તેલવાળી ટચલી આંગળી રાખશે તમને તંદુરસ્ત

Published: May 18, 2020, 20:40 IST | Sejal Patel | Mumbai Desk

તેલ ઉત્તમ ઍન્ટિ-સેપ્ટિકનું કામ આપતું હોવાથી માત્ર વાઇરસ જ નહીં, કોઈ પણ પાર્ટિક્યુલેટ મેટરને નાક વાટે ફેફસાંમાં જતા રોકી શકે છે ત્યારે આબાલવૃદ્ધ સૌ માટે આ પ્રયોગ એકદમ સેફ, નિર્દોષ અને કરવા જેવા છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ સામે પ્રોટેક્શન મેળવવા માટે આયુષ દ્વારા જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે એમાં પ્રતિમર્શ નસ્યનો પણ સમાવેશ થાય છે. તેલ ઉત્તમ ઍન્ટિ-સેપ્ટિકનું કામ આપતું હોવાથી માત્ર વાઇરસ જ નહીં, કોઈ પણ પાર્ટિક્યુલેટ મેટરને નાક વાટે ફેફસાંમાં જતા રોકી શકે છે ત્યારે આબાલવૃદ્ધ સૌ માટે આ પ્રયોગ એકદમ સેફ, નિર્દોષ અને કરવા જેવા છે

શ્વસનતંત્ર પર ત્રાટકનારા વાઇરસ હંમેશાં નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશે છે. કોરોના પણ એમાંનો જ એક છે એટલે દરેક વ્યક્તિના મોંએ હવે માસ્ક પહેરવાનું ફરજિયાત થવા લાગ્યું છે. જોકે નાક-મોં આડે એક માત્ર કપડાંનું આવરણ ઊભું કરી દેવાથી શત પ્રતિશત પ્રોટેક્શન નથી મળી જતું. જિદ્દી વાઇરસ આપણી નાની-અમથી ભૂલમાંથી છટકું શોધીને શરીર પર ત્રાટકે એવું સંભવ છે અને એટલે જ વાઇરસનું જે પ્રવેશદ્વાર છે એને વધુ શસ્ત્રોથી સજ્જ કરવું જરૂરી છે. નાક અને મોંમાં આમેય કુદરતી રીતે જ બાહ્ય જીવાણુઓ તેમ જ ફૉરેન પાર્ટિકલ્સને રોકવા માટેની સબળ વ્યવસ્થા ઑલરેડી છે જ, પણ અત્યારે એ વ્યવસ્થામાં ક્યાંય છીંડું ન પડે એ જોવું જરૂરી છે.
આ માટે આયુષ મંત્રાલય દ્વારા ચોક્કસ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે અને એમાંનો એક પ્રયોગ છે પ્રતિમર્શ નસ્યનો. આ એકદમ સરળ, સેફ અને કોઈ પણ વ્યક્તિ જાતે કરી શકે એવો નુસખો છે. સિમ્પલ ટચલી આંગળી તેલમાં બોળવાની અને એને નાકમાં અંદર નાખીને ગોળ-ગોળ ફેરવી લેવાની.
આ થઈ ગયું પ્રતિમર્શ નસ્ય. આ પંચકર્મ નસ્ય કરતાં જુદી ક્રિયા છે એમ સમજાવતાં આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘હાલના પૅનિકના વાતાવરણમાં અમે એવી પ્રક્રિયાઓની તલાશમાં હતા જે સિમ્પલ, સસ્તી અને સેફ હોવા સાથે ખૂબ અસરકારક પણ હોય. સામાન્ય રીતે નસ્ય ક્રિયા કરવામાં આવે ત્યારે નાક અને ગાલની આસપાસ માલીશ કરીને સ્વેદન કરવામાં આવે અને એ પછી ૧૬થી ૩૨ ટીપાં તેલ કે ઘીનાં નાકમાં નાખવામાં આવે.
જ્યારે પ્રતિમર્શ નસ્ય એવી ચીજ છે જે ધીમે-ધીમે ઍક્ટ કરે છે. જે દરદી પર બીજું કોઈ જ પંચકર્મ ન થઈ શકે એમ હોય તેની પર પણ પ્રતિમર્શ નસ્ય તો થઈ જ શકે છે. વળી, આ ક્રિયા ધીમે-ધીમે કામ કરીને શ્વસનતંત્રની આંતરિક સફાઈ કરવા ઉપરાંત એની પ્રતિકાર કરવાની ક્ષમતા પણ સરસ રીતે વધારે છે.’

તેલમાં છે તાકાત
ટચલી આંગળી તેલમાં બોળીને નાકમાં નાખવા જેટલી સિમ્પલ જણાતી પ્રક્રિયાથી કઈ રીતે ફાયદો થાય? આંગળીમાં લગાવેલું તેલ ખરેખર શું કામ કરે? એ વિશે સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘નાકમાં આવેલા સિલિયા નામના સૂક્ષ્મ વાળનું કામ છે બહારથી પ્રવેશતા જીવાણુઓ, રજકણો કે કોઈ પણ ફૉરેન પાર્ટિકલ્સને અંદર જતા રોકવાનું. આ વાળની સાથે કેટલીક ગ્રંથિઓ પણ આવેલી છે જે ચીકણું દ્રવ્ય પેદા કરે છે. બહારથી પ્રવેશતાં નકામનાં કણો આ ચીકાશમાં ટ્રૅપ થઈ જાય છે અને અંદર ઘૂસી નથી શકતા. તેલ આ સિલિયા અને ચીકાશવાળા દ્રવ્યના કામને સરળ બનાવે છે. તેલ વધારાના ગેટકીપર જેવું કામ આપે છે. નાકને સ્વચ્છ રાખતું દ્રવ્ય સુકાઈ ગયું હોય તો આ તેલ એને સૉફ્ટ કરે છે અને ઓવરઑલ સિલિયા અને શ્લેષ્મગ્રંથિઓની કાર્યક્ષમતા સુધરે છે. તેલ આંતરિક ત્વચાવાટે ધીમે-ધીમે અંદર ઊંડે સુધી પહોંચે છે. તેલનું બીજું કામ છે ઍન્ટિ-સેપ્ટિકનું. એ એવું માધ્યમ છે જેમાં જીવાણુઓ પેદા નથી થઈ શકતા. ઉર્ધ્વજત્રુગત રોગોમાં પ્રતિમર્શ નસ્ય ખૂબ અક્સીર કહેવાય છે. જત્રુ એટલે ખભા અને ગળાની વચ્ચેના ત્રણ હાડકાંના જોડાણનો ભાગ. એનાથી ઉપરના તમામ રોગોમાં પ્રતિમર્શ નસ્ય દ્વારા ધીમે-ધીમે તેલનું સિંચન ઉપયોગી છે.’

ક્યારે અને કેટલી વાર કરાય?
આયુર્વેદ શાસ્ત્ર મુજબ પ્રતિમર્શ નસ્ય દિવસમાં ૧૬ વખત કરી શકાય છે. સવારે ઊઠીને, બ્રશ કરીને, કસરત કર્યા પછી, ચા-નાસ્તો કરતાં પહેલાં અને પછી, જમતાં પહેલાં અને પછી, બપોરની ઝપકી લઈને ઊઠો, છીંક આવે કે વૉમિટ થાય એ પછી એમ દિવસના કોઈ પણ સમયે કરી શકાય. હાલમાં વિશેષ લાભ માટે પ્રતિમર્શ નસ્ય કઈ રીતે કરવું એ સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘સામાન્ય રીતે ગરમ પાણી પીધા પછી આ કરવું બહેતર રહે. સ્વચ્છ આંગળી હોય એ જરૂરી છે. તેલમાં બોળીને એને નસકોરામાં ઊંડે નાખીને ઘુમાવી દેવાની. આંગળી સાફ કરીને ફરીથી તેલમાં બોળીને બીજા નસકોરામાં પણ એમ જ કરવું. અત્યારે દિવસમાં આઠથી દસ વાર આવું કરી શકાય. તેલનું સિંચન કરવાથી તેલ નાકની અંદરના ભાગોમાં આપમેળે ચડશે. નાકની અંદરના ક્રિબ્રિફૉર્મ પ્લેટ સુધી પહોંચે. આ પ્લેટ ગંધ પારખવાની નર્વ્સની સંવેદનાઓનું વહન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે નિયમિત આ ક્રિયા કરશો તો મોંમાં તેલનો સ્વાદ અનુભવાશે.’

સાથે ગંડૂષ પણ કરવું
વાઇરસના પ્રવેશદ્વાર તરીકે માત્ર નાક જ નથી, મોં પણ છે. મોં દ્વારા પણ પ્રોટેક્શન વધારવા માટે ઑઇલ પુલિંગ મેથડ અપનાવવી જોઈએ. ડૉ. સંજય કહે છે, ‘પ્રતિમર્શ નસ્ય અને ગંડૂષ એમ બન્ને પ્રક્રિયાઓ કરવામાં આવે તો એનો ઉત્તમ ફાયદો થાય છે. ગંડૂષમાં આમ તો આખું મોં ભરાઈ જાય એટલું તેલ લેવાનું અને ગાર્ગલ કરવાનું હોય છે, પરંતુ હાલમાં માત્ર બે ચમચી તલનું તેલ લઈને મોંમાં ભરો અને મોંમાં અંદર ચોતરફ ફેરવો એ જરૂરી છે. બે ચમચી સહેજ હુંફાળું તેલ મોંમાં ૧૦૦ સેકન્ડ માટે ભરીને ગોળ-ગોળ ઘુમાવવું અને એ પછી કાઢી નાખવું. આને પરિવર્તિત ગંડૂષ કહે છે. આ ક્રિયા પહેલાં જો ગરમ પાણી પીધેલું હોય તો એનાથી બમણો લાભ મળે. તેલ બહાર થૂંકી નાખ્યા પછી લગભગ અડધો કલાક સુધી કંઈ ન ખાવું. એમ કરવાથી તેલ મોંની અંદર તેમ જ ગળાની અંદરની તરફ સુધી આપમેળે ઊંડું ઊતરે છે.’

સૂંઠના પ્રયોગ પછી પણ પ્રતિમર્શ આવશ્યક
કોરોના સામે રક્ષણ મેળવવા માટે સૂંઠનો પ્રયોગ પણ હાલમાં પ્રચલિત થયો છે. એ અલગ પ્રકારનું પ્રતિમર્શ નસ્ય છે એમ જણાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘જો તમે સૂંઠ સૂંઘવાનો પ્રયોગ કરતા હો તો એ પછી તેલ કે ઘી નાકમાં ચોપડવાની ક્રિયા અચૂક કરવી જોઈએ. સૂંઠ સૂંઘવાથી છીંકો આવે છે અને વાત વધે છે. ઘણી વાર વધુ માત્રામાં સૂંઠ સૂંઘવાથી માથામાં શૂળ ઉપડ્યા જેવું લાગે છે. જે ઉદાન વાયુનો પ્રકોપ છે. એને શમાવવા માટે તેલ કે ઘીનું પ્રતિમર્શ નસ્ય જરૂર કરવું જોઈએ. ’

તેલ વિશે જાણવા જેવું
તેલ એ ઍન્ટિ-સેપ્ટિક ગુણ ધરાવે છે. એની હાજરીમાં કોઈ પ્રકારનો સડો નથી થતો. એટલે જ કોંકણ વિસ્તારમાં આંબા પરની કેરીઓને સાચવવા માટે તેલ વપરાય છે. કોંકણમાં રિવાજ છે કે સીઝનમાં થયેલી કેરીના બેસ્ટ પાંચ ફળને તેલમાં બોળી દેવાના. આ કેરી દિવાળીમાં જમાઈ ઘરે આવે ત્યારે એને પિરસવાની. મલતબ કે તેલની મદદથી આટલો સમય સુધી કેરી પ્રિઝર્વ થઈ શકે છ.
રામાયણની કથામાં પણ પ્રચલિત વાયકા છે. કહેવાય છે કે રામ વનવાસ માટે નીકળી ગયા એ પછી રાજા દશરથ આઘાત અને અટૅકથી મૃત્યુ પામ્યા. તેમના પાર્થિવ દેહને તેલમાં બોળી રખાયો હતો અને જ્યારે રામ વનવાસ પતાવીને પાછા અયોધ્યા ફર્યા એ પછી રામે જ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

કોણ કરી શકે અને કોણ નહીં?
આ પ્રયોગ એટલો નિર્દોષ છે કે નવજાત બાળકથી લઈને કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે. અત્યંત ક્ષીણ ઊર્જા થઈ ગઈ હોય એવા વૃદ્ધોને પણ એનાથી ફાયદો થાય છે. કોઈ ઔષધિય તેલની જરૂર નથી. તલ, સરસવ કે કોપરેલનું તેલ હોય એ પણ વાપરી શકાય.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK