હારકર જીતને વાલે કો બાઝીગર કહતે હૈં

Published: 30th September, 2011 17:06 IST

માણસને હારતાં આવડે પછી જીત તેને હાથવગી જ હોય છે. બીજાને જિતાડવામાં જે આનંદ મળે છે એ પોતાને મળેલા વિજયમાં મળવો મુશ્કેલ છે. લાઇફમાં હારવાનું સદ્ભાગ્ય જેને નથી મળતું એવા લોકોએ આખરે જીતનો જયજયકાર કરીને ચલાવી લેવું પડતું હોય છે. હાર અને જીત માત્ર યુદ્ધમાં કે રમતગમતમાં જ હોય એવું થોડું છે?

 

ફ્રાઇડે-ફલક

ઝરણું હારે છે ત્યારે નદીત્વ પામે છે અને નદી હારે છે ત્યારે સાગરત્વ પ્રાપ્ત થાય છે. જીત હંમેશાં કરજદાર બનાવે છે. કોઈ એક વ્યક્તિની જીતમાં અનેક લોકોનો સહયોગ મળેલો હોય છે. કવિ કહે છે કે

‘દરિયો ભલેને માને કે પાણી અપાર છે,

એને ખબર નથી કે નદીનું ઉધાર છે!’

દરિયો ભલે જીત્યો હોય, પરંતુ એ તો

ઝરણાં-નદીઓ વગેરેનો ઋણી હોય છે.

જમીન પર પડેલો એક રજકણ હારે છે ત્યારે પવનની પાંખે ઊડીને ગગનવિહાર કરવાનું સદ્ભાગ્ય પામે છે.

કોઈ માણસ ક્યારેક દિલ હારી બેસે છે ત્યારે ધરતી પર જ જન્નતની સાહ્યબી મળી જાય છે.

‘યે લો મૈં હારી પિયા, હુઈ તેરી જીત રે,

કાહે કા ઝઘડા બાલમ, નઈ નઈ પ્રીત રે...’

બીજાને જિતાડવામાં જે આનંદ મળે છે એ પોતાની જીતમાં કદી નથી મળતો. પોતાની જીત પછી તો ક્યારેક અહંકાર જાગે છે કે હું સૌથી શ્રેષ્ઠ, હું સૌથી તાકતવર, હું સર્વાધિક સત્તાધીશ! પરાજય નમ્રતા પ્રગટાવે છે. તુલસીદાસજી ‘પાપ મૂલ અભિમાન’ કહે છે. એવી જીત શા કામની જેનું પરિણામ પાપનું મૂળ બનાવનારું હોય? એના કરતાં તો હાર જ ભલી!

પ્રયોગ કરવો હોય તો કરી જોજો. જ્યારે કોઈની સાથે વિવાદ પેદા થાય કે સંઘર્ષની કોઈ ક્ષણ આવે ત્યારે સમજણપૂર્વક હાર સ્વીકારી લેજો. વિવાદનાં વાદળ હટી જશે, સંઘર્ષના સંતાપ ટળી જશે અને જરૂર પ્રસન્નતા પ્રસરી જશે. સગી આંખે જોયેલા એક રળિયામણા પરાજયનું દૃશ્ય તમારી સાથે વહેંચવું છે.

એક યુવક અને એક યુવતીની તાજી-તાજી સગાઈ થઈ હતી. બન્ને જણ જૉબ કરતાં હતાં એટલે દરરોજ તો મળવાનું શક્ય નહોતું, પરંતુ શનિ-રવિ તો એ બન્ને સાથે જ હોય. પરંતુ એમાં પ્રૉબ્લેમ એટલો હતો કે યુવતી સમયની બાબતે એકદમ ચુસ્ત હતી. નક્કી કરેલા સમય કરતાં પાંચ મિનિટ વહેલી પહોંચી જાય, પણ કદી એક મિનિટ માટેય મોડી ન પડે. અને પેલો યુવક લેથાર્જિક તો નહીં, પણ સમયના આયોજનમાં બહુ ચુસ્ત નહીં. અવારનવાર તે મોડો આવે. યુવતીએ તેને વારંવાર ટકોર કરી કે તું મને જે સમયે બોલાવે એ સમયે તું ચોક્કસ પહોંચી જા, મને એકલીને આમ તારી રાહ જોતી ઊભેલી જોઈને લોકો મારા વિશે ગેરસમજ કરે છે. યુવક આખી વાત સમજી ગયો. તેણે પેલી યુવતીને પ્રૉમિસ કર્યું કે હવેથી હું લેટ નહીં આવું, ઓકે?

ઉપર જે વર્ણન કર્યું છે એ મેં મારી કલ્પનાથી કર્યું છે, કારણ કે મેં જે ઘટના જોઈ હતી એ તો આટલી જ હતી :

યુવતી બસસ્ટૅન્ડ પર બેઠી છે. એક બસ આવે છે. એ બસમાંથી એક યુવક ઊતરે છે. તે ગભરાતો-ગભરાતો યુવતી પાસે ધીમે પગલે જાય છે. મને એમ થયું કે આ ભાઈ પ્રપોઝ કરવા જઈ રહ્યા હશે અને ક્યાંક મેથીપાક ખાવાનો વારો તો નહીં આવેને એમ સમજીને ડરી રહ્યા છે. બસ ચાલી ગઈ. યુવતીએ યુવક સામે સહેજ રોષભરી નજરે જોયું. યુવકે પોતાના જ ગાલ પર પોતે જ હળવેથી તમાચો મારતાં કહ્યું, ‘સૉરી કહેવાનો પણ મને અધિકાર નથી. આપણી સગાઈને છ મહિના થયા. તેં એ દરમ્યાન મને કેટલી બધી વખત લેટ આવવા બદલ માફ પણ કર્યો અને દર વખતે હું તને સમયસર આવવા પ્રૉમિસ પણ કરતો જ રહ્યો. હવે હું માફીને લાયક નથી, સજાને લાયક છું. મેં મારી જાતે મારા ગાલે થપ્પડ મારી છે. તું પણ મને બે-પાંચ થપ્પડ જાહેરમાં જ લગાવી દે. તારો ગુસ્સો વાજબી છે. મારો ગુનો મને કબૂલ છે...’

પેલી યુવતી ઊભી થઈ. યુવકની પાસે પહોંચી. મને હતું કે હમણાં યુવકના ગાલ પર સટાસટ...ની સરગમ ગુંજી ઊઠશે, પરંતુ વિસ્મય થયું. એ યુવતી યુવકની પાસે પહોંચીને તેને ભેટી પડી અને ખૂબ હળવા અવાજે બોલી, ‘ઇટ્સ ઓકે.’

પછી સહેજ હળવાશથી ઉમેર્યું, ‘તારા માટે સમયસર આવવું મુશ્કેલ છે. હવેથી હું પણ તેં આપેલા સમય કરતાં થોડી મોડી આવીશ. હું જેવી રીતે તારી રાહ જોતી હતી એમ તું પણ મારી રાહ જોઈશને?’

‘યસ, ડાર્લિંગ...!’ યુવક બોલ્યો. બન્ને પરસ્પરનો હાથ પકડીને ચાલી નીકળ્યાં. હારતાં આવડે તો જીત ક્યાં દૂર છે? જીતવાની જીદમાં જ મોટે ભાગે તો માણસ દુ:ખી થતો હોય છે.

મડદું તરે એ એની જીત નથી

જેને હારતાં નહીં આવડતું હોય તેને જીતતાંય નહીં જ આવડતું હોય. હાર્યા પછી જેને નાનમની અનુભૂતિ નહીં થતી હોય તેને જીત્યા પછી ઘમંડ પણ નહીં જ થતો હોય. કેટલાક માણસો જડ અને બેશરમ હોય છે. એવા લોકો પોતાની અણઘડતા, લુચ્ચાઈ અને ધોખેબાજીને લીધે વારંવાર હારતા હોય છે. એવા લોકો નમ્ર નથી હોતા, નફ્ફટ હોય છે. તમે ગમે તેટલું કહો, પણ તે સુધરે જ નહીં. તે સૉરી કહે તોય એમાંથી દુર્ગંધ આવતી હોય. એવા માણસો જીવનમાં કદી હારતાંય નથી અને જીતતાંય નથી. કહો કે એ લોકો જીવન જ જીવતા નથી હોતા. માત્ર ઢસરડા કર્યે જાય છે. તેમની લાઇફમાં ન કોઈ મકસદ છે, ન કોઈ મંજિલ. બસ, જીવ્યે જાય છે. તેને વળી હારવાનું શું અને જીતવાનું શું? દરિયામાં કોઈની લાશ તરતી હોય તો એમાં એની જીત થોડી હોય છે? લાઇફમાં ઘણાં મડદાંને તરતાં જોયા પછી એમ લાગે કે આના કરતાં તો ડૂબવું ભલું! ખોટી રીતે જીતવા કરતાં સાચી રીતે હારવું ગૌરવપ્રદ ગણાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK