ટ્રેન્ડને વિચારીને ફૉલો કરો

Published: 26th December, 2012 06:08 IST

સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ની ખુશી એટલે કે સનાયા ઈરાની પોતાના પર જે સારું લાગે એને ફૅશન માને છેઅર્પણા ચોટલિયા

‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ પહેલાં સનાયા ઈરાની અનેક જાહેરાતો માટે મૉડલિંગ કરી ચૂકી છે તેમ જ તેણે ‘લેફ્ટ રાઇટ લેફ્ટ,’ ‘મિલે જબ હમ તુમ’ અને ‘રાધા કી બેટિયા’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. હંમેશાં જ સુંદર લાગતી સનાયા ફૅશનેબલ તો છે, પરંતુ પોતાના નિયમો પ્રમાણે. તે પોતાને એક્સ્ટ્રીમ શૉપર તો ગણાવે છે, પરંતુ બ્રૅન્ડ કૉન્શિયસ જરાય નથી. જાણી લો ફૅશન વિશે તેના ખ્યાલો કેવા છે.

ફૅશન એટલે...

મને ખરેખર ખબર નથી કે ફૅશન એટલે શું. મારા મતે મારા પર જે સારું લાગે એને હું ફૅશન ગણું છું. મારી માટે કપડાં હું જાતે જ સિલેક્ટ કરું છું અને બ્રૅન્ડ વગેરેમાં જરાય માનતી નથી. હું લકી છું કે મારું શરીર ઝડપથી બદલાતું નથી અને માટે જ આજથી છ વર્ષ પહેલા લીધેલાં કપડાં પણ મને ફિટ થાય છે. ફૅશન એટલે એવું કંઈ પણ કરવું જે તમને સૂટ થતું હોય, તમારા પર સારું લાગતું હોય.

ટ્રાવેલ અને શૉપિંગ


હું એક એક્સ્ટ્રીમ શૉપર છું. મોટા ભાગે હું ટ્રાવેલ કરું ત્યારે કપડાં ખરીદું છું. મારા વૉર્ડરોબમાં જેટલા દેશોમાં અને શહેરોમાં ટ્રાવેલ કર્યું છે ત્યાંની ચીજો જોવા મળશે. હું બ્રૅૅન્ડેડ પર્સન નથી, પરંતુ એવું પણ નથી કે હું બ્રૅન્ડેડ કપડાં નથી પહેરતી. મને જો કોઈ ચીજ પસંદ આવી જાય અને એ બ્રૅન્ડેડ હોય તો હું એ ખરીદી લઉં છું. પરંતુ એકાદ નાનું ટી-શર્ટ લેવું હોય તો ખાસ કોઈ મોટી બ્રૅન્ડમાં લેવા નથી જતી, ગમે ત્યાંથી ખરીદી લઉં છું. મારા કોઈ ફેવરિટ બ્રૅન્ડ જેવું પણ નથી.

ફેવરિટ ડ્રેસિંગ

ઘરે હોઉં ત્યારે હું શૉર્ટ્સ અને ટી-શર્ટ પહેરવાનું પસંદ કરું છું અને બાકી કૅઝ્યુઅલમાં જીન્સ, ટી-શર્ટ અને વન પીસ ડ્રેસ પહેરવા ગમે છે. વન પીસ ડ્રેસ હું કૅઝ્યુઅલ અને પાર્ટીવેઅર એમ બન્ને રીતે પહેરી શકું છું. આ ડ્રેસિસનો સૌથી મોટો ફાયદો એ છે કે એક જ પીસ હોય છે, જે પહેરવામાં આસાન હોય છે. જ્યારે સ્કર્ટ કે જીન્સ હોય તો એની સાથે પ્રોપર ટૉપ મૅચ કરવું પડે છે, જે મને નથી ગમતું. આ સિવાય આજ સુધી મેં ગાઉન પણ ટ્રાય નથી કર્યા, કારણ કે ગાઉન ખૂબ જ ડ્રેસી અને ફૉર્મલ ગણાય છે અને આજ સુધી એવી કોઈ ઇવેન્ટમાં હું ગઈ જ નથી કે મને ગાઉન પહેરવું પડે.

બધી જ ઍક્સેસરીઝ

હું મોટા ભાગે તૈયાર થાઉં ત્યારે મારી પાસે સમયની અછત હોય છે જેના લીધે હું પહેરવી હોય તોય ઍક્સેસરીઝ પહેરી શકતી નથી. જોકે મને ઍક્સેસરીઝ ખૂબ પસંદ છે અને બધા જ ટાઇપની ઍક્સેસરીઝ ગમે છે. વૉચ મારી ફેવરિટ છે. મને બ્રૅન્ડેડ ઘડિયાળો પસંદ છે ભલે એ લક્ઝરી બ્રૅન્ડ નહીં હોય તો ચાલશે, પરંતુ ઘડિયાળનું બ્રૅન્ડ તો હોવું જ જોઈએ. આજ સુધી મેં પોતાને આપેલી સૌથી મોંઘી ગિફ્ટ પણ એક ઘડિયાળ જ છે. હું શૉપિંગ કરવા જાઉં ત્યારે કોઈ એક ચીજ વધુ પ્રમાણમાં નથી ખરીદતી. શૂઝ, બૅગ, કપડાં આ બધું જ વધુ પ્રમાણમાં ઉપાડી લઉં છું.

ડિઝાઇનરવેઅર

મને ડિઝાઇનરવેઅર પહેરવું ગમે છે, પરંતુ કોઈ એક ડિઝાઇનર મારો ફેવરિટ નથી. મેં જો પાંચ ડ્રેસિસ ખરીદ્યા હશે તો એ દરેક જુદા-જુદા ડિઝાઇનરોએ ડિઝાઇન કરેલા હશે. ફેવરિટ જેવું કંઈ નથી. બધા જ ડિઝાઇનરોની કોઈ ને કોઈ ખાસિયત હોય છે, ફેવરેટિઝમ જેવું હોવું ન જોઈએ.

એક્સપરિમેન્ટ હદમાં કરો

નવા-નવા ટ્રેન્ડ જે રીતે આવે છે એ જ રીતે જતા પણ રહે છે. માટે કોઇ ખૂબ હટકે ટ્રેન્ડ આવે ત્યારે એ તમે પોતે કેટલા દિવસ અપનાવી શકશો એ વિચારીને એને ફૉલો કરો. છેલ્લા કેટલાક સમયથી નિયૉન કલર્સનો જે ટ્રેન્ડ છે એ મને એટલો સારો નથી લાગી રહ્યો, કારણ કે હું રંગો ખરીદ્યા બાદ વધુમાં વધુ ૧૦ દિવસ પહેરી શકીશ અને પછી કંટાળી જઈશ એટલે નવા ટ્રેન્ડ્સ હું ખૂબ ધ્યાનથી અપનાવું છું. મારા હિસાબે એક્સપરિમેન્ટ કરવા જોઈએ, પરંતુ હદમાં રહીને અને પોતાને શોભતા હોય ત્યાં જ સુધી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK