Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ભાવતી વસ્તુ ખાઈ લીધા પછી અફસોસ થાય છે?

ભાવતી વસ્તુ ખાઈ લીધા પછી અફસોસ થાય છે?

18 December, 2012 06:52 AM IST |

ભાવતી વસ્તુ ખાઈ લીધા પછી અફસોસ થાય છે?

ભાવતી વસ્તુ ખાઈ લીધા પછી અફસોસ થાય છે?




ફાલ્ગુની જડિયા-ભટ્ટ





ઈટિંગ ડિસઑર્ડર એટલે એક એવી સમસ્યા જે તમારા રોજિંદા ડાયટમાં ખલેલ પહોંચાડતી હોય જેમ કે બહુ જ ઓછું ખાવું અથવા બહુ વધારે ખાવું. સામાન્ય રીતે આ તકલીફની શરૂઆત થોડું ઓછું ખાવાથી અથવા થોડું વધારે ખાવાથી થતી હોય છે, પરંતુ ધીરે-ધીરે આ ફેરફાર એક આદત બની જાય છે. એક એવી આદત જે સમગ્ર વ્યક્તિત્વ પર હાવી થઈ જઈ આખી જીવનશૈલીને પ્રભાવિત કરવા માંડે છે. મોટે ભાગે આ બીમારી માનસિક તાણ, ડિપ્રેશન તથા કોઈ એક વસ્તુના વધુપડતા સેવન સાથે વધુ જોવા મળે છે. એ સિવાય પોતાના શરીરના વજન તથા શેપ પ્રત્યે કૉન્શિયસ લોકો પણ ઈટિંગ ડિસઑર્ડરથી વધુ પીડાતા હોવાનું નોંધવામાં આવ્યું છે.

કોને થાય?



પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ પોતાની સુંદરતા પ્રત્યે વધુ સજાગ હોવાથી ઈટિંગ ડિસઑર્ડરનું પ્રમાણ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે પુરુષો ક્યારેય આ તકલીફનો શિકાર થતા જ નથી. આમ તો આ બીમારી ટીનેજર્સ તથા યુવાનોમાં વધુ જોવા મળે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં એ બાળપણ અથવા પ્રૌઢ વયે પણ ડેવલપ થઈ શકે છે.

વિવિધ પ્રકારો

ઈટિંગ ડિસઑર્ડર્સમાં ઍનૉરેક્સિયા નર્વોસા, બુલિમિયા નર્વોસા તથા બિન્જ ઈટિંગનો સમાવેશ થાય છે. ઍનૉરેક્સિયા નર્વોસા : આ પ્રકારથી પીડાતા લોકોને મેદસ્વિતાનો એટલોબધો ભય હોય છે કે તેઓ ભૂખ લાગવા છતાં ખાતા નથી. પરિણામે તેમનું વજન દિવસે-દિવસે ઘટતું જ જાય છે. આવા લોકો વાસ્તવમાં સુકલકડી જેવા હોવા છતાં તેમને તો એમ જ લાગતું હોય છે કે તેઓ જાડા છે. પરિણામે તેમાંના કેટલાક હજી વધુ વજન ઘટાડવા જરૂર કરતાં વધુ કસરત કરતા, વારંવાર કાંટા પર પોતાનું વજન માપ્યા કરતા તથા બહુ જ ઓછી માત્રામાં અમુક ચોક્કસ જ ખોરાક ખાતા જોવા મળે છે. ઉંમર તથા શરીરની ઊંચાઈ પ્રમાણે જરૂરી વજનની આવશ્યકતા તથા વધુપડતા પાતળા હોવાના જોખમને તેઓ ક્યારેય સમજી શકતા નથી. આ વલણને પગલે તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકવા માંડે છે જેના પરિણામરૂપે તેમનાં હાંડકા પાતળાં થવા, વાળ અને નખ સૂકા અને બરછટ થઈ જવા, ત્વચા સુકાઈને પીળી પડી જવી અને આખા શરીર પર ઝીણા વાળ ઊગવા જેવાં લક્ષણો દેખાવા માંડે છે. એ સિવાય તેઓ કબજિયાત, લો બ્લડપ્રેશર અને વાંઝિયાપણું જેવી તકલીફોનો શિકાર પણ બનતા જાય છે એટલું જ નહીં, તેમના શરીરનું તાપમાન કાયમ નીચું રહેવાથી તેમને ખૂબ ઠંડી વાય છે, સતત થાક અને કંટાળો પણ આવ્યા કરે છે. ઍનૉરેક્સિક સ્ત્રીઓને મહિનાઓ સુધી માસિક આવતું નથી. અત્યંત ખરાબ પરિસ્થિતિમાં આ બીમારીની અસર મગજ સુધી પહોંચી શકે છે તો ક્યારેક મલ્ટિઑર્ગન ફેલ્યરને પગલે તેમનું મૃત્યુ પણ થઈ શકે છે.

બુલિમિયા નર્વોસા : આ બીમારીથી પીડાતા લોકો વજનની દૃષ્ટિએ કદાચ નૉર્મલ હશે, પરંતુ તેમને પણ ઓવરવેઇટ થવાનો ખૂબ ડર લાગતો હોય છે. એવામાં મનગમતો ખોરાક સામે આવી જાય તો તેઓ પોતાની સ્વાદેન્દ્રિય પર કાબૂ રાખી શકતા નથી અને જરૂર કરતાં વધારે ખાઈ લે છે. એક વાર સ્વાદેન્દ્રિય સંતોષાઈ જાય પછી ખાધેલા ખોરાકથી શરીરને બચાવવા તેઓ જબરદસ્તી ઊલટી કરીને કે પછી લૅક્સેટિવ અથવા ફૅટ બર્નર્સ લઈને કે પછી ઉપવાસ અથવા વધુપડતી કસરત કરીને એને યેન કેન પ્રકારેણ શરીરમાંથી બહાર ફેંકી દેવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારના વર્તન સાથે નામોશી અને શરમ જોડાયેલી હોવાથી આખી પ્રક્રિયા મોટે ભાગે ખાનગીમાં થતી હોય છે જેનું પ્રમાણ અઠવાડિયે બે-ચાર વખતથી માંડીને દિવસમાં અનેક વાર પણ હોઈ શકે છે. આ બીમારીનાં અન્ય લક્ષણોમાં ગળામાં બળતરા થવી, ગળું સૂજી જવું, ગળા તથા મોઢામાં આવેલી લાળ ગ્રંથીઓમાં સોજો, ઍસિડિટી, ડિહાઇડ્રેશન તથા વારંવાર પેટના ઍસિડ્સના સંપર્કમાં આવતાં દાંતનું ઍનેમલ ખરાબ થઈ દાંતમાં સડો થવો જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. એ સિવાય તેમના શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન પણ જળવાતું નથી જેને કારણે કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ તથા અન્ય મિનરલ્સનું પ્રમાણ ખૂબ વધી અથવા ઘટી જવાથી હાર્ટઅટૅકની સંભાવના રહે છે.

બિન્જ ઈટિંગ : આ બીમારીમાં વ્યક્તિ પોતાની ખાવા-પીવાની આદતો પર જરાય કાબૂ રાખી શકતી નથી. તેથી તેઓ અવારનવાર ઓવરવેઇટ થઈ જાય છે. અલબત્ત, બુલિમિયા નર્વોસાની જેમ આ રોગથી પીડાતા લોકો આ ખાધેલો ખોરાક બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કરતા નથી, જેને કારણે તેઓ મેદસ્વિતાનો ભોગ બની જાય છે. આગળ જતાં આ મેદસ્વિતા તેમને હૃદયરોગ તથા હાઈ બ્લડપ્રેશર સુધી લઈ જાય છે. આવી વ્યક્તિઓ પોતાની ખાવાપીવાની ખોટી આદતોથી સુપેરે પરિચિત હોવાથી એ માટે શરમ તથા તાણ પણ અનુભવે, પરંતુ એને સુધારી શકતા નથી. બલ્કે આ માનસિક તાણ જ તેમના માટે વારંવાર બિન્જ ઈટિંગ કરવાનું મુખ્ય કારણ બનતી જાય છે અને તેમની સમસ્યા દિવસે-દિવસે વકરતી જાય છે.

એક સાઇકોલૉજિકલ સમસ્યા

જાણીતા સાઇકોલૉજિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી આ ડિસઑર્ડરને માનસિક સમસ્યા સાથે સરખાવતા કહે છે, ‘પહેલાંની સરખામણીમાં ઈટિંગ ડિસઑર્ડરના કિસ્સાઓ હવે વધી ગયા છે એની પાછળ મૉડર્નાઇઝેશન તથા ગ્લૅમર વર્લ્ડના વધુપડતા પ્રભાવને પણ કારણભૂત ગણી શકાય. પહેલાં માત્ર હાઈ સોસાયટીની સ્ત્રીઓ જ પોતાના વજન પ્રત્યે વધુપડતી ચિંતિત હોય છે એવું માનવામાં આવતું હતું, પરંતુ હવે બધી જ સ્ત્રીઓ કૅટરિના કૈફ અને કરીના કપૂરના ફિગરથી પ્રભાવિત થતી હોવાથી મધ્યમ વર્ગની સ્ત્રીઓમાં પણ તેમના જેવા દેખાવાની મનશા પ્રબળ થઈ ગઈ છે. આ મનશા તેમને ક્યારેક ઈટિંગ ડિસઑર્ડર્સ સુધી લઈ જવામાં જવાબદાર બનતી હોય છે. તો બીજી બાજુ પુરુષો અને બાળકોમાં આ બીમારી પાછળ સામાન્ય રીતે કામનું અથવા અભ્યાસ અને પરીક્ષાનું ટેન્શન જવાબદાર હોય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પરંતુ મારી જાણમાં કેટલાક એવા પણ કિસ્સા છે જેમાં શારીરિક શોષણનું શિકાર બાળક જાણી જોઈને વધુ ખાવા માંડે છે જેથી તેની સુંદરતા નષ્ટ થઈ જાય અને તે જાડું થઈ જાય તો લોકો તેની તરફ આકર્ષાય નહીં.’

ઇલાજ શું?

ડૉ. હરીશ શેટ્ટીએ જણાવ્યું તેમ ઈટિંગ ડિસઑર્ડર્સ એ શરીર કરતાં મનની બીમારી વધુ છે. તેથી આવા દરદીઓની સારવાર કરતી વખતે ડૉક્ટરો સૌથી પહેલાં તેઓ આવું શા માટે કરે છે એ જાણવાનો પ્રયત્ન કરે છે. એ માટે તેમનું સાઇકોલૉજિકલ કાઉન્સેલિંગ અત્યંત આવશ્યક બની જાય છે. ત્યાર બાદ જરૂરી કિસ્સાઓમાં દવાઓ આપવામાં આવે છે. કુપોષણ તથા બહુ જ ઓછું વજન ધરાવતા દરદીઓને હૉસ્પિટલમાં દાખલ પણ કરવા પડી શકે છે.

દરદીના ડાયટમાં કેવી રીતે ફેરફાર કરાય છે એ વિશે જણાવતાં જાણીતા ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘સાઇકોલૉજિકલ કાઉન્સેલિંગ બાદ અમે ધીરે-ધીરે તેમનાં વર્તન અને લાઇફસ્ટાઇલમાં મૉડિફિકેશન્સ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. યોગ્ય આહારનું મહત્વ સમજાવી તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં યોગ્ય ડાયટ-ચાર્ટ અને એક્સરસાઇઝ રેજિમ તૈયાર કરી આપીએ છીએ. અલબત્ત, આ આખી પ્રક્રિયા લાંબી હોવાથી યોગ્ય પરિણામ સુધી પહોંચવામાં મહિનાઓ નીકળી જાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2012 06:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK