Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દીવાલનો એક પણ છેડો એવો નહીં હોય જ્યાં મારા દાળભાતના અંશો પહોંચ્યા ન હોય

દીવાલનો એક પણ છેડો એવો નહીં હોય જ્યાં મારા દાળભાતના અંશો પહોંચ્યા ન હોય

01 April, 2020 06:14 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

દીવાલનો એક પણ છેડો એવો નહીં હોય જ્યાં મારા દાળભાતના અંશો પહોંચ્યા ન હોય

કમલેશ ઓઝા

કમલેશ ઓઝા


‘ખીચડી’ના પેલો ખાધોડકો ઘરજમાઈ ભાવેશકુમાર યાદ છે તમને જેનો હાથ સતત પ્લેટમાં રહેતો અને મોઢું સતત ચક્કીની જેમ ચાલુ રહેતું? આ ભાવેશકુમાર એટલે કમલેશ ઓઝા. રિયલ લાઇફમાં પણ ખાવાનો શોખીન છે અને બનાવવાના અખતરા કરવામાં પણ માહેર છે. જોકે તેણે કરેલા અખતરા એ લેવલ પર બ્લન્ડરમાં ફેરવાયા છે કે ન પૂછો વાત. નાટક, સિરિયલ અને ફિલ્મ ઍક્ટર કમલેશ ઓઝા પોતાના આ અનુભવો રશ્મિન શાહ સાથે શૅર કરે છે જેમાં ફૂડ ટિપ્સ કરતાં પણ વધારે ફનની ફ્લેવર માણવા મળે છે.

જીવનમાં પહેલી વાર મેં એક સરસ મજાની સરપ્રાઇઝનો પ્લાન કર્યો એ મને અત્યારે વાતની શરૂઆતમાં જ યાદ આવે છે. મસ્ત મૂડ બનાવ્યો હતો સરપ્રાઇઝનો પણ એ આખી સરપ્રાઇઝ એવી તે બ્લન્ડરમાં ફેરવાઈ ગઈ કે ત્યાર પછી દસેક વરસ સુધી કિચનમાં પગ મૂકવાનું તો શું કિચન તરફ જોવાનું પણ ભૂલી ગયો હતો. વાત કહું તમને.



મારી મમ્મી પુષ્પાબહેન બહુ સારાં કુક. બધાની મમ્મી બેસ્ટ કુક જ હોય, પણ મારી મમ્મી એ બધાંમાં પણ બેસ્ટ એવું કહું તો કંઈ ખોટું નથી. મમ્મીના હાથની રસોઈ એટલી સરસ બને કે નાનો હતો ત્યારે મને ક્યારેય હોટેલમાં જવાનું મન જ નહોતું થતું. પાણીપૂરી ખાવાનું મન થાય તો હું મમ્મીને જ કહું અને મમ્મી ઘરે એકદમ મસ્ત પાણીપૂરી બનાવી દે. જે મન થાય એ કહેવાનું અને મમ્મી એ હાજર કરી દે. જાણે કે કિચનના અલાઉદ્દીનનો ચિરાગ જ જોઈ લો. મારી વાઇફ ઋતુ પણ એટલું જ સરસ ફૂડ બનાવે. બન્નેને બેસ્ટ કુક જોઈને મને પણ એક દિવસ થયું કે આ એક કળા મારામાં ખૂટે છે. એવું ન ચાલે, મારે પણ આમાં માસ્ટર બનવું જોઈએ. મનમાં આ ચાલતું હતું અને આ વિચાર એવા તે બળવત્તર બની ગયા કે એક દિવસ તો થઈ ગયું કે હવે તો બસ સરપ્રાઇઝ આપવી જ રહી.


વાતને થયાં પંદરેક વરસ. એ સમયે મારું પેલું પૉપ્યુલર કૅરૅક્ટર ભાવેશકુમાર આવી ગયું હતું અને મને લોકો ઇન્ટરવ્યુમાં પણ પૂછતા કે તમે માત્ર ખાઓ જ છો કે પછી કંઈ બનાવી શકો છો? બહાર બધાને કહેવા અને સાથોસાથ વાઇફ અને મમ્મીને કહેવા માટે પણ મારે કંઈક કરવું હતું.

ઋતુની જૉબ કૉલ-સેન્ટરમાં. એમાં જૉબ શિફ્ટ અલગ-અલગ હોય. મને પાકું યાદ છે એ દિવસોમાં તેની નાઇટ શિફ્ટ ચાલતી હતી. નાઇટ શિફ્ટ હોય એટલે તેણે મોડી સાંજે નીકળી જવાનું, જૉબ પર ગયા પછી છેક વહેલી સવારે ઘરે આવે. મેં એવો આઇડિયા વિચાર્યો કે સવારમાં વહેલા જાગીને ભાવતાં પકવાન તો બનાવી શકાય નહીં પણ ઍટ લીસ્ટ દાળભાત બનાવું. મારા આ વિચાર પાછળનું કારણ પ્રૅક્ટિકલ હતું. મને કંઈ આવડતું જ નહીં અને ન આવડતું હોય એવા લોકોને દાળભાત સરળતાથી બનાવતાં આવડે એવું પણ સાંભળ્યું હતું. નક્કી કર્યા મુજબ ગરમાગરમ દાળભાતની સરપ્રાઇઝ આપવાનું નક્કી કરી લીધું અને એ પછી જે થયું એ તો મેં પણ ધારી નહોતી એવી ઘટના હતી. પણ હા, એક વાત બની, એટલે કે ઋતુ ઘરે આવી ત્યારે તેને સરપ્રાઇઝ તો મળી જ મળી.


બન્યું એવું કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં મેં કુકર લઈ એમાં દાળચોખા બધું મૂકીને કુકર તૈયાર કર્યું. ખબર નહોતી માપની એટલે એમાં પાણી વધારે નાખી દીધું. કુકર રેડી થઈ ગયું એટલે એને ચડાવી દીધું ગૅસ પર અને કુકર ગરમ થવા લાગ્યું. આપણા માટે તો આ બધું પહેલી વાર એટલે સમયની ખબર તો પડે નહીં કે આ બધું બનવામાં કેટલો સમય આપવાનો. મારી બીજી ભૂલ તો મેં તમને કહી જ દીધી, ભૂલથી પાણી વધારે નાખી દીધું હતું. હું તો ઉત્સાહથી કુકર સામે બેઠો. રાહ જોતો કે હમણાં સીટી મારે અને હું વર્લ્ડ્સ બેસ્ટ દાળભાત કુકરમાંથી કાઢું. પણ આ શું?

સીટી વાગવાને બદલે ચિત્રવિચિત્ર અવાજ આવે અને એ અવાજ વચ્ચે કુકરનું લિડ જરા ઊંચું થાય. લૉક થયેલું કુકરનું લિડ ઊંચું થાય એટલે મને સહેજ કુતૂહલ થયું કે આ શું પ્રક્રિયા થાય છે. હું તો ગયો કુકર પાસે જોવા માટે. મારા નજીક જવાની જ રાહ જોવાતી હોય એ રીતે જેવો નજીક ગયો કે તરત જ કુકરનું લિડ ઊછળીને હવામાં અને કુકરમાંથી ગરમ પાણીનો ફુવારો શરૂ થયો.

મને તો બીક લાગી ગઈ. એ પછી જે કોઈ દૃશ્યો રસોડામાં એ જોયાં એનું તો વર્ણન કરવું પણ અઘરું છે. દીવાલનો એક પણ છેડો એવો નહીં હોય કે જ્યાં મારા દ્વારા બનનારાં દાળભાતના અંશો ન પહોંચ્યા હોય. ઈવન છત પર પણ મારાવાળાં દાળભાત પહોંચી ગયાં. હું ઘરમાં એકલો જ હતો એટલે મેં તો તરત જ સફાઈ આદરી દીધી. ફટાફટ બધું સરખું કર્યું અને છેલ્લું ઇન્સ્પેક્શન લેતો હતો ત્યાં જ ઋતુ આવી ગઈ.

અહીં મને એક વાત નવી જાણવા મળી જે તમે પણ યાદ રાખજો. કોઈ પણ વાઇફને તેનું આખું રસોડું મોઢે હોય, કઈ વસ્તુ ક્યાં પડી છે અને એ વસ્તુ શું કામ ત્યાં પડી છે એનો વાજબી જવાબ પણ તેની પાસે હોય અને જો કોઈ વસ્તુ એકાદ ઇંચ પણ આઘીપાછી થાય તો તેને તરત જ ખ્યાલ પણ આવી જાય કે કોઈકે આવીને તેના સામ્રાજ્યમાં ઊંગલી કરી છે. મારી વાત કરું તો મેં તો ઋતુના કિચનમાં ઊંગલી નહીં પણ આખું કુકર કરી લીધું હતું અને કુકરનો રંગ સુધ્ધાં બદલી નાખ્યો હતો. અંદરનો જે ભાગ સ્ટીલનો હતો એ ભાગ હવે કાળોભમ્મર થઈ ગયો હતો. મને એમ કે ઋતુને ખબર નહીં પડે. પણ ના, તે કિચનમાં ગઈ અને બીજી જ સેકન્ડે તેને બધી ખબર પડી ગઈ. તમે માનશો તેને ખબર કેવી રીતે પડી?

કુકર સાફ કરવા માટે લીધેલી છરી મેં બીજા ખાનામાં મૂકી દીધી હતી. હું માનું છું કે જો વાઇફ ડિટેક્ટિવ બને તો જે કેસને સૉલ્વ કરવામાં આપણે એક વીક લગાડીએ એ કેસ તે અડધા કલાકમાં સૉલ્વ કરી નાખે. એ દિવસે મને સમજાયું કે આ બધાં આપણાં કામો નથી. ત્યાર પછી હું વર્ષો સુધી કિચનની દિશામાં પણ જતો નહીં. જોકે વાત હવે જૂની થઈ ગઈ છે અને મારો ડર મનમાંથી નીકળી ગયો છે એટલે હવે મને ફરીથી સરપ્રાઇઝ આપવાની ચટપટી ઊપડે છે.

હવે સરપ્રાઇઝ જાતે આપી દેવાને બદલે મેં મમ્મી અને ઋતુ પાસેથી જ કિચનનું કામ શીખવાનું શરૂ કર્યું અને ધીમે-ધીમે એમાં મેં માસ્ટરી હાંસલ કરી છે. આજે હું સૅન્ડવિચ અને પીત્ઝા વર્લ્ડ બેસ્ટ બનાવું  છું. મારા હાથના પીત્ઝા બાળકોને પણ બહુ ભાવે છે. તેમને સબવે અને ડૉમિનોઝમાં જવું ખૂબ જ ગમતું અને એ જ કારણે મેં સૅન્ડવિચ અને પીત્ઝામાં માસ્ટરી મેળવી, કારણ કે મારાં બન્ને બચ્ચાઓ દક્ષ અને કલાઈલા અનહદ વહાલાં છે એટલે તેમના માટે બનાવવાનું મને બહુ ગમે છે અને હવે જે બનાવું છું એ તેમને પણ ખૂબ ભાવે છે. આપણે પીત્ઝામાં અને સૅન્ડવિચમાં પણ મેં આપણો કાઠિયાવાડી ટેસ્ટ ઍડ કરી દીધો છે. હું ચટણી સાથે ખૂબબધાં એક્સપરિમેન્ટ કરતો હોઉં છું. ટમેટાની ચટણી, લીલાં મરચાં અને કોથમીરની ચટણી, આદું-મરચાંની પેસ્ટ અને આમલીની ચટણી સાથે એક્સપરિમેન્ટ કરીને પીત્ઝા પ્યુરી રેડી કરું અને પછી ભાવતાં પીત્ઝા અને સૅન્ડવિચ બનાવું. બાળકોને તો ભાવે છે પણ સાથોસાથ મારી વાઇફ અને મમ્મીને પણ ભાવે છે. જેટલો સમય કિચનથી વનવાસ લીધો હતો અને કૉન્ફિડન્સ ચાલ્યો ગયો હતો એ બધો કૉન્ફિડન્સ પાછો આવી ગયો છે. હા, આજની તારીખમાં હું ચા નથી બનાવતો. મને ચા બનાવવાનો કંટાળો આવે. એમાં પણ સવારની પહેલી ચા બનાવવાનો વારો આવે તો-તો રીતસર મારું મસ્તક ફાટે. હું બહાર જઈને ટપરી પર ચા પી લઉં પણ જાતે તો ન જ બનાવું. મને ટપરીની ચા પણ ભાવે એટલે જ ચા પર હાથ અજમાવવાનો મોકો પણ નથી મળ્યો. સવારની ચા મમ્મી બનાવે કે પછી ઋતુ બનાવે, પણ હું તો ન જ બનાવું અને મને લાગે છે ત્યાં સુધી હું એ કામ ક્યારેય નહીં જ કરું.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 06:14 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK