સીઝનલ શક્કરિયાંની મિજબાની મુંબઈમાં કઈ જગ્યા પર માણશો?

Published: Feb 14, 2020, 19:16 IST | karishma kuntzaig | Mumbai Desk

મહાશિવરાત્રિ આવી રહી છે. આ તહેવારમાં શક્કરિયાં ખાવાનું અનેરું માહાત્મ્ય છે. આપણે તો મોટા ભાગે શેકી, બાફી કે તળીને ચિપ્સ રૂપે જ આ કંદ ખાવા ટેવાયેલા છીએ. જોકે શહેરની હોટેલો અને ઈટરીઝના જાણીતા શેફે શક્કરિયાંને નવો અવતાર આપ્યો છે.

શિયાળામાં ફળો અને શાકભાજીની ઘણી વિવિધતાઓ માણી શકાય છે. સગડી પર શેકેલાં શક્કરિયાં ફરાળી વાનગીઓ રૂપે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મશહૂર છે એમ અન્ય પ્રાંતોમાં પણ મશહૂર છે. અંગ્રેજીમાં સ્વીટ પટેટો તરીકે પણ ઓળખાતાં શક્કરિયાંની લારી લઈને ફરતો ફેરિયો સગડી પર શેકીને ત્રીસ રૂપિયે પ્લેટના ભાવે વેચે છે. પરંતુ એ શક્કરિયાંને મુંબઈનાં હાઈ પ્રોફાઇલ ફૂડ જૉઇન્ટ્સ અવનવી સદાબહાર વાનગીઓના રૂપમાં ખવૈયા શોખીનો સમક્ષ રજૂ કરે છે. જુઓ જુદા-જુદા શેફ કેવી કેવી કમાલ કરે છે!

શક્કરિયાંનાં ડમ્પલિંગ્સ
તમે જો ડબકાં કે ડબકાં કઢીના શોખીન હો તો શક્કરિયાંની આ વાનગી ચોક્કસ ભાવશે. વસાબીના છંટકાવ સાથે શક્કરિયાંનો સ્વાદ નીખરે છે. શેફ એરિક શિફુ કહે છે કે શક્કરિયાં ઍન્ટિ-ઑક્સિડન્ટ છે. એમાં બિટા કૅરોટિન હોવાથી આરોગ્યને લાભકારક છે. તમે પટેટો (બટાટા) વધારે ન ખાઈ શકો, પરંતુ સ્વીટ પટેટો( શક્કરિયાં) દિવસમાં પાંચ વખત ખાઈ શકો.’
કોકો, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સમય-બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી અને સાંજે ૭ વાગ્યાથી રાતે ૧ વાગ્યા સુધી.
ફોન - ૭૭૧૫૯ ૬૩૦૩૦, મૂલ્ય - ૪૫૦ રૂપિયા

શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખતું ચખના
પબ્લિકના ફેવરિટ ક્લાસિક નાચોઝમાં થોડા સુધારા-વધારા સાથે પીરસવાના પ્રયોગો કરવામાં કેટલાક શેફની ચતુરાઈ રંગ લાવે છે. અવાકાડો ફ્રૂટને મસળીને એમાં કાંદાની કચુંબર, ટમેટાં અને મરચું ભેળવીને બનાવેલા ગ્વાકામોલ, હાલાપીનો ચીઝ સૉસ, કૉર્ન સાલસા અને રાજમા સાથે શક્કરિયાં ભેળવીને સ્વાદિષ્ટ હળવો નાસ્તો-ચખના બને છે. ‘ધ આઇરિશ હાઉસ’ હોટેલના હેડ શેફ બિશાલ ઉનાઈએ જણાવ્યું હતું કે ‘શક્કરિયાં રોગપ્રતિકારક શક્તિ વધારવા સાથે પાચન પ્રક્રિયા નિયમિત બનાવે છે. ડ્રિન્ક્સની સાથે ચખના તરીકે આ વાનગી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ડ્રિન્ક્સ લેતી વખતે હાઇડ્રેટેડ રહેવાની જરૂરિયાત લોકો ભૂલી જાય છે. શક્કરિયાંમાંનું ફાઇબર શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. એનાથી પેટ ભરાય, પણ ભારે થતું નથી.’
ધ આઇરિશ હાઉસ, ઇનૉર્બિટ મૉલ, મલાડ (વેસ્ટ),
સમય-બપોરે ૧૨૦ વાગ્યાથી
રાતે એક વાગ્યા સુધી.
ફોન - ૮૮૭૯૭૭૩૩૯૦,
મૂલ્ય-૩૪૫ રૂપિયા

તળેલાં છતાં હેલ્ધી
તળેલાં કમળનાં મૂળ, શક્કરિયાં અને કોળાને ઑર્ગેનિક હની સ્વીટ ઍન્ડ સાર સૉસમાં સાંતળીને રાંધતાં મજેદાર ચખના મળે છે. ‘ધ પાર્ક’ના એક્ઝિક્યુટિવ શેફ અલ્તમશ પટેલ કહે છે કે ‘શેફ તરીકે સારા સ્થાનિક પદાર્થોની વાનગીઓને પ્રોત્સાહન આપવાની અને સ્વાદ પર અસર ન થાય એ રીતે અન્ય પદાર્થો ભેળવવાની મારી જવાબદારી છે. આપણે લોકોને આ વાનગીથી આરોગ્યને થતા લાભો સમજવામાં મદદ પણ કરવી જોઈએ.’
મેઇશી, ધ પાર્ક હોટેલ, જુહુ, સમય બપોરે ૧૨ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી.
ફોન - ૬૮૧૫ ૯૧૦૦, મૂલ્ય - ૭૫૦ રૂપિયા

પરંપરાગત વાનગીમાં સહેજ સુધારો
અહીં પરંપરાગત વાનગીને જરા એમની પોતાની સ્ટાઇલમાં પીરસવામાં આવે છે. પેલેડિયમ મૉલની ઇશારા રેસ્ટોરાંના સહસ્થાપક પ્રશાંત ઇસ્સર કહે છે કે ‘શક્કરિયાં કાર્બોહાઇડ્રેટયુક્ત ફૂડ હોવા છતાં એમાં લોહીમાં ગ્લુકોઝ વધારવાની ઓછી ક્ષમતા હોવાથી બ્લડ- શુગરમાં ઘટાડો કરે છે. ઉત્તર ભારતમાં ઠેર ઠેર શક્કરિયાંના સ્ટૉલ્સ જોવા મળે છે. માટલામાં શેકીને એની છાલ ઉતારીને ટુકડા કરીને મસાલો છાંટ્યા બાદ પ્લેટમાં લીંબુ નીચોવવામાં આવે છે. એ ગરમ-ગરમ ખાવાની લહેજત અનોખી હોય છે. હું એ જ અનુભવ મારા ગ્રાહકોને આપવા ઇચ્છતો હતો, પરંતુ અસલ
રૂપ જાળવીને મસાલાની મોજ વધારવાનો મેં પ્રયાસ કર્યો છે.’
ઇશારા, પેલેડિયમ મૉલ, લોઅર પરેલ, સમય બપોરે ૧૨ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી.
ફોન - ૮૬૫૭૫ ૩૧૯૮૮,
મૂલ્ય - ૨૪૦ રૂપિયા

શક્કરિયાંના હેલ્ધી વૉફલ્સ
શક્કરિયાં, ઓટ્સ અને બદામના દૂધથી બનેલા વૉફલ્સ માણો. બાંદરાની અરોમા કૅફેના હેડ શેફ દિનેશ શિંદે કહે છે કે ‘વૉફલ્સમાં શક્કરિયાં અલગ પ્રકારનો કૅરેમલાઇઝ્ડ ફ્લેવર મજેદાર બને છે. શક્કરિયાં અન્ય પદાર્થો સાથે મેળવણીરૂપ હોવાથી આ વૉફલ્સને માણી શકાય છે.’
અરોમાઝ કૅફે ઍન્ડ બિસ્ત્રો, બાંદરા (વેસ્ટ) (શાખાઓ પવઈ, જુહુ અને થાણેમાં પણ છે) સમય સવારે આઠ વાગ્યાથી રાતે એક વાગ્યા સુધી.
ફોન - ૬૬૯૪ ૦૦૫૦, મૂલ્ય - ૨૬૯ રૂપિયા

જૅકેટ સ્વીટ પટેટો
જેમને જૅકેટ પટેટોવાળી ડિશ ખૂબ ભાવતી હોય, પણ ઓછા કાર્બોહાઇડ્રેટ્સવાળો વિકલ્પ શોધતા હોય તેમને માટે આ વાનગી શ્રેષ્ઠ છે. વટાણા, કેલ (કોબી જેવું પાંદડાંવાળું શાક) અને સરસવ ટમેટાંનું ડ્રેસિંગ અને પ્રો-બાયોટિક્સથી સમૃદ્ધ આથેલી કોબીના સૉરક્રૉત ભરેલા (સ્ટફ્ડ) શક્કરિયાં સ્વાદ અને આરોગ્ય બન્ને દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. કાલા ઘોડાના સિક્વલ બિસ્ત્રો ઍન્ડ જૂસ બારનાં વનિકા ચૌધરીએ જણાવ્યું હતું કે ‘મને સ્ટફ્ડ તંદૂરી આલૂ બહુ ભાવે છે. હું એવી કોઈ વાનગી બનાવવા ઇચ્છતી હતી, પરંતુ એમાં ઑર્ગેનિક ઊપજ અને આધુનિક સ્વાદ-સોડમનો
વપરાશ કરવા ઇચ્છતી હતી. ખાસ રૂપે ઑરેન્જ સ્વીટ પટેટો, લૅક્ટો ફર્મેન્ટેડ પ્રો-બાયોટિક રિચ સૉરક્રૉત અને કાજુના દૂધમાંથી બનાવેલી ચીઝ આ વાનગીમાં અલગ સ્વાદ ઉમેરે છે.’
સીક્વલ બિસ્ત્રો ઍન્ડ જૂસ બાર, ગ્રાઉન્ડ ફ્લોર, ઉપદૃષ્ટા હાઉસ, કાલા ઘોડા, ફોર્ટ, સમય સવારે આઠ વાગ્યાથી રાતે ૧૦.૩૦ વાગ્યા સુધી.
ફોન-૨૨૬૫૯૦૦૦ મૂલ્ય- ૫૨૫ રૂપિયા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK