પિયરે શીખેલું શાક સાસરામાં બનાવતાં થયો હતો ગોટાળો (મારા કિચનના પ્રયોગો)

Published: 29th November, 2012 06:22 IST

બોરીવલીમાં રહેતાં શોભના સંઘવીએ ત્યાર બાદ પોતાની મમ્મીને ફોન કરીને એ શાકને સુધારવાની ટિપ્સ માગેલી(મારા કિચનના પ્રયોગો - અર્પણા ચોટલિયા)


મૂળ મહુવાનાં કપોળ જ્ઞાતિનાં શોભના સંઘવીને રસોઈનો ખૂબ શોખ છે. તેમને નવું-નવું બનાવવાનો શોખ તો છે, પરંતુ અખતરા કરવાથી બને ત્યાં સુધી દૂર રહે છે, કારણ કે તેમને રસોઈમાં બગાડ થાય એ પસંદ નથી. શોભનાબહેન હવે વહુના આવી ગયા બાદ રસોઈ તો રેગ્યુલર નથી કરતાં, પરંતુ દર રવિવારે રસોડું પોતાના હાથમાં લઈ જ લે છે. જાણીએ રસોડામાં તેમણે કેવો ગોટાળો કર્યો હતો.

નકામી ચીજનું શાક

હું નાની હતી અને ઘરે હું અને મારી મમ્મી બન્ને હતાં. ઘરમાં કોઈ શાક નહોતું એટલે મમ્મીએ કેળાની છાલ કાઢી એનું શાક બનાવ્યું. એ શાક મને ખરેખર ખૂબ ભાવ્યું અને ત્યાર બાદ મને પણ મમ્મીએ એ શાકની રીત શીખવી દીધી. ત્યાર બાદ હું સાસરે ગઈ ત્યારે રસોડાની જવાબદારી મારા પર આવી. એક વાર ચોમાસામાં ઘરે કોઈ જ શાક નહોતું ત્યારે મેં વિચાર્યું કે ચાલ હું પણ મમ્મીએ શીખવેલું કેળાની છાલનું શાક બનાવી નાખું. મેં ઘરમાં જોયું તો કેળાં હતાં. એની છાલ કાઢી એનું શાક બનાવ્યું. એ શાકમાં ચણાનો લોટ ઉમેરવાનો હતો. મેં મને આવડતી રીતે જ કર્યું, પણ શાક ખૂબ જ ઢીલું થઈ ગયું. કદાચ લોટમાં દહીં વધારે થઈ ગયું હતું અને એને લીધે એ શાક જેવું મેં મમ્મી પાસે શીખેલું એવું નહોતું લાગતું. સાસરે હતી એટલે કોને પૂછું એની પણ અસમંજસ હતી. ત્યાર બાદ તરત મારી મમ્મીને જ ફોન લગાવ્યો અને પૂછ્યું કે આવી ગરબડ થઈ છે તો હવે શું કરું? મમ્મીએ મને ફોન પર મારા ગોટાળાને સુધારવાનું સૉલ્યુશન આપ્યું અને એ રીતે કરતાં શાક ખૂબ સારું બની ગયું. એ શાક જ્યારે પીરસ્યું ત્યારે બધાને ખૂબ ભાવ્યું. સાસુ સહિત બધાએ વખાણ પણ કર્યાં કે કેળાની છાલ જેવી આવી ફેંકી દેવાની ચીજમાંથી શાક બનાવ્યું એ ખરેખર સારી વાત કહેવાય. ત્યાર બાદ આજ સુધી એ શાક મારા ઘરમાં બધાને જ ભાવે છે.

સિમ્પલ રસોઈ

અમારા ઘરમાં વધુપડતી તીખી ચીજો કોઈ ખાતું નથી એટલે દાળ-શાક થોડાં મીઠાશવાળાં બને. આ સિવાય હું જે બનાવું એ આપણું પરંપરાગત જ હોય. વધુપડતી ફેન્સી આઇટમો બનાવવાનો મને શોખ નથી, પરંતુ ઢોંસા, ઉત્તપા અને ઈડલી વગેરે બનાવું. ચાઇનીસ હું નથી બનાવતી. આ સિવાય મારા હાથનો દૂધપાક પણ ઘરમાં બધાને ભાવે છે. હું દૂધપાકમાં થોડો ઘઉંનો લોટ ઉમેરું છું, જેને લીધે એનો રંગ થોડો બદામી થઈ જાય છે. ફક્ત એક જ ચમચી ઘઉંનો લોટ ઉમેરવાથી દૂધપાક ઘાટ્ટો પણ થઈ જાય છે અને રંગ પણ સારો લાગે છે. આ દૂધપાક ઘરમાં બધાને ભાવે એટલે અવારનવાર બનાવાય.

અખતરા નહીં

મને ટીવીમાં જોઈને અવનવું બનાવવાનું મન થાય, પરંતુ જેમાં રિસ્ક ઓછું હોય એવી ચીજો જ હું બનાવું. અખતરો કરવા જતાં જો આઇટમ બગડે તો ચીજોનો બગાડ થાય, જે મને પસંદ નથી. એટલે હું એવી જ ચીજો બનાવું જેમાં મને કૉન્ફિડન્સ લાગે. રસોઈને લગતા શો હું રેગ્યુલર જોઉં છું, પરંતુ કેળાની છાલના શાકની જેમ બીજી નકામી આઇટમો હોય એમાંથી બેસ્ટ બનાવવું મને ગમે છે.

બિનધાસ્ત ખાઓ

હું સૂપ કે સૅલડ કરતાં આપણી રેગ્યુલર ચીજો જ પ્રમાણમાં ખાવી એવો આગ્રહ રાખું છું. શિયાળામાં હવે ઘરે અડદિયા પાક તેમ જ ઓળો, રોટલા વગેરે બનાવીશ. મારા હિસાબે કોઈ વાતની ચિંતા કર્યા વગર બિનધાસ્ત ખાવામાં આવે તો તબિયત સારી જ રહેશે.

- તસવીર : ઓમકાર ગાવકર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK