તમને એકનાં એક કપડાં પહેરવાની શરમ આવે છે?

Published: 16th September, 2020 18:16 IST | Sejal Ponda | Mumbai

મધ્યમવર્ગીય હોવું એક બહુ મોટો ટાસ્ક છે. તમારે અભાવ સાથે જીવવું પડે, ઓછપમાં જીવવું પડે, પણ જો તમને આ ઓછપની શરમ આવતી હોય તો એ ખોટું કહેવાય

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોઈક બાબતે શરમ અનુભવવી એટલે શું? લોકોએ આપણા વિશે જે ઇમેજ બાંધી લીધી હોય એની વિરુદ્ધનું કાર્ય જ્યારે આપણાથી થઈ જાય તો આપણે શરમ અનુભવીએ છીએ. શરમ એટલે લજ્જા આવવી, સંકોચ થવો, ઝંખવાઈ જવું, શરમિંદગી થવી. નીચાજોણું થવું.
માણસને શરમ ક્યારે આવે? સમાજમાં આદર, સન્માન, મોભા સાથે રહેતો માણસ લોકોની નજરમાં સન્માનનીય વ્યક્તિ હોય છે. એવી વ્યક્તિ વિશે જો ખબર પડે કે એ દાણચોરી કરે છે, બીજાં ખોટાં કામ કરે છે અને એ વ્યક્તિ સમાજ સામે ઉઘાડી પડી જાય તો એ વ્યક્તિને એક વાર તો જરૂર શરમ અનુભવાય છે. પોતે ભેગી કરેલી ઇજ્જત, પ્રતિષ્ઠા પાણીમાં મળી જતાં એ માણસ મનથી શરમ અનુભવે છે. હા, અમુક એવા વીરલાઓ હોય જેને પોતે ખોટું કર્યાનો કોઈ વસવસો નથી હોતો અને પકડાઈ ગયા પછી તેમના ચહેરા પર જરાય શરમ કે સંકોચ નથી દેખાતાં.
માણસ આખી જિંદગી પોતે ઊભી કરેલી ઇમેજ સાચવવા મથતો હોય છે. સમાજમાં સારો દેખાતો માણસ ભીતરથી સારો ન હોય એવું પણ બની શકે અને પોતાની અસલિયત છુપાવવા માટે માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
કોઈ હોટેલમાં કામ કરતો વેઇટર પૈસા ચોરી લે અને તેની ચોરી પકડાઈ જાય તો તે શરમ અનુભવે છે. શરમ અનુભવવી એટલે પોતે ખોટું કર્યું છે એનો અહેસાસ થવો, એનો અફસોસ થવો. માણસ જ્યારે પોતે કરેલાં ખોટાં કાર્યોથી શરમ અનુભવે તો એનો અર્થ એ જ છે કે તેની અંદર હજી સારો માણસ લપાઈને બેઠો છે.
ઘણી વાર માણસ અજાણતાં ખોટાં કાર્યો કરી નાખે છે અને પછી પકડાઈ જતાં શરમ અનુભવે છે. જો પોતે એવાં કાર્યો કે એવા સંબંધોમાં ફરી ન ફસાવાનો નિર્ણય લે તો એ માણસ સાચા રસ્તે આવી શકે છે. વાલિયો વાલ્મીકિ બન્યો એનું ઉદાહરણ આપણી સામે જ છે. મનની અંદર જ્યારે ખોટું કર્યાનો અહેસાસ થાય ત્યારે માણસની જિંદગીને નવી દિશા મળી શકે છે.
ડ્રગ્સ, સિગારેટ, દારૂ સાથે જીવતા લોકોને જ્યારે શરમ અનુભવાય છે ત્યારે તેમનું જીવન બદલાવાની પૂરેપૂરી શક્યતા હોય છે. આ તો થઈ વિકારોની વાત, પણ શું એવું પણ કંઈ હોય છે જ્યાં તમે કોઈ ખોટે રસ્તે નથી કે કોઈ ખરાબ સંગતમાં ફસાયેલા નથી. સીધુંસાદું જીવન જીવી રહ્યા હો, મહેનતથી કમાતા હો, દર મહિને બધાં જ લાઇટ-બિલ યાદ કરીને ભરી દેતા હો છો. ટૂંકમાં, તમે મધ્યમવર્ગીય માણસ હો અને તમને શરમ આવતી હોય તો?
મધ્યમવર્ગીય માણસ મોટા ભાગે સિદ્ધાંતો અને મૂલ્યોથી જીવતો હોય છે. તેને ત્યારે જ શરમ આવે જ્યારે તે તેના સિદ્ધાંતો કે મૂલ્યોને બ્રેક કરે. મધ્યમવર્ગીય હોવું એક બહુ મોટો ટાસ્ક છે. તમારે અભાવ સાથે જીવવું પડે, ઓછપમાં જીવવું પડે, પણ જો તમને આ ઓછપની શરમ આવતી હોય તો એ ખોટું કહેવાય.
તમે વન-રૂમ-કિચનમાં રહેતા હો અને તમારા મિત્રો, સગાંવહાલાં મોટા ફ્લૅટમાં કે બંગલામાં રહેતાં હોય અને તમને તેમને તમારા વન-રૂમ-કિચનના નાના ફ્લૅટમાં આમંત્રણ આપતાં શરમ આવતી હોય તો એ શરમ તમે જાતે ક્રીએટ કરેલી છે. તમે મહેનત અને પ્રામાણિકતાથી જીવો છો. સંઘર્ષ કરીને તમે ૪૦૦ સ્ક્વેર-ફુટના એક ફ્લૅટમાં ઘર બનાવ્યું છે તો પછી એમાં શરમ શાની? શરમ તો ત્યારે આવવી જોઈએ જ્યારે તમે ખોટું કરીને મોટા ઘરમાં રહેતા હો. મહેનત, ઈમાનદારી, પ્રામાણિકતા, સંઘર્ષ માટે ક્યારેય શરમ ન અનુભવાય.
તમારી પાસે મોટા ઇર્મ્પોટેડ સોફા નથી, સારા પડદા નથી. દીવાલ પરનો રંગ ઘસાઈ ગયો છે તો શું થયું? તમે આ ઘર તમારી ઈમાનદારથી ઊભું કર્યું છે. એમાં બીજા તમારા ઘરે આવીને શું વિચારશે એવા વિચારો કરવાના હોય જ નહીં.
તમારી પાસે પાંચ-છ કે સાત જોડી કપડાં હોય તો એમાં પણ તમારે શરમ અનુભવવાની જરૂર નથી. તમારા મિત્રો, કલીગ દરરોજ નવાં-નવાં કપડાં પહેરીને આવે છે અને તમારે એકનાં એક કપડાં પહેરવાં પડે છે તો એમાં શરમ શું કામ આવવી જોઈએ? સરસ ધોઇને ઇસ્ત્રી કરેલાં કપડાં તો છે જ.
એવા ઘણા યંગસ્ટર્સ છે જેમને મોંઘાંદાટ કપડાં, ઍક્સેસરીઝ પરવડતી ન હોવા છતાં બીજાની દેખાદેખીમાં સોશ્યલ મીડિયા પર છવાઈ જવા માટે ખોટા ખર્ચા કરી લે છે. માત્ર નવાં-નવાં કપડાં પહેરીને ફોટો પડાવશો તો શું તમે ઈમાનદાર બની જશો? ઈમાનદારીને કોઈ વાઘા પહેરાવવાની જરૂર જ નથી.
સોશ્યલ મીડિયા પર રોજ નવાં-નવાં કપડાં, ઍક્સેસરીઝ પહેરીને ફોટો પડાવવાનું રીતસરનું ઘેલું લાગ્યું છે. સુંદરતા મનની હોય છે. ઉપર-ઉપરથી જે હોય છે એને દેખાડો કહેવાય. ન પરવડતું હોય છતાં દેખાડો કરવા માટે મોંઘાં કપડાં અને મેકઅપ ખરીદવાં એ તો મૂર્ખાઈ જ કહેવાય.
સોશ્યલ મીડિયા પર જે દેખાય છે એમાં ઊંડા ઊતરો ત્યારે ખબર પડે કે દેખાડો કરતા માણસો વ્યક્તિ તરીકે કેવા હોય છે. જોકે એ તેમનો વ્યક્તિગત મામલો છે. અપવાદ બાદ કરીએ તો પણ આવા દેખાડા કરતા લોકોથી અંજાઈ જઈને જો તમને તમારી વાસ્તવિક જિંદગી પર શરમ આવતી હોય તો તમારે જાગી જવાની જરૂર છે.
તમે જાતને પૂછો કે તમારી પાસે સારાં કપડાં નથી તો શું એની શરમ આવવી જોઈએ? તમે એકનાં એક કપડાં પહેરીને ફોટો પડાવો છો તો શું એની તમને શરમ આવવી જોઈએ? તમે ગયા મહિને જે કપડાં પહેરીને કોઈ કાર્યક્રમમાં ગયા હતા અને આવતા મહિને એ જ કપડાં પહેરીને બીજા કાર્યક્રમમાં જવાના છો તો શું તમને શરમ આવવી જોઈએ? માણસ એના દેખાવથી નહીં વ્યક્તિત્વથી મપાય છે. શરમ ત્યારે આવવી જોઈએ જ્યારે તમે તમારા સિદ્ધાંતો અને મૂલ્યોની લક્ષ્મણરેખા પાર કરી દીધી હોય.
દેખાતી દુનિયા અને જીવાતી દુનિયામાં બહુ મોટો ભેદ છે. આ ભેદને પારખી શક્યા તો આવા દેખાડા માટે ક્યારેય શરમ નહીં અનુભવાય.
તમે વન-રૂમ-કિચનમાં રહેતા હો અને તમારા મિત્રો, સગાંવહાલાં મોટા ફ્લૅટમાં કે બંગલામાં રહેતાં હોય અને તમને તેમને તમારા વન-રૂમ-કિચનના નાના ફ્લૅટમાં આમંત્રણ આપતાં શરમ આવતી હોય તો એ શરમ તમે જાતે ક્રીએટ કરેલી છે. તમે મહેનત અને પ્રામાણિકતાથી જીવો છો. સંઘર્ષ કરીને તમે ૪૦૦ સ્ક્વેર-ફુટના એક ફ્લૅટમાં ઘર બનાવ્યું છે તો પછી એમાં શરમ શાની?

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK