મમ્મી બનવાના છો? તો આ વાંચી જાઓ

Updated: Jun 02, 2020, 18:24 IST | Sejal Patel | Mumbai

સગર્ભાને કોરોના થાય તો એની અસર તેના બાળક પણ પડે? ઘરમાં કોઈને કોરોના થયો હોય તો શું કરવું? અત્યારે બાળક પ્લાન કરવું કે નહીં?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આમેય નવ મહિનાના ગાળામાં દરેક સ્ત્રીએ વિશેષ કાળજી રાખવાની જ હોય છે, પણ અત્યારે કોરોના મહામારીએ મમ્મી બનવા જઈ રહેલી પ્રેગ્નન્ટ મહિલાઓની ચિંતા વધારી દીધી છે. સગર્ભાને કોરોના થાય તો એની અસર તેના બાળક પણ પડે? ઘરમાં કોઈને કોરોના થયો હોય તો શું કરવું? અત્યારે બાળક પ્લાન કરવું કે નહીં? ધારો કે કોઈ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એનું શું કરવું એવા અનેક સવાલોના જવાબ અનુભવી ગાયનેકોલૉજિસ્ટ પાસેથી જાણીએ

૩૧ વર્ષની સલોની લગભગ છ વર્ષથી પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરતી હતી. એક વાર આઇવીએફ કરાવ્યું, પણ નિષ્ફળ ગયું. ફરીથી તેઓ આઇવીએફ કરવાનું વિચારી રહ્યા હતા એવામાં અચાનક કોરોના આવ્યો. બધું જ બંધ હોવાથી ડૉક્ટરને ત્યાં જવાનું પણ સંભવ ન બન્યું. આખરે હમણાં બાળક વિશે વિચારવું જ નથી એવું સ્વીકારી લીધું. જોકે લૉકડાઉનમાં લાઇફ એકદમ સ્લો થઈ ગઈ અને પારિવારિક સંબંધો મજબૂત થવા લાગ્યા. પતિ સાથે રિલૅક્સેશનનો સમય વધ્યો, ઇન્ટિમસી વધી અને ખાઈ-પીને શાંતિની લાઇફ જીવાવા લાગી. માસિક મિસ થયું અને તપાસ કરાવી તો પ્રેગ્નન્સી રિપોર્ટ પૉઝિટિવ આવ્યો! જેના મેડિકલ રિપોર્ટ્‍સ બતાવતા હતા કે આઇવીએફ વિના બાળક મેળવવાનું લગભગ સંભવ નથી તેને નૅચરલ પ્રેગ્નન્સી રહી.

આ કોઈ એકલ-દોકલ મિરેકલ કેસ નથી. આવા અનેક કિસ્સાઓ મુંબઈના ગાયનેકોલૉજિસ્ટ્સ પાસે આવી રહ્યા છે અને એનું કારણ છે આપણી સુધરેલી જીવનશૈલી. સ્ટ્રેસ એ ફર્ટિલિટીનો સૌથી મોટો દુશ્મન છે અને એમાં ઘટાડો તરત જ ફર્ટિલિટી પર કેટલી પૉઝિટિવ અસર કરે છે એનો આ નમૂનો છે એમ સમજાવતાં જુહુનાં ગાયનૅકોલૉજિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘લૉકડાઉનના આ સમયે યુગલોને રિલૅક્સ થવાનો, નચિંત થઈને ઇન્ટિમસી માણવાનો સમય આપ્યો છે. ભાગતી જિંદગીને થંભાવી છે. વધુ સારી લાઇફસ્ટાઇલ મેળવવા માટે પૈસા પાછળની સ્ટ્રેસ ઘટતાં આવાં અનેક કિસ્સાઓ હું જોઈ રહ્યો છું.’

કૃત્રિમ ગર્ભધારણ હમણાં ટાળવું

પહેલી નજરે લૉકડાઉનની પૉઝિટિવ અસર જણાતી હોવા છતાં પ્રેગ્નન્સી રહ્યા પછી પહેલાં કરતાં વધુ કૅર કરવી પડે એવો અત્યારે સમય ચાલી રહ્યો છે. આ જ કારણોસર બને તો હમણાં કૃત્રિમ ગર્ભધારણની પ્રક્રિયા કરાવવાનું પાછું ઠેલવું જોઈએ એમ માનતાં ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. કેતકી શેઠ કહે છે, ‘ઇન્ફર્ટિલિટીની બીજી સારવાર ચાલતી હોય તો વાંધો નથી, પરંતુ આઇવીએફ જેવી પ્રક્રિયા ઇનિશિએટ કરવાની હોય તો એ માટે હમણાં થોભી જવામાં જ ડહાપણ છે. માન્યું કે અમુક યુગલો બાળક માટે વર્ષોથી વેઇટ કરી રહ્યા છે, પણ હેલ્ધી પ્રેગ્નન્સી અને હેલ્ધી બાળક માટે બીજાં દોઢ-બે મહિનો તો વેઇટ કરી જ શકેને! અત્યારે લૉકડાઉન ખૂલવા જઈ રહ્યું છે ત્યારે કમ્યુનિટી ટ્રાન્સમિશનની સંભાવનાઓ અનેકગણી વધુ છે ત્યારે આ સમયે વધુ ચોકન્ના રહેવામાં સાર છે.’

પ્રેગ્નન્સીમાં કોરોનાથી ખતરો ખરો?

કોરોનાનો હાઉ એટલો છે કે હમણાં જેમને પ્રેગ્નન્સી રહી છે એવા યુગલો બાળકને કંઈક થઈ જશે તો એ બીકે અબૉર્શન કરાવવાની ઇચ્છા રાખે છે. બીજી તરફ જેમને હાલમાં ચોથો, પાંચમો કે પૂરા મહિના જઈ રહ્યા છે તેઓ કોઈ રીતે ચેપ ન લાગે એ માટે ચિંતિત છે. આવામાં કેટલું ડરવું અને શું કાળજી રાખવી એ વિશે ડૉ. જયેશ શેઠ કહે છે, ‘એક રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં જો પ્રેગ્નન્ટ મહિલાને કોરોના થાય તો એનાથી બાળકમાં કોઈ ડીફેક્ટ રહી જાય છે કે બાળકને પણ કોરોના હોય જ એવું નથી હોતું. એમ છતાં પ્રેગ્નન્સીમાં મહિલાની ઇમ્યુનિટી આમેય ઘટી ગયેલી હોય છે એટલે બીજા લોકો કરતાં તેને ચેપ સહજતાથી લાગે એવું સંભવ છે. એટલે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય પ્રિકૉશન્સ પ્રેગ્નન્ટ મહિલાએ વધુ કડક રીતે પાળવા જોઈએ. પ્રેગ્નન્સી દરમ્યાન હાઇપરટેન્શન, ડાયાબિટીઝ કે અન્ય કોઈ કો-મોર્બિડ કન્ડિશન હોય તો વધુ ધ્યાન રાખવું પડે. કેમ કે એનાથી કોરોનાની સારવારમાં પણ વધુ કૉમ્પ્લિકેશન્સ આવે છે. બીજું, ધારો કે ડિલિવરી વખતે મહિલા પૉઝિટિવ હોય અને તેને બીજાં કોઈ લક્ષણો ન હોય તો તેની નૉર્મલ ડિલિવરી સંભવ છે જ. હા, પ્રેગ્નન્સી દરમ્યાન કોઈ રીતે ચેપ ન લાગે એની કાળજી રાખવી જરૂરી છે.’

પૅનિક ન થવું

ધારો કે પ્રેગ્નન્સી દરમ્યાન કોરોનાનો ચેપ લાગે તો તરત અબૉર્શન કરાવવા દોડવાની જરૂર નથી. એનાથી આભ તૂટી પડ્યું છે એવું ન માનવું. મેજોરિટી પ્રેગ્નન્ટ લેડીઝ યંગ હોય છે અને તેમને બીજી કોઈ તકલીફ ન હોવાથી તેઓ કોરોના સામે લડી શકે છે.

ધારો કે ડિલિવરી પહેલાં કે પછી મધર કોરોના પૉઝિટિવ હોય તો બાળકને માનું મિલ્ક ન આપવું અને બાળકને આઇસોલેટ કરવું જરૂરી છે. રિપોર્ટ નેગેટિવ આવે એ પછી જ મમ્મી અને બેબીને સાથે કરવાં. ‍

પ્રેગ્નન્ટ મહિલાઓએ બને ત્યાં સુધી સેન્ટ્રલ એસી ટાળવું. કેમ કે એનાથી મોટા હૉલમાં એકની એક હવા અંદર સર્ક્યુલેટ થતી હોય છે અને એસીમાં કોરોનાવાઇરસને ફિલ્ટર કરવાની ક્ષમતા નથી હોતી.

જાણો ડૉ. જયેશ શેઠ, ગાયનૅકોલૉજિસ્ટ પાસેથી પ્રેગ્નન્સીમાં ક્યા કરે, ક્યા ના કરે?

 • ભલે આખા દેશમાં કોરોનાનું લૉકડાઉન ખૂલી જાય, પણ પ્રેગ્નન્ટ મહિલા માટે એ નથી જ ખૂલ્યું. તેમના માટે સેલ્ફ આઇસોલેશન ઇઝ મસ્ટ. અસેન્શિયલ ચીજો લેવા માટે પણ ઘરની બહાર ન જવું. હવે જ્યારે દુનિયા આખી ઘરની બહાર નીકળવાની છે ત્યારે તો ખાસ.
 • જો ઘરમાં પણ વધુ લોકો હોય અને નાનું ઘર હોય તો માસ્ક પહેરી રાખવો અને સાદો કપડાંનો વૉશેબલ માસ્ક ચાલે. N95 માસ્કની કોઈ જરૂર નથી.
 • તમે ભલે ઘરમાં જ રહેતા હો, દિવસમાં અવારનવાર હાથ ધોવાનું રાખો. સૅનિટાઇઝેશન માટે સાદો સાબુ અને પાણી પૂરતાં છે.
 • સેફ પ્રેગ્નન્સી માટે બને તો આ સમયગાળામાં ઇન્ટિમસી કે ઇન્ટરકોર્સ જેવી કોઈ ઍક્ટિવિટી ન કરવી. 
 • ભોજનમાં હાઇ પ્રોટીન ડાયટ લેવો. બાફેલાં મગ, ચણા, મઠ, રાજમા જેવા તમામ કઠોળ લઈ શકાય.
 • વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ માટે બહુ જરૂરી છે. એની ટેબ્લેટ્સ અલગથી લેવાની જરૂર નથી. માત્ર દરેક ભોજનમાં અડધું લીંબુ વાપરવું. લીંબુ વાનગી બનતી હોય ત્યારે નાખવું નહીં, પણ બન્યા પછી જ્યારે તમે ડિશમાં લઈ રહ્યા હો ત્યારે લેવું. એમાંનું ઍસ્કોર્બિક ઍસિડ વૉલેટાઇલ હોય છે એટલે સહેજ પણ ગરમીમાં એ ઊડી જાય છે અને લીંબુના રસનો જે ફાયદો મળવો જોઈએ એ મળતો નથી.
 • ફિઝિકલી ઍક્ટિવ રહેવા માટે યોગાસન અને પ્રાણાયામ કરવાં. ન આવડતું હોય તો ઑનલાઇન ક્લાસમાં શીખી શકાય. જલનેતિ આવડતી હોય તો એ કરવી.
 • તમને કોઈ ચેપ હોય કે ન હોય, રોજ એક કપ આદું નાખીને ઉકાળેલું પાણી પીવું. પાણીની વરાળ લેવી. એનાથી શ્વસનતંત્રનો પૅસેજ ક્લિયર રહે છે. કોરોના પ્રિવેન્શન માટે પણ આ બન્ને બાબતો નિયમિતપણે કરવી.
 • બૅલેન્સ્ડ ડાયટ લેવો. હાલમાં કેરીની સીઝન ચાલે છે એ રોજ લઈ શકાય. લોકો માને છે કે મૅન્ગો પ્રેગ્નન્સીમાં ગરમ પડે, પણ એવું નથી. આ ખૂબ હાઇ ફાઇબર ફળ છે જેનાથી પેટ સાફ રહે છે અને પ્રેગ્નન્સી દરમ્યાન કબજિયાત એ મોટી તકલીફ હોય છે.
 • પ્રેગ્નન્સીના પહેલા ત્રણ-ચાર મહિના પપૈયાં, પાઇનેપલ કે મસ્કમેલન જેવાં ફળો લેવાનું ટાળવું.
 • રોગપ્રતિકાર માટે હોમિયોપથીમાં જે પ્રૉફિલેક્ટિક મેડિસિન છે એ દરેક પ્રેગ્નન્ટ મહિલાને આપવી જ જોઈએ. આર્સેનિક આલ્બમ ૩૦સીની પાંચ ગોળી રોજ એક વાર ત્રણ દિવસ સુધી લેવી. દર ત્રણ મહિને એ રિપીટ કરવી. એ ઉપરાંત જો અસ્થમા અને એલર્જી જેવી તકલીફ હોય તો એ માટે પણ હોમિયોપથીની દવાઓ વધુ સેફ રહેશે.
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK