ઇન્સ્ટન્ટ નિખાર માટેનો નવો ટ્રેન્ડ ફેશ્યલ બૉમ્બ

Published: 29th September, 2020 15:55 IST | Bhakti Desai | Mumbai

નાના કદમાં અદ્ભુત રિઝલ્ટ આપતી આ ચીજ શું છે અને એ ઘરે જ તૈયાર કરવા માટે શું થઈ શકે એ જાણીએ...

 સૌથી વધુ ફેમસ થયો હોય એવો ઑપ્શન છે ફેશ્યલ બૉમ્બનો. આમ તો આ બૉમ્બ રેડીમેડ પણ અનેક વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે,
સૌથી વધુ ફેમસ થયો હોય એવો ઑપ્શન છે ફેશ્યલ બૉમ્બનો. આમ તો આ બૉમ્બ રેડીમેડ પણ અનેક વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે,

બ્યુટી પાર્લર વિના ચહેરાની સુંદરતાને બરકરાર રાખવા માટે છેલ્લા છ મહિનામાં મહિલાઓએ અનેક ઘરગથ્થુ પ્રયોગો કર્યા તેમ જ ઘેરબેઠાં જાતજાતની બ્યુટી પ્રોડક્ટ્સ અજમાવી છે. આ ચીજોમાંથી એક પ્રોડક્ટ છે જે ફેશ્યલની ગરજ પણ સારે છે અને સ્ક્રબિંગ, ક્લીનિંગ અને ગ્લોઇંગ જેવી ઑલ ઇન વન સર્વિસ આપે છે. નાના કદમાં અદ્ભુત રિઝલ્ટ આપતી આ ચીજ શું છે અને એ ઘરે જ તૈયાર કરવા માટે શું થઈ શકે એ જાણીએ...

લૉકડાઉન દરમ્યાન બ્યુટી સૅલોં બંધ થયાં હોવા છતાં પોતાની વ્યસ્ત જીવનશૈલીમાં પણ પોતાના સૌંદર્યની સંભાળ ઘરમેળે જ રાખવામાં સ્ત્રીઓ આત્મનિર્ભર થવા લાગી છે. બ્યુટી પાર્લરમાં ક્લીન-અપ અને ફેશ્યલ માટે નિયમિત રીતે જનારી સ્ત્રીઓ માટે લૉકડાઉનનો સમય પડકારજનક હતો, પણ આમાં ઘણી મહિલાઓએ ઇન્ટરનેટ અને વિડિયોના માધ્યમથી વિવિધ માહિતી મેળવીને ઘરે ફેશ્યલ કરવાના રસ્તા શોધી લીધા. એ જ વિકલ્પોમાંથી સૌથી વધુ ફેમસ થયો હોય એવો ઑપ્શન છે ફેશ્યલ બૉમ્બનો. આમ તો આ બૉમ્બ રેડીમેડ પણ અનેક વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે, પરંતુ આને ઘરે બનાવીને પણ ફેશ્યલ જેવી કાન્તિ મેળવી શકાય છે.
વીસ વર્ષથી ઘરેથી જ બ્યુટી સૅલોં ચલાવી રહેલાં અને સૌંદર્યના વિષયમાં સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર બોરીવલીનાં દીપિકા છેડા કહે છે, ‘લૉકડાઉન દરમ્યાન સ્ત્રીઓને મોટો પ્રશ્ન એ પડ્યો હતો કે તેઓ ઘરે બેસીને ચહેરાની ત્વચાની કાળજી કઈ રીતે રાખી શકે. આધુનિક યુગની સ્ત્રીઓ પોતાના ચહેરાની ત્વચાને લઈને ખૂબ જ સાવચેતી વર્તે છે. તેમને બહાર મળતાં કોઈ પણ ક્રીમ, સૌંદર્ય પ્રસાધનો પર જલદી વિશ્વાસ બેસતો નથી, કારણ કે હવે કોઈને કેમિકલવાળી પ્રોડક્ટ્સ વાપરવી ગમતી નથી. બજારમાં મળતી અમુક ફેશ્યલ ક્રીમ ચહેરાને ચમકદાર બનાવવાનો દાવો જરૂર કરે છે, પણ એમાં થોડા ઘણા અંશે અમુક રસાયણોનો ઉપયોગ થતો હોય છે. આવાં અનેક કારણોથી હવે જેલ બેઝ્ડ નાના ફેશ્યલ બૉમ્બનો ટ્રેન્ડ વધ્યો છે.’
ખરેખર આ ચીજ છે શું?
ફેશ્યલ બૉમ્બ શું છે અને એ કેવી રીતે અસરકારક છે એ જણાવતાં દીપિકા છેડા કહે છે, ‘સાચું કહું તો ફેશ્યલ બૉમ્બ વર્ષોથી બજારમાં અને ઑનલાઇન મળે છે. એને ફેશ્યલ ગોટી પણ કહેતા, પણ આના વિશેની વધુ જાણકારી ઉપલબ્ધ નથી અને મહિલાઓને આજ સુધી ઘરે ફેશ્યલ કરવાનો વારો આવ્યો નહોતો તેથી કોઈએ એની ખાસ નોંધ લીધી નહોતી. આ એક સાબુની ગોટી જેવું હોય છે. ચહેરા પર થોડું પાણી લગાડીને બરફ સાથે અથવા બરફ વગર આને લગાડી શકાય છે. પછી માત્ર બે હથેળી અને આંગળીઓથી ચહેરા પર આઠથી દસ મિનિટ સુધી હલકા હાથે મસાજ કરી ઠંડા પાણીએ ચહેરો ધોઈને એને એક ચોખ્ખા નૅપ્કિનથી સાફ કરી લેવો. હવે અમુક જણને પ્રશ્ન થતો હશે કે ફેશ્યલમાં તો ક્લીન-અપ પણ કરવામાં આવે છે, જે આનાથી કઈ રીતે થઈ શકે? પણ જરૂરી નથી કે કોઈ સાધનથી ડેડ સ્કિન અથવા બ્લૅક અને વાઇટ હેડ્સ કાઢો તો જ ચહેરો સાફ થાય. સામાન્ય રીતે આવા પ્રાકૃતિક બૉમ્બમાં જે ઘટકો રહેલા હોય છે એ અંદરથી ચહેરાને સાફ કરે છે અને નિયમિત રીતે આ લગાડવાથી તથા દિવસમાં માત્ર દસ મિનિટ ચહેરા પર મસાજ કરવાથી ડેડ સ્કિન, બ્લૅક હેડ્સ, વાઇટ હેડ્સ નીકળે છે અને ચહેરો સાફ થવા લાગે છે. નિયમિત રીતે ધ્યાન રાખીએ તો ત્વચાનાં છિદ્રોમાં ધૂળ જામતી નથી અને આના કારણે બ્લૅક હેડ્સ, વાઇટ હેડ્સ જેવી સમસ્યા ઉદ્ભવતી પણ નથી. ફેશ્યલ બૉમ્બની અસર ફેશ્યલ જેવી જ હોય છે અને એવી જ તાજગી ચહેરાની ત્વચા પર આના ઉપયોગ પછી અનુભવાય છે. બજારમાં ઉપલબ્ધ વિવિધ ક્રીમ કરતાં ફેશ્યલ બૉમ્બ વધુ સેફ છે.’
જાત જાતના ફેશ્યલ બૉમ્બ
ત્વચાનો પ્રકાર, એની જરૂરિયાતના આધારે વિવિધ પ્રકારના બૉમ્બ બનાવી શકાય છે. ખીલ થતા હોય તો એ મુજબ, વધુપડતી ઑઇલી કે વધુપડતી ડ્રાય ત્વચા હોય તો એ મુજબ અને બ્લૅક હેડ્સ, વાઇટ હેડ્સ વધુ થતા હોય તો એ મુજબ ફેશ્યલ બૉમ્બના વિવિધ પ્રકાર હોય છે. એ વિશે સમજાવતાં દીપિકા છેડા કહે છે, ‘આમાં ચારકોલ, નીમ, લેમન, ગ્રીન ઍપલ, સ્ટ્રૉબરી, મિક્સ ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, ડાયમન્ડ, ગોલ્ડ, રેડ વાઇન, બદામ આમ અનેક પ્રકાર આવે છે. વર્ષો પહેલાં જે બૉમ્બ મળતા હતા એ સાબુની જેમ ખૂબ મોટા કદવાળા આવતા હતા, પણ હવે એના ઉપયોગને ધ્યાનમાં રાખી નાના કદમાં ઉપલબ્ધ છે જેથી એમાંથી ત્રણ કે ચાર ફેશ્યલ સહજતાથી થઈ શકે છે. પ્રાકૃતિક વસ્તુથી બનેલા બૉમ્બથી ઘરે જ ફેશ્યલ કરાવીએ તો ચમકદાર ત્વચા મળે છે અને આનાથી ફેશ્યલ જેવી જ કાન્તિ આવી જાય છે. સેન્સિટિવ સ્કીન માટે આ ઉત્તમ ઉપાય છે.’
આઇસ બેઝ્ડ ફેશ્યલ બૉમ્બ
જેલ બેઝ્ડ ફેશ્યલ બૉમ્બ કરતાં આઇસ બેઝ્ડ ફેશ્યલ બૉમ્બની અસર વધુ સારી હોય છે એવું જણાવતાં દીપિતા છેડા આગળ કહે છે, ‘વળી આ બૉમ્બ તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છે. આના એક ક્યુબને બરફની જેમ ચહેરા પર આખો પીગળી જાય ત્યાં સુધી ઘસતા રહેવું અને પછી હાથેથી મસાજ કરી મોઢું ધોઈ નાખવું. નિયમિત આ રીતે કરવાથી ચહેરાને કુદરતી સુંદરતા પ્રદાન થશે. ખીલ, ચહેરાની કાળાશ, ધબ્બા પણ દૂર થઈ જશે. ફેશ્યલ કરાવવા જવાનો સમય ન હોય, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈતું હોય તો આ ફેશ્યલ બૉમ્બ ખૂબ કામનો છે. ટીનેજરથી લઈને કેટલી પણ ઉંમરની સ્ત્રીઓ આનો ઉપયોગ કરી શકે છે, કારણ કે આ ૧૦૦ ટકા નૅચરલ હોય છે અને તેથી જ ત્વચાના દરેક પ્રકાર પર, એમાંય સવેદનશીલ ત્વચા ધરાવનાર પર પણ આઇસ બેઝ્ડ ફેશ્યલ બૉમ્બ ઉત્તમ અસર આપે છે. જેમને કેમિકલવાળી પ્રોડક્ટ્સ વાપરવાની ડૉક્ટરે ના પાડી હોય અને જેમની ત્વચા સંવેદનશીલ હોય તેઓ બજારમાં મળતી કોઈ પણ પ્રોડક્ટ્સ ન વાપરતાં જો આઇસ બેઝ્ડ ફેશ્યલ બૉમ્બ ઘરે બનાવી ફેશ્યલ કરે તો પંદર દિવસમાં જ તેમની ત્વચા ચમકવા લાગે છે.’

આ રીતે ઘરે જ બનાવો આઇસ બેઝ્ડ ફેશ્યલ બૉમ્બ

ફેશ્યલ બૉમ્બમાં ગ્લિસરિન અને ગુલાબજળ આ બે ઘટક સામાન્ય છે. ગ્લિસરિન ત્વચા માટે ખૂબ લાભદાયી છે. એનાથી ચહેરા પર ચમક આવે છે અને એ અંદરથી ચહેરાની ત્વચા પરની કોઈ પણ ક્ષતિને મટાડવાનું કામ કરે છે. ગુલાબજળ ત્વચાને ઠંડક અર્પે છે સાથે ત્વચાનાં છિદ્રોમાં રહેલી ચીકાશ, ધૂળ વગેરેને દૂર કરે છે અને ચહેરાને સાફ કરે છે. ત્વચા પર લાલાશ, ખંજવાળ, બળતરા જેવી સમસ્યામાં પણ ગુલાબજળ લાભદાયી છે.
૧. આયુર્વેદ બૉમ્બ

સામગ્રી
૩ ચમચી ફુદીનાનો પાઉડર બે ચમચી તુલસી પાઉડર
૩ ચમચી લીમડા અથવા નીમ પાઉડર
(કડવો લીમડાનો પાઉડર ત્વચા માટે સારો, પણ ન ફાવે તો મીઠો લીમડાનો પાઉડર વપરાય)
૩ ચમચી મુલતાની માટી
૩ થી ૪ ચમચી ગ્લિસરિન
૩ ચમચી ગુલાબજળ
૨. મિક્સ ફ્રૂટ ફેશ્યલ બૉમ્બ

૨ નંગ સ્ટ્રૉબેરી/ આંબો/ ડ્રૅગન ફ્રૂટ/ કિવી/ અંજીર (ઋતુ પ્રમાણે)
(બ્લૅક હેડ્સ અને વાઇટ હેડ્સની સમસ્યાવાળાએ દાણાવાળાં ફળોનો ઉપયોગ વધારે કરવો જેથી એ સ્ક્રબનું કામ કરે)
બે નંગ સંતરાં
૩ ચમચી ગ્લિસરિન
ગુલાબજળ
ગુલાબની પાંદડી થોડી ઝીણી કાપીને નાખવી
૩. ઉબટન ફેશ્યલ બૉમ્બ

બે ચમચી ચણાનો લોટ
થોડી ગુલાબની પાંદડીઓ
૩ ચમચી ગ્લિસરિન
૩ ચમચી ગુલાબજળ
૪. ડ્રાયફ્રૂટ બૉમ્બ

બે ચમચી બદામનો ભૂકો
બે ચમચી અંજીર પેસ્ટ (૧ અંજીર)
બે ચમચી મલાઈ
૧ ચમચી ગ્લિસરિન
બે ચમચી ગુલાબજળ
બનાવવાની રીત
દરેક બૉમ્બ બનાવવાની રીત એકસરખી જ છે. આપેલી બધી સામગ્રી ભેળવી મુલાયમ પેસ્ટ જેવું બનાવવા જરૂર પડે તેમ સાદું પાણી અથવા ગુલાબજળ ઉમેરતાં જવું અને પછી એને બરફ બનાવવાની ટ્રેમાં સેટ થવા મૂકી દેવું. આમાંથી એક ક્યુબ દરરોજ ચહેરા પર ઘસવો. આનું પરિણામ ખૂબ સારું આવે છે. આ બધા પાઉડર બજારમાં મળે છે અને ઘરે પાંદડાં સૂકવીને મિક્સરમાં વાટીને પણ બનાવી શકાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK