Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારા બાળકનો ખાવા પર જરાય કાબૂ નથી? તો મમ્મીઓ ચેતો

તમારા બાળકનો ખાવા પર જરાય કાબૂ નથી? તો મમ્મીઓ ચેતો

29 August, 2012 07:13 AM IST |

તમારા બાળકનો ખાવા પર જરાય કાબૂ નથી? તો મમ્મીઓ ચેતો

તમારા બાળકનો ખાવા પર જરાય કાબૂ નથી? તો મમ્મીઓ ચેતો


playing-and-cryingપલ્લવી આચાર્ય

એક પીડિયાટ્રિક જર્નલમાં પબ્લિશ થયેલા રર્પિોટનું કહેવું છે કે તમારાં બાળકોને મેદસ્વી થતાં રોકવા માટે તેમને બચપણથી જ ડિસિપ્લિન ફૉલો કરવાનું શીખવો, સેલ્ફ-કન્ટ્રોલ  શીખવો. આ બધું આગળ જતાં તેની સફળતા માટે મહત્વનું પુરવાર થઈ શકે છે એ તો ખરું જ, પણ સાથે મોટાં થઇને તેને મેદસ્વી બનતાં પણ અટકાવે છે.



પાયાની આદત


સેલ્ફ-કન્ટ્રોલ એટલે સ્વનિયમન, સ્વયં શિસ્ત. દરેક બાબતમાં યોગ્ય નિયમો, મર્યાદાઓ, નિયમબદ્ધ રીતભાત, શિસ્તપૂર્વકનું વર્તન કરવું એ છે સેલ્ફ-કન્ટ્રોલ. એના પાઠ બાળકને બચપણથીજ શીખવવાં જોઈએ. જીવનમાં સફળતા મેળવવા માટે આ સૌથી મહત્વની સ્કિલ છે. જો બાળક બચપણથી સેલ્ફ-કન્ટ્રોલ કરતાં શીખ્યું હશે તો આગળ જતાં યોગ્ય નિર્ણયો લઈ શકશે, સ્ટ્રેસફુલ સિચુએશનમાં પૉઝિટિવલી બિહેવ કરશે. ખાવા-પીવાની બાબતે પણ સેલ્ફ-કન્ટ્રોલ ખૂબ જરૂરી છે.

ના પાડતાં શીખો


આજના સમયમાં લગભગ દરેક પરિવારમાં તથા ગુજરાતી પરિવારોમાં ખાસ બાળકોને અતિશય લાડ લડાવવાનું ચલણ છે. બાળક જે માગે એ હાજર કરી આપવામાં આવે છે. ખાવા-પીવાની વાતમાં પણ તેને જે ભાવે એ ખાવા માટે આપવામાં આવે છે એની વાત કરતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આજકાલ મા-બાપ કોઈ વાતે બાળકને ના પાડતાં શીખ્યાં જ નથી. તે જેમ કહે એમ કરે છે, જે માગે એ ખાવા આપે છે, જેટલું ખાવું હોય એટલું ખાવા દે છે, જમીને ઊઠuુ હોય તો પણ તેને આઇસક્રીમ કે ચૉકલેટ ખાવી હોય તો ખાવા દે. ક્યાંય કશો કન્ટ્રોલ જ નહીં ત્યાં સેલ્ફ-કન્ટ્રોલ તો દૂર જ રહે છે. છોકરાં મોટાં થતાં જાડાંપાડાં થાય તો એમાં વાંક તેના પેરન્ટ્સનો વધુ છે, કારણ કે તેઓ ક્યાંય ના પાડતા જ નથી. બાળકોને સેલ્ફ-કન્ટ્રોલ શીખવતા પહેલાં પેરન્ટ્સે બાળકોની માગણી સામે ઝૂકી જવાને બદલે ના પાડતાં શીખવું જોઈએ તો આગળ જતાં બાળક પણ ડિસિપ્લિન શીખશે.’

શું શીખવશો?

પોતાને જોઈતી ચીજ બાળક રડીને, જીદ કરીને લે છે એટલું જ નહીં, એક વાર એ રીતે તેને એ ચીજ મળી જાય પછી તો આ રીતે મેળવવાની ટેવ પડી જાય છે. આ સિલસિલો ચાલતો રહે છે.

જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘મા-બાપે બાળકને એ ચીજ શીખવવી જોઈએ કે જીવનમાં તમે પૂરી કરવા ધારો એ દરેક ઇચ્છા, જરૂરિયાતો પૂરી નથી કરી શકાતી. તમે ધારો એ ન થાય ત્યારે પણ એ પરિસ્થિતિને પહોંચી વળી એની સાથે જીવતાં શીખવવું જોઈએ, જે આજકાલ નથી થઈ રહ્યું. ઘણી વાર મા-બાપ જ નથી જાણતાં કે આવી સ્થિતિનો સામનો કેવી રીતે કરવો. બાળક રડવા ચડે એટલે મમ્મી તેને ચૉકલેટ આપે, બિસ્કિટ આપે અથવા કાંઈ પણ ખાવા આપીને ચૂપ કરે છે. આજના સમયમાં મા-બાપે પણ જીવનના અનેક ઝંઝાવાતો અને તકલીફભરી પરિસ્થિતીઓમાં કેવી રીતે જીવવું એ શીખવવાની જરૂર છે.’

ઓબેસિટી

આજના સમયમાં ૭૫ ટકા મેદસ્વીઓમા મેદસ્વિતા બચપણથી જ આવી ગઈ હોય છે. એને લઈને ડાયાબિટીઝ, બ્લડપ્રેશર સહિતના અનેક રોગોના ચાન્સ વધી જાય છે એવું ડૉ. પંકજ પારેખનું કહેવું છે. બાળકને જે ભાવે એ ખાવા આપવાની લાયમાં તેમનું જન્ક ફૂડનું ઇન્ટેક વધી જાય છે, કસમયનું ભોજન તથા વધુપડતું ભોજનનું થઈ જાય છે.

ખાવા-પીવાની બાબતમાં પણ બાળકોની આદતોને ખરાબ કરી મૂકવામાં માતા-પિતાનો રોલ બહુ મોટો છે. આ કારણે જ તેમનામાં મેદસ્વિતા વધી જાય છે.

સેલ્ફ-કન્ટ્રોલ ક્યાં નથી?

ખાવા-પીવાની બાબતમાં બાળકોમાં સેલ્ફ-કન્ટ્રોલ ન હોવામાં તથા તેમની ઓબેસિટીમાં વાંક મા-બાપનો જ છે એની વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘છોકરું છે... તેને જે ભાવે એ ખાવા દો... ખાવામાં છોકરાને ના કેવી રીતે પાડી શકાય? જો મમ્મી ના પાડે તો તેની દાદી મહેણું મારે કે છોકરાને ખાવા પણ નથી દેતી. પેરન્ટ્સનો આ ઍટિટ્યુડ ઉપરાંત ત્રણ બાબતો બાળકોને સેલ્ફ-કન્ટ્રોલથી દૂર રાખે છે. એક, ભાવતી વસ્તુ બાળકને વધુમાત્રામાં ખાવા દેવી. બીજું, બાળક જન્ક ફૂડ ખાય એ પેરન્ટ્સને ગમતું નથી, છતાં તે ખાવાની જીદ કરે છે એટલે ખાવા દેવું. ત્રીજું, બાળકને ટીવી સામે બેસીને ખાવા દેવું. જમીને તરત બાળક ટીવી સામે બેસી જાય છે એથી શરીરનું હલનચલન અટકી જવાથી પાચન ધીમું પડે છે.’

સેલ્ફ-કન્ટ્રોલ માટે શું કરશો?

સૌથી પહેલાં જમવાનો સમય નિશ્ચિત રાખો.

નાશ્તા અને ભોજનમાં શું ખવાય અને શું નહીં એની એને પૂરતી સમજણ આપો. જેમ કે જમતી વખતે બિસ્કીટ કે ચિપ્સ ન ખવાય.

ભલે ગમે એટલી ભાવતી વસ્તુ હોય, પણ સપ્રમાણ ખાતાં શીખવો. આ ડિસિપ્લિન પેરન્ટ્સે પહેલાં પાળવી પડશે. ભલે ગમે એટલું ભાવતું હોય, જમી લીધા પછી ખાવાની ના પાડતાં શીખવો.

સંપૂર્ણ અને સપ્રમાણ ભોજન લેવાની આદત પાડો. ઘરમાં જે બને છે એ ખાવાની ટેવ પાડો. ન ભાવતું ખાવાનું હોય તો જન્ક ફૂડ લાવી દેવાને બદલે કે મૅગી બનાવીને આપવાને બદલે જે બન્યું છે એ જ ખાવાની આદત પાડો.

બાળક રડે કે ભલે ગમેએટલાં ત્રાગાં કરે તેણે જે ખાવું જોઈએ એ જ આપો, નહીં કે તેને જે ભાવે છે પણ અનહેલ્ધી છે. એક વાર તેનાં આ ત્રાગાંને વશ નહીં થાઓ તો બીજી વાર આપમેળે તે લાઇન પર આવી જશે. જો તેને ગાંઠશો તો ત્રાગાં દર વખતે ચાલુ રહેશે.

આ બધી ચીજો બાળકને વઢીને કહેશો તો તે બમણા જોરથી તમારી વાતને નકારશે એથી વઢવાને બદલે શાંતિથી, સમજાવટથી કામ લો.

આ બધી આદતો બાળક સાત-આઠ મહિનાનું હોય ત્યારથી પાડો. ત્રણ-ચાર વર્ષના બાળકને આવું સમજાવવા જશો તો એ નહીં માને. પણ બાળક એક વર્ષનું થાય એ પહેલાથી જ એની સિસ્ટમમાં આ બધુ ગોઠવતા જશો તો વધુ સરળતાથી તે તમારી વાત માનશે.

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 07:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK