તમારા બાળકને કૂણો તડકો ખવડાવો છો?

Published: 5th November, 2014 05:18 IST

તાજેતરના રિસર્ચ મુજબ બાળકોમાં છેલ્લાં  પાંચ વર્ષોમાં વિટામિન Dની ઊણપમાં ૨૦૦ ટકા જેટલો વધારો થયો છે જેને કારણે બાળકોમાં થતા હાડકાના રોગ રિકેટ્સનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. વિટામિન Dના મુખ્ય સ્ત્રોત સમો સૂર્યપ્રકાશ આપણે ત્યાં ભરપૂર માત્રામાં મળે છે ત્યારે આ પ્રકારની ખામીઓનું વધતુંજતું પ્રમાણ ચિંતાજનક છે
જિગીષા જૈન

ભારત દેશ ઘણીબધી બાબતોમાં ખૂબ જ લકી છે જેમાંની એક મહત્વની બાબત છે કે આપણા દેશમાં વર્ષના બારે મહિના એટલે કે ૩૬૫ દિવસ સૂર્યપ્રકાશ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે. સૂર્ય આપણી ઊર્જા‍નો સ્ત્રોત છે. જીવન જીવવા માટે જરૂરી એવાં પોષકતkવોમાં વિટામિન Dનો સમાવેશ થાય છે જે કહી શકાય કે શાકાહારી લોકોને તો ફક્ત સૂર્યપ્રકાશમાંથી જ મળે છે. જગતના બીજા દેશોને આ સૂર્યપ્રકાશ બારે માસ મળતો નથી અને જેટલો મળે છે એટલો તેમના શરીરમાં વિટામિન Dની કમી પૂરી કરી શકે એ માટે પર્યાપ્ત નથી. આપણે ત્યાં આજકાલ સનસ્ક્રીન લોશનના વધતા ઉપયોગ, તડકામાં બહાર ન નીકળવાની આદત, આરામદાયક બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે વિટામિન Dની ઊણપ લોકોમાં ભારી માત્રામાં જોવામાં આવી રહી છે. આપણા માટે ખરેખર શરમજનક કહેવાય કે જે દેશમાં સૂર્યપ્રકાશ અઢળક માત્રામાં ઉપલબ્ધ છે ત્યાં પણ વિટામિન Dની કમી લોકોમાં જોવા મળી રહી છે અને લોકો સપ્લિમેન્ટ્સ ખાઈને પોતાની વિટામિન Dની ઊણપ પૂરી કરી રહ્યા છે. વિટામિન Dનો મુખ્ય ઉપયોગ હાડકાના બંધારણમાં થાય છે. આમ એની ઊણપથી હાડકાના રોગો થવાની શક્યતા વધુ છે એટલું જ નહીં; નવા રિસર્ચ મુજબ વિટામિન Dની ઊણપ બ્લડ-પ્રેશર, હૃદયરોગ, અસ્થમા, કૅન્સર અને કેટલાક માનસિક રોગો પાછળ પણ જવાબદાર ગણી શકાય છે. સામાન્ય રીતે પુખ્ત વયના લોકો કરતાં પણ બાળકોને વિટામિન Dની જરૂર ખૂબ જ વધારે રહે છે, કારણ કે તેમના શરીરનો વિકાસ એ ઉમરમાં થઈ રહ્યો હોય છે અને હાડકાના બંધારણ માટે વિટામિન Dની આવશ્યકતા વધી જાય છે.

રિસર્ચ

તાજેતરમાં યુનાઇટેડ કિંગડમના એક રિસર્ચ અનુસાર બાળકોમાં વિટામિન Dનું પ્રમાણ છેલ્લાં પાંચ વર્ષોમાં ૨૦૦ ટકા જેટલું ઘટ્યું છે, જેને કારણે વિટામિન Dની ઊણપથી બાળકોને થતો રિકેટ્સ નામના રોગનું પ્રમાણ પણ શ્ધ્માં ખૂબ વધી ગયું છે. અમુક હૉસ્પિટલમાં ભરતી થનારા રિકેટ્સના દરદીઓના આંકડાની ગણતરી કરતાં જે આંકડાઓ મળ્યા એમાં જોવા મળ્યું કે ૨૦૦૯-’૧૦માં રિકેટ્સના દરદીઓનું પ્રમાણ ૧૩૯૮ જેટલું હતું, જ્યારે ૨૦૧૩-૧૪માં ૪૬૩૮ બાળકો એનો ભોગ બન્યાં હતાં. ૧૧૦૦ પેરન્ટ્સ અને ૨૫૦ હેલ્થ પ્રોફેશનલને લઈને થયેલા આ સર્વેમાં જોવા મળ્યું હતું કે નવેમ્બરથી માર્ચ મહિનામાં જ્યારે શ્ધ્માં શિયાળાને કારણે ઓછો સૂર્યપ્રકાશ મળે છે એ સૂર્યપ્રકાશ બાળકોમાં વિટામિન Dની પૂર્તિ માટે ઓછો પડે છે એવી જાણકારી ફક્ત ૪ ટકા પેરન્ટ્સને હતી. પચાસ ટકા પેરન્ટ્સ એવા મળ્યા જેમને વિટામિન Dની શરીરમાં શું કામગીરી છે એના વિશે કંઈ જ ખબર નહોતી. શ્ધ્ની હેલ્થ ગાઇડલાઇન્સ મુજબ બાળકને ૬ મહિનાથી લઈને પાંચ વર્ષની ઉંમર સુધી સતત વિટામિન Dનાં સપ્લિમેન્ટ્સ એટલે કે દવાઓના રૂપમાં વિટામિન D આપવું ખૂબ જ જરૂરી છે. આ સર્વેમાં જોવા મળ્યું કે આ ગાઇડલાઇન્સ વિશે દર પાંચમાંથી ચાર લોકોને માહિતી નહોતી.

વિવાદ

બહારના દેશોમાં જ્યાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે ત્યાં બાળકોને પૂરતું પોષણ મળે અને હાડકાના રોગોથી બચવા માટે ત્યાંની હેલ્થ ગાઇડલાઇન્સમાં બાળક ૬ મહિનાની ઉંમરથી પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેને વિટામિન Dનાં સપ્લિમેન્ટ્સ આપવાનું ફરજિયાત છે. મોટા ભાગે આપણે વિદેશી નિયમોનું પાલન આપણા દેશમાં કરતા જ હોઈએ છીએ. આજે જ્યારે ભારતમાં પણ ભરપૂર સૂર્યપ્રકાશ હોવા છતાં વિટામિન Dની કમી બાળકોમાં જોવા મળે છે ત્યારે અમુક નિષ્ણાતો માને છે કે બાળકને સપ્લિમેન્ટ્સ આપવાં જોઈએ, જ્યારે અમુક નિષ્ણાતો એવું માને છે કે ભારતીય બાળકોને સપ્લિમેન્ટ્સ આપવા કરતાં સૂર્યપ્રકાશનું એક્સપોઝર દેવડાવવું વધુ હિતાવહ છે. એ વિશે વાત કરતા ક્રિટીકેર હૉસ્પિટલ, જુહુના પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘નાનાં બાળકોને સવારનો કૂણો તડકો આપવો ખૂબ જ જરૂરી છે. જો સૂર્યપ્રકાશ દ્વારા વિટામિન Dની પૂર્તિ કરી શકાય તો એનાથી વધુ સારું શું હોઈ શકે? જોકે જે બાળક સ્તનપાન કરી રહ્યું છે તે બાળકની માતામાં વિટામિન Dની કમી ન હોવી જોઈએ. જો હોય તો તેને સપ્લિમેન્ટ્સ ચાલુ કરવાં જોઈએ. બાકી નાના બાળક માટે ડૉક્ટરને જરૂર લાગે તો કૅલ્શિયમ સપ્લિમેન્ટ્સ આપી શકાય જેમાં થોડી માત્રામાં વિટામિન D હોય છે જે બાળક માટે પૂરતું છે.’

ખબર કેમ પડે?

બાળકને વિટામિન Dની ઊણપ છે એવી ખબર ત્યારે જ પડે જ્યારે તેની બ્લડ-ટેસ્ટ કરવામાં આવે. આપણે ત્યાં સામાન્ય રીતે બાળકની વગર કારણે બ્લડ-ટેસ્ટ કરવામાં આવતી નથી. ડૉક્ટરોે કે પેરન્ટ્સ કોઈ પણ એ માટે તૈયાર હોતા નથી. આવી પરિસ્થિતિમાં કેમ ખબર પડે કે બાળકને વિટામિન Dની ઊણપ છે? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘જ્યારે બાળકને ચાલવામાં તકલીફ થાય, પગ એકદમ દૂર-દૂર રાખીને ચાલવા લાગે, ઉંમર કરતાં મોડું બેસતાં કે ચાલતાં શીખે, સતત પગ કે કમર દુખવાની ફરિયાદ કરે, તેના શરીર કરતાં તેનું માથું વધારે મોટું લાગે, વારે-વારે પડ્યા કરે તો સમજવું કે તેવાં બાળકોનું વિટામિન D ઓછું છે.’

આમ પણ સામાન્ય રીતે જોઈએ તો જો દરરોજ તમારું બાળક ઓછામાં ઓછી ૨૦ મિનિટ તડકો ન ખાતું હોય તો તેને વિટામિન Dની કમી હશે એમ માની લેવું જોઈએ અને બાળકને બને એટલાં ઓછાં કપડાં પહેરાવી સવારના કૂણા તડકામાં રાખવાનું શરૂ કરી દેવું જોઈએ. દરેક મા-બાપે તેમના બાળકના વિકાસમાં વિટામિન Dનું મહત્વ સમજવું અને દવાઓ પર આધારિત થવાને બદલે વિટામિન Dના નૅચરલ ર્સોસ સૂર્યપ્રકાશનો ઉપયોગ શરૂ કરી દેવો વધુ યોગ્ય ગણાશે.

રિકેટ્સ - વિટામિન Dની ઊણપથી થતો રોગ

ભારતમાં માર્ચ ૨૦૧૧ના આંકડાઓ મુજબ ૩૦ ટકા નવજાત શિશુને રિકેટ્સ નામનો રોગ છે જે વિટામિન Dની કમીને કારણે થાય છે જેમાં હાડકાં કમાન જેવાં વાંકાં થઈ જાય છે અને ખૂબ જ નબળાં હોવાને કારણે બરડ પણ થઈ જાય છે. અઢીથી સાડાત્રણ વર્ષનાં બાળકોને લઈને કરેલા આ રિસર્ચમાં જોવા મળ્યું હતું કે ૬૬.૭ ટકા બાળકોમાં વિટામિન Dની ઊણપ છે, જ્યારે ૮૧.૧ ટકા માતાઓ જે આ બાળકોને પોતાનું દૂધ પીવડાવે છે તેમનામાં પણ વિટામિન Dની ઊણપ હતી. આ રિસર્ચના અંતે રેકમન્ડેશનમાં નોંધવામાં આવ્યું હતું કે નવજાત શિશુની માતાએ પોતે વિટામિન Dની ટેસ્ટ કરાવવી જરૂરી છે. જો તેનામાં વિટામિન Dની ઊણપ હોય તો તેણે પોતે એનાં સપ્લિમેન્ટ્સ ચાલુ કરી દેવાં જોઈએ જેથી તેનું દૂધ પીનારા બાળકમાં એની કમી જોવા ન મળે. આ સિવાય પણ બાળકને જરૂરી માત્રામાં સૂર્યપ્રકાશ દેવડાવવો પણ એટલો જ જરૂરી છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK