરીને પ્રિઝર્વેટિવ્સ તરીકે વપરાય છે. આ ઉપરાંત મોનોક્રોટોફોલ, એન્ડોસલ્ફન, ક્વિનાલ્ફોસ જેવાં રસાયણોનો (કૉકટેલ કેમિકલ્સ)નો જંતુનાશક દવા તરીકે ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. કાયદા મુજબ જંતુનાશક દવા છાંટ્યા બાદ વીસ દિવસ પછી લણણી થવી જોઈએ, પરંતુ ખેડૂતો બીજા જ દિવસે શાકભાજી અને ફળ ઉતારી લે છે. અરે, બિયારણ જ હાઇબ્રીડ કરેલાં હોય તો શુદ્ધતા ક્યાંથી જળવાય? ઉપરોક્ત તમામ રસાયણોનું ઍગ્રો કેમિકલ્સના નામે વેચાણ થાય   છે અને એ માટે લાઇસન્સ પણ મળે છે, તેથી અટકાવવું અઘરું છે.’

હેલ્થ ઇશ્યુઝ

ઍપલ જેવા ફ્રૂટમાં ખાસ્સા પ્રમાણમાં નૅચરલ વૅક્સ પહેલેથી જ હોય છે, પણ વધુ ડૅમેજ ન થાય એ માટે મૉર્ફોલાઇન નામના નૅચરલ વૅક્સ વડે એક્સ્ટ્રા કોટિંગ કરવામાં આવે છે એવી માહિતી આપતાં ઝેન મલ્ટિસ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલના ડિરેક્ટર અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રૉય પાટણકર કહે છે, ‘મૉર્ફોલાઇનની માત્રા ખૂબ જ ઓછી હોવી જોઈએ. જો એનું પ્રમાણ ઊંચું હોય અને એ શરીરમાં નાઇટ્રેટ સાથે ભળે તો કૅન્સર જેવા જીવલેણ રોગ થવાની શક્યતા રહેલી છે. એક્સ્ટ્રા કોટિંગ અને હાનિકારક રસાયણોથી લિવર અને કિડની પર સૌથી પહેલી અસર થાય છે. આ સિવાય શરીર પર ઍલર્જી અને રૅશિસ પણ જોવા મળે છે. ખાધા પછી પેટમાં દુખાવો, ગૅસની ફરિયાદ અને કબજિયાતનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ છે. જોકે આ બધી વસ્તુની અસર લાંબા ગાળે દેખાય છે તેથી એક્સ્ટ્રા વૅક્સ કોટિંગથી જ તમામ રોગ થાય છે એવું નિદાન ન કરી શકાય, પણ ગ્લૉસી લુક અને પ્રેઝન્ટેશન માટે ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ પર લગાવવામાં આવતાં પ્રિઝર્વેટિવ્સ તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમને ખોરવી નાખે છે એ હકીકત છે.’

કરવાનું શું?

વેન્ડર્સ આર્ટિફિશ્યલ વેક્સને ગરમ કરી ફ્રૂટ્સને એમાં ક્ષણિક બોળી કાઢી લે છે તેથી જલદીથી ખબર પડતી નથી એવી માહિતી આપતાં ડૉ. રૉય કહે છે, ‘ફ્રૂટ્સ અને વેજિટેબલ્સને વાપરતાં પહેલાં ગરમ પાણીમાં અડધો કલાક પલાળી રાખો. ત્યાર બાદ રનિંગ વૉટરમાં ધોઈ સ્વચ્છ કપડાં વડે લૂછી લો. ફ્રૂટ્સ અને વેજિટેબલની છાલમાં ફાઇબરનું

પ્રમાણ ઊંચું હોય છે તેથી એને ફેંકાય નહીં, પરંતુ વૅક્સની માત્રા વિશે ખબર ન હોવાથી હવે છાલ કાઢીને ખાવાની સલાહ આપવી પડે છે. છાલમાં રહેલાં પોષક તત્ત્વો શરીરમાં જાય એવું ઇચ્છતા હો તો વૅક્સને રિમૂવ કરવા થોડું કષ્ટ લો. સૌથી બેસ્ટ એ છે કે શાઇનિંગવાળા ખાદ્યપદાર્થ લાવવાનું ટાળો.’

આ પણ વાંચો : જ્યારે ભોજન પોષક નહીં પણ પૉઇઝનસ બને

ઑર્ગેનિક ફાર્મિંગમાં ઉપરોક્ત બધાં જ રસાયણોના વપરાશ પર પ્રતિબંધ છે તેમ છતાં એમાંય ભેળસેળની શક્યતા નકારી ન શકાય તેથી સીઝન મુજબ જ ખાદ્ય સામગ્રી ખાવી જોઈએ એવી ભલામણ કરતાં દર્શનભાઈ કહે છે, ‘આપણે ત્યાં આજકાલ દરેક વસ્તુ બારેમાસ મળવા લાગી છે, પણ ખવાય નહીં. અમેરિકન અને કાશ્મીરી ડાલ્સન સફરજનમાં તફાવત છે. ડાલ્સન સફરજનની છાલ સહેજ પીળા રંગની હોય છે. આ સફરજન કદમાં મોટાં અને વજનમાં હળવાં હોય છે. ઑર્ગેનિક અને રસાયણયુક્ત ખાદ્ય પદાર્થ વચ્ચેના તફાવતને ઓળખી કાઢવું સામાન્ય વ્યક્તિ માટે અઘરું છે. જોકે સરકારી ધોરણે કેટલાક પ્રયોગો થઈ રહ્યા છે. અનેક જગ્યાએ અઠવાડિક બજાર ભરાય છે. આ કન્સેપ્ટથી થોડો લાભ થયો છે. ભારતમાં અત્યારે સિક્કિમ એકમાત્ર રાજ્ય છે જેને ઑર્ગેનિક સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતના ડાંગ વિસ્તારમાં અમારા પ્રયત્નો ચાલે છે. માત્ર ફળ અને શાકભાજી જ નહીં, અનાજ પણ ઑર્ગેનિક મળે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. સામાન્ય રીતે ડાયાબિટીઝના દરદીને ચોખા ખાવાની ના પાડવામાં આવે છે એનું કારણ ચોખામાં ભેળવવામાં આવતો સ્ટાર્ચ છે. સ્ટાર્ચથી શુગર વધે છે. ઑર્ગેનિક દેશી ચોખા દેખાવમાં ડલ હોય છે, પણ એની ન્યુટ્રિશન વૅલ્યુ ઘણી વધુ છે જે ડાયાબિટીઝના દરદી ખાઈ શકે છે. મારી સલાહ છે કે શરીરને નીરોગી રાખવા કમોસમી આહારનો ટોટલી ત્યાગ કરો અને શક્ય હોય ત્યાં સુધી ઑર્ગેનિક ખેતપેદાશનો આહારમાં સમાવેશ કરો. લોકોમાં જાગરૂકતા લાવવા ઑર્ગેનિક ટૂરિઝમને પ્રમોટ કરવાની જરૂર છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK