અનાયાસ મારા મોઢામાંથી સરી પડ્યું : વિલ યુ મૅરી મી?

Published: 29th September, 2011 15:49 IST

અમેરિકન ઈમિગ્રેશનના નિષ્ણાત સુધીર શાહ અને નાટ્યઅભિનેત્રી સંગીતા જોશીની હટકે લવસ્ટોરી...અંગત જીવનમાં સુધીરભાઈ પારાવાર એકલતાથી પીડાઈ રહ્યા હતા. તેમનાં પ્રથમ પત્નીનું ૪૫ વર્ષની ઉંમરે કૅન્સરને કારણે નિધન થઈ ગયું હતું. ત્યારે લોકોએ તેમને બીજાં લગ્ન કરી લેવા ખૂબ સમજાવ્યા હતા, પરંતુ દીકરો આશિત ત્યારે ખૂબ નાનો હતો અને ખુદ સુધીરભાઈનું પણ મન ત્યારે માન્યું નહીંપ્યાર કી યે કહાની સુનો - ફાલ્ગુની જડિયા-ભટ્ટઅમેરિકન વીઝાનું નામ પડે એટલે મુંબઈના લોકોને અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓને સૌથી પહેલું નામ ડૉ. સુધીર શાહનું યાદ આવે. માતબર બુદ્ધિપ્રતિભા અને જીવનને એક ઉત્સવ તરીકે માણવાનો અભિગમ એ સુધીરભાઈની ખાસિયત છે, પરંતુ ઉત્સવની મજા તો ત્યારે જ આવે જ્યારે એમાં કોઈ મનગમતા સાથીનો સાથ હોય. પાછલી ઉંમરે એકલવાયું જીવન ભલભલા મહારથીઓ માટે આકરું થઈ પડતું હોય છે. આ જ કારણસર સુધીરભાઈએ ૬૮ વર્ષની ઉંમરે પોતાનાથી ૧૮ વર્ષ નાનાં સંગીતા જોશી સાથે બીજાં લગ્ન કરવાનો નર્ણિય લીધો હતો અને આજે ચાર વર્ષ પછી તેઓ પોતાના આ નર્ણિયથી ખૂબ ખુશ છે. તેમનું માનવું છે કે આ નર્ણિય તેમણે લીધેલા જીવનના સૌથી સારા નર્ણિયોમાંનો એક છે.

યુએસ વીઝાના નિષ્ણાત

મૂળ તારાપોર ઍટમિક પાવર સેન્ટરની બાજુમાં આવેલા ચિંચણ ગામના દશા પોરવાડ વૈષ્ણવ સુધીરભાઈના જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયા છે. ચર્ચગેટની જયહિન્દ કૉલેજમાંથી બીકૉમ ગ્રૅજ્યુએટ બન્યા પછી તેમણે મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી એલએલબી કર્યું અને ઍડ્વોકેટ તરીકે પોતાની વકીલાત શરૂ કરી, પરંતુ ૨૫-૩૦ વર્ષો સુધી એકનું એક કામ કરી તેઓ કંટાળી ગયા હતા. એવામાં એક વાર અમેરિકન વીઝા માટે કરેલી તેમની ઍપ્લિકેશન રદ થઈ જતાં તેમને ખૂબ આઘાત લાગ્યો.

આ વિશે તેઓ કહે છે, ‘મારા જેવા ઍડ્વોકેટને પણ જો અમેરિકાના વીઝા મેળવવામાં આટલી મુશ્કેલી પડતી હોય તો સામાન્ય માણસોનું તો શું થાય? બસ આ વિચારથી પ્રેરાઈને મેં અમેરિકન વીઝાના કાયદાકાનૂનનો અભ્યાસ કરવા માંડ્યો,’

પહેલી મુલાકાત

અંગત જીવનમાં સુધીરભાઈ પારાવાર એકલતાથી પીડાઈ રહ્યા હતા. તેમનાં પ્રથમ પત્નીનું ૪૫ વર્ષની ઉંમરે કૅન્સરને કારણે નિધન થઈ ગયું હતું. ત્યારે લોકોએ તેમને બીજાં લગ્ન કરી લેવા ખૂબ સમજાવ્યા હતા, પરંતુ દીકરો આશિત ત્યારે ખૂબ નાનો હતો અને ખુદ સુધીરભાઈનું પણ મન ત્યારે માન્યું નહીં. અલબત્ત, આગળ જતાં જીવનમાં એકલતા કોરી ખાવા માંડી, સુધીરભાઈએ પુષ્કળ કામ, મિત્રોની મહેફિલો અને પ્રવાસોથી આ એકલતા પૂરવાના ખૂબ પ્રયત્ન્ા કર્યા, પરંતુ હૃદયનો એક ખૂણો કાયમ ખાલી રહેતો.

એવામાં સાહિત્ય અને નાટuપ્રેમી સુધીરભાઈએ અમેરિકન વીઝા પર ‘પશા પટેલને વીઝા મળ્યા’ નામે એક નાટક લખ્યું, જેના દિગ્દર્શનની જવાબદારી અરવિંદ જોશીને સોંપવામાં આવી. તેમણે આ નાટકમાં મૂળ ભાવનગરનાં સારસ્વત બ્રાહ્મણ સંગીતા જોશી અને  દીપક ઘીવાલાને કાસ્ટ કર્યા. નાટકના મુહૂર્તમાં સુધીરભાઈ પહેલી વાર સંગીતાને મળ્યા. બન્ને વચ્ચે થયેલી સામાન્ય વાતચીતમાં સંગીતાએ સુધીરભાઈને એમ જ જણાવ્યું કે તાજેતરમાં એક પ્રવાસ દરમિયાન  તેમનાં ગૉગલ્સ ખોવાઈ ગયાં હતાં.

આ વાતને વિસ્તારથી જણાવતાં સુધીરભાઈ કહે છે, ‘આ વાત કોઈક રીતે મને એકદમ યાદ રહી ગઈ. ત્યાર પછી અમુક કામસર મારે અમેરિકા જવાનું થયું. ત્યાંથી મને મારા આ નાટકના કલાકારો માટે કંઈક ગિફ્ટ લાવવાનું મન થયું. એવામાં મને એકદમ યાદ આવ્યું કે સંગીતાએ મને પોતાનાં ગૉગલ્સ ખોવાઈ ગયાં હોવાનું જણાવ્યું હતું. એથી મેં ત્યાંથી તેના માટે ગૉગલ્સ ખરીદ્યાં. મુંબઈ આવી મેં તેના ઘરે એ પહોંચતાં કર્યા તો સંગીતાનો મને થૅન્કસ કહેવા ફોન આવ્યો. મેં ફક્ત આૈપચારિકતા ખાતર તેને કહ્યું કે તમારું ઘર મારી ઑફિસથી નજીક જ છે તો ક્યારેક મારી ઑફિસે કૉફી પીવા આવજો. અને ટુ માય સરપ્રાઇઝ બીજા દિવસે તે ખરેખર જ મારી ઑફિસ આવી ગઈ.’

મુઝસે શાદી કરોગી?

‘ધીરે-ધીરે અમારી મુલાકાતોનો દોર વધતો ગયો. તેની સાથે મને મારા કામની, મારા પ્રવાસોની વાતો કરવી ગમતી. એવામાં એક વખત તાજની કૉફી-શૉપમાં બેઠાં-બેઠાં હું તેને મારા પ્રવાસની વાત કરી રહ્યો હતો. તો એકાએક તેણે મને પૂછ્યું કે તમે આ બધું મને કહો છો, પણ તમારો ઇરાદો શું છે. અને કોણ જાણે કેમ, એકાએક જ મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે ‘વિલ યુ મૅરી મી.’ આ સાંભળી સ્વાભાવિક રીતે જ સંગીતા ડઘાઈ ગઈ, કારણ કે આ પ્રકારના રિઍક્શનનો તેણે ક્યારેય સપને પણ વિચાર નહોતો કર્યો. હા કે ના, કંઈ જવાબ ન સૂઝતાં તેણે વિચારવા માટે સમય માગ્યો.’ આટલું કહી સુધીરભાઈ નિખાલસતાપૂર્વક કબૂલાત કરે છે, ‘હું પણ મારાથી આ શું બોલાઈ ગયું એ વિશે જરા અવઢવમાં તો હતો જ, પરંતુ આ બાબતે વધુ વિચાર કરતાં મને થયું કે જે થયું એ સારા માટે જ થયું, એથી મેં ફૉલો-અપ ચાલુ રાખ્યું. છેક એક મહિને તેણે પોતાની મમ્મીની પરવાનગી લઈ મારી સાથે લગ્ન કરવાની હા પાડી.’

કેમિસ્ટ્રી તો હતી જ

અહીં ૫૩ વર્ષનાં સંગીતા જોશી ઉમેરે છે, ‘સુધીરને હું તેના નામ અને કામથી તો ઓળખતી જ હતી, પરંતુ મળવાનું પહેલી વાર તેમણે લખેલા નાટકના મુહૂર્તમાં જ બન્યું. પહેલાં હું ખૂબ કરીઅર-માઇન્ડેડ હતી. સુધીરે પ્રપોઝ કર્યું ત્યાં સુધી તો મેં ક્યારેય જીવનમાં લગ્નનો વિચાર પણ નહોતો કર્યો, એથી પહેલાં તો તેના આ પ્રસ્તાવથી મને ખૂબ આશ્ચર્ય થયું, પરંતુ વિચાર કરતાં સમજાયું કે અમારી વચ્ચે કેમિસ્ટ્રી તો હતી જ, બસ અમે ક્યારેય એ બાબત તરફ ધ્યાન નહોતું આપ્યું. પરિણામે તેને ના પાડવાનો તો સવાલ જ નહોતો. આવતો.’ જ્યાં એક બાજુ સંગીતાના ઘરે તેમનાં મમ્મીએ આ નર્ણિયને ગ્રીન સિગ્નલ આપી દીધું ત્યાં જ બીજી બાજુ સુધીરભાઈના પુત્ર આશિતે પણ તેમના આ નર્ણિયને સહર્ષ વધાવી લીધો. પરિણામે પહેલાં મરીન લાઇન્સની વેસ્ટએન્ડ હોટેલમાં સગાઈ અને પછી ૫ ડિસેમ્બર ૨૦૦૭ના રોજ બન્ને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં.

મન્થ્લી ઉજવણી

ત્યારથી માંડી આજ સુધી દર મહિનાની પાંચમી તારીખે બન્ને માસિક મૅરેજ ઍનિવર્સરીની ઉજવણી કરે છે અને એ નિમિત્તે મિત્રો તથા સગાંસ્નેહીઓ માટે મુશાયરો, હાસ્યસંમેલન વગેરેનું આયોજન કરતાં રહે છે. ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર મધુ રાયે તેમની આ ઉજવણીને મહિનાગાંઠનું નામ આપ્યું છે.

સુધીરભાઈનું કહેવું છે, ‘લગ્નનો અર્થ માત્ર સેક્સ થતો નથી, ૫૫-૬૦ વર્ષની ઉંમર પછી તમને જેની સાથે તમારા વિચારો મળતા હોય તેવા એક સાથીની જરૂર હોય છે. એવો સાથી, જેની સાથે તમે તમારા કામથી માંડી અંગત, સામાજિક અને કૌટુંબિક સવાલોની ચર્ચા કરી શકો. સંગીતા એ દૃષ્ટિએ મારા માટે એકદમ પર્ફેક્ટ પાર્ટનર છે. તે ફક્ત મારું ધ્યાન જ નથી રાખતી, પરંતુ તેને કારણે હવે મારો જીવન જીવવાનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.’

બીજી બાજુ સંગીતાનું કહેવું છે, ‘સુધીર હંમેશાંથી તેમના સમય કરતાં આગળ રહ્યા છે, છતાં તેમનું રોમૅન્ટિસિઝમ અને હૃદયની સચ્ચાઈ હજી પણ જળવાઈ રહ્યાં છે, જે તેમના મનમાં તે જ તેમના મોઢા પર હોય. એથી કેટલીક વાર તો તેમના કરતાં નાની હોવા છતાં વ્યવહારની બાબતમાં મારે તેમને ટોકવા પડે છે. તેમને સરપ્રાઇઝિસ આપવી પણ ખૂબ ગમે છે. અમારા હનીમૂન પર અમે ન્યુ ઝીલૅન્ડ જવાનાં હતાં. ત્યાંના વીઝા, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે બધું જ આવી ગયું હતું. એવામાં વાત-વાતમાં એક દિવસ મેં તેમને એમ જ કહ્યું કે મને જૂના મૉન્યુમેન્ટ્સ, મ્યુઝિયમ વગેરે જોવું ખૂબ ગમે. બસ પછી તો શું, તેમણે બધું બુકિંગ કૅન્સલ કરાવી દીધું અને હું ઍરર્પોટ પર પહોંચી ત્યારે મને ખબર પડી કે અમે ન્યુ ઝીલૅન્ડ નહીં, ઇટલી જઈ રહ્યાં છીએ. હવે મને સમજાઈ ગયું છે કે હું સુધીર એટલે આ જ, ફુલ ઑફ લાઇફ, ફુલ ઑફ સરપ્રાઇઝિસ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK