પતિના મૃત્યુ થયા બાદ હવે મામાના દીકરાને મારા પ્રત્યે ફીલિંગ્સ પેદા થઈ હોય એવું લાગે છે

Published: Jan 15, 2020, 16:50 IST | Sejal Patel | Mumbai

યંગ એજમાં પતિનું મૃત્યુ થયા બાદ હવે મામાના દીકરા ભાઈને મારા પ્રત્યે ફીલિંગ્સ પેદા થઈ હોય એવું લાગે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ :મારાં પ્રેમલગ્ન થયેલાં અને બે જ વર્ષમાં એક અકસ્માતમાં પતિનું મૃત્યુ થયું. જાણે જીવન હજી શરૂ થયેલું અને એને માણવાનું શરૂ કરું એ પહેલાં તો ખતમ થઈ ગયું. બાળક નથી એમ છતાં સાસુ-સસરા બહુ સારાં છે એટલે તેમની સાથે જ રહું છું. મારું મન લાગે એ માટે નોકરીએ લાગી છું. સસરા પણ હવે રિટાયર્ડ છે, પરંતુ પેન્શન આવતું હોવાથી તેમને મારા પૈસાની કોઈ જરૂર નથી. જીવનસાથી વિનાનું જીવન સાવ જ સત્વહીન લાગે છે.    આ વાતને ત્રણ વર્ષ થઈ ગયાં છે અને હમણાં મારો દૂરના મામાનો દીકરો ગુજરાતથી અહીં શિફ્ટ થયો છે અને તે મારી સાથે બહુ બધી વાતો કરે છે. મારાથી દસેક વર્ષ નાનો છે, પણ સમજણમાં બહુ મોટો છે. તે મને બહુ મોટિવેટ કરે છે કે હું ખુશ રહું. તેની રમતિયાળ વાતો સાંભળીને મારો મૂડ પણ સારો થાય છે. તે ઘણી વાર મને કહેતો હોય છે કે મારે બીજાં લગ્ન કરી લેવાં જોઈએ. મને એ વાત ઠીક નથી લાગતી. જે તીવ્ર આઘાત મળ્યો છે એ પછી હું બીજી વાર નવી જિંદગી શરૂ કરવા માગતી નથી. કિસ્મતે જે લખ્યું છે એનો સ્વીકાર કરી લેવો એ જ મને ઠીક લાગે છે. મને તો એવું પણ લાગે છે કે જો મારા નસીબમાં જ સાથીનું સુખ નહીં લખ્યું હોય તો બીજાં-ત્રીજાં લગ્નનો શું ફાયદો? હમણાંથી મારો કઝિન બ્રધર લગ્ન બાબતે મને બહુ જ ફોર્સ કરે છે અને કહે છે કે જો તે સગપણમાં મારો ભાઈ ન થતો હોત તો-તો તેણે મારી સાથે લગ્ન કરી જ લીધાં હોત.

શું આ વાત તેને મારા માટે સૉફ્ટ ફીલિંગ્સ છે એવું દર્શાવે છે? હા, તે મારો બહુ સારો ફ્રેન્ડ છે, પણ મને તેના પ્રત્યે કોઈ ફીલિંગ્સ નથી. તેને આગળ વધતો અટકાવવા માટે મારે શું કરવું?

જવાબ ઃ તમારા કઝિન બ્રધરને તમારા માટે ફીલિંગ્સ છે કે નહીં એ સેકન્ડરી વિષય છે. ફર્સ્ટ મુદ્દો એ છે કે તમે પોતે તેના માટે શું ફીલ કરો છો. તમારી વાત પરથી મને એવું લાગે છે કે ક્યાંક દિલના ઊંડા ખૂણામાં તમને આ યુવક માટે સૉફ્ટ ફીલિંગ્સ જાગી છે જ, પણ એ વાતનો સ્વીકાર કરવાની તમારી હિંમત નથી. તમને કોઈ પ્રેમ કરે છે એવો વિચાર પણ તમને સુકૂન આપે છે. એ સ્વાભાવિક પણ છે. પોતાને પ્રેમ કરનાર આ દુનિયામાં કોઈક તો હોય જ એવી ઝંખના કોઈ પણ સ્ત્રીને હોય જ, પણ તમે એ ઝંખનાનો સ્વીકાર કરવાને બદલે આડા હાથે કાન પકડવાની કોશિશ કરી રહ્યા છો.

યુવાનીમાં સાથીની જરૂરિયાત સૌને હોય, તમે એને નકારવાની કોશિશ કરી રહ્યા છો એ વ્યર્થ છે. ‘મને કંઈ બીજાં લગ્ન નથી કરવાં’, ‘મને કોઈના માટે ફીલિંગ્સ નથી’, ‘મારે નવી જિંદગી શરૂ કરવી જ નથી’ જેવાં નકારાત્મક વાક્યો જાતે મનમાં ઠસાવવાની જરૂર નથી. લોકો, સમાજ જે વિચારે એ, તમે ઍટ લીસ્ટ તમારી પોતાની ફીલિંગ્સને વફાદાર રહો. તમને પ્રેમી અને સાથીની ઝંખના હોય એ સ્વાભાવિક છે, પણ મને લાગે છે કે જો તમને સહાનુભૂતિ આપવા જતાં તમારા જ ભાઈ સાથે સુંવાળા અને આત્મીય સંબંધો બંધાવા લાગે એવું ન થાય એની ચાવી પણ તમારા જ હાથમાં છે. જરાક દુનિયામાં બહાર નીકળો અને જીવનસાથીની તલાશ આરંભો. કઝિન સાથેની આત્મીયતા વધે એ પહેલાં જ તમે બીજાં લગ્ન માટેની શોધ ચાલુ કરી દેશો તો તેને પણ એક સંદેશો મળી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK