Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૨૦૨૦નું વર્ષ નર્સોને નામ

૨૦૨૦નું વર્ષ નર્સોને નામ

12 May, 2020 08:14 PM IST | Mumbai
Bhakti D Desai

૨૦૨૦નું વર્ષ નર્સોને નામ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


શું કોવિડ-19ને કારણે અચાનક હેલ્થ સેક્ટરને નર્સોની ઉપયોગિતા સમજાઈ છે એટલે આમ નક્કી કરવામાં આવ્યું છે? ના. આજે ઇન્ટનૅશનલ નર્સ ડે છે અને મૉડર્ન નર્સિંગનો પાયો નાખનાર ફ્લોરેન્સ નાઇટિન્ગલની આ વર્ષે ૨૦૦મી બર્થ-ઍનિવર્સરી હોવાથી આ વર્ષને યર ઑફ ધ નર્સ ઍૅન્ડ મિડવાઇફ તરીકે ઊજવવાનું વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને નક્કી કર્યું છે. ચેપી રોગોના સંક્રમણને અટકાવવા માટે ફ્લોરેન્સે પોતાની આખી નર્સિંગ કરીઅર દરમ્યાન હૅન્ડ-વૉશિંગના સૂત્રને ખૂબ પ્રમોટ કરેલું જે આજના સમયમાં પણ પ્રસ્તુત છે એટલું જ નહીં, સ્વસ્થ રહેવાનો મૂળ મંત્ર બની ગયો છે. જો હેલ્થ સેક્ટરમાં નવી ઊંચાઈઓ સર કરવી હોય તો ડૉક્ટરોની સાથે ખભેખભા મિલાવીને કામ કરતી નર્સોના યોગદાનને નજરઅંદાજ નહીં કરી શકાય એ હવે વૈશ્વિક સ્તરે સમજાઈ રહ્યું છે. ચાલો આજે જાણીએ કે નર્સ માત્ર ડૉક્ટરની સહાયક જ નથી, તે સારવારને વધુ અસરકારક બનાવી શકે છે અને પેશન્ટની મિત્ર બનીને તેની પીડાદાયક યાત્રાને હળવી પણ કરી  શકે છે.

ભક્તિ ડી દેસાઈ



નર્સિંગ એટલે સંભાળ લેવી, માવજત કરવી, પાલન અને પોષણ કરવું. આખો દિવસ તમારે માંદા, બીમાર લોકોની વચ્ચે રહેવાનું, તેમની ફરિયાદો હસતા મોંએ સાંભળવાની. મા જેમ પોતાના બાળકની કાળજી રાખે એમ નર્સ પણ પેશન્ટે સમયસર ખાધું, દવા લીધી, કંઈક થાય છે જેવી નાની-નાની વાતોની આખો દિવસ કૅર કરતી રહેતી હોય છે. આખો દિવસ જ નહીં, તેની આખી કરીઅર જ કૅરિંગની છે. જરા વિચારીએ તો અજૂગતું લાગશે કે નર્સ જ્યારથી આ ક્ષેત્રમાં આવવાનું નક્કી કરે છે એ દિવસથી લઈને રિટાયર થાય ત્યાં સુધી તેમની ઉત્તમ કામગીરી બજાવ્યા છતાં પણ નર્સ જ રહે છે, આ ક્ષેત્રમાં ડેઝીગનેશન એટલે કે સિનિયર કે જુનિયર જેવા વિશેષ કોઈ હોદ્દા હોતા નથી, પણ જો સંદર્ભ લગાડીએ તો સમજાય કે આ સંસારમાં જેમનું સૌથી ઊંચું સ્થાન છે તેને આવા પદની જરૂર પણ શું? આજે કેટલીક નર્સો સાથે ગોષ્ઠિ કરીને જાણવાની કોશિશ કરીએ કે તેઓ તેમના પ્રોફેશન વિશે શું માને છે.


 

મેડિકલ ક્ષેત્રની કરોડરજ્જુ છે નર્સ


એક દાયકાથી નર્સ તરીકે કામ કરનાર શ્રિયા પિંપળે હાલમાં પોદાર હૉસ્પિટલમાં કોવિડ-૧૯ના દરદીઓની સારવાર કરી રહ્યા છે. તેઓ કલ્યાણમાં રહે છે. નર્સિંગ અને હાલના અનુભવ વિષે તેઓ કહે છે, ‘હું આટલાં વર્ષોથી દરદીઓની સેવા અને સારવાર કરું છું અને મને ગર્વ છે કે આજની તારીખમાં પણ હું સમાજને કામ આવી શકું છું. નર્સિંગ ક્ષેત્રમાં કામ કરનાર દરેકને મેડિકલનું જ્ઞાન તો હોય જ છે, પણ સાથે પ્રૅક્ટિકલ અનુભવ વધારે હોય છે. આમાં ઘણા પડકારો રહેલા છે. હાલમાં પણ કોવિડ-૧૯ના દરદીઓની સૌથી નજીક સતત કોઈ રહેતું હોય તો એ નર્સ જ છે. નર્સિંગ ક્ષેત્રમાં આવ્યા પછી અમારે ભાવનાઓ પર ખૂબ કાબૂ રાખવો પડે છે અને હાલના સમયમાં મનથી વધુ મજબૂત રહેવું પડે છે, કારણ કે અમારા ઘરમાં પણ નાનાં બાળકો અને વડીલો છે. સાત દિવસ કામ કર્યા પછી બીજા સાત દિવસ અમને હોમ ક્વૉરન્ટીન રહેવું પડે છે. અમારે દરરોજ હૉસ્ટેલમાં રહી અમારી બધી ખાવા-પીવાની વ્યવસ્થા પોતે કરવાની હોય છે. છેલ્લે હું એક વાત કહીશ કે નર્સ હેલ્થ કૅર ક્ષેત્રની કરોડરજ્જુ છે.’

કાળજી નર્સના વ્યક્તિત્વનું અવિભાજ્ય અંગ છે

છેલ્લાં ૧૪ વર્ષોથી નર્સની કામગીરી કરતાં વૈશાલી પૂજારી હાલમાં કળવાની શિવાજી હૉસ્પિટલમાં કામ ૨૦૨૦નું વર્ષ નર્સોને નામ

પંદરમે પાનેથી ચાલુ

કરે છે. પપ્પાની ઇચ્છાથી તેઓ આ ક્ષેત્રે આવેલાં. આવી મહામારીના સમયમાં તેઓ કોરોનાના દરદીઓ માટે કામ કરી શકે છે એ માટે પોતાને ખુશનસીબ માનતાં વૈશાલી કહે છે, ‘મેં આઇસોલેશન વૉર્ડમાં પણ કામ કર્યું છે અને પછી કોવિડ ટેસ્ટ કરાવીને એ નેગેટિવ આવ્યા પછી  સુરક્ષિતતા માટે હું ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટીન હતી. હું તંદુરસ્ત છું એની ખાતરી થઈ ગઈ છે તેથી બે જ દિવસમાં હું હૉસ્પિટલ કામ કરવા જઈ શકીશ. હું ગાયનેકોલૉજી વિભાગમાં એટલે કે લેબર-રૂમમાં કામ કરું છું. મારા ઘરમાં મારો નાનો દીકરો પણ છે, છતાંય મારું મન સતત હૉસ્પિટલમાં જ હોય છે. ત્યાં પણ હાલમાં સ્ટાફ ઓછો છે. અમુક નર્સિસ ડબલ ડ્યુટી પણ કરી રહી છે. જ્યારે અમે નર્સ બનીએ ત્યારે અમે પોતાને એવી રીતે ટ્રેઇન કરીએ છીએ કે આ વ્યવસાય અમારા વ્યક્તિત્વથી અલગ નથી. દરદીની સેવા અમારા અંગત જીવનનો જ એક હિસ્સો બની જાય છે. સાચું કહું તો ઘરમાં એકલી રહેતાં મને કોઈ વાર ડર લાગે છે, પણ હૉસ્પિટલમાં અંધારામાં પણ એક માળ પરથી બીજા માળે રાત્રે એકલી જતાં ક્યારેય કોઈ ડર નથી લાગ્યો. અમે યુનિફૉર્મ પહેરીએ કે આપોઆપ અમને હિમ્મત મળી જાય છે.’

પેશન્ટ સાથે ઘનિષ્ઠ નાતો

પોતદારમાં કોવિડ-૧૯ના દરદીઓ સાથે કામ કરનાર બીએસસી નર્સિંગના ચોથા વર્ષનાં સ્ટુડન્ટ નર્સ દીપ્તિ આગીવાલે આ ક્ષેત્ર વિષે કહે છે, ‘ડૉક્ટર જ્યારે ઇમર્જન્સી ઊભી થાય અને વિશેષ તપાસ કરવી હોય ત્યારે જ દરદી પાસે આવે છે, પણ અમે દરદી જ્યારથી હૉસ્પિટલમાં આવે ત્યારથી તે ઘરે જાય ત્યાં સુધી તેનાં દરેક સુખ, દુ:ખ, વેદનામાં તેમની સાથે હોઈએ છીએ. ઘણી વાર કોઈ એવી ઉપાધિ આવે કે ડૉક્ટરની તરત જ જરૂર પડે તો  ડૉક્ટર આવે ત્યાં સુધી દરદીને શારીરિક અને માનસિક રીતે સારવાર કરી તેને અને પરિવારજનોને હિમ્મત આપીને પરિસ્થિતિ સંભાળવી પડે છે. ઉદાહરણ આપું તો એક દરદીને ચક્કર આવીને તે પડી ગયા અને એ સમયે જેમણે જોયું કે આ માણસ પડી ગયો છે તેમણે કોરોનાના ભયથી તેને હાથ ન લગાડ્યો. અમે ડૉક્ટરના સલાહસૂચન સાથે સારવાર કરીને માત્ર અમુક મિનિટની અંદર જ તેમને સ્ટેબલ કર્યા. આવા સમયે દરદીને માનસિક હિંમત આપવાનું કામ નર્સનું છે. અમને કોરોનાના દરદીની સારવાર કરતી વખતે પણ પોતાના જીવનો વિચાર ક્યારેય નથી આવતો. આ યુનિફૉર્મમાં જ એક અજીબ શક્તિ છે.’

નર્સ તરફનો અભિગમ બદલવાની જરૂર છે

સેવા મંડળ એજ્યુકેશન સોસાયટી’ઝ કૉલેજ ઑફ નર્સિંગ, માટુંગા, મુંબઈના પ્રિન્સિપલ તથા એમસસી ઇન સાઇકિયાટ્રિક નર્સિંગ, અંજલિ કાટદરેને નર્સિંગના ક્ષેત્રમાં ૪૩ વર્ષોનો પ્રચંડ અનુભવ છે. તેમણે પુણે અને મુંબઈની અગ્રણી હૉસ્પિટલોમાં કામ કર્યું છે અને નર્સિંગ વિષય પર લેક્ચર્સ પણ આપે છે. નર્સિંગના પ્રોફેશન વિશે તેઓ કહે છે, ‘નર્સિંગ એક સ્વતંત્ર અને સ્વાયત્ત ક્ષેત્ર છે. આના વિષે તમને સમજાવતાં પહેલાં એમ કહીશ કે મારાં પ્રથમ ગુરુ મારી માતા છે અને નર્સિંગના આખા ક્ષેત્રને સમજવા ફક્ત આંખ બંધ કરી પોતાની માતાને યાદ કરી લેજો તો સમજાઈ જશે કે નર્સનું સ્થાન શું છે. આ સમયે તમારા મનમાં આવનાર પ્રથમ શબ્દ હશે ભોગ અથવા બલિદાન. બસ, મારા વિદ્યાર્થીઓને પણ સૌથી પહેલાં હું આ જ શીખવું છું. કુદરત કે ઈશ્વરની પવિત્ર ભેટ છે મનુષ્ય જીવન અને તેની સાથે કામ કરવા ગૌરવ, સ્વચ્છતા, પ્રામાણિકતા અને અનુશાસન આ નર્સિગ ક્ષેત્રના મુખ્ય સ્તંભ છે જેના મૂળમાં છે માવજત એટલે કે નર્ચરિંગ. માનવ જીવનનું જતન કરવું એ અમારો ધર્મ છે જેના માટે આ જન્મમાં અમે નર્સ બન્યાં છીએ. આ વ્યવસાયમાં કામ કરવાવાળાને વૈદ્યકીય ક્ષેત્રનું ખૂબ ઊંડું જ્ઞાન હોવું જોઈએ, ડૉક્ટરથી પણ વધારે.  હા, એટલે જ નવા ડૉક્ટર્સ માટે નર્સ ટ્રેઇનરની ભૂમિકા ભજવે છે. એક નર્સને માટે સતર્કતા પણ એટલી જ જરૂરી છે. સમાજ ભલે એમ સમજે કે નર્સ ડૉક્ટરની અસિસ્ટન્ટ છે, પણ વાસ્તવિકતા એ છે કે તે તો સહાયક હોવા છતાં તે સારવાર માટે જરૂરી બધું જ કરે છે. સાચું કહું તો નર્સની ટ્રેઇનિંગ નર્સિંગ હોમ ચલાવવા માટેની હોય છે, પણ તેને નર્સિંગ હોમ ચલાવવાનો અધિકાર મળતો જ નથી. તેમને મળવા જોઈએ એટલા પગાર પણ મળતા નથી. આ કાર્ય ખૂબ પવિત્ર છે, પણ એને યોગ્ય સ્થાન અને ન્યાય મળે એ મારી ઈચ્છા છે.’

મેન્ટલ હૉસ્પિટલમાં પણ નર્સ તરીકેની ફરજ બજાવી ચૂકેલાં અંજલિ કહે છે, ‘મેં મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કર્યું છે અને ત્યાં દરદીઓને  બિનશરતી અને નિ:સ્વાર્થ પ્રેમની ખૂબ જરૂર હોય છે, જે એક નર્સ તરીકે  આપવો જોઈએ અને મેં આપ્યો છે. સમાજનો નર્સ તરફનો અભિગમ બદલવાની ખૂબ જરૂર છે. હાલમાં કોરોના સામે એક કોલ્ડ વૉર ચાલી રહી છે અને એમાં નર્સ ખૂબ મહત્ત્વની એટલે કે સૈનિકોની ભૂમિકા ભજવી રહી છે. આજે ગ્રાઉન્ડ લેવલ પર દરદીઓનું ધ્યાન રાખવા નર્સ સતત હાજર રહે છે તો પણ કોઈ ખાસ સુવિધાઓ નર્સને કેમ આપવામાં નથી આવતી? નર્સની ઉપસ્થિતિથી તેના યોગદાનનું મહત્ત્વ ન સમજાતું હોય તો થોડી ક્ષણો માટે નર્સ વગરની હૉસ્પિટલની કલ્પના કરો તો કદાચ સમજાશે કે એક અનુભવી નર્સ, તેના કાળજી રાખવાવાળાં કોમળ હાથ અને હૃદય સિવાય તબીબી ક્ષેત્ર અધૂરું છે.’

 

એવું શું કર્યું હતું ફ્લોરેન્સ નાઇન્ટિન્ગલ?

જેની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇજેશન જેવી ગ્લોબલ સંસ્થાએ ૨૦૨૦ના આખા વર્ષને યર ઑફ ધ નર્સ ઍન્ડ મિડવાઇવ્સને સમર્પિત કરવાનું જાહેર કર્યું છે એવા ફ્લોરેન્સ નાઇન્ટિન્ગલની કામગીરી અને વિચારો આજના કોવિડ-19ના રોગચાળામાં પણ ખરેખર એટલા જ પ્રસ્તુત છે જેટલા દાયકાઓ પહેલા હતા.

આમ તો ફ્લોરેન્સ એક બ્રિટિશ સમાજ સુધારક અને આંકડાશાસ્ત્રી હતા. આંકડાશાસ્ત્રી હોવા છતાં તેમણે મેડિકલ ક્ષેત્રે કેટકેટલીય ક્રાંતિકારી કહેવાય એવી હેલ્ધી આદતોની જરૂરિયાતો સાબિત કરેલી. ૧૮૫૧ની સાલમાં જ્યારે નર્સિંગના પ્રોફેશનને એટલો સારો ગણવામાં નહોતો આવતો ત્યારે તેમણે પેરન્ટ્સની વિરુદ્ધ જઈેન નર્સ બનવાનું પસંદ કર્યું. એ સમયે ચોતરફ ફેલાયેલા કૉલેરા અને ટાઇફસના રોગચાળાને નાથવા માટે દવા ઉપરાંત સ્વચ્છતા અને ખાસ તો હાથ ધોવાની જરૂરરિયાત કેટલી છે એ તેમણે એ વખતના હૉસ્પિટલોના ડેટાનું વિશ્લેષણ કરીને તારવેલું. હૉસ્પિટલોમાં નર્સ તરીકે ચેપી રોગોનો ફેલાવો અટકાવવા માટે વારંવાર હાથ ધોવા પર ભાર મૂકેલો, જે વિચાર આજે પણ એટલો જ ઍપ્લિકેબલ છે.

પેશન્ટ્સની સારવારમાં ડૉક્ટરોને મદદ કરવા ઉપરાંત તેમણે ઓવરઑલ હેલ્થના ડેટાનું વિશ્લેષણ કરીને મેડિકલ ક્ષેત્રને નવી દિશા આપવાની શરૂઆત કરેલી. મિલિટરી યુદ્ધમાં ઘાયલ થયેલા બ્રિટીશ સૈનિકોની સારવાર કરવા માટે નર્સોને તાલીમ આપવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ‘નોટ્સ ઑન નર્સિંગ; વ્હૉટ ઈટ ઇઝ ઍન્ડ વ્હૉટ ઇઝ ઇઝ નૉટ’  લેખ દ્વારા હેલ્થ ક્ષેત્રે નર્સના અમૂલ્ય યોગદાન તરફ સમાજના દ્રષ્ટિકોણને બદલીને મૉડર્ન નર્સિંગને નવો અપ્રોચ આપનારાં આ લેડીએ કરેલાં કામોને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ પણ છે જે લંડનની સૅન્ય થૉમસ હૉસ્પિટલમાં આવેલું છે.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 08:14 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK