Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શરીર પર સોનાના ચળકાટ કરતાં શરીરની અંદર પૂરતા આયર્નનો રાખો મોહ

શરીર પર સોનાના ચળકાટ કરતાં શરીરની અંદર પૂરતા આયર્નનો રાખો મોહ

24 October, 2019 05:06 PM IST | મુંબઈ
અર્પણા શિરીષ

શરીર પર સોનાના ચળકાટ કરતાં શરીરની અંદર પૂરતા આયર્નનો રાખો મોહ

એનીમિયાનો શિકાર

એનીમિયાનો શિકાર


નૅશનલ હેલ્થ સર્વેના રિપોર્ટ કહે છે કે દર બેમાંથી એક ભારતીય સ્ત્રી લોહતત્વની કમીને લીધે એનીમિક છે અને આ વિશે જાગૃતિ ફેલાવવા માટે સોશ્યલ મીડિયા પર હાલમાં પ્રોજેક્ટ સ્ત્રીધન નામનું એક કૅમ્પેન લોકોની ખૂબ વાહવાહી મેળવી રહ્યું છે. ચાલો જાણીએ આ પ્રકારના એનીમિયા વિશે ડૉક્ટરો શું સલાહ આપે છે અને શું છે આ કૅમ્પેન

તહેવારોની સીઝનમાં શકનનું સોનું લેવાનું ચલણ ખૂબ જૂનું છે અને આજની મૉડર્ન સ્ત્રીઓ પણ ગોલ્ડ ખરીદવાનો આ ચાન્સ ચૂકતી નથી. જોકે એક અવેરનેસ કૅમ્પેન હેઠળ ભારતીય સ્ત્રીઓને સોનાને બદલે આયર્નમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ અપાઈ રહી છે. શરીરમાં લોહીની કમીને લીધે એનીમિયા ન થાય એ માટે સ્ત્રીઓને સભાન કરવા માટે આ કૅમ્પેન કરવામાં આવી છે. આપણા દેશમાં સ્ત્રીઓમાં એનીમિયાનું મુખ્ય કારણ લોહતત્વની કમી છે. આ વિશે વાત કરતાં ગ્લોબલ હૉસ્પિટલનાં હીમૅટૉલૉજિસ્ટ ડૉ. સુમીત મિર્ઘ કહે છે, ‘ભારતમાં ખોરાકમાં પોષણની કમીને કારણે લોહતત્વની કમીથી થતો એનીમિયા કૉમન છે. આ સિવાય ફોલેટ અને વિટામિન B12ની કમીને લીધે પણ એનીમિયા જોવા મળે છે, પણ સ્ત્રીઓમાં મોટા ભાગે લોહતત્વની કમીને લીધે થતા એનીમિયાનું પ્રમાણ વધુ છે. આપણો દેશ આ બાબતે ન્યુટ્રિશનલી ડિપ્રાઇવ્ડ છે એવું કહેવામાં આવે તોયે વાંધો નહીં. એટલે જો એનીમિયાથી બચવું હોય તો યોગ્ય ખોરાકમાંથી લોહતત્વ દ્વારા જ એ મેળવવું પડશે.’



શું છે આયર્ન ડેફિશ્યન્સી એનીમિયા?


લોહીમાં જ્યારે લાલ રક્તકણોની કમી સર્જાય ત્યારે હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે અને આ કન્ડિશન એટલે એનીમિયા અર્થાત્ લોહીની કમી. આ લાલ રક્તકણો જ શરીરના કોષોને જરૂરી એવો ઑક્સિજન પહોંચાડવાનું કામ કરે છે અને એટલે જ હીમોગ્લોબિનનું લેવલ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. નામ પ્રમાણે જ આયર્ન ડેફિશ્યન્સી એનીમિયા શરીરમાં લોહતત્વની કમીને કારણે થાય છે. આ વિશે વધુ માહિતી આપતાં જનરલ ફિઝિશ્યન ડૉ. વિક્રાંત શાહ કહે છે, ‘આયર્નથી ભરપૂર ખોરાકની કમી અને પોતાના શરીર પ્રત્યે ધ્યાન ન આપવાની બેદરકારી સ્ત્રીઓમાં એનીમિયાનું કારણ છે. શરીર પોતાની અંદર થતી દરેક તકલીફનું સિગ્નલ આપે છે. પણ સ્ત્રીઓ પરિવારની જવાબદારીની આડમાં એને ઇગ્નૉર કરે છે. ખાસ કરીને અર્બન વુમનની સરખામણીમાં ગામડાંની સ્ત્રીઓમાં લોહીની કમી મોટા પ્રમાણમાં જોવા મળે છે. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટના રિપોર્ટમાં હીમોગ્લોબિનનું પ્રમાણ જાણીને એનીમિયાની પુષ્ટિ કરી શકાય, પણ એ માટે એનાં લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે એ મહત્વનું છે. કેટલીક વાર એનીમિયા કોઈ મોટા રોગને કારણે પણ હોઈ શકે જેના માટે શરીરમાં અંદર રક્તસ્રાવ તો નથી એનું નિદાન વધુ ટેસ્ટ કરીને કરવું પડે છે.’

શું છે લક્ષણો?


એનીમિયાનાં મુખ્ય લક્ષણો એટલે ચામડી સફેદ અથવા પીળાશ પડતી દેખાવી. એ સિવાય શરીર વગર કારણે થાકેલું લાગે, સ્ફૂર્તિની કમી, શ્વાસ લેવામાં તકલીફ થાય, હૃદયની ધડકન અચાનક વધી જાય તેમ જ પગ દુખે અથવા હંમેશાં સોજા રહેતા હોય તો એ એનીમિયાનાં લક્ષણો છે. લક્ષણો વિશે વધુ જણાવતાં ડૉ. સુમીત કહે છે, ‘લોહતત્વની કમીને લીધે ઊંઘ અને ભૂખ પર પણ અસર થાય છે. ઇન્સૉમ્નિયા એટલે કે ઊંઘ ન આવવી એ પણ એનીમિયાનાં લક્ષણોમાંથી એક છે. એટલે કે લક્ષણો પરથી જો લાગે કે એનીમિયા હોઈ શકે તો એને નજરઅંદાજ ન કરતાં તરત જ બ્લડ-રિપોર્ટ કરાવી ડૉક્ટર પાસે એની પુષ્ટિ કરાવી લેવી જોઈએ.’

આયર્નને લીધે થતી હીમોગ્લોબિનની કમીને લીધે શરીરને ઑક્સિજનવાળું લોહી પૂરતા પ્રમાણમાં નથી મળી શકતું, જેના લીધે ધડકન વધી જાય છે. એના ગંભીર પરિણામરૂપે હાર્ટ પહોળું થવું અથવા હાર્ટ ફેલ્યઅર પણ થઈ શકે છે.

શા માટે થાય છે એનીમિયા?

જો શરીરને યોગ્ય પ્રમાણમાં આયર્ન ન મળતું હોય અથવા શરીર વધુ પ્રમાણમાં આ લોહતત્વનો વપરાશ કરતું હોય ત્યારે શરીર જરૂરી પ્રમાણમાં હીમોગ્લોબિન તૈયાર નથી કરી શકતું, પરિણામે ધીમે-ધીમે હીમોગ્લોબિનમાં ઘટાડો થવાને લીધે લોહતત્વની કમીને કારણે થતો એનીમિયા થાય છે.

સ્ત્રીઓમાં આ પ્રકારે લોહીની કમી શા માટે થાય છે એનું કારણ જણાવતાં ડૉ. સુમીત કહે છે ‘માસિક સમયે થતો બ્લડ લૉસ જો વધુ પ્રમાણમાં હોય તો એનીમિયા થઈ શકે. કેટલીક સ્ત્રીઓનું માસિક પાંચ દિવસ કરતાં વધુ લંબાય છે, જેને કારણે શરીરમાંથી જરૂર કરતાં વધુ રક્તસ્રાવ થાય છે. પરિણામે હીમોગ્લોબિનમાં ઘટાડો થવાને કારણે એનીમિયાની સ્થિતિ સર્જાય છે. એ સિવાય ટીનેજર અને નાની વયની છોકરીઓમાં જો પેટમાં પૅરૅસાઇટ ઇન્ફેક્શન હોય તો પણ એનીમિયા થાય છે. આ જંતુઓ શરીરને જરૂરી પોષક તત્ત્વો પર આધાર રાખે છે, જેના લીધે શરીરને પોષણ ન મળવાને કારણે લોહીની કમી થાય છે.’

આયર્ન ડેફિશ્યન્સી એનીમિયા શરીરમાં કોઈ જાનલેવા બીમારીને લીધે પણ હોઈ શકે. અલ્સર, હર્નિયા, ગેસ્ટ્રો, કોલોરેક્ટલ કૅન્સર જેવા રોગોમાં આંતરિક રક્તસ્રાવ થાય છે જેનું નિદાન સ્ટૂલ ટેસ્ટથી કરવામાં આવે છે. આ રીતે ધીમે-ધીમે શરીરમાંથી લોહી જતું હોય અને સામે લોહી બનવા માટે પૂરતા પ્રમાણમાં લોહતત્વ શરીરમાં ન જાય ત્યારે એનિમિયા થાય છે. શરીરમાં આંતરડામાં જો કોઈ કમી હોય કે આંતરડાં ખોરાકના આયર્નને પચાવવામાં અસમર્થ હોય ત્યારે પણ શરીરમાં આ લોહતત્વની કમી સર્જાય છે.

શેમાંથી મેળવશો આયર્ન?

ખોરાકમાં જ્યારે લોહતત્વથી ભરપૂર ખોરાકની કમી થાય ત્યારે શરીરમાં એની ખામી પડવી સ્વાભાવિક છે. શરીરમાં કઈ રીતે આ કમી પૂરી પાડવી એ વિશે જણાવતાં ડૉ. વિક્રાંત કહે છે, ‘લીલાં પાંદડાંવાળી ભાજી, ખાસ કરીને પાલક, દાડમ, કલિંગડ, સોયાબીન, ખજૂર, ગોળ, અંજીર, વટાણા અને દાળમાંથી ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી રહે છે.

એ સિવાય રોજ રાતે સૂકી કાળી દ્રાક્ષ રાતે પાણીમાં પલાળીને સવારે ખાવામાં આવે તો પણ શરીરને પૂરતા પ્રમાણમાં આયર્ન મળી રહે છે.’

ફક્ત આયર્ન લેવાથી જ કામ નથી બનતું, આ લોહતત્વ શરીરમાં ઍબ્સૉર્બ થાય એ પણ જરૂરી છે. એ માટે જરૂર પડે છે વિટામિન-સીની. માટે આયર્ન રિચ ખોરાક સાથે જો ખટાશવાળાં ફળો, બ્રૉકલી, કોબીજ જેવી વિટામિન-સીથી ભરપૂર ચીજોનું સેવન કરવામાં આવે તો આયર્ન શરીરમાં ઝડપથી અને સારી રીતે ઍબ્સૉર્બ થાય છે. કેટલાક એક્સટ્રીમ કેસમાં જો ખોરાક દ્વારા અપાતું આયર્ન શરીર માટે પૂરતું ન હોય તો એવા સમયે સપ્લિમેન્ટ કે પછી ઇન્જેક્શન દ્વારા નસમાંથી આયર્ન લોહીમાં પહોંચાડવું પડી શકે છે.

હીમોગ્લોબિનનું લેવલ

લોહીમાં હીમોગ્લોબિનનું લેવલ સામાન્ય સ્ત્રીઓમાં ૧૨થી ૧૫ની વચ્ચે તેમ જ સગર્ભા સ્ત્રીઓમાં ૧૦થી ૧૪ની વચ્ચે જળવાયેલું હોવું જોઈએ. જો આ લેવલમાં એક પૉઇન્ટ કરતાં વધુ ઘટાડો થાય તો એ ખતરાની ઘંટી ગણાય. એટલે જો એનીમિયાનાં લક્ષણો જણાય તો કમ્પ્લીટ બ્લડ-કાઉન્ટના રિપોર્ટ દ્વારા હીમોગ્લોબિન લેવલમાં આવેલા ફેરફારની નોંધ લેવી.

પ્રેગ્નન્સી દરમ્યાન આયર્નની જરૂર

સગર્ભા સ્ત્રીઓમાં લોહી સામાન્ય કરતાં વધુ ગતિએ બનતું હોવાને લીધે તેમને લોહતત્વની જરૂર પણ વધુ પડે છે. પોતાના શરીરની સાથે ગર્ભમાં ઊછરતા બાળકનું હીમોગ્લોબિન પણ માતાના હીમોગ્લોબિન પર આધાર રાખતું હોવાને લીધે પ્રેગ્નન્સી દરમ્યાન ભરપૂર પ્રમાણમાં આયર્ન રિચ ફૂડ તેમ જ ડૉક્ટરની સલાહ પ્રમાણે આયન સપ્લિમેન્ટ લેવાં અનિવાર્ય છે.

આ પણ વાંચો : રાત્રે લાઇટ ચાલુ રાખી સુવાની આદતથી ચેતી જજો

શું છે પ્રોજેક્ટ સ્ત્રીધન કૅમ્પેન?

આજકાલ સોશ્યલ મીડિયા પર ડી.એસ.એમ. (ડચ સ્ટેટ માઇન્સ) નામની એક વૈશ્વિક સ્તરે હેલ્થ, ન્યુટ્રિશન અને સસ્ટેનેબલ લિવિંગનું સોલ્યુશન પૂરું પાડતી એક કંપની એક મ્યુઝિક વિડિયો મારફત ભારતીય સ્ત્રીઓને ગોલ્ડને બદલે હવે પોતાના શરીર માટે જરૂરી એવા આયર્ન પર ઇન્વેસ્ટ કરવાની સલાહ આપી રહી છે. આ કંપનીએ ૨૦૧૮માં રિલીઝ થયેલા નૅશનલ હેલ્થ સર્વેના રિપોર્ટના ડેટાને ધ્યાનમાં રાખીને ભારતીય સ્ત્રીઓમાં ખાસ લોહતત્વની કમીને લીધે થતા એનીમિયા વિશે જાગૃતિ ફેલાવવાનું કામ હાથમાં લીધું છે. પ્રોજેક્ટ સ્ત્રીધન નામના આ કૅમ્પેનને સામાન્ય સ્ત્રીઓ જ નહીં, સેલિબ્રિટીઝ અને ડૉક્ટરો પણ બિરદાવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 05:06 PM IST | મુંબઈ | અર્પણા શિરીષ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK