બદામનું તેલ આરોગ્ય સાથે સુંદરતા પણ આપે

Published: 25th December, 2012 06:52 IST

શિયાળામાં ખાસ ખવાતી બદામ ત્વચા માટે પણ ખૂબ ગુણકારી છેકુદરતી ચીજોથી જે સુંદરતા મળે છે એ કોઈ ક્રીમ કે સર્જરી પણ નથી આપી શકતું. કોઈ પણ લક્ઝરી સ્પા, બ્યુટી સૅલોં કે પાર્લરમાં જશો તો આમન્ડ ઑઇલ એટલે કે બદામનું તેલ જરૂર જોવા મળશે. સ્કિન કૅર પ્રોડક્ટ્સમાં આ મુખ્ય સામગ્રી છે. શિયાળમાં બદામ શક્તિવર્ધક બને છે અને આ જ બદામનું તેલ ત્વચાને ખૂબ ચમકીલી બનાવે છે. જોઈએ એ કઈ રીતે ફાયદો કરી શકે.

મૉઇસ્ચરાઇઝર


બદામનું તેલ ત્વચા પર એક ખૂબ જ સારા મૉઇસ્ચરાઇઝર તરીકે કામ કરે છે. ત્વચાને જોઈતું પોષણ પૂરું પાડીને સૉફ્ટ બનાવે છે અને ત્વચા સ્મૂધ લાગે છે. બદામનું તેલ બાળકોની સ્કિન માટે પણ વાપરી શકાય, જે તેમની ડ્રાય સ્કિનને સૉફ્ટ રાખશે. અહીં બદામનું તેલ જો ડાયરેક્ટલી ન વાપરવું હોય તો એને બેબી ઑઇલ સાથે મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય.

ડ્રાય સ્કિન માટે


બદામના તેલનો મુખ્ય ઉપયોગ સૂકી ત્વચાની સારવાર માટે થાય છે. બદામના તેલથી ખંજવાળ, સ્કિન પર આવેલો સોજો, લાલાશ અને કોઈ પણ પ્રકારની તકલીફ દૂર થાય છે. સૂકી ત્વચામાં જરૂરી એવી તેલની કમીને બદામના તેલથી પૂરી કરી શકાય છે. બદામના તેલને બૉડી સ્ક્રબ અને મૉઇસ્ચરાઇઝર સાથે મિક્સ પણ કરી શકાય છે. આનાથી જે મૉઇસ્ચરાઇઝરમાં બદામનું પોષણ નહીં હોય એમાં પણ આવી જશે. આંખોના ખૂણા પાસે પડતી કરચલી માટે પણ બદામનું તેલ ઉપયોગી છે.

મસાજ ઑઇલ તરીકે


બદામનું તેલ દેખાવમાં ફિક્કા પીળા રંગનું અને હલકી મીઠી સુગંધવાળું હોય છે. આ તેલને સ્કિન પર ડાયરેક્ટ અથવા કોઈ બીજા ફેસપૅકમાં મિક્સ કરીને લગાવી શકાય છે. બદામનું તેલ બીજા તેલની જેમ ચીકણું નથી હોતું અને માટે જ એને આસાનીથી કોઈ પણ સમયે વાપરી શકાય છે. આ ઉપરાંત એ સ્કિન પર આસાનીથી સ્પ્રેડ થાય છે અને ત્વચાની અંદર ઝડપથી ઊતરી નથી જતું, જેથી ત્વચા પર એક પ્રોટેક્ટિવ લેયર બની રહે છે. આ જ કારણથી બદામના તેલને મસાજ કરતા સમયે ‘કૅરિયર ઑઇલ’ તરીકે વપરાશમાં લેવાય છે. કૅરિયર ઑઇલ એટલે એવા તેલ જેને મસાજમાં બેઝ તરીકે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે બજારમાં મળતા મસાજ ઑઇલમાં એક કૅરિયર ઑઇલ અને બાકીના એસેન્શિયલ ઑઇલ હોય છે. એસેન્શિયલ ઑઇલને સીધું ત્વચા પર લગાવી ન શકાતું હોવાથી એને બદામના તેલ સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવાય છે. અહીં સ્વીટ આમન્ડ ઑઇલનો ઉપયોગ અરોમા થેરપીમાં થાય છે. જેની સુગંધ મીઠી હોય છે. 

વાળ માટે ઉપયોગી

વાળ સૂકા હોય તો એને ઘેરા અને મુલાયમ બનાવવા માટે બદામના તેલનો વપરાશ કરી શકાય. જેને માટે થોડાં ટીપાં બદામનું તેલ હથેળીમાં લઈ એમાં આંગળી બોળીને માથામાં હળવે હાથે લગાવી લો. ત્યાર બાદ બન્ને હાથે આંગળીઓથી ગોળાકાર મોશનમાં મસાજ કરો. બદામના તેલથી વાળમાં ચમક આવે છે. આ તેલ નીતરતું નથી અને વાળમાં જ લૉક થઈ જાય છે, જેથી વાળને વધુ પોષણ મળે છે. બદામના તેલથી વાળ વધે છે અને જો બટકણા હોય તો મજબૂત બને છે.

વિટામિન ઈનો સ્ત્રોત


બદામના તેલમાંથી વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. આ વિટામિન ત્વચા પર એક ઍન્ટિ એજિંગ તત્વની જેમ કામ કરે છે તેમ જ સ્કિનને સનબર્ન સામે પ્રોટેક્ટ કરે છે. અને આ રીતે ચહેરા પર આવતા વૃદ્ધત્વને રોકવાનો આસાન અને સસ્તો ઉપાય મળી રહે છે. બદામનું તેલ ઓરિજિનલ અને પ્યૉર હોવું જરૂરી છે. જોકે જેમને નટ્સની ઍલર્જી હોય તેમને માટે બદામનું તેલ વાપરવું સલાહભર્યું નથી.

સ્કિન માટે ઉપયોગી બદામનું તેલ

ત્વચા નરમ અને સુંવાળી બને છે

એજિંગ પ્રોસેસને ડીલે કરે છે.

વાનને ઊજળો બનાવે છે અને ચમક કાયમ રાખે છે.

ડાર્ક સર્કલથી છુટકારો આપે છે.

હોઠ પર પણ લગાવી શકાય જેનાથી હોઠ નરમ બને છે.

બૉડી લોશન તરીકે પણ બદામના તેલનો વપરાશ કરી શકાય. જેને માટે એને બેબી ઑઇલ સાથે ડાઇલ્યુટ કરી લેવું અથવા બીજા બૉડી લોશન સાથે મિક્સ કરવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK