અભિનેતા મનોજ જોષી છે ચટણી બાદશાહ

Published: Sep 30, 2020, 13:42 IST | Rashmin Shah | Mumbai

ઍક્ટર-પ્રોડ્યુસર મનોજ જોષી ખાવાની બાબતમાં નબળા છે, પણ બનાવવાની બાબતમાં ભારોભાર સબળા છે

મનોજ જોષી કહે છે, "બધું એટલે બધું આવડે મને. સિવાય કે રોટલી"
મનોજ જોષી કહે છે, "બધું એટલે બધું આવડે મને. સિવાય કે રોટલી"

ગુજરાતી-હિન્દી અને મરાઠી, ફિલ્મ-સિરિયલ અને રંગભૂમિ - આમ ત્રણેત્રણ લૅન્ગ્વેજનાં ત્રણેત્રણ ક્ષેત્રમાં પથરાયેલા ઍક્ટર-પ્રોડ્યુસર મનોજ જોષી ખાવાની બાબતમાં નબળા છે, પણ બનાવવાની બાબતમાં ભારોભાર સબળા છે. મિડ-ડેના રશ્મિન શાહ સાથેની વાતચીતમાં મનોજ જોષી કહે છે, ‘મને ખવડાવવાનું બહુ ગમે અને એટલે જ કદાચ મેં રાંધવામાં રસ લીધો હશે. રોટલી સિવાય હું બધું બનાવી શકું અને નવું-નવું બનાવવાનું પણ મને બહુ ગમે. આજે પણ હું નવી વરાઇટી શીખવા તૈયાર હોઉં છું અને એને માટે હું દૂર સુધી જવા પણ રાજી હોઉં છું’

બધું એટલે બધું આવડે મને. સિવાય કે રોટલી, અને એમાં પણ એવું છે કે રોટલી બનાવવા માટે મેં સઘન પ્રયાસ નથી કર્યા એટલે હું એમાં નબળો છું. બાકી જો આજે નક્કી કરું કે બેસ્ટ રોટલી બનાવવી છે તો એમાં પણ મને રોકડું અઠવાડિયું લાગે. રોટલી નહીં આવડતી હોવા પાછળનું એક કારણ એ પણ ખરું કે મને રોટલી ખાસ ભાવે નહીં. આયુર્વેદ પણ કહે કે ઝીણા લોટમાંથી રંધાયેલી કોઈ વરાઇટી ખાવી ન જોઈએ, એ આંતરડામાં ચોંટે. બને ત્યાં સુધી અધકચરું કે જાડું દળાયેલું ધાન જ ખાવામાં વાપરવું જોઈએ. આપણે ખાવાની બાબતમાં બેદરકાર થઈ ગયા છીએ એવું હું ચોક્કસપણે માનું છું. ખાવામાં જેટલું વધારે ધ્યાન રાખો એટલી તંદુરસ્તી વધારે સારી. હું ખાવાની બાબતમાં બહુ ચીવટ રાખું છું. મારી સામે ભાવતાં ભોજન મૂકી દો તો પણ હું મારી જાત પર કાબૂ રાખી શકું અને એ પણ કોઈ જાતના કોચવાટ વિના અને આમ પણ મને ખાવા કરતાં ખવડાવવું વધારે ગમે છે. મને લાગે છે કે એ જ એક કારણ હશે જેણે મને રાંધવામાં રસ લેતો કર્યો હશે.
મેં કહ્યું એમ, મને બધું બનાવતાં આવડે અને રસોઈની બાબતમાં હું માનું છું કે આ એક એવું શાસ્ત્ર છે જેનું જ્ઞાન સૌકોઈને હોવું જોઈએ. કોરોનાએ તો સમજાવી પણ દીધું કે એકલા રહેવાનો વારો આવી જાય ત્યારે જો કોઈ શાસ્ત્ર કામ લાગવાનું હોય તો એ છે પાકશાસ્ત્ર. કોરોનાકાળમાં ઘણા લોકો થોડુંઘણું બનાવતા શીખ્યા, પણ હું મારા પાકશાસ્ત્રની વાત કરું એ પહેલાં એક વાત કહેવા માગીશ કે જેઓ નથી શીખ્યા તેઓ શીખે એવી મારી નમ્ર અરજ છે. રસોઈ બનાવવી એ માત્ર બૈરાંઓનું કામ નથી. ઇતિહાસ જુઓ તમે, મહારાજા પોતાના રસાલા સાથે રસોઈયાને લઈ જતા. એવું પણ માનતા નહીં કે પુરુષોના હાથની રસોઈ સારી નથી બનતી. આજે ૮૦થી ૯૦ ટકા રેસ્ટોરાંમાં રસોઈ કરનારા શેફ પુરુષ જ છે અને તમે તેમની રસોઈના દીવાના છો. કહેવાનો ભાવાર્થ એટલો જ કે પાકશાસ્ત્રની અવગણના કરતા નહીં અને રસોઈ શીખવાનું ક્યારેય અવગણવું નહીં.
મને ખાવા કરતાં ખવડાવવાનો વધુ શોખ છે. જો ખાવાનો શોખીન મારી સામે હોય તો હું વિનાસંકોચ ક્યાંય પણ રસોઈ બનાવવામાં લાગી જાઉં. અક્ષયકુમારથી માંડીને રામગોપાલ વર્મા અને પ્રિયદર્શન જેવા ડિરેક્ટર-ફ્રેન્ડ્સ પણ મારા હાથની રસોઈ જમ્યા છે. હું ચટણી બનાવવાની બાબતમાં એક્સપર્ટ છું. એમ કહો કે હું ચટણી બાદશાહ છું. જમવાનું ભાવે એવું ન હોય એવા સમયે અથાણાં એ ભોજનને નવી ઊંચાઈ આપી દે એવું બનતું હોય છે. આવું જ ચટણીનું છે. મારા હાથની કઢીપત્તાની ચટણી જેકોઈ ખાય છે એ બેમોઢે વખાણ કરે છે. કઢીપત્તાં પરથી મને એક વાત યાદ આવી. જમવામાં કોકમ કે કઢીપત્તાં કે સૂકું લાલ મરચું કે પછી લવિંગ આવી જાય તો આપણે એને ચમચીથી દૂર કરી દઈએ છીએ પણ ના, એવું નહીં કરવાનું. એ જેકોઈ તેજાના છે એને દાળ-શાકમાં નિચોવી નાખવાનું. નનિચોવી લીધા પછી એનો એક વાર ટેસ્ટ કરશો તો તમને પણ ખબર પડશે કે વઘારમાં એ શું કામ મૂકવામાં આવે છે. નિચોવાયેલા આ તેજાનાને લીધે દાળ-શાકનો આખો ટેસ્ટ બદલાઈ જશે. સાઉથમાં તમે જઈને જુઓ તો રેસ્ટોરાંમાં તમને રીતસર દેખાય કે સાંભાર કે ચટણીમાં આવેલી આ વરાઇટીને એ લોકો મુઠ્ઠીમાં લઈને મસળીને નિચોવે અને પછી એને જવા દે, પણ આપણે તો, આપણે તો તરત જ એને એક બાજુએ મૂકી દઈએ.
આપણે વાત કરતા હતા કઢીપત્તાની ચટણીની. કઢીપત્તાં આમ પણ સુકાયેલાં હોય, પણ એને એ પછી પણ માઇક્રોવેવમાં મૂકીને લેશમાત્ર પણ એમાં ભેજ ન રહે એ સ્તરે ડ્રાય કરી નાખવાના અને પછી એનો ભૂકો કરી નાખવાનો. આ ભૂકામાં ફુદીનાની પેસ્ટ નાખી એને બરાબર મિક્સ કરી દેવાની. યાદ રાખજો કે ફુદીનાની પેસ્ટ એટલી નથી નાખવાની જેને લીધે ફુદીનાનો ટેસ્ટ વધી જાય. આ પેસ્ટ આપણે પેલાં કઢીપત્તાં એકસાથે બંધાયેલાં રહે એ માટે ઉમેરીએ છીએ. તૈયાર થયેલી આ પેસ્ટમાં સિંધાલૂણ, સહેજ લાલ મરચું નાખવાનું. લાલ મરચાનો પાઉડર માત્ર કલર માટે નાખવાનો છે, તીખાશ જોઈતી હોય તો બ્લૅક કે વાઇટ મરી પાઉડર નાખવાનો અને વધારે તીખાશ જોઈતી હોય તો વાટેલાં લવિંગ નાખવાનાં. ટેસ્ટ માટે બે-ચાર સીંગદાણાનો ભૂકો કે દાળિયાનો ભૂકો નાખી શકાય. આ ચટણી એક વખત ઘરે બનાવીને ટેસ્ટ કરજો. બહુ
મજા આવશે.
ઔષધીય વનસ્પતિનો જેટલો મૅક્સિમમ ઉપયોગ થાય એ કરવો જોઈએ. કઢીપત્તાં ઔષધીય વનસ્પતિ છે. ચટણીમાં હું ટમેટાંની ચટણી પણ બનાવું છું, કારેલાંની ચટણી પણ મને બનાવતાં ફાવે. લીમડાનાં પાનની ચટણી પણ હું ટેસ્ટી બનાવું છું. હું ગૅરન્ટી સાથે કહીશ કે મારા હાથે બનેલી લીમડાની ચટણી જો કોઈને ખવડાવી દીધી હોય તો તે માને નહીં કે એમાં લીમડો વપરાયો છે. આ ઉપરાંત કેરી-કોપરાની ચટણી પણ મારી બહુ સરસ બને છે. કેરી-કોપરાની ચટણીમાં બન્ને કેરીમાંથી ચટણી બને. કાચી કેરીની પણ બને અને પાકી કેરીની પણ બને. પાકી કેરીમાંથી બનેલી ચટણીનો સ્વાદ સહેજ ગળ્યો હોય, પણ સ્વાદ એનો અદ્ભુત લાગે.
તમે માનશો નહીં, પણ હું મોટા ભાગની રાંધણકળા મારી જાતે શીખ્યો છું. મને કોઈએ શીખવ્યું નથી. નાનો હતો ત્યારે મમ્મી કે દાદી રસોઈ બનાવતાં હોય એ જોયા કરું. જોઉં અને ઑબ્ઝર્વ કરું. પછી સામેથી કહું કે આજે શાક હું બનાવીશ. શરૂઆતમાં તો ઘરના બધા ડરતા કે તું બધાનું શાક બગાડીશ એટલે હું મારા પૂરતું શાક જાતે બનાવતો અને પછી બધા એમાંથી ટેસ્ટ પણ કરતા. મમ્મી અને દાદી પછી બહેનો પાસેથી પણ શીખ્યો અને પછી વાઇફ પાસેથી પણ રાંધતાં શીખ્યો અને એ પછી તો અનેક લોકો પાસેથી શીખ્યો. હમણાંની વાત કરું તમને. હમણાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મીટિંગ હતી, જેને માટે હું યુપી ગયો હતો. મીટિંગ પછી સાથે લંચ લેતા હતા ત્યારે રાઇસ આવ્યા. એકદમ મસ્ત કેસરી રંગના. મને ભાત જોઈને જ મજા આવી ગઈ. મેં પૂછ્યું તો ખબર પડી કે એ પારિજાત રાઇસ છે. હું તો પહોંચી ગયો કિચનમાં, પારિજાત રાઇસની રેસિપી સમજવા.
પારિજાતનાં ફૂલ યાદ કરો તો તમને એમાં વચ્ચે કેસરી રંગનું નાનકડું બંધન જોવા મળશે. આ બંધનને તોડીને રાઇસમાં મૂકી દેવાનાં અને પછી સહેજઅમસ્તી સાકર ઉપર ભભરાવી દેવાની. શક્ય હોય તો આ રાઇસ કુકરમાં નહીં બનાવવાના. તપેલીમાં તૈયાર કરવાના. રાઇસ થોડા ચડી જાય એટલે એમાં પારિજાતનાં પેલાં કેસરી બંધન અને સાકર ઉમેરી દેવાનાં. એકદમ નૅચરલ કેસરી કલર, પારિજાતની સુગંધ અને એ સુંગધમાં ઉમેરાયેલી સાકરની ગળી સુગંધ. બહુ સરસ લાગે છે ટેસ્ટ. એવું માનતા નહીં કે આ સ્વીટ ડિશ છે. ના, એમાં દાળ-શાક નાખીને જ ખાવાનાં છે, પણ આ એની પ્રેઝન્ટેશનની રીત છે. જ્યારે પારિજાત રાઇસ બનાવો ત્યારે દાળશાકમાં ગળાશ નહીં નાખવાની.


આવી જ રીતે બ્લુ રાઇસ મને બનાવતાં આવડે છે. આ બ્લુ રાઇસ મેં કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાને ત્યાં ખાધા હતા. એક ફૂલ છે, ગૌકર્ણ એનું નામ. ગાયના કાન જેવો એનો આકાર હોય એટલે એને ગૌકર્ણ કહેવાય. ઔષધીય એવાં આ ફૂલ રાઇસમાં નાખી દેવાનાં. ફૂલના બ્લુ રંગને લીધે રાઇસ પણ બ્લુ રંગ પકડે છે અને આસમાની બ્લુ કલરના રાઇસ તૈયાર થાય છે. કર્ણાટકમાં આ રાઇસમાં ગળ્યું દૂધ ભેળવીને ખાવાની પ્રથા છે. સદીઓ જૂની પ્રથા હવે સામાન્ય રીતે તો ત્યાં બધા પાળતા નથી, પણ વારતહેવારે આ પરંપરા યાદ આવી જાય એટલે બ્લુ રાઇસ બને અને એનો આનંદ બધા લે. લૉકડાઉનમાં મેં પણ એ જ કર્યું. બ્લુ રાઇસ બનાવ્યા. બ્લુ રાઇસ અને સાથે વાટેલી ખડી સાકર નાખેલું ગીર ગાયનું મિલ્ક. એવો તો જલસો પડી ગયો કે બધી સ્વાદેન્દ્રિયોએ સામૂહિક રીતે મારો આભાર માન્યો

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK