ડાયાબિટીઝ થયા પછી કેટલાં વરસમાં સેક્સ-લાઇફ ખલાસ થઈ જાય?

Published: 16th December, 2014 06:11 IST

ડાયાબિટીઝની દવાની આડઅસરને કારણે કદી સેક્સ-લાઇફમાં પ્રૉબ્લેમ થવાનું સાંભળ્યું નથી.


સેક્સ-સંવાદ-ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૪૮ વરસની છે. જનરલ સમસ્યાઓ લઈને ફૅમિલી ડૉક્ટર પાસે ગયેલો અને તેમણે બ્લડ-શુગર ચેક કરવા કહેલું ને ખરે જ મારું બ્લડ-શુગર ખૂબ હાઈ આવ્યું. તેમના કહેવા મુજબ હવે મારે નિયમિત દવાઓ લેવી પડશે. મેં એવું સાંભળ્યું છે કે ડાયાબિટીઝની દવાની આડઅસરને કારણે સેક્સ-લાઇફમાં આગળ જતાં પ્રૉબ્લેમ થઈ શકે છે. આડઅસર ન થાય અને ડાયાબિટીઝ પણ મટે એવું કંઈ ન થાય? મને હજી સુધી ઉત્તેજના આવવામાં તકલીફ નથી, પણ દવાઓ શરૂ કર્યા પછી કામેચ્છા ઘટી ગઈ છે. ડાયાબિટીઝ થયા પછી કેટલાં વરસમાં સેક્સ-લાઇફ ખલાસ થઈ જાય?

જવાબ : સૌથી પહેલાં તો કહેવું પડશે કે તમે જે સાંભળ્યું છે એ સાવ જ ખોટું છે. ડાયાબિટીઝની દવાની આડઅસરને કારણે કદી સેક્સ-લાઇફમાં પ્રૉબ્લેમ થવાનું સાંભળ્યું નથી. એનાથી ઊલટું જો ડાયાબિટીઝને ટ્રીટ કરવામાં ન આવે અને લાંબો સમય સુધી શુગર બ્લડમાં રહેતી હોય તો એનાથી સેક્સ-લાઇફમાં તકલીફ ઊભી થઈ શકે છે. માટે આડઅસરની બીકે દવા ન લેતા હો તો નિયમિત લેવાનું શરૂ કરી દો. ડાયાબિટીઝને કારણે લાંબા ગાળે શિશ્નમાં રક્તભ્રમણમાં ઓછપ થવાને કારણે ઉત્થાનનમાં તકલીફ થઈ શકે છે.


બીજું, ડાયાબિટીઝ થયા પછી અમુક-તમુક ચોક્કસ વર્ષે સેક્સ-લાઇફ ખતમ થઈ જાય એવું નથી હોતું. ઘણા લોકોને ડાયાબિટીઝ વિના પણ ઉત્થાનમાં તકલીફ આવે છે તો જે લોકો ડાયાબિટીઝ કાબૂમાં રાખે છે તેમની સેક્સ-લાઇફ લાંબી મજાની ચાલે છે. તમે બ્લડ-શુગર લેવલ કન્ટ્રોલમાં રાખીને તમારી રક્તવાહિનીઓને સ્વસ્થ રાખો એ હેલ્ધી સેક્સ-લાઇફ માટે જરૂરી છે. ડાયાબિટીઝ માટેની દવાઓ ઉપરાંત ખાવાપીવામાં કાળજી રાખો. ફાઇબરવાળાં શાકભાજી, આખાં ધાન્યો વધુ લો. પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ કે આર્ટિફિશ્યલ કલર્સ વગેરેનું સેવન સદંતર બંધ કરો. એ બધા ઉપરાંત રોજ દિવસમાં ૪૫ મિનિટ હળવી કસરતો અને યોગાસન કરો. રોજ જમ્યા પછી દસ મિનિટ હળવું વૉક લો. એનાથી પાચનક્રિયા સુધરશે. હાર્ટ-રેટ વધે એવી કસરત કરતા રહેવાથી ડાયાબિટીઝ પણ કન્ટ્રોલમાં રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK