Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અમૃતસમું બાર્લી વૉટર

21 December, 2011 10:10 AM IST |

અમૃતસમું બાર્લી વૉટર

અમૃતસમું બાર્લી વૉટર




(સેજલ પટેલ)





બાર્લી વૉટર આજકાલ હેલ્થજગતમાં ખૂબ જ પ્રિય પીણું બની રહ્યું છે. એવી કહેવત છે કે રણપ્રદેશમાં બીજું કંઈ ખાવા ન મળે ત્યારે જો બાર્લી વૉટર પણ મળે તો શરીરનો સ્ટૅમિના ટકી રહે છે. આ બાર્લી એટલે આપણા અપરિપક્વ અને કુમળા જવ. પરિપક્વ જવને છડીને એમાંથી ઘઉં બને છે.

જવમાં ઘઉંની ઉપરનાં છોતરાં પણ હોય છે એટલે ફાઇબરનું પ્રમાણ ખૂબ સારું હોય છે ને અંદર ખૂબબધાં પોષકતત્વો પણ. એ વિશે ક્રિટી કૅર હૉસ્પિટલનાં ડાયેટિશ્યન કમ ફિટનેસ-એક્સપર્ટ ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘એમાં કૉમ્પ્લેક્સ કાબોર્હાઇડ્રેટ હોવાથી ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધીમો હોય છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જે-તે ચીજનું પાચન થઈને એનું એનર્જીમાં રૂપાંતર થવાની ગતિ. ખાદ્ય ચીજ જેટલી ધીમે-ધીમે પચે એટલું સાતત્યપૂર્ણ શરીરને લાંબો સમય સુધી એનર્જી મળી રહે. બાર્લીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો લો હોવાથી ઓવરવેઇટ, કાર્ડિયેક પેશન્ટ, ડાયાબિટીઝના દરદી માટે એ ખૂબ જ ગુણકારી બની રહે છે. વિટામિન બી૩, બી૧ જેવાં વિટામિન્સ, ઝિન્ક, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, કૉપર, સેલેનિયમ જેવાં ખનિજદ્રવ્યો પણ એમાં ભરપૂર માત્રામાં હોવાથી શરીર માટે એ પોષક પણ છે.’



પોષકતત્વો ઉપરાંત શરીરના કોષોને ડૅમેજ થતાં અટકાવે એવાં ઍન્ટિ-ઑક્સિડન્ટ કૅમિકલ્સનો ખજાનો પણ જવમાં ભરપૂર છે. ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘શરીરના કોષોને ડૅમેજ થતાં અટકાવે એવાં ફાઇટો કૅમિકલ્સને કારણે હાર્ટ-ડિસીઝ અને કૅન્સરના દરદીઓ માટે પણ ઉત્તમ ઔષધ બને છે. દરદીને પોષણ પણ આપે છે અને રોગ સામે લડવાની શક્તિ પણ વધારે છે. ફાઇટો કૅમિકલ્સને કારણે ત્વચાનો વર્ણ સુધરે છે. કરચલીઓ ઘટીને ત્વચા ટાઇટ બને છે. સ્કિન ચમકીલી બને છે.’

બાર્લી બે રીતે લેવાય

જવનું ઉપરનું પડ ખૂબ જ કડક હોય છે ને એમાં જરાય સ્વાદ નથી હોતો એટલે જવ ખાવાનું બે જ રીતે શક્ય છે. એક તો એને દળીને લોટ બનાવવો ને બીજું એનું પાણી બનાવવું. લોટ અને બાર્લી વૉટર બન્ને ગુણકારી છે એમ જણાવતાં ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘જવ સ્વાદ વિનાના હોવાથી લોટ એકલો ખાઈ શકાતો નથી. એને ઘઉંનાં લોટની સાથે થોડાક પ્રમાણમાં મેળવીને લઈ શકાય. એનાથી ફાઇબરનો ફાયદો મળી શકે. જોકે અન્ય સત્વો માટે જવનું પાણી વિપુલ માત્રામાં લઈ શકાય.’

બાર્લી વૉટર બનાવવાની રેસિપી

એક કપ જવમાં છથી સાત કપ પાણી નાખવું અને એને કુકરમાં બાફવા. છ-સાત સીટી વાગે એ પછી દસેક મિનિટ ધીમી આંચે રહેવા દેવું. જવ સીજે અને પાણી ઠરે એટલે બ્લૅન્ડર ફેરવી લઈને પાણી ગાળી લેવું.

જવનો કૂચો બચે એને ફરીથી એમાં પાંચ ગણું પાણી નાખીને ફરીથી બાફવા. ઠરે એટલે મસળીને પાણી ગાળી લેવું. એકના એક જવને વધુમાં વધુ ત્રણ વાર બાફી લેવા અને એમાંથી પાણી ગાળીને અલગ કરી લેવું.

આ તૈયાર થયું સાદું જવનું પાણી. અગેઇન એ પણ બેસ્વાદ હોય છે એટલે એકલું પીવાનું હોય તો મજા નથી આવતી. એમાં આદું, લીંબુ, ફુદીનો ઉમેરીને ટેસ્ટ મુજબનું પાણી તૈયાર કરી શકાય છે. ખડીસાકર નાખીને ગળ્યું અથવા તો નમક નાખીને નમકીન વૉટર બનાવી શકાય. કિડનીના દરદીઓ માટે નમક અને સાકર ઓછી માત્રામાં લેવાં.

કેટલું લઈ શકાય?

દિવસમાં ચારથી પાંચ વાર આ પાણી પીવું. તમે એક લિટર પાણી પણ પી શકો છો. જવનું પાણી તૈયાર કરીને ફ્રિજમાં બૉટલમાં સંઘરી રાખી શકાય જે બે દિવસ ચાલી શકે. જ્યારે પીવું હોય ત્યારે ફ્રેશ હબ્ર્સ નાખીને ડ્રિન્ક બનાવી લેવું.

બાર્લી વૉટરના ફાયદા

બાળકો માટે ઉત્તમ: નવજાત શિશુને માના દૂધ પરથી જ્યારે પહેલી વાર બહારનું ખાવાનું આપવાનું શરૂ કરવામાં આવે ત્યારે આ બાર્લી વૉટર આપી શકાય. એનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને પાચનશક્તિ પણ.

કિડનીની તકલીફો: જ્યારે યુરિનરી ટ્રૅક્ટની તકલીફો હોય ત્યારે બાર્લી વૉટર બેસ્ટ છે, કેમ કે એ પીધા પછી છૂટથી યુરિન થાય છે અને ભરાઈ રહેલો ઝેરી કચરો યુરિન વાટે શરીરની બહાર ફેંકાઈ જાય છે. યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન હોય તો એમાં પણ અસરકારક છે.

મેનોપૉઝ અને ડિપ્રેશન: પિરિયડ્સ જવાની પીડા દરમ્યાન બાર્લી વૉટર ખૂબ જ મદદ કરે છે. મૂડસ્વિંગ્સ ઘટે છે અને ડિપ્રેશન આવતું નથી.

કૅન્સર: બાર્લી વૉટર નિયમિત અને ભરપૂર માત્રામાં લેવાથી કૅન્સરની કેમોથેરપીની ટ્રીટમેન્ટ દરમ્યાન ખૂબ જ રાહત રહે છે. જ્યારે શરીર અંદરથી ઘસાઈ રહ્યું હોય ત્યારે બાર્લી વૉટર એટલું ન્યુટ્રિશ્યસ બની રહે છે કે કૅન્સરના દરદીને સારવાર સમયે ટકી રહેવાની શક્તિ મળે છે.

સ્પોટ્ર્સ કે મૅરથૉન: આઉટડોર સ્પોટ્ર્સ કે મૅરથૉન જેવી લાંબી દોડમાં પણ બાર્લી વૉટર ખૂબ જ સ્ટૅમિના ટકાવી રાખનારું છે. ગ્લુકોઝ-પાઉડર કે અન્ય એનર્જી ડ્રિન્ક્સમાં આખરે તો સિન્થેટિક-એનર્જી હોય છે. એને બદલે બાર્લી વૉટર બેસ્ટ પુરવાર થઈ શકે છે. સ્પોર્ટ્સ-પ્રૅક્ટિસ દરમ્યાન બાળકોને મન ભાવે એવી ફ્લેવર મિક્સ કરીને આપી શકો છો. લીંબુ કે રોઝ શરબત નાખીને પણ આપો તોયે ચાલે.

વેઇટ રિડક્શન: બાર્લી વૉટર ન્યુટ્રિશ્યસ પણ છે અને ઓછી કૅલરીવાળું પણ. ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો હોવાથી ધીમે-ધીમે પચે છે અને લાંબો સમય સુધી એનર્જી આપે છે એટલે વજન ઉતારવા માગતા લોકો સાકર નાખ્યા વિના આદું, લીંબુ, ફુદીનો, જીરું, કાળાં મરી વગેરે જેવી ચીજો નાખીને તૈયાર કરેલું સ્વાદિષ્ટ પીણું પી શકે છે.

ડાયેરિયા: ડાયેરિયામાં પણ આ પાણી લેવાય, કેમ કે એ મળને બાંધે છે અને એનર્જી લેવલ વધારે છે. ઝાડા થઈ ગયા હોય ત્યારે બીજો ખોરાક બંધ કરીને માત્ર જવનું પાણી અને મગનું ઓસામણ લેવું. આ બન્ને ચીજો પચવામાં હલકી, પાચક અને મળ બાંધનારી છે. ટીબીના દરદીને ઝાડા થઈ જતા હોય ત્યારે પણ જવનું પાણી આપી શકાય. Whatsapp-channel Whatsapp-channel

21 December, 2011 10:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK