Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આઇ લેશિસમાં જોવા મળી રહી છે કમાલની ક્રીએટિવિટી

આઇ લેશિસમાં જોવા મળી રહી છે કમાલની ક્રીએટિવિટી

13 February, 2020 05:12 PM IST | Mumbai Desk
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આઇ લેશિસમાં જોવા મળી રહી છે કમાલની ક્રીએટિવિટી

આઇ લેશિસમાં જોવા મળી રહી છે  કમાલની ક્રીએટિવિટી


ફૅશન-ટ્રેન્ડમાં મેકઅપનો રોલ બહુ મહત્ત્વનો છે. ૨૦૨૦નું વર્ષ મેકઅપની દૃષ્ટિએ એક્સાઇટિંગ હશે એવું જણાઈ રહ્યું છે. ગયા વર્ષે કલરફુલ નેઇલ-આર્ટ, લિપ તેમ જ આઇબ્રો ડેકોરેશને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં જબરું આકર્ષણ ઊભું કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં જે પ્રકારની તસવીરો અપલોડ થવા લાગી છે એ જોતાં લાગે છે કે આઇ-મેકઅપમાં ઇનોવેશન્સ જોવા મળશે. લેટેસ્ટમાં આંખોની પાંપણોને ડેકોરેટ કરવાની ફૅશન પૉપ્યુલર બની રહી છે. અત્યાર સુધી પાંપણોને હાઇલાઇટ્સ કરવા સામાન્ય રીતે કાળા રંગના મસ્કરાને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું, હવે એમાં કલર્સનું વેરિયેશન ઍડ કરવામાં આવ્યું છે.
યુનિક લુક
ટ્રેન્ડી લુક માટે જે રીતે આપણે સ્ટાઇલને અનુસરીએ છીએ એ જ રીતે બ્યુટિફુલ દેખાવા લેટેસ્ટ મેકઅપ ટ્રેન્ડને ફૉલો કરવો પડે. જોકે મેકઅપ કરવું એ કળા છે અને બધાને એમાં ફાવટ હોતી નથી. ચહેરાના ઓવરઑલ મેકઅપમાં આઇ-મેકઅપનો રોલ સૌથી વધુ મહત્ત્વનો હોય છે. મસ્કરાના ડિફરન્ટ શેડ્સથી આઇ-મેકઅપને યુનિક અને બોલ્ડ લુક આપી શકાય છે એથી જ ટ્રેડિશનલ બ્લૅક મસ્કરાની જગ્યાએ કલરફુલ મસ્કરાએ મેકઅપ-કિટમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે.
લેટેસ્ટ ટ્રેન્ડ વિશે વાત કરતાં અંધેરીનાં મેકઅપ-આર્ટિસ્ટ હેતલ શાહ કહે છે, ‘આજકાલ બધાને ફૅન્સી અને હટકે લુક જોઈએ છે. કંઈક નવું અને બધા કરતાં જુદું કર્યું હોય તો જ તમે સેન્ટર ઑફ ધ અટ્રૅક્શન બની શકો. આ બધા કરતાં જુદું એટલે મેકઅપ-આર્ટિસ્ટની ક્રીએટિવિટી. મરમેડ આઇ-મેકઅપ (માછલીની આંખો જેવો) અત્યારે ટૉપ પર છે. એમાં ઘણા બધા કલર્સ ઍડ કરવામાં આવે છે. દરેક આર્ટિસ્ટ પોતાની ક્રીએટિવિટી વાપરીને ક્લાયન્ટને જુદો લુક આપી શકે છે. તમારામાં બેઝિક મેકઅપ સેન્સ, આઇડિયાઝ અને આર્ટનું નૉલેજ હોય તો તમે જાતે પણ ટ્રાય કરી શકો છો.’
બ્રાઇટ કલર્સ
ગયા વર્ષે નો-મેકઅપ અથવા ન્યુડ મેકઅપ પણ ખાસ્સા લોકપ્રિય બન્યા હતા. આ સ્ટાઇલને એક સ્ટેપ આગળ લઈ જતાં ઘણી યુવતીઓ માત્ર આંખોની પાંપણને સજાવવા લાગી છે. બાકીનો ચહેરો ન્યુડ રાખવાથી આઇ-મેકઅપ હાઇલાઇટ્સ થાય છે અને બોલ્ડ લુક આપે છે. કલર્સ વડે આઇ લેશિસને કઈ રીતે હાઇલાઇટ કરવામાં આવે છે એ સંદર્ભે વાત કરતાં હેતલ કહે છે, ‘બ્લૅક કલર સાવ જ આઉટડેટેડ છે એવું તો ન કહી શકાય, પરંતુ યંગ અને પાર્ટી-લવર્સ યુવતીઓમાં બ્રાઉન, બ્લુ અને ગ્રીન જેવા બ્રાઇટ કલર્સના મસ્કરા અત્યારે ખૂબ ચાલે છે. પાર્ટી-લુકમાં સિલ્વર અને ગોલ્ડ પણ એટલા જ પૉપ્યુલર છે. પહેલાં કલરફુલ આઇલાઇનર વાપરવાનો ટ્રેન્ડ હતો જે હવે આઉટડેટેડ થઈ ગયો છે. એનું સ્થાન મસ્કરાએ લીધું છે. કલરફુલ મસ્કરા વાપરતી વખતે ચહેરા સ્કિનટોન અને અન્ય ફીચર્સને બૅલૅન્સ કરીને ચાલવું પડે. નાક, હડપચી અને આંખોની નીચેની ત્વચા પર શટલ મેકઅપ લગાવી કલરફુલ મસ્કરા વડે આંખોને બોલ્ડ લુક આપવામાં આવે છે. ગ્લૅમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી યુવતીઓ આવો લુક વધુ પસંદ કરે છે. જેમને બહુ બોલ્ડ લુક ન જોઈતો હોય તો બ્લુ અને ગ્રીન જેવા બ્રાઇટ કલર્સને સ્કિપ કરવા. આ ઉપરાંત ગ્લિટરને પણ અવૉઇડ કરવું જોઈએ. જોકે લગ્નપ્રસંગોમાં અને એની સાથે જોડાયેલા અન્ય ફંક્શનમાં આજે પણ બ્લૅક જ ચાલે છે. બ્રાઇડલ મેકઅપમાં તો આઇ લેશિસ બ્લૅક જ રાખવામાં આવે છે.’
આર્ટિફિશ્યલ લેશિસ
આર્ટિફિશ્યલ લેશિસ પર તમે ધારો એવાં એક્સપરિમેન્ટ કરી શકો છો. તેઓ કહે છે, ‘આંખોના મેકઅપને હાઇલાઇટ કરવા તમારી પાંપણો લાંબી હોવી જોઈએ. બધાની પાંપણો કંઈ લાંબી ન હોય એથી આર્ટિફિશ્યલ લેશિસ વાપરવામાં આવે છે. લેશિસને ચીટકાવ્યા બાદ એના પર તમને ગમે એવા કલરનો મસ્કરા લગાવી શકાય. બે-ત્રણ કલર વાપરવા હોય તો લેશિસ ચીટકાવતાં પહેલાં મસ્કરા લગાવવો પડે. હમણાં ૨૬ જાન્યુઆરીના એક પ્રોગ્રામમાં કેટલીક યુવતીઓએ આઇ લેશિસમાં ત્રિરંગામાં છે એવા કલર કર્યા હતા. લેશિસ પર કેસરી, સફેદ અને લીલો રંગ લગાવીને આંખો પર ચીટકાવી દીધી હતી. સમય અને પ્રસંગને અનુરૂપ આવી તો ઘણીબધી ક્રીએટિવિટી ઉમેરી શકાય. લેશિસ પર કોઈ વસ્તુ વડે ડેકોરેશન કરવું હોય તો એ પણ કરી શકો.’
ફૅશનેબલ લેન્સ
આઇ-મેકઅપમાં આંખોની સાઇઝ બહુ મહત્ત્વની છે. ઝીણી આંખોવાળી યુવતીઓ કલરફુલ મસ્કરા લગાવે તો જરાય શોભે નહીં એમ જણાવતાં હેતલ કહે છે, ‘આઇ-મેકઅપમાં ક્રીએટિવિટી જોઈતી હોય તો લેન્સ પહેરીને આંખોને મોટી બતાવવી પડે. પહેલાં એવું હતું કે ચશ્માં ન પહેરવાં પડે એ માટે નબળી દૃષ્ટિ ધરાવતી યુવતીઓ લેન્સ પહેરતી. હવે માર્કેટમાં ફૅશનેબલ લેન્સ આવી ગયા છે જે આંખોને મોટી બતાવવા માટે વપરાય છે. લેન્સમાં હેઝલ કલર ખાસ્સો લોકપ્રિય છે.
જુદા-જુદા લેન્સ સાથે જુદા કલરને મૅચ કરી શકાય. લેન્સ અને લેશિસનું કૉમ્બિનેશન તમને ક્લાસિક લુક આપશે.’

આટલી કાળજી લો
માર્કેટમાં જુદા-જુદા કલર્સના મસ્કરા અવેલેબલ છે અને હવે યુવતીઓ લિપસ્ટિક અને કાજલ પેન્સિલની જેમ જ એને પર્સમાં રાખતી થઈ છે. આંખોની પાંપણ પર કલરફુલ મસ્કરા વાપરવા જ હોય તો કોઈ પણ એક કલરનો પ્રયોગ કરો. બે-ત્રણ કલર ક્યારેય ન વાપરવા એવી ભલામણ કરતાં હેતલ કહે છે, ‘તમારી ઓરિજિનિલ પાંપણો પર સામાન્ય લિક્વિડ ફૉર્મમાં આવતા મસ્કરા લગાવો. ગ્લિટરનો ઉપયોગ ટાળો. મસ્કરાને લાંબો સમય સુધી ન રાખો. કોઈ પણ મસ્કરા આમ તો પાણીથી વૉશ થઈ જાય છે છતાં પહેલાં મેકઅપ રિમૂવર વડે એને હળવે હાથે સરખી રીતે લૂછી લો. મારી સલાહ છે કે આવા અખતરાઓે આર્ટિફિશ્યલ લેશિસ પર જ કરવા. કુદરતે આપેલી આંખો સાથે ચેડાં ન કરવાં જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2020 05:12 PM IST | Mumbai Desk | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK