Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > અમદાવાદનું એકમાત્ર ઑથેન્ટિક પારસી ભોણું મળશે અહીં

અમદાવાદનું એકમાત્ર ઑથેન્ટિક પારસી ભોણું મળશે અહીં

31 August, 2020 10:35 PM IST | Mumbai
Pooja Sangani

અમદાવાદનું એકમાત્ર ઑથેન્ટિક પારસી ભોણું મળશે અહીં

અમદાવાદનું એકમાત્ર ઑથેન્ટિક પારસી ભોણું મળશે અહીં

અમદાવાદનું એકમાત્ર ઑથેન્ટિક પારસી ભોણું મળશે અહીં


અમદાવાદ શહેરની વચ્ચોવચ ખાનપુર વિસ્તાર આવેલો છે. સાબરમતી નદીના કિનારે આવેલા આ વિસ્તારની ઓળખ અગાઉના સમયમાં સ્ટાર કક્ષાની હોટલોને કારણે હતી, કારણ કે જ્યારે શહેરના સીમાડાઓ ચારેકોર વિકસ્યા નહોતા ત્યારે ઍરપોર્ટથી સૌથી નજીક અને રહેવાના ઉત્તમ સ્થળ તરીકે ખાનપુર વિસ્તાર જાણીતો હતો. મોટા-મોટા અધિકારીઓ અને ઑફિસરો અહીંની સ્ટાર હોટેલ્સમાં આવીને રોકાતા હતા. અલબત્ત ઍર ઇન્ડિયાની મુખ્ય કચેરી સહિત અનેક ઍર ટ્રાવેલ્સ એજન્સીઓથી આ વિસ્તાર ધમધમતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે. હોટેલો તો છે જ, પરંતુ શહેરનો કૂદકે ને ભૂસકે વિકાસ થતાં હવે આ વિસ્તારની રોનક પહેલાં જેવી તો નથી જ, પરંતુ એનું કંઈ ઐતિહાસસિક મૂલ્ય ભુલાય એમ નથી. પ્રખ્યાત કામા હોટેલ્સ આજની તારીખમાં પણ અમદાવાદની લોકપ્રિય રહેવા-જમવાની જગ્યા છે. આજકાલ ત્યાં રહેણાક વિસ્તારો અને કમર્શિયલ બાંધકામો થઈ ગયાં હોવા છતાં વિસ્તાર પ્રમાણમા શાંત છે. હવે તો સાબરમતી રિવરફ્રન્ટની રચના કરવામાં આવી હોવાથી વિસ્તારના એક કાંઠાનું સૌંદર્ય ખીલી ઊઠ્યું છે.
આ વિસ્તારમાં બાદશાહના જમાનાની કોટ એટલે કે દીવાલ છે. અમદાવાદમાં શરૂઆતના દિવસોમાં શરૂ થયેલી સાઉથ ઇન્ડિયન ફૂડ પીરસતી હોટેલો પૈકીની એક ‘સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં’ આવેલી છે. પ્રખ્યાત રાઇફલ ક્લબ શોભાયમાન છે ત્યારે આ બધી ઇમારતો વચ્ચે છેલ્લાં ૭૮ વર્ષથી એક અડીખમ સંસ્થા છે જે ભારતના સૌપ્રથમ હેરિટેજ સિટી અમદાવાદનો અમૂલ્ય પારસી વારસો છે. હા, તમને કહી દઉં કે એ પારસી સંસ્થા પણ ફૂડ સાથે જ જોડાયેલી છે, તો ‘પારસી કિચન’ તરીકે જાણીતી આ જગ્યાનું મૂળ નામ ઝોરાસ્ટ્રિયન લેડીઝ ઇન્ડસ્ટ્રિયલ કો-ઑપરેટિવ સોસાયટી છે અને અહીં અદ્ભુત શુદ્ધ પારસી ફૂડ પીરસવામાં આવે છે અને મેન્યૂમાં ૧૦૦થી વધુ વાનગીઓ છે. શહેરની વચ્ચોવચ આવેલું હોવા છતાં રૂપાલી સિનેમાથી ખાનપુર વિસ્તારની શરૂઆત થાય એવા સર્પાકાર રસ્તા પર એક ખૂણામાં આ જગ્યા શોધવા માટે કોઈને પૂછવાની જરૂર નથી. તમને એક અદ્ભુત પ્રકારની સુગંધ જ પારસી કિચન તરફ દોરી જશે.
આ અમદાવાદનું એકમાત્ર પારસી ફૂડ પીસરતું રસોડું છે. આ કોઈ રેસ્ટોરાં કે કૅફે નથી. પારસી કિચનની શરૂઆત ૧૯૪૨માં પાકકળામાં નિપુણ એવી પારસી સ્ત્રીઓને રોજગારી મળે અને એનાથી આર્થિક રીતે પગભર થાય અને પારસી પરિવારોને તેમનું અસલી સ્વાદનું ભોજન મળી રહે એ માટે શરૂ કરેલું. મહિલાઓ દ્વારા શરૂ કરાયેલી, મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા જ સંચાલિત આ પારસી કિચનમાં ગરમાગરમ ભોજન, બેકરી આઇટસ્મ, સ્વીટ્સ અને ફરસાણ બધું જ મળે છે. હા ગરમાગરમ ભોજન ખાવું હોય તો તમારે એક દિવસ પહેલાં લૅન્ડલાઇન પર ફોન કરીને બુકિંગ કરાવવું પડે અને તમે માગો એ ભોજન હાજર.
પારસી ફૂડની વાત આવે તો બધા એક જ સૂરથી કહેશે કે ‘ધાનશાક’ કે પછી ઈરાની હોટેલમાં મળતી ચા અને મસ્કાબન, પરંતુ પારસી ફૂડની નૉન-વેજ ઉપરાંત વેજિટેરિયન ફૂડમાં પણ એટલી બધી વરાઇટી છે કે ન પૂછો વાત. વેજિટેબલ ધાનશાક, રીંગણનો પાટિયો (એક પ્રકારની સબ્જી), ટમેટાનો પાટિયો, ધાનદાળ, ખીચડી, મસાલા ખીચડી અને વેજિટેબલ મસાલા ખીચડી, ચટણી કટલેસ, ખીચડી જોબનવંતી, સ્પેશ્યલ બ્રાઉન રાઇસ, બિરયાની, પુલાવ, ગ્રેવી કટલેસ, પતરેલ એટલે કે પાત્રા, ભાખરા, ખમણની (નારિયેળના છીણ)ની ઘારી, ખજૂરની ઘારી, દારની પોરી (પૂરણપોળી જેવું), ભાખરા, મેથી પારા, નમક પારા, ખજૂર વૉલનટ કેક, પારસી કસ્ટર્ડ, પારસી શીરા વગેરે. બહુ લાંબું લિસ્ટ છે.   
તો હવે જાણીએ અહીં કામ કેવી રીતે થાય છે. અહીંનું સંચાલન કેટીબહેન દારૂવાલા કરે છે, જેઓ બૅન્કમાંથી ઉચ્ચ અધિકારીપદે નિવૃત્ત થયા બાદ અહીંનું કામકાજ સંભાળે છે. આ ઉપરાંત તેમની સાથે મૅનેજમેન્ટ અને કુકિંગ કરવા માટે બહેનો છે. અહીં દરરોજ મેન્યૂ બદલાય છે. દરરોજ ચાર અલગ-અલગ પ્રકારની વાનગી બને છે અને એમાંથી એક અથવા તો ચારેચાર આઇટમ ઑર્ડર કરી શકાય છે. આપણે જેમ ગુજરાતીમાં ટિફિન કહીએ કે ભાણું કહીએ એમ પારસીમાં ફુલ ટિફિન મગાવવું હોય તો એને ભોણું કહે છે. આખું ભોણું અને અડધું ભોણું મળે છે. ખાનપુર વિસ્તારમાં પારસીઓની સંખ્યા ઠીક-ઠીક છે. આ ઉપરાંત આશ્રમ રોડ પર પણ પારસી કૉલોની છે આથી જેઓને દરરોજ ઘરે રસોઈ ન કરવી હોય તેઓ ભોણું મગાવી શકે છે. સવારે ૧૦થી સાંજે સાડાચાર વાગ્યા સુધી અહીં તમને ભોજન મળી રહે છે.
ગરમાગરમ ભોજન ઑર્ડર પર મળે, જ્યારે ફરસાણ અને બેકરી આઇટમ્સ માટે ખાસ કાઉન્ટર રાખેલું છે. ત્યાં તમને પારસી મહિલાઓ પ્રેમાળ સ્મિત આપીને તમને વાનગીઓ વિશે સમજાવે અને તમે એને ઘરે લઈ જઈ શકો છો. હવે કોઈના ઘરે પાર્ટી હોય તો પણ અહીંથી કેટરિંગ સર્વિસ થાય છે આથી જો કોઈ પારસી પરિવારમાં કોઈ પ્રસંગ હોય તો અહીંથી ખાસ બનાવેલી પારસી વાનગીઓ મોકલવામાં આવે છે અને હા, ખાસ વાત કહી દઉં કે આ માત્ર નામનું પારસી કિચન છે, તમે નૉન-પારસી હો તો પણ અહીંના ભોજનની જ્યાફત ઉડાવી શકો છે. રોજેરોજનું તાજું ભોજન જ મળે અને એક દિવસનું બીજા દિવસે આપવાની વાત જ નહીં. તેઓ કહે છે કે ‘અહીં દરરોજ ચાર તાજી વાનગીઓ બને છે. બે વાનગીઓ લંચ માટે જ્યારે બે વાનગીઓ ડિનર માટે હોય છે. અલબત્ત બધું તૈયાર તો ૪ વાગ્યા પહેલાં જ થઈ જાય છે. સવારે રાઇસ, ખીચડીની સાથે દાળ કે કોઈ પણ જાતની કરી હોય છે, જ્યારે સાંજ માટે કોઈ ફ્રાઇડ વાનગી હોઈ શકે છે. દરરોજ મેન્યૂ બદલાતું રહે છે. અમારો હેતુ રેસ્ટોરાંની જેમ કમાણી કરવાનો નથી. આથી અમારો ખર્ચ નીકળે એ પ્રમાણે અમે વાજબી કિંમતે વાનગીઓ બનાવીએ છીએ. આ સંસ્થાના પ્રેસિડેન્ટ કામા હટેલ પરિવારનાં મહેરુબહેન છે. જ્યારે બીજા ટ્રસ્ટીઓ પણ છે.’
જો તમારે પારસી ફૂડ ખાવું હોય તો મુંબઈમાં ખાસ મળી રહે, પરંતુ ગુજરાતમાં મોસ્ટ ઑથેન્ટિક પારસી ફૂડ ફાઇવ-સ્ટાર હોટેલોમાં જ મળતું હોય છે અને એ પણ મર્યાદિત મેન્યૂ. સુરતમાં અને પારસીઓના સૌથી પવિત્ર ધર્મસ્થાન એવા વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે મળી રહે છે. શિયાળામાં વસાણાં, પારસી મસાલા, અથાણાં પણ અહીં મળી રહે છે. હાલમાં કોરોનાનો ત્રાસ હોવાથી બીજી ખાણીપીણીની જગ્યાઓની જેમ આ સંસ્થા પણ બંધ જ છે, પરંતુ ૧૫ સપ્ટેમ્બર પછી ધીરે-ધેરી ફરી શરૂ કરવાનો વિચાર છે. તો મિત્રો કોઈ દિવસ ખાનપુર બાજુ જાઓ તો ચોક્કસ આંટો મારજો અને તમામ પ્રકારનાં પારસી ફૂડ વિશે જાણજો.

આર્થિક પગભરતા માટે શરૂ થયેલું
તો ચાલો એના ઇતિહાસ વિશે જાણીએ તો કેટીબહેન દારૂવાલા કહે છે, ‘૧૯૪૨માં પારસી મહિલાઓ બાનુબાઈ દસ્તુર, મેહરબાન જીનવાલા, દીનબાઈ કામા, મહેરબાઈ એડનવાલા દ્વારા શરૂ કરવામાં આવી હતી. એનો હેતુ એવો હતો કે રસોઈકળા જાણતી અથવા તો ન આવડતું હોય તો પણ તેમને શીખવાડીને પારસી મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવી. આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે એમાં માત્ર પારસી મહિલાઓના હાથે જ રસોઈ બનતી અને
તેમની મદદનીશ બહેનો નૉન-પારસી હતી, પરંતુ હવે સમય જતાં પારસી મહિલાઓને આ બાબતમાં ખાસ રસ ન હોવાથી આ મદદનીશ મહિલાઓ જ એકદમ નિષ્ણાત પારસી કુક બની ગઈ છે અને તેઓ જ અમારા માર્ગદર્શન હેઠળ ભોજન બનાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2020 10:35 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK