માર્કેટિંગનું કામ છે, પણ મોંમાંથી વાસની તકલીફથી શરમાવું પડે છે

Published: 4th October, 2011 18:51 IST

લાંબા સમય સુધી ખાધું ન હોય ત્યારે પણ મોંમાંથી વાસ આવે છે. એનાથી બચવા માટે પેપરમિન્ટ ચગળું છું. જોકે જેવી પેપરમિન્ટ ખલાસ થાય એટલે ફરી વાસ આવવા લાગે છે. પ્રોફેશનલ જગ્યાઓએ જવાનું હોય ત્યારે બહુ ખરાબ લાગે છે.

- ડૉ. રવિ કોઠારી - બી.એ.એમ.એસ., એમ.ડી., બી.આર.સી.પી. (યુકે)

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષ છે. માર્કેટિંગનું કામ છે એટલે ખૂબ ફરવાનું થાય છે. બહારનું ખાવાનું નથી રાખતો, પરંતુ જ્યાં જઈએ ત્યાં કટિંગ ચા તો પીવી જ પડે. દિવસમાં સાત-આઠ કપ ચા થઈ જાય છે. બીજું કોઈ પાન, સિગારેટ, તમાકુ કે દારૂનું વ્યસન નથી. મારો સવારે અને રાત્રે જમવાનો સમય અનિયમિત છે. લાંબા સમય સુધી ખાધું ન હોય ત્યારે પણ મોંમાંથી વાસ આવે છે. એનાથી બચવા માટે પેપરમિન્ટ ચગળું છું. જોકે જેવી પેપરમિન્ટ ખલાસ થાય એટલે ફરી વાસ આવવા લાગે છે. પ્રોફેશનલ જગ્યાઓએ જવાનું હોય ત્યારે બહુ ખરાબ લાગે છે.

જવાબ : મોઢામાંથી આવતી વાસ આવવાનું મુખ્ય કારણ છે તમારી રોજની સાત-આઠ કપ ચા પીવાની આદત. વળી એ પછીયે તમે આખો દિવસ પેપરમિન્ટ મોંમાં રાખો છો એને કારણે દાંતમાં સતત શુગરવાળી ચીજ રહે છે ને એને કારણે બૅક્ટેરિયાને ફૂલવાફાલવા માટે મોકળું મેદાન મળે છે.

સૌથી પહેલાં તો પેપરમિન્ટ ચગળવાનું સદંતર બંધ કરો. જરૂર લાગે તો શુગર-ફ્રી ચ્યુઇંગ ગમ રાખી શકો. હંમેશાં ચા પીધા પછી ચોખ્ખા પાણીથી કોગળા કરો. જમ્યા પછી કે કંઈ પણ ખાધા બાદ પાણીથી કોગળા કરવા જરૂરી છે.

દાંતમાં સડો કે પેઢામાં અવાળું ફૂલ્યું નથીને એ માટેનું ચેક-અપ એક વાર કરાવી લો. જો એમાં કોઈ તકલીફ ન હોય તો નબળી પાચનશક્તિને કારણે પણ વાસ આવી શકે છે. પાચનક્રિયા સુધારવા માટે ખોરાકમાં ત્રિકટુ ભભરાવીને જ ખાવું. ત્રિકટુ એટલે સૂંઠ, કાળાં મરી, લીંડીપીપર... આ ત્રણેયનું સમભાગે બનાવેલું ચૂર્ણ. મોંમાંથી આવતી વાસ માટે રોજ સવાર-સાંજ બે વખત દાતણ કરવું.

ભોજન તેમ જ ચા-નાસ્તા પછી મીઠાવાળા ગરમ પાણીથી કોગળા કરવા. દિવસમાં પાંચથી છ વખત તુલસીનાં ચાર-પાંચ ફ્રેશ પાન ધોઈને ચાવવાં. રસ ગળામાં ઉતારી જવો અને એના પર થોડોક સમય સુધી પાણી ન પીવું. આટલું કરવાથી મોંની દુર્ગંધ એક અઠવાડિયામાં જ નાશ પામશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK