સાત વર્ષ સુધી બહારનું ખાધું, પણ હવે લૉકડાઉને રાંધતાં શીખવી દીધું

Published: Jul 22, 2020, 19:38 IST | Rashmin Shah | Mumbai

અઢળક ગુજરાતી ફિલ્મો કરીને ગુજરાતી ફિલ્મો માટે અનિવાર્ય બની ગયેલો ઍક્ટર-કૉમેડિયન મિત્ર ગઢવી થિયેટર અને ટીવી-સિરિયલ સાથે પણ જોડાયેલો છે

મિત્ર ગઢવી
મિત્ર ગઢવી

હમણાં રિલીઝ થયેલી ‘અફરાતફરી’થી માંડીને ‘દાવ થઈ ગયો’, ‘છેલ્લો દિવસ’, ‘વેન્ટિલેટર’, ‘બસ એક ચાન્સ’, ‘ફૅમિલી સર્કસ’ અને બીજી અઢળક ગુજરાતી ફિલ્મો કરીને ગુજરાતી ફિલ્મો માટે અનિવાર્ય બની ગયેલો ઍક્ટર-કૉમેડિયન મિત્ર ગઢવી થિયેટર અને ટીવી-સિરિયલ સાથે પણ જોડાયેલો છે. લગભગ એક દસકાથી ઘરથી દૂર રહેનારા મિત્રએ ક્યારેય જાતે રસોઈ બનાવવાની કોશિશ કરી નહોતી, પણ આ લૉકડાઉનમાં અનાયાસ તે કુકિંગની દિશામાં વળી ગયો. કેવા એ સંજોગ હતા અને એ સંજોગોએ તેને કેવો ફૂડ-માસ્ટર બનાવ્યો એની વાતો મિત્ર મિડ-ડેના રશ્મિન શાહ સાથે અહીં શૅર કરે છે

હું ટ્વેલ્થમાં આવ્યો ત્યારે મેં વડોદરા છોડ્યું અને એ પછીથી હું બહારનું જ ખાઉં છું. મમ્મી મને કહે બહુ કે તું ખાવાનું બનાવતાં શીખી લે, પણ મને ગમે જ નહીં. બહુ કંટાળો આવે, પણ આ લૉકડાઉનમાં હું એ શીખી ગયો અને એ પણ સાવ અનાયાસ. કેવી રીતે કિચનના રસ્તે વળ્યો એની વાત તમને પહેલાં કહું.
મારું એજ્યુકેશન વિદ્યાનગરમાં પૂરું થયું. ઍક્ટિંગનો શોખ હતો એટલે મુંબઈ આવ્યો. પહેલાં બોરીવલી અને એ પછી જુહુ શિફ્ટ થયો. લૉકડાઉન પછી બધું બંધ થઈ ગયું એટલે માર્ચ-એન્ડમાં હું વડોદરા રિટર્ન થયો. બહુ લાંબા સમયે પેરન્ટ્સ સાથે રહેવા મળે એવી સિચુએશન હતી, પણ મારું ઘણું કામ અટકી ગયાનો અફસોસ પણ હતો. શરૂઆતમાં તો આ અફસોસ અને એકધારી ભાગદોડને કારણે લાગેલા થાક વચ્ચે ખૂબ આરામ કર્યો. દિવસમાં ૧૫-૧૭ કલાક સૂવાનું અને મજા કરવાની, જેને લીધે સાઇકલ થોડી ડિસ્ટર્બ થઈ અને પછી તો મારા સમયનું કાંઈ નક્કી નહીં. રાતે ૩-૪ વાગ્યા સુધી જાગતો હોઉં અને ઘણી વાર તો સવાર સુધીનું જાગરણ કરીને બધા જાગે ત્યારે હું સૂવા જાઉં. એ પછી જાગું ત્યારે બપોર થઈ ગઈ હોય અને સીધું જમવા બેસવાનું થાય. એક વાર સવારે સાડાપાંચ વાગ્યા અને મને ભૂખ લાગી. ભૂખ પણ કેવી, કકડીને કહેવાય એવી. ઘરે કોઈને હેરાન કરવાની ઇચ્છા હતી નહીં અને બહાર લૉકડાઉન. જો બીજો કોઈ ટાઇમ હોત તો હું કાર લઈને નીકળી ગયો હોત અને બસ-સ્ટૅન્ડ કે રાત્રિ બજારમાં જઈને મેં કશુંક ખાઈ લીધું હોત, પણ એ સમયે તો એવું પણ થઈ શકે એમ નહોતું એટલે નાછૂટકે સૂવાની ટ્રાય કરી. ઊંઘ આવે નહીં અને પેટમાં ગલૂડિયાં, ના, સિંહ-વાઘ દોડે. કરવું શું હવે? કિચનમાં જઈને પણ જોઈ આવ્યો, કશું હતું નહીં. નક્કી કર્યું જાતે જ
કંઈક બનાવું.
યુટ્યુબ ઓપન કર્યું અને નજર નાખવાનું શરૂ કર્યું. અચાનક મારી નજર સામે પૌંઆ-બટાટા અને અન્યન-પૌંઆ આવી ગયાં અને એ જોઈને કોણ જાણે શું થયું કે એની રેસિપી ચેક કરીને સીધો હું કિચનમાં ઘૂસ્યો. એક્ઝૅક્ટ માપ ચેક કરીને બનાવવાનું શરૂ કર્યું અને લાઇફમાં પહેલી વાર પૌંઆ બનાવ્યા. મેં ખાધા, પેટભરીને. બહુ સરસ બન્યા હતા, પણ આ મારો ઓપિનિયન હતો. ૭ વાગ્યા અને મમ્મી-પપ્પા જાગ્યાં એટલે તેમને પણ મેં પૌંઆ ચખાડ્યા. જાગતાંવેંત આવો ઝાટકો આવ્યો એટલે બન્નેને પણ નવું લાગ્યું, પણ ટેસ્ટ કરીને તો તેમને ઝાટકો જ લાગ્યો. બહુ સરસ બન્યા હતા પૌંઆ.
આ મારો પહેલો એક્સપીરિયન્સ ફૂડ-મેકિંગનો અને એમાં હું સાંગોપાંગ પાર પડ્યો એટલે મારામાં હિંમત આવી ગઈ અને પછી તો રીતસર મને ફૂડ બનાવવાનો કીડો જ ઊપડ્યો.
હું ફૂડી તો છું જ. કહ્યું એમ, ટ્વેલ્થ પછી તો મેં બહારનું જ ફૂડ ખાધું છે. ભાવે તો પણ અને ન ભાવે તો પણ. ફૅમિલી સાથે રહેતો જ નહીં એટલે ઘરનું ફૂડ મળે એવા ચાન્સિસ જ નહોતા અને મને એમાં વાંધો પણ નહોતો. ખાવાના શોખને કારણે હું તો આ પિરિયડને બ્લેસિંગ જ સમજતો આવ્યો છું. મને બધું ભાવે. ટેસ્ટ માટે એવો કોઈ આગ્રહ નહીં કે મને તીખું જ જોઈએ કે પછી મને ગળચટ્ટું જ ભાવે. મને મીઠાઈઓ પણ એટલી જ ભાવે અને એટલી રગડા-પૅટીસ ભાવે. ચાટ, મેક્સિકન ફૂડ, ઇટાલિયન ફૂડ પણ ભાવે, પણ હા, મને પીત્ઝા બહુ ઓછા ભાવે એટલે મેં પીત્ઝા બહુ જગ્યાના ટ્રાય નથી કર્યા. દાબેલી અને વડાપાંઉ મારાં ફેવરિટ. ગુજરાતમાં શૂટિંગ પર ગયો હોઉં તો દાબેલી શોધવાની અને મુંબઈમાં હોઉં તો વડાપાંઉ શોધવાનાં. રોડ-સાઇડ ઢોસા પણ મને બહુ ભાવે અને કોઇન ઇડલી પણ મારી ફેવરિટ. લોકો મુંબઈને ગ્લૅમર ઇન્ડસ્ટ્રીના નામે ઓળખે છે, પણ હું આપણી આ સિટીને ફૂડ-ઇન્ડસ્ટ્રી તરીકે જાણું છું. જેને ખાવાનો શોખ છે તેને માટે મુંબઈ આખા દેશની બેસ્ટ જગ્યા છે.
આપણે વાત કરતા હતા વડાપાંઉની, મેં મુંબઈના ઑલમોસ્ટ દરેક ફેમસ વડાપાઉં ટ્રાય કર્યાં છે, મુંબઈમાં ૭૦ જગ્યા એવી છે જેનાં વડાપાંઉ બહુ ફેમસ છે. આવી જ રીતે ૪૦ જગ્યાની પાઉંભાજી ફેમસ છે, જે મેં ટ્રાય કરી છે અને ઢોસાનું પણ એવું જ છે. ભેળ માટે હું કહીશ કે આખા મુંબઈની બેસ્ટ ભેળ જો કોઈ હોય તો એ જુહુની. ગમે તેની પાસેથી ભેળ લઈને ખાઓ તો પણ એ તમને મુંબઈની બેસ્ટ ભેળ લાગે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના કલાકારો એવું માને કે આ ફૂડ ન ખવાય અને આ ફૂડ ખાઈએ તો ફૅટ વધી જાય, પણ સાચું કહું, હું તો એવું કંઈ નથી રાખતો. બધું ખાવાનું અને બિન્દાસ ખાવાનું.
હું ઘરે હોઉં ત્યારે મને બન્ને ટાઇમ લંચ અને ડિનરમાં દાળભાત જોઈએ. મારાં મમ્મી મીનાબહેન બહુ સરસ દાળભાત બનાવે છે. મને તેમના હાથનાં દાળભાત અનહદ ભાવે. ઘરે હોઉં ત્યારે મારા ફૂડનું આમ પણ લગભગ નક્કી હોય. સવારે નાસ્તામાં રોટલો અને માખણ, સાથે લસણની ચટણી. ક્રન્ચી વરાઇટીમાં તળેલી રોટલી હોય. લંચમાં મેં કહ્યું એમ દાળભાત અને સાથે રોટલી-શાક અને રાતે પૂરી અને રસાવાળા બટાટાનું શાક, છાસ અને દાળભાત હોય. ખીચડી બનાવી હોય તો એની સાથે દહીં તિખારી હોય. તમને નવીન લાગશે, પણ ખીચડી હોય એવા ટાઇમે પણ મને ઘરે દાળભાત જોઈએ. પહેલાં ખીચડી ખાવાની અને પછી છેલ્લે દાળભાત ખાવાનાં. જો ઘરે મને દાળભાત મળી જાય તો મને રોટલી કે શાક ન હોય તો ચાલે. મારા પપ્પા મુકેશભાઈ પણ બહુ સરસ રસોઈ બનાવે છે અને આ લૉકડાઉનમાં તેમની પાસેથી હું ઘણું શીખ્યો છું.
હવે આવી જઈએ મારી વરાઇટી પર. પૌંઆ સરસ બન્યા એટલે મને કૉન્ફિડન્સ આવી ગયો. ટાઇમપાસ કરવાની ઍક્ટિવિટી પણ મળી ગઈ. પૌંઆ બનાવ્યા પછી તો મેં જાતજાતની વરાઇટી બનાવી. તમે ક્યારેય વઘારેલી બ્રેડ નહીં ખાધી હોય. મેં એ પણ ટ્રાય કરી. બહુ સરસ લાગે એ બ્રેડ. બ્રેડના ઝીણા ટુકડા કરીને એને શાક વઘારતા હોય એ રીતે વઘારી નાખવાની. તેલ થોડું વધારે રાખીએ તો બ્રેડ ખાવાની મજા આવશે. વઘારેલી બ્રેડ સાથે દહીં કે મસાલા છાસ હોય તો બહુ મજા આવશે. આ વઘારેલી બ્રેડનો વિચાર પણ મને યુટ્યુબ પર બટાટાની સૂકી ભાજીનો વિડિયો જોતાં-જોતાં આવ્યો હતો. મમ્મી અને દેવી-યુટ્યુબના સહારે મેં કૂલચા પણ બનાવ્યા અને શ્રીખંડ પણ બનાવ્યો. શ્રીખંડ દહીંની ખટાશને લીધે સહેજ ખાટો થઈ ગયો હતો, પણ આપણે તો એમાં પણ રસ્તો કાઢી લીધો. શ્રીખંડમાં રોઝનું શરબત નાખીને એની ખટાશ ભાંગી નાખી.
લૉકડાઉન ચાલુ થયું ત્યારે એવો નિયમ હતો કે મમ્મી એકલી ફૂડ બનાવે, પણ હવે શરૂ થયેલી અનલૉકની સિરીઝમાં મારા ઘરનો નિયમ બદલાઈ ગયો છે. હવે સવારનો નાસ્તો મારે બનાવવાનો, લંચ મમ્મી બનાવે અને ડિનર પપ્પા બનાવે. આ અત્યારનો ક્રમ છે. વીક પછી બદલાઈ જશે અને ડિનરની જવાબદારી મારી થઈ જશે, તો પપ્પા બ્રેકફાસ્ટ બનાવશે. 

food

આ મસાલા પૂરીમાં પૂરી વણતી વખતે એમાં આછુંસરખું મસાલાનું પૂરણ ભરી દેવાનું. મેં ગાંઠિયાનો ભુક્કો કરીને ગરમ મસાલા નાખીને પૂરણ બનાવ્યું હતું. બહુ મસ્ત લાગતી હતી મસાલા પૂરી અને એની સાથે બટાટાનું શાક. તમને એક બીજી વાત કહું, ગ્રેવી જાડી બનાવવા મેં બટાટાના શાકમાં બ્રેડનો પાઉડર નાખ્યો હતો. બ્રેડ નાખી એટલે શાકમાં સહેજ નિમક ઓછું લાગ્યું, પણ આપણે ક્યાં બહારના કોઈને ખવડાવવું હતું, જાતે જ ઉપર નિમક ભભરાવી દીધું અને શાક તૈયાર કરી લીધું.

ખાટા મગ ખાઓ, ખુદ જાન જાઓ
પરાઠાં બનાવતાં પણ શીખ્યો, જે હજી પણ બરાબર નથી બનતાં, પણ પ્રૉબ્લેમ ફક્ત આકારનો અને તૂટી જવાનો છે. સ્વાદમાં એ અદ્ભુત બને છે અને મારાં મમ્મી-પપ્પા બન્નેએ એ ખાઈને ‘ઓકે’નો માર્ક આપ્યો છે એટલે કહું છું. મેં ખાટા મગ બનાવ્યા. અદ્ભુત બન્યા. મેં તમને કહ્યું એમ, મને રોટલી કે ભાખરી ન હોય તો ચાલે અને મેં એવું જ કર્યું, એ દિવસે પેટ ભરીને મગ જ ખાધા. છાસ નાખેલા એ ખાટા મગ અને એમાં નાખેલાં મરીની તીખાશ, બન્નેનું કૉમ્બિનેશન ડેડલી હતું.

હું ઘરે હોઉં ત્યારે મને બન્ને ટાઇમ લંચ અને ડિનરમાં દાળભાત જોઈએ. તમને નવીન લાગશે, પણ ખીચડી હોય એવા ટાઇમે પણ મને ઘરે દાળભાત જોઈએ. પહેલાં ખીચડી ખાવાની અને પછી છેલ્લે દાળભાત ખાવાનાં. દાળભાત મળી જાય તો રોટલી કે શાક ન હોય તો ચાલે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK