જ્યોતિષ મુજબ દેશ અને મોદીની કુંડળી શું કહે છે?

Published: Mar 11, 2020, 09:31 IST | Mumbai

અત્યારના સમયમાં ભારત દેશની જન્મકુંડળીના ગ્રહોનું અધ્યયન કરવામાં આવે તો વૃષભ લગ્નની કુંડળી ધરાવતા ભારત દેશમાં ચંદ્રની મહાદશા અને તેમાં શનિની અંતર્દશા ચાલી રહી છે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

અત્યારના સમયમાં ભારત દેશની જન્મકુંડળીના ગ્રહોનું અધ્યયન કરવામાં આવે તો વૃષભ લગ્નની કુંડળી ધરાવતા ભારત દેશમાં ચંદ્રની મહાદશા અને તેમાં શનિની અંતર્દશા ચાલી રહી છે. ચંદ્ર મનનો કારક છે. કુંડળીમાં ચંદ્ર અને શનિ નૈસર્ગિક સાહસ સ્થાન ત્રીજા ભાવમાં બેઠેલા છે જે ભારતને સાહસ કરાવશે. પાંચ ગ્રહોની યુતિ ત્રીજા ભાવમાં પ્રવજ્યા યોગ સર્જે છે જે એક શુભ યોગ છે જે ધાર્મિકતા, આધ્યાત્મિક તરફ સૂચવે છે. ભારત દુનિયામાં પોતાની ધાર્મિકતા, આધ્યાત્મિકતા, સંસ્કારો, વિચારોના લીધે પોતાની પ્રસિદ્ધિ મેળવશે. કારણકે ચંદ્ર મન અને શનિ યોગકારક થઈ ન્યાયનો કારક છે. શનિ ભાગ્યનો અને કર્મ ક્ષેત્રનો પણ કારક છે. અત્યારે ચંદ્રમાં શનિની અંતર્દશા ભારતના જૂના પ્રશ્નોને ઉકેલવામાં મદદ કરશે અને હા, તેમાં લોકોના મન ઊંચા-નીચા થશે પણ પરિણામ મજબૂત અને હકારાત્મક આવશે.
 
જેમ આર્ટિકલ ૩૭૦, રામમંદિર, ત્રિપલ તલાક જેવા જટિલ પ્રશ્નોનું નિરાકરણ નીડરતાથી લેવાયું તેવી જ રીતે પાકિસ્તાન પાસે જે કાશ્મીર છે તે લેવાનો યોગ્ય સમય આવી ગયો છે. નાનું યુદ્ધ પાકિસ્તાન સાથે થાય તેવા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ચાઇના આ મુદ્દામાં વચ્ચે પડશે નહીં. ૨૫ માર્ચ ૨૦૨૦થી  મંગળ અને શનિની યુતિ ભાગ્ય ભુવનમાં થવાથી મજબૂત અને કડક નિર્ણયો ફટાફટ લેવાતા જોવા મળશે. ચંદ્ર મનનો કારક હોવાથી થોડી ચિંતાઓ થાય, એકબીજા પ્રત્યે દ્વેષની ભાવના ઊભી થાય તેવા ગ્રહોનું નિર્માણ થઈ રહ્યું છે.

૨૦૨૦ જેનો સરવાળો કરતાં ૪નું ટોટલ આવે છે જે રાહુનો અંક છે અને રાહુ તે અતિ મહત્વાકાંક્ષી ગ્રહ છે. કળિયુગમાં સત્તાનો કારક ગ્રહ છે. 

આવનાર સમયમાં ભારતના સંવિધાનમાં જે ત્રુટિઓ રહી ગયેલી હશે તેને નીડરતાથી કોઈ પણ પ્રકારના દબાણમાં કે ડરમાં આવ્યા વગર બદલાવ કરશે.

સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જન્મકુંડળી જો ચકાસવામાં આવે તો તેમને પણ સાહસસ્થાન એટલે કે ત્રીજા ભાવમાં શનિ-મંગળનું ભ્રમણ મજબૂત અને ન્યાયિક નિર્ણય લેવા માટે સાથ આપશે. નરેન્દ્ર મોદીની કુંડળીમાં ગુરુના બીજા ભાવમાં ભ્રમણના કારણે લોકચાહના અને આલોચના બન્ને પાસાં જોવા મળશે, પરંતુ ઑગસ્ટ ૨૦૨૦ પછી લોકચાહનામાં વધારો થશે. 

મોટા ઉદ્યોગપતિઓને માર્ચથી જુલાઈ ૨૦૨૦ સુધીનો સમય ખૂબ જ મુસીબતવાળો સાબિત થશે. શૅરબજારમાં હજી મંદી કાયમ રહે અને એક બે મહિનામાં બજાર સ્થિર રહેશે. હાલમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળશે.

૨૦૨૦ના સમયમાં અમેરિકાને મોટા પાયા ઉપર નુકસાન થાય તેવા ગ્રહોના સંકેત છે. અમેરિકાની ટોપ ૫૦૦ કંપનીઓની આર્થિક હાલત બગડતી જોવા મળશે તેની સીધી અસર દેશ-દુનિયામાં જોવા મળશે. તેના લીધે અરાજકતા ફેલાશે. જાતિવાદ વધશે. જેની અસર ભારતમાં પણ જોવા મળશે અને ૧૯૬૯ જેવી સ્થિતિ ઊભી થશે. ધર્મપરિવર્તન, આતંકવાદ, કોમવાદ જેવા જટિલ પ્રશ્નો આ સમયમાં મૂળથી દૂર થશે. 

બીજાં બધાં રોકાણ કરતાં સોના અને ચાંદીમાં વધુપડતું રિટર્ન જોવા મળશે. તેમાં પણ ચાંદી સોના કરતાં વધારે ફાયદો કરાવશે. જમીન, મકાનમાં પણ રોકાણ લાંબાગાળા માટે ઉત્તમ સાબિત થાય.
 
જે લોકો પગાર લઈ રહ્યા છે તેને મોટા પ્રશ્નો નથી પણ જે પગાર આપી રહ્યા છે તેવા લોકો માટે આ સમય થોડો અઘરો સાબિત થાય તેમ છે. તો દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પોતાની જન્મકુંડળીને નિષ્ણાત જ્યોતિષને બતાવી ચોક્કસ પ્રકારનું યોગ્ય પરિહાર કરાવી લેવું. જન્મકુંડળીમાં જો શનિ, મંગળ, રાહુ જેવા ગ્રહો નુકસાન કરતાં હોય તો ચોક્કસ મંત્રો દ્વારા પણ ખરાબ અસરોને હળવી તેમ જ દૂર કરી શકાય છે.

વિશેષ રીતે જેનામાં સહનશક્તિ ઓછી છે. અન્યાય જોઈ શકતા નથી કે સહન કરી શકતા નથી. જલદીથી ગુસ્સે થઈ જાય છે તેવા સ્વભાવવાળા તમામ લોકોએ કોઈની વાતોમાં ન આવીને ધીરજપૂર્વક-સમજણ દ્વારા સમયને સમજીને પસાર કરવો. ત્વરિત કોઈ નિર્ણય લેવો નહીં, સમય આપીને પછી નિર્ણય લેવો. વધુપડતી લાલચ રાખનાર વ્યક્તિને પણ મોટું નુકસાન થાય તેવા ગ્રહોના સંકેત બતાવે છે. સરળતાથી જુલાઈ ૨૦૨૦ પસાર કરવો. કોઈના દોરાવે દોરાવું નહીં. જાતિવાદ ભડકાવવામાં આવે તો તેમાં આવવું નહીં.

એકંદરે જુલાઈ ૨૦૨૦ પછીનો સમય ખૂબ જ સારો સમય આવશે અને ૨૦૨૩ સુધીમાં ભારત તમામ મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ લાવી ભારત દેશને બીજા દેશોની સરખામણીમાં અવ્વલ સ્થાને લાવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK